અમદાવાદ મંદિરમાં સદ્ગુરુશ્રીના આસને સભામાં બંને સદ્ગુરુઓ બિરાજેલા. એક હરિભકત તેમના સાતેક વર્ષના છોકરા સાથે દર્શને આવ્યા. દર્શન કરી સભામાં બેઠા. છોકરાને ઊભો રાખી સદ્ગુરુશ્રીએ પૂછ્યું, “નવા છો કે જૂના ?” છોકરાએ મનમાં થોડીક ગડમથલ કરી જવાબ આપ્યો, “જૂના”. સભામાં હાસ્ય રેલાયું. જવાબનું સમર્થન કરતાં સદ્ગુરુશ્રી બોલ્યા, “અત્યારે નવા લાગે પણ પૂર્વે જોગમાં આવ્યા હોય ત્યારે આ જોગની રુચિ થાય.” એવી રીતે સદ્ગુરુશ્રી નાના બાળકોને પૂછે, “કોણ છો ?” ધીરે ધીરે બાળકો જવાબ જાણી ગયેલા.
બાળક : મહારાજના મુકત.
સદ્ગુરુશ્રી : મુક્ત ક્યાં રહે છે ?
બાળક : મહારાજની મૂર્તિમાં.
સદ્ગુરુશ્રી : કેવી રીતે ?
બાળક : હાથમાં હાથ, પગમાં પગ, આંખમાં આંખ, મુખમાં મુખ, મસ્તકમાં મસ્તક એમ સર્વાંગે રોમેરોમ રસબસ અનાદિમુક્તોની પંક્તિમાં.
સદ્ગુરુશ્રી : તો આ દેખાય છે તે કોણ ?
બાળક : મહારાજ.
સદ્ગુરુશ્રી : મહારાજ શું કામ દેખાય ?
બાળક : જીવનાં કલ્યાણ કરવા.
સદ્ગુરુશ્રી : બીજા દેવ-ઐશ્વર્યાથીઓને તમારાં દર્શન ખરાં ?
બાળક : ના.
સદ્ગુરુશ્રી : એને દર્શન કરવાં હોય તો શું કરવું પડે ?
બાળક : મનુષ્ય તરીકે જન્મ લઈ અનાદિમુક્તનો જોગ કરી મૂર્તિમાં જોડાવું પડે.
સદ્ગુરુશ્રી : જીવનાં કલ્યાણ કેમ થાય ?
બાળક : મહારાજ ને મુક્તની કૃપાદૃષ્ટિમાં આવે, હેતે સહિત દર્શન, સ્પર્શ, સેવા, સમાગમ કરે તો કલ્યાણ થાય.
આ રીતે, બાળકોને ઊંચામાં ઊંચા તત્ત્વજ્ઞાનનું ભણતર ભણાવી દે ! શ્રીજીમહારાજ ને મુક્તોની અલૌકિક કૃપાનું ભાન કરાવી દિવ્ય આનંદ આપતા હોય એ જ ગુરુ-સાચા સદ્ગુરુ !