સદ્. નિર્ગુણદાસજી સ્વામીના ઇષ્ટ શિષ્ય સદ્. શ્રી ઈશ્વરચરણદાસજી જાણી ગયા હતા કે પોતાના ગુરુ અને બાપાશ્રીનો સંકેત એક જ છે. કેમ કે, સત્તાવીસ દિવસની બાપાશ્રી અને સ્વામીશ્રીને મહારાજ સાથે ચોવટ ચાલી ને છેલ્લે શ્રીજીમહારાજે બાપાશ્રીને ‘સર્વોપરી ઉપાસના અને મૂર્તિમાં રસબસ રાખવાની અનાદિમુક્તની સ્થિતિના પ્રવર્તન માટે તમારે રહેવું ને નિર્ગુણદાસજીને ધામમાં લઈ જઈશું’ તેમ કહ્યું હતું. તે વાત સદ્. ઈશ્વરચરણદાસજી સ્વામી જાણતા હતા તેથી બાપાશ્રીનો ખૂબ મહિમા સમજતા.
વળી એક દિવસ સદ્. નિર્ગુણદાસજી સ્વામીશ્રીએ જીવનપ્રાણ બાપાશ્રી પાસે પોતાના શિષ્ય સદ્. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીને બોલાવ્યા ને તેમનો હાથ બાપાશ્રીના હાથમાં આપીને કહ્યું કે, “બાપા, આજથી આપને આ સંત સોંપ્યા, આજથી તે આપના છે.”
પછી બાપાશ્રીએ સ્વામીશ્રી ઈશ્વરચરણદાસજીના માથે હાથ મૂકીને અતિ પ્રસન્નતા જણાવીને કહ્યું કે, “સ્વામી ! આ તો અમારા જ છે. તે તો ગુરુ ગોપાળાનંદ સ્વામીશ્રી જેવા સમર્થ છે. માટે નચિંત રહો.”
પછી સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રીએ સૌના સાંભળતાં કહ્યું કે, “આ ઈશ્વરચરણદાસજી સ્વામી આજથી અમારા સ્થાને છે. આપણા ગુરુ ગોપાળાનંદ સ્વામીએ કારણ સત્સંગની સોંપણી અમને કરી હતી; તે કારણ સત્સંગની સોંપણી આજે અમે આ સ્વામીને કરીએ છીએ. અને એમના દ્વારા સત્સંગનું સર્વે કાર્ય શ્રીજીમહારાજ કરશે... માટે આજથી સર્વે સંતો-ભક્તો એમની આજ્ઞામાં રહેજો. આ સ્વામી શ્રીજીમહારાજની ઇચ્છાથી દર્શન આપે છે તેમ બાપાશ્રી કહે છે માટે તેમનાં વચન સહુ સત્ય માનજો. અને તેમને ખૂબ ખૂબ રાજી કરજો.” પછી ઈશ્વરચરણદાસજી સ્વામીને કહ્યું કે, “તમે સદાય આ બાપાશ્રીની રુચિમાં રહેજો. અને તેમની આજ્ઞા મુજબ સત્સંગને સાચવજો. અને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના ને મહિમા બાપાશ્રી જેમ કહે તેમ સૌને સમજાવજો.”