નદીનું સૌભાગ્ય

સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રી સંવત ૧૯૪૮ આસો સુદ ૧ ને રોજ રાત્રે અંતર્ધાન થયા બાદ, પદ્માસન વળાવી માથે પાઘ ધારણ કરાવી, સુંદર શોભાયમાન પાલખી પધરાવી, વાજતે ગાજતે ઉત્સવ કરતાં કરતાં સાબરમતી નદીના કાંઠે નારાયણઘાટે અગ્નિસંસ્કાર કરવા લઈ ગયા. ત્યાં નદીમાં એકદમ અચાનક પૂર આવ્યું. તેથી ઉપરના ભાગમાં લાવ્યા તોપણ પાણી ત્યાં આવ્યું. તેથી મહિમાવાળા સંતોએ કહ્યું જે, “નદી સ્વામીશ્રીનો મહિમા જાણીને પોતે પાવન થવા સ્પર્શ કરવા માગે છે. માટે નદીને સ્વામીશ્રીના ચરણનો સ્પર્શ કરાવો.”

પછી નદીના જળને સ્વામીશ્રીના ચરણનો સ્પર્શ કરાવ્યો કે તુરત જ પાણી પાછું વળી ગયું ને જ્યાં હતું ત્યાં જતું રહ્યું. આવો ચમત્કાર જોઈને સૌને ખૂબ આશ્ચર્ય થયું ને મહિમા સમજવા લાગ્યા.