એક વાર સભામાં સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રી તથા જીવનપ્રાણ બાપાશ્રી બેઠા હતા. ત્યારે ત્યાં કેટલાક મહિમાવાળા હરિભક્તો ફૂલના હાર લાવેલા તે બાપાશ્રીને પહેરાવવા લાગ્યા ત્યારે બાપાશ્રીએ કહ્યું, “અમને નહિ આ સ્વામીનું પૂજન કરો.” ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, “ના, બાપાનું પૂજન કરો. તે બહુ મોટા છે, સમર્થ છે.” ત્યારે બાપાશ્રીએ કહ્યું, “સ્વામી, તમે બહુ મોટા છો ને વળી ત્યાગી છો તેથી તમને શોભે.” ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, “બાપા, આપ તો અતિ મોટા છો તે આપની મોટપ કહીએ નહિ તો કોને ખબર પડે ? માટે આપ ઢાંકીને વર્તશો નહિ ને હાર પહેરાવે તે પ્રેમથી સ્વીકાર કરી સૌને રાજી કરો.”
એમ બાપાશ્રી તથા સ્વામીશ્રી બંને એકબીજાનો મહિમા કહેતા તેથી હરિભક્તો બંનેની ચંદન તથા હારથી પૂજા કરતા. તેથી સભામાં સૌને આનંદ આનંદ થઈ રહેતો. વળી રાત્રે સભાની સમાપ્તિ પછી સ્વામીશ્રીએ બાપાશ્રીને ખૂબ તાણ કરી જમાડ્યા ને પછી પોતાની પાસે જ બાપાશ્રીનું આસન કરાવ્યું.
આમ સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી તથા બાપાશ્રી અવારનવાર એકબીજા પ્રત્યે એવું હેત બતાવતા કે કદી જુદા જ ન પડી શકે. તેથી તેવાં દિવ્ય દર્શનથી હરિભક્તોને ખૂબ સુખ આવતું. તેથી સ્વામીશ્રીના જોગવાળા ને મહિમાવાળા હરિભક્તો તો ત્યાં ને ત્યાં જ પાસે બેસી રહેતા.