સાધન વિના સહજમાં સુખ

સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રી એક વાર અમદાવાદ સભામાં બેઠા હતા. ત્યાં સભામાં વાતો કરી જે, “જેને આ ટાણે શ્રીજીમહારાજનું સુખ સાધન વિના સહજમાં જોઈતું હોય તેણે વૃષપુરમાં બાપાશ્રી છે તેમનો જોગ-સમાગમ ને સેવા કરવી. એ તો શ્રીજીની મૂર્તિના અખંડ સુખભોક્તા છે. તેમના દ્વારે સ્વયં શ્રીજીમહારાજ કામ કરે છે. અને આત્યંતિક કલ્યાણની કૂંચી તેમના હાથમાં છે ને કેટલાક હરિભક્તોને દેહ મૂકવા ટાણે શ્રીજીમહારાજની સાથે, તેમનાં પણ દર્શન થાય છે. તેથી તેમનાં દર્શન, સ્પર્શ, સંબંધ કે સેવામાં આવનાર પર પણ અહો કૃપા છે.

વળી, પોતાના જોગવાળા સર્વેને સ્વામીશ્રીએ કહ્યું જે, “જેમ તમે મારી પાસે જોગ કરવા આવો છો અને દર્શન, સમાગમનું ને કથાવાર્તાનું સુખ લ્યો છો તેમ બાપાશ્રી પાસે જઈને પણ જોગ-સમાગમ કરજો. તે તો મહારાજની મૂર્તિમાં અખંડ રહે છે. અને એ તો સ્વયં એવા જ છે. શ્રીજીમહારાજ અને બાપાશ્રી એક જ છે. માટે મહારાજ તેમના દ્વારે કાર્ય કરે છે. તેમનો મહિમા સમજી અત્યંત હેત કરજો.” આવી વાતો સદ્‌ગુરુ સ્વામીશ્રી ઠેર ઠેર કચ્છના ગામડે તથા અમદાવાદ તેમજ અન્ય ગામોમાં પણ કરતા. સ્વામીશ્રી અમદાવાદથી બાપાશ્રીનો જોગ-સમાગમ કરવા છેક વૃષપુર મોકલતા. આમ, બાપાશ્રી તથા સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રી એ બંને વચ્ચે અપ્રતિમ પ્રીતિ, દિવ્યભાવનાં અપાર દર્શન થતાં. સદ્‌ગુરુશ્રી સૌને સાધન અને ક્રિયામાં સુખી થવાનો માર્ગ દેખાડતા.