એક વખત સદ્ગુરુશ્રી પાટડીથી મૂળી જવા સ્ટેશને બેઠા હતા, ત્યાં ટપાલખાતાનું કામ કરતા એક હરિભક્ત આવ્યા. તેઓ દર્શન કરી, વિનયપૂર્વક હાથ જોડી બોલ્યા, “બાપજી ! હું જ્યારે ધ્યાન કરું છું ત્યારે રાતા-પીળા એવા તણખા દેખાય છે તે શું હશે ?” સદ્ગુરુશ્રીએ કહ્યું, “પૃથ્વી, જળ, તેજ, વાયુ વગેરે આવરણોનું પ્રધાનપણું હોય ત્યાં સુધી એમ જણાય, પણ મહારાજ સારાં વાનાં કરશે. સંતોનો જોગ-સમાગમ રાખજો અને મંદિર આવતા રહેજો.” પેલા હરિભક્તએ કહ્યું, “ભલે દયાળુ.”
થોડા દિવસો બાદ સદ્ગુરુશ્રી પાટડી પધાર્યા અને મંદિરમાં આવ્યા ત્યારે ટપાલખાતાનું કામ કરતા તે હરિભક્ત ફરી દર્શને આવ્યા અને સદ્ગુરુશ્રીને હાથ જોડી વિનય વચને પ્રાર્થના કરી, ત્યારે સદ્ગુરુશ્રીએ તેમને મૂર્તિમાં રહી મૂર્તિનું ધ્યાન કરવાની લટક આપી. આમ ધ્યાન કરવાનું કહી પ્રસન્ન થકા માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. પછી સદ્ગુરુશ્રીની કૃપાથી તેમની વૃત્તિઓ મહારાજના સ્વરૂપમાં જોડાઈ ગઈ અને ત્રણ કલાક ધ્યાનમાં ઊંડા ઊતરી ગયા. આમ તે મૂર્તિસુખમાં ગરકાવ થઈ ગયા.
ધ્યાનમાંથી જાગ્યા એટલે સદ્ગુરુશ્રીને દંડવત કરી દીનવચને પ્રાર્થના કરવા લાગ્યા, “દયાળુ, મુજ રાંક પર બહુ દયા કરી, સુખિયો કરી દીધો. પણ દયાળુ ! મહારાજની મૂર્તિના સુખમાં સદાય આમ ગુલતાન રહેવાય એવી કૃપા કરજો. દયાળુ ! તમે તો મારો જન્મ સુધારી દીધો.”