બીજે દિવસે સવારે સદ્. નિર્ગુણદાસજી સ્વામીશ્રીના આસને કથાવાર્તા થઈ રહ્યા કેડે સૌ હરિભક્તો ઠાકોરજી જમાડવા ગયા. પરંતુ બાપાશ્રી તો સ્વામીશ્રી પાસે જ બેસી રહ્યા. બીજી બાજુ સંતોને પણ ઠાકોરજી જમાડવાનો સમય થતાં સર્વે સંતો પણ ગયા. ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, “બાપા ! આપનાં દર્શન મને બરાબર થતાં નથી. માટે ઓરા આવો તો દર્શન બરાબર થાય.” પછી બાપાશ્રી નજીક આવ્યા. પછી સ્વામીશ્રીએ બાળકૃષ્ણદાસજી જે ઉપવાસી હતા ને પોતાની પાસે બેઠા હતા, તેમના દ્વારા ચશ્માં મગાવીને પહેર્યાં ને બોલ્યા જે, “હજી દર્શન બરાબર થતાં નથી. માટે આંગડી કાઢી નાખો.” પછી બાપાશ્રી આંગડી કાઢી એક ધોતિયાભર ખુલ્લા શરીરે બેઠા. ત્યાં તો બાપાશ્રીની મૂર્તિમાંથી એકદમ શીતળ ને શાંત તેજનો સમૂહ નીકળ્યો. તે ચારેબાજુ તેજ તેજ થઈ ગયું. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, “અહોહો ! બાપા, તમે આવા દિવ્ય તેજોમય છો ? આ તો કેવળ તેજ જ છે.” ત્યારે બાપાશ્રીએ કહ્યું, “સ્વામી ! તમે પણ આવા જ દિવ્ય તેજોમય છો એમ હું તમને દેખું છું.” પછી તેજ સંકેલી લીધું ને આંગડી પહેરીને બેઠા.
પછી મૂળીવાળા બાળકૃષ્ણદાસજી સ્વામીએ પ્રાર્થના કરી જે, “બાપા ! મને પણ દયા કરીને એવાં તેજોમય દર્શન કરાવો ને ?” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “વખત આવશે ત્યારે દેખાડીશું.” પણ થોડી વારમાં સર્વે સંતો ઠાકોરજી જમાડીને આવ્યા ત્યારે બાળકૃષ્ણદાસજીએ તે સર્વેને આ વાત કરી તેથી સર્વે ખૂબ આશ્ચર્યને પામ્યા.