સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અનેક જીવોના મોક્ષાર્થે, અનેક ચૈતન્યની શુદ્ધિ ને વૃદ્ધિ માટે તથા પૂર્વના અવતારો અને તેમના ભક્તોને પોતાની સર્વોપરી ઉપાસના સમજાવી, સર્વોપરી એવા પોતાના અક્ષરધામમાં લઈ જવા, પોતાના ભક્તોના મનોરથ પૂર્ણ કરવા, અક્ષરધામથી પોતાના અનંત મુક્તોને સાથે લઈ, નરનાટક ધારણ કરી, જ્ઞાની-અજ્ઞાની સર્વેને આ ભૂમંડળ મધ્યે દેખાયા.
મહાપ્રભુનો પ્રગટ થવાનો મુખ્ય હેતુ, જીવોને સર્વોપરી ઉપાસના સમજાવવાનો હતો. પરંતુ જીવ બિચારા નવા આદરવાળા તેથી તે સરળતાથી સમજી શકતા નહીં. તેથી શ્રીહરિએ ફક્ત ૪૯ વર્ષ, ૨ માસ અને ૧ દિવસ રહી પોતાની મનુષ્યલીલા સંકેલી લેવાનું વિચાર્યું. અને પોતાની સમગ્ર જવાબદારી સમર્થ સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીને સોંપી અને કહ્યું, “હે ગોપાળાનંદ સ્વામી ! આજથી તમો અમારે ઠેકાણે છો. જેમ અમારાં દર્શન-સ્પર્શ-સમાગમે કે વાયુસ્પર્શે અનંત જીવોનાં કલ્યાણ થાય છે; તેમ તમારા સંબંધે પણ થશે. વળી હે સ્વામી, આપ બંને આચાર્યોના તથા સમગ્ર સત્સંગના પણ મોવડી છો; તેથી સર્વેને નિયમમાં વર્તાવવા પણ આપ સમર્થ છો. માટે આપ સર્વેને સર્વોપરી ઉપાસના સમજાવી, અમારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન આપી સુખિયા કરજો.
સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીશ્રીએ શ્રીજીની આજ્ઞાનુસાર, દેહ પર્યંત સૌને સર્વોપરી ઉપાસના સમજાવી નિયમ-ધર્મમાં વર્તાવ્યા. જ્યારે તેમણે પણ આ લોકમાંથી અંતર્ધાન થવાનો સંકલ્પ કર્યો ત્યારે જેમ શ્રીજીમહારાજે પોતાને સમગ્ર સંપ્રદાયની જવાબદારી સોંપી હતી; તેમ સદ્. ગોપાળાનંદ સ્વામીએ પણ સંપ્રદાયની સમગ્ર જવાબદારી પોતાના ઇષ્ટ શિષ્ય સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીને સોંપી. પછી પોતાની પાસે બોલાવ્યા ને કહ્યું, “હે નિર્ગુણદાસજી ! શ્રીજીમહારાજ આ લોકમાંથી જ્યારે અંતર્ધાન થયા ત્યારે અમને કહ્યું હતું કે આજથી તમો અમારી જગ્યાએ છો. અને જેમ અમારાં દર્શને-સંબંધે જીવોના કલ્યાણ થાય છે; તેમ તમારા સંબંધે પણ થાય છે. હે નિર્ગુણદાસજી ! આજથી અમો પણ તમને આ સત્સંગની જવાબદારી સોંપીએ છીએ. તમે આજથી અમારા ઠેકાણે છો.”
આમ, સદ્. ગોપાળબાપાની આજ્ઞા તથા આશીર્વાદ પામીને, સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીના સંબંધમાં આવવાથી અનંત વિષયી, પામર, મુમુક્ષુ અને મુક્તજીવોના પણ આત્યંતિક કલ્યાણ થયાં તેમજ અનેક જીવો મૂર્તિના સુખે સુખિયા થયા.