સદ્. નિર્ગુણદાસજી સ્વામીશ્રી વૃદ્ધાવસ્થાના ભાવ જણાવવા લાગ્યા હતા. તેથી ક્યારેક માંદા દેખાય ને ક્યારેક વળી કંઈક થોડું સારું જણાય. વળી ઉધરસ તો આખો દિવસ ને રાત આવ્યા કરે. મંદવાડને કારણે હેતવાળા હરિભક્તો પણ આખો દિવસ દર્શને આવ-જા કરતા હોય. તેથી આખો દિવસ સભા તથા કથાવાર્તા જેવું ચાલુ જ રહેતું. વળી રાત્રે આરામના સમયે પણ સળંગ ઉધરસ આવ્યા કરે; તેથી રાત્રિ-દિવસ નિદ્રા તો આવે જ નહિ. મોટાની આવી લીલા વખતે સંપૂર્ણ મહિમા ને દિવ્યભાવ સમજાય તો વાંધો ન આવે; નહિ તો જરૂરથી સંકલ્પ થઈ જાય; માટે મોટાની સર્વે લીલાને દિવ્ય સમજવી.
સ્વામીશ્રીના આસન પાસે જ એક નંદપંક્તિના સંત પરમાનંદ સ્વામીનું આસન હતું; તેઓ ઉંમરે મોટા તથા મહારાજના મળેલા હતા. પણ સ્વામીશ્રીની ચાલતી અખંડ કથાવાર્તા તેમને ગમતી નહીં. કારણ કે આખો દિવસ કથા ચાલવાથી દિવસે જરાપણ આરામ ન મળે. તેથી સર્વેને કહેતા ફરે કે, “મારે તો ઉપાધિ છે ને ભોગ લાગ્યા તે પેલા નિર્ગુણદાસજીની પાસે મારું આસન છે. ત્યાં આખો દિવસ એમના હરિભક્તોનું કીડિયારું ઊભરાયા કરે છે. તેથી આખો દિવસ કથાવાર્તા કર્યા કરે છે. રાત્રેય તેમની ઉધરસના કારણે શાંતિ નહીં. માટે મારે તો છતાં આસને આસનમાં રહેવાતું નથી.”
એક વખત રાત્રિનો સમય હતો. આ પરમાનંદ સ્વામી રાત્રે પોતાના આસને પોઢ્યા હતા. ત્યાં શ્રીજીમહારાજે દર્શન દઈને કહ્યું, “પરમાનંદ સ્વામી, ચાલો ધામમાં આવવું છે ?” આ સાંભળતાં જ સ્વામી તો મહારાજના ચરણ પકડી, “હા દયાળુ !” કહેતા રાજી રાજી થઈ ગયા. ને દીન થઈ હાથ જોડવા લાગ્યા. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, “જુઓ ! આમને ઓળખો છો ?” એમ કહીને સદ્. નિર્ગુણદાસજી સ્વામીને બતાવ્યા. વળી જેવા મહારાજ તેજોમય તેવા સ્વામીશ્રી પણ તેજોમય. પરમાનંદ સ્વામી તો આ બંને સ્વરૂપોને જોઈ જ રહ્યા. મહારાજે કહ્યું, “સ્વામી, આમને ઓળખો છો ?” આ નિર્ગુણદાસજી અમારી મૂર્તિમાં અખંડ રહેનારા અનાદિમુક્ત છે. અમારા રૂપ (અમારા સંકલ્પ સ્વરૂપ) છે. અમારા જેવા જ છે. અમારા સંકલ્પથી અહીં દેખાય છે. તેમની સાથે તમારાથી અહીં પાસે આસનમાં નથી રહેવાતું તો પછી મૂર્તિમાં સાથે કેમ રહેવાશે ?” આમ કહીને શ્રીજીમહારાજ તો અદૃશ્ય થઈ ગયા. આમ અંતર શુદ્ધ હતું તેથી મહારાજે દયા કરી મોટાપુરુષના અવગુણ-અભાવથી બચાવી પાછા વાળ્યા.
પછી તો પરમાનંદ સ્વામીને પારાવાર પસ્તાવો થયો. ક્યારે સવાર પડે ને હું સ્વામી નિર્ગુણદાસજી પાસે જઈ માફી માગું ? એ જ રટણ ચાલ્યા કરતું હતું.
સવાર પડી... સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીના આસને સભા થઈ અને... પરમાનંદ સ્વામી પોતાના આસનેથી સ્વામીશ્રી નિર્ગુણદાસજીના આસને પધાર્યા. અને સભાની પાછળથી આવી સભામાં બેસી રહ્યા અને સ્વામીશ્રીને દંડવત કરવા લાગ્યા. સ્વામીશ્રી તો અખંડ કથાવાર્તામાં મગ્ન હતા. તેથી કોઈકે સ્વામીશ્રીને આ બાબતની જાણ કરી એટલે સ્વામીશ્રી બોલ્યા, “રાખો.. રાખો.. પરમાનંદ સ્વામી રાખો. તમે તો નંદ કહેવાઓ અને અમે તો દાસ કહેવાઈએ માટે તમારે નંદથી અમને દાસને દંડવત ન થાય !
ત્યારે પરમાનંદ સ્વામી એકદમ સ્વામીશ્રીની પાસે આવ્યા ને પોક મૂકીને કહેવા લાગ્યા, “સ્વામી ! એ તો આજ ખબર પડી કે કોણ નંદ ને કોણ દાસ છે ? અમે તો કદાચ નંદ છીએ પણ તમે તો નંદનાય નંદ છો. માટે માફ કરો. સ્વામી, મને માફ કરો. હું તમને ઓળખી શક્યો નહીં.”
આમ, સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી એટલે સ્વયં શ્રીજીમહારાજે અને સદ્. ગોપાળાનંદ સ્વામીએ પ્રમાણ કરેલા એવા અખંડ મૂર્તિમાં રહેનારા સ્વતઃ સિદ્ધ અનાદિમુક્ત.