અલૌકિક રીત

પુષ્પ ૧

એક વખત હરિભક્ત કીર્તન બોલતા હતા. સદ્‌ગુરુશ્રીએ પૂછયું, “કીર્તન ક્યાં રહીને બોલ્યા ?” તો કહે, “મૂર્તિમાં.” ત્યારે સદ્‌ગુરુએ કહ્યું, “આપણે તો સર્વે ક્રિયા મૂર્તિમાં રહીને જ કરવી. મહારાજ પાસે જ કરાવવી. શ્રીજીમહારાજે મારા ચૈતન્યને અનાદિમુક્ત કરી મૂર્તિના સુખમાં રાખ્યો છે. અને દેખાવ મહારાજનો છે. મહારાજ જ છે... એ ભાવે વર્ત્યા કરવું. એવું જ અનુસંધાન રાખવું અને એવું જ મનન-ચિંતવન કરવું. તો સદાય સુખિયા રહેવાય. ”

ઉનાળામાં હરિભક્તોને ઘેર પધરામણી વખતે આરતી થતી હતી અને બે કડી બોલ્યા બાદ આરતી બંધ રખાવી, સદ્‌ગુરુશ્રી વાતો કરવા લાગ્યા જે, “પૃથ્વીથી લઈ આકાશ સુધી ઠસાઠસ સભા છે. તેમાં મહારાજ અને મુક્તો ઓતપ્રોત રહ્યા છે. સૌ મુક્તોની મૂર્તિ સામે નજર છે.  અનાદિમુક્ત તો મૂર્તિમાં રહી રોમ રોમના રસબસભાવે સુખ લીધા જ કરે છે. અનાદિને તો કાંઈ કરવાનું છે જ નહી. આખુંય બ્રહ્માંડ ઝળઝળાટ થઈ રહ્યું છે. સર્વત્ર આરતી ઊતરે છે.” એમ કરી આરતી શરૂ કરાવી. પરભાવની આવી અલૌકિક વાતો, સદ્‌ગુરુશ્રીના મુખે સાંભળી સૌ દિવ્યાનંદમાં ગરકાવ થઈ ગયા.

પુષ્પ ૨

એક હરિભક્ત પોતાના બાળકને વર્તમાન ધરાવવા સદ્‌ગુરુશ્રી પાસે લાવ્યા. તેણે સદ્‌ગુરુશ્રીને વર્તમાન ધરાવવા કહ્યું. સદ્‌ગુરુશ્રીએ વર્તમાન ધરાવી, માથે હાથ મૂકી રાજીપો જણાવ્યો. પછી પેલા હરિભક્તે શ્રીફળ અને સાકર સદ્‌ગુરુશ્રીના ચરણોમાં મૂકી પ્રાર્થના કરી, “બાપજી ! અમે સૌ તમારા છીએ, અને આ સેવક પણ આપનો જ છે. ટાણું આવે ત્યારે અમને સૌને સંભારી લેજો.” ત્યારે સદ્‌ગુરુશ્રીએ કહ્યું, “શ્રીજીમહારાજની કૃપાથી આજ સત્સંગમાં બહુ મોટું કામ થાય છે. આજથી આ બાળક મૂર્તિસુખનો અધિકારી થઈ ગયો, એવો વિશ્વાસ સદાય રાખવો.  શ્રીજીમહારાજ કહેતા, ‘વિશ્વાસીને સદાય શીશ.’ મહારાજ અને મોટાનો જો આવો વિશ્વાસ આવે તો મોટાપુરુષ જરૂર મહારાજના સુખમાં લઈ જાય.” વળી હાથમાં શ્રીફળ લઈ બોલ્યા જે, “જેમ આમાંથી ટોપરું નીકળે છે, તેમ મોટાની પાસે તો મૂર્તિ છે. એવો વિશ્વાસ આવે એટલે બધુંય કામ થઈ ગયું. મહારાજ વર્તમાન ધરાવે છે અને મુક્ત તો ભેળા છે એમ જાણવું.”

પુષ્પ ૩

સદ્‌ગુરુશ્રી એક વાર નળકંઠાનાં ગામડાંઓમાં વિચરણ કરતા હતા ત્યારનો આ પ્રસંગ છે. એક દિવસ એક મુમુક્ષુ સદ્‌ગુરુશ્રીની દૃષ્ટિમાં આવી ગયો... સદ્‌ગુરુશ્રીએ તો તેને મહારાજના મહિમાની વાતો કરી, કંઠી ધારણ કરવા કહ્યું. એ મુમુક્ષુએ પણ એ કંઠી ધારણ કરવા તૈયારી દેખાડી. ત્યારે સદ્‌ગુરુશ્રીએ પોતાના સાધુને કહ્યું, “તુંબડીમાં ગરણું ભીનું હોય તો જુઓ, બે ટીપાં પાણી હોય તો વર્તમાન ધરાવીએ.” પેલા સંતે ખભેથી તુંબડી ઉતારી અને અંદર જોયું તો તુંબડું ખાલી કરી, ઝોળીમાં મૂકેલું. છતાં પાણી ભરેલું હતું. આ જોઈ સૌ આશ્ચર્ય પામ્યા. પછી તો સદ્‌ગુરુશ્રીએ વર્તમાન પણ ધરાવ્યા અને ઠાકોરજીને જળ પણ ધરાવ્યું.

પુષ્પ ૪

એક સમયે સદ્દગુરુશ્રી એક ગામના મંદિરમાં બિરાજમાન હતા ત્યારે એક હરિભક્તએ આવી સદ્‌ગુરુશ્રીને દંડવત – દર્શન કર્યા. હરિભક્ત કાંઈક પૂછવાના ઉદ્દેશયથી આવ્યા હતા પરંતુ મૂંઝાતા હતા કે સ્વામીને કેવી રીતે પૂછવું ? કેવી રીતે વાતની શરુઆત કરવી ? ત્યારે સદ્‌ગુરુશ્રીએ અંતર્યામીપણે કહ્યું કે, “ભગત કાંઈ પૂછવું છે ?” પેલા હરિભક્તના અંતરની વાત સ્વામીએ કહી તેથી હરિભકતએ હરખમાં આવી પુછ્યું, “સ્વામી અત્યારે મહારાજ શું કરતા હશે ?” ત્યારે સદ્‌ગુરુ બોલ્યા, “મહારાજ અત્યારે એક ધોતિયું પહેરી થાંભલીના અટેકણે બેસી માળા ફેરવી રહ્યા છે.” સદ્‌ગુરુ થકી આ જવાબ સાંભળી હરિભક્તતો આભા જ બની ગયા. કારણ એ સમયે સદ્‌ગુરુ જ એક ધોતિયું પહેરી થાંભલીના અટેકણે બેઠા હતા. હરિભક્ત સમજી ન શક્યા. પરંતુ સદ્‌ગુરુ પોતાની સ્થિતિમાં રહી આ વર્ણન કરી રહ્યા હતા. સદ્‌ગુરુ માટે મહારાજ જુદા કે છેટા હતા જ નહીં. સદ્‌ગુરુશ્રીને તો નિરંતર પ્રતિલોમ અવસ્થા જ જણાતી હતી.