વાહ ! નિર્ગુણદાસજી સ્વામી, વાહ !

સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રી જે વખતે અંતર્ધાન થયા તે જ વખતે વૃષપુરમાં જીવનપ્રાણ બાપાશ્રીને ખબર પડી. એટલે “સ્વામિનારાયણ, સ્વામિનારાયણ...” એમ કરતા ઝબકીને જાગ્યા.

તે સમયે ભૂજના સદ્‌. અક્ષરજીવનદાસજી સ્વામી મંડળે સહિત ત્યાં હતા. તે પણ બાપાશ્રીના ઊઠવાથી જાગ્યા ને પૂછ્યું જે, “બાપા ! અત્યારે કેમ જાગ્યા ?” ત્યારે બાપાશ્રીએ વાત કરી જે, “આ ટાણે અમદાવાદમાં આપણા ગુરુ અંતર્ધાન થયા. તે આવો સ્નાન કરી લઈએ.” એમ કહી સર્વેએ સ્નાન કર્યું. બાપાશ્રી સ્નાન કરીને બેઠા; પણ જાણે ચેન પડે નહીં. તેથી ઘડીક ઊભા થાય ને ઘડીક બેસે. વળી થોડીક વાર માથે વસ્ત્ર ઓઢી જાય. પણ અંતરમાં ઉદ્વેગ થયો હોય તેવું જણાવે. તેથી અક્ષરજીવનદાસજી સ્વામીએ જાણ્યું જે બાપાશ્રીને સ્વામીશ્રીની વિરહવેદના છે. તેથી સ્વામીશ્રીના મહિમાની વાતો કરવા લાગ્યા: “બાપા ! એવા પુરુષની આપણે ઘણી ખામી આવી. જેની કૃપાએ અનેક જીવ સુખિયા થઈ જતા. એવા મોટા સંત હવે ક્યાંથી મળે ? એ તો શ્રીજીમહારાજના સુખમાં જ હતા. પણ સૌને દુર્લભ થયા.”

પછી બાપાશ્રી બોલ્યા, સ્વામી ! એમની શું વાત કહેવી ? એ તો એ જ ! અહીં બેઠા હોય ને કેટલાયને ધામમાં મૂકી આવે એવા સમર્થ. વળી એક વખત સ્વામીશ્રીએ અમને કહ્યું જે, “કચ્છમાં શ્રીજીમહારાજ સાત વર્ષ સુધી જ્યાં જ્યાં વિચર્યા છે એ બધે ઠેકાણે જાણે દર્શન કરવા જાઉં.” તેથી અમે કહ્યું જે, “સ્વામી ! તમારું શરીર ખમે નહિ ને બધે પહોંચાય નહિ માટે તે કરતાં અહીં બેઠા જ દર્શન કરો ને !” આમ કહ્યું, તે જ વખતે પોતે ઊંડા ઊતરી ગયા. પછી થોડી વારે જાગીને કહ્યું, “તમારી કૃપાથી મારે બધેય દર્શન થઈ ગયાં. ને સર્વે સ્થાન દિવ્ય તેજોમય જણાયા” આવી તો એમની અનેક વાતો છે.

શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસના કહેવામાં એમના જેવા તો એ એક જ. એમની વાતો સાંભળીને અમે તથા કુંવરજી પટેલ આખી રાત સુધી મનન કરતા. શું તેમની વાતોની ઢબ ! સભામાંથી કોઈ સંત, હરિભક્ત વાતો થતી હોય ત્યાં સુધી ઊઠી શકે જ નહીં. વાહ ! નિર્ગુણદાસજી, વાહ !

શ્રીજીમહારાજે સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીશ્રીને કહ્યું હતું જે તમે મારું પુરુષોત્તમપણું નહિ પ્રવર્તાવો ત્યાં સુધી આ દેહમાં રાખીશું. એ આજ્ઞા આ સ્વામીશ્રીએ માથે ચડાવી હોય ને શું ? તેમ શ્રીજીમહારાજના સર્વોપરીપણાની વાત સમજાવવાનો ખૂબ આગ્રહ. વળી સ્વામીશ્રીના વૈરાગ્યની રીત પણ અજબ. તેથી જોડે રહેનાર ક્યારેય મહારાજની મરજી લોપી શકતા નહીં. વળી મોટા મોટા વિદ્વાનો પણ સ્વામીશ્રીની પ્રમાણભૂત વાતો સાંભળી ડઘાઈ જતા, એવો તેમની વાતોનો પ્રભાવ હતો.

શ્રીજીમહારાજને સર્વોપરી કહેવામાં સ્વામીશ્રીને સત્સંગમાં કેટલીક ઉપાધિઓ થયેલી પણ એ ગણતા જ નહીં. ને એમ જાણતા જે બિચારા સમજતા નથી તેથી એમ બોલે છે. પરંતુ જ્યારે એ બોલનાર મહારાજને સર્વોપરી સમજશે ત્યારે તેમને આ વાતોનો ધોખો નહિ થાય એમ કહેતા.

એક વખત શ્રીજીમહારાજના હજૂરી પાર્ષદ ભગુજીએ સભામાં જ કહ્યું હતું કે, હું અહીંયાં સ્વામીશ્રીની વાતો સાંભળું છું ત્યારે મોટા સદ્‌. શ્રી નિત્યાનંદ સ્વામી જેવા સમર્થ મુક્તોનો જેમ સભામાં દાબ પડતો તેમ આ સ્વામીશ્રીનો પણ એવો જ ભાર પડે છે. તેમણે વાતો તો ઘણી કરી છે. પણ તે વખતે કોઈએ લખી નહીં. પણ જો સ્વામીશ્રી જેવી વાતો કરતા તેવી લખાણી હોત, તો શ્રીજીમહારાજને સર્વોપરી સમજવાનું એક શ્રેષ્ઠ પુસ્તક તૈયાર થાત. અમે તો એમની વાતો સાંભળી છે. શું એમની વાતોની છટા !

સ્વામીશ્રી ગામડામાં ફરવા નીકળે ત્યારે વીસ-પચીસ ને ક્યારેક તેથી પણ અધિક સંતો જોડે હોય ને કથાવાર્તાનો અખાડો સદાય ચાલુ જ રહેતો. સવારે ચાર વાગે નાહી, પૂજાઓ કરીએ. તે પછી વચમાં એક વખત ભંડારમાં હરે થાય તેટલી પ્રવૃત્તિ જણાય. પછી તો રાત્રિના બાર વાગ્યા સુધી કથાવાર્તા થયા જ કરે. તેમાં મુખ્યપણે સ્વામીશ્રી જ વારંવાર વાતો કરતા, સર્વોપરી ગ્રંથ વંચાવતા, કોઈ સંત તેમજ હરિભક્ત ગ્રામ્ય વાત તો કરી જ ન શકે એવો તેમનો દાબ. અમને તો બહુ હેત જણાવી મળતા ને અમે પણ એ સ્વામીશ્રીનો બહુ મહિમા જાણતા. વાહ ! નિર્ગુણદાસજી, વાહ ! વળી તેમનો ચીલો તેમના “આ શિષ્ય સ્વામી ઈશ્વરચરણદાસજીએ રાખ્યો છે.”

એમ બાપાશ્રી વારંવાર સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રીને સંભારતા અને નાના-મોટા સૌ સંતો-હરિભક્તોને ખૂબ મહિમા કહેતા ને ગદ્‌ગદ થઈ જતા.


માધિ થઈ ગઈ, તે ત્રીજે દિવસે બપોરે જાગ્યા. નાહીને પૂજા કરી ઠાકોરજીનાં દર્શન કર્યાં. તે વખતે બ્રહ્મચારી બાપાશ્રીને હાર પહેરાવવા માંડ્યા ત્યારે બાપાશ્રી તે હાર હાથમાં લઈ સ્વામીશ્રીને પહેરાવવા લાગ્યા. પછી સ્વામીશ્રીએ તે હાર બાપાશ્રીને જ પહેરાવ્યો. ને પછી થોડી દિવ્યભાવની વાતો કરીને કહ્યું, “જ્યાં સુધી મહારાજ ને તેમના લાડીલા મુક્ત ન મળે ત્યાં સુધી ગમે તેટલાં સાધન કરે, પણ મૂર્તિના સુખની પ્રાપ્તિ ન થાય.”

પછી સ્વામીશ્રીએ બાપાશ્રીને પૂછયું જે, “અહીં બેઠા થકા જીવને શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં મૂકી દે એવા કોઈ અત્યારે હશે ?” ત્યારે બાપાશ્રી સ્વામીશ્રી સામું જોઈને જરા હસ્યા ને બોલ્યા જે, “હા, ત્યાગીમાં ને ગૃહસ્થમાં બંનેમાં છે.” ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, “ત્યાગીમાં કોણ અને ગૃહસ્થમાં કોણ ?” ત્યારે બાપાશ્રી કહ્યું, “ત્યાગીમાં મારી સામે બેઠા તે અને ગૃહસ્થમાં તમારી સામે બેઠા તે સંકલ્પમાત્રમાં અનંતકોટિ બ્રહ્માંડોને ધામમાં મોકલી શકે તેવા છે.” એમ મર્મમાં એકબીજાના મહિમાની તથા દિવ્યભાવની વાત કરી.