પ્રસાદી ની વાતો

વાર્તા 1 થી 10

(૧) સ્વામીશ્રીએ કૃપા કરીને વાત કરી જે, શ્રીજીમહારાજની મૂર્તિમાં અનંત અનાદિમુક્તો રસબસભાવે સુખ લીધા જ કરે છે. ત્યારે કોઈકે પૂછ્યું જે, અનાદિનો અર્થ શું ? ત્યારે પોતે કહે જે, હું અખંડ છું; આમ હતો અને પછી આમ થયો એમ નહિ, સદાય આમ જ છું - મૂર્તિરૂપ છું. મહારાજે મને પોતાની મૂર્તિમાં આકર્ષણ કરી રાખ્યો છે તેથી સદાય સુખભોક્તા છું.

(૨) શ્રીજીમહારાજમાં એવુ સામર્થ્ય છે કે એક સંકલ્પમાત્રે ધારે તેમ કરે. એક વખત મહારાજે કૃપા કરી સંતોને કહ્યું કે, તમો અમારા સંકલ્પ છો; એમ કહેતાંની સાથે જ સંતોને એ વાત સમજાઈ ગઈ. આમ વિશ્વાસ હોય તો હા પડે, એટલે પૂરું થયું જાણવું. પછી સ્વામીએ સંતોને પૂછ્યું કે, મહારાજે સંતોને અમારા સંકલ્પ છો એમ કહ્યું તે સંકલ્પ ચૈતન્ય થયો કે પોતે થયા ? તેનો ઉત્તર કોઈ કરી શક્યા નહીં. ત્યારે સ્વામી બોલ્યા જે, મહારાજ પોતે જ રહ્યા એટલે દેખાવ પોતાનો થયો અને તેના ચૈતન્યને મૂર્તિમાં રાખ્યો એટલે પોતે દેખાયા; એ જ સંકલ્પ છે. જેમ કાગળની નોટના રૂપિયા આવે છે તે કાંઈ કાગળના આવે છે ? ના, એ તો રાજાએ પોતાના સિક્કાના નંબર પાડ્યા એ જ રૂપિયા છે, પણ કાગળના રૂપિયા નહીં. જો એ નંબર લઈ લે તો કાગળનું કાંઈયે ન ઊપજે. તેમ મહારાજ પોતે સંકલ્પરૂપ થયા અને તેના ચૈતન્યને મૂર્તિમાં રાખીને પોતાનો દેખાવ કર્યો, એમ જ્યારે હા પડી પછી એ મુક્ત એમ જાણે જે હું સદાય સાકાર દિવ્ય મૂર્તિમાન થકો મહારાજની મૂર્તિમાં છું ત્યારે જ મુક્ત થયો એમ જાણવું.

(૩) મહારાજના રાજ્યમાં શું છે ? તો એક મૂર્તિનું સુખ જ છે. તે સુખ પોતાના રાજ્યમાં રહેતા હોય તેને આપે. એ રાજ્યમાં એક પ્રભુ જ છે. આ વસ્તુ મેદાનમાં છે. કોઈ લ્યો ! કોઈ લ્યો ! ખૂટે તેવી નથી. તેમ કોઈ લૂંટે તેવી નથી. જેને લેવી હોય તે આવો. એમ કહી “જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ” એ કીર્તનની ટૂંક બોલ્યા.

(૪) મહારાજની મૂર્તિમાં રહ્યા તેને જરાય છેટું નહીં. તેને તો પુરુષ, વાસુદેવબ્રહ્મ, અક્ષરબ્રહ્મ આદિ સર્વનો લય થઈ ગયો. એક મહારાજના તેજરૂપ આકાશ રહ્યો, પછી તેમાં એક મૂર્તિ રહી એટલે એ આકાશનો પણ લય થઈ ગયો તેથી સાવ ઢૂંકડું થયું અને એ મુક્ત થયો. તેને તો મહારાજ સાથે રસબસપણું, દાતા-ભોક્તાપણું, સ્વતંત્ર-પરતંત્રપણું, નિયામક-નિયામ્યપણું અને સ્વામી-સેવકપણું છે કહેતાં મહારાજ સ્વામી અને પોતે સેવક. એમને તો સેવા પણ એ. વિના બીજું કાંઈ છે જ નહીં. એમ કહીને પર્વતભાઈની વાત કરી કે તેમણે મહારાજ પાસે સમ ખાઈને કહ્યું જે હું આ લોકમાં આવ્યો નથી, મેં કાંઈ કર્યું નથી, તેમ તમારી મૂર્તિ વિના બીજું કાંઈ દેખ્યું પણ નથી. એવી રીતે આ ભાવવાળાને સમ ખાઈને કહેવું પડે તેમાં કાંઈ વાંધો જ નહીં.

                  (૫) એક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો કે મુક્ત તો મહારાજની મૂર્તિ વિના બીજા કોઈને દેખતા નથી તો જીવોને ઉપદેશ કેમ કરી શકે ? ત્યારે સ્વામી કહે, મુક્તને મતે તો મૂર્તિ જ છે અને ઉપદેશ તો મહારાજ કરે છે. એ મહારાજ કેમ કરે

છે ? એમ તો આપણાથી કહેવાય જ નહિ, કેમ જે મહારાજનો કોઈ ઉપરી નથી

(૬) જીવને જ્યાં સુધી કામ, ક્રોધ, લોભાદિ મોસલ બેઠા હોય ત્યાં સુધી પોતાનો માલ ધીરે ધીરે બધોય ખાઈ જાય. એ તો જ્યારે મોસલ જાય ત્યારે માલ બચે. એ મોસલ કેવા છે ? તો ઘરમાંથી બહાર જ નીકળવા દે નહિ અને ઘરમાં બેઠા બેઠા ખાવા માગે. પછી તો દેવું કરવું પડે અને દેવું વધતાં વધતાં દુ:ખનો પાર ન રહે. માટે મોટાને વિષે જીવ જોડી સમજણે કરીને મોસલ કાઢી મૂકવા. સમજણવાળાને કેવું છે ? તો જેમ બસેંહ બખ્તરિયા માલ સાચવવા સાથે લીધા હોય તેનો માલ કોઈથી લેવાય નહીં. તેમ સમજણવાળાને કોઈનો ભય ન રહે. માટે સમજણ કરવી પડશે. જો સમજણ ન હોય અને મહારાજ તેડવા અવે તો તેને ક્યાં મૂકે છે ? તો જ્યાં સમાસ થાય ત્યાં સમજણ કરવા મૂકે છે. પછી સમજણ પૂરી થાય એટલે મહારાજના દિવ્ય સુખમાં પહોંચે.

(૭) મહારાજ તથા મોટા મુક્ત પોતાના બિરદ સામું જોઈને જીવોનાં કલ્યાણ કરે છે. તે જુઓને ! મહારાજે સસલાનો આત્યંતિક મોક્ષ કર્યો અને બાપાશ્રીએ માર્ગે જતાં ઉંદરનો મોક્ષ કર્યો. એમાં તો મહારાજ તથા મોટાએ પોતાનું બિરદ સાચવ્યું. તે ઉપર વાત કરી જે એક રાજા ઘોડા ઉપર બેસી ફરવા ગયેલ. માર્ગમાં તેને તરસ બહુ લાગી. પછી પાસેના ખેતરમાં એક ખેડુ સાંઠીઓ ખોદતો હતો. તેને જોઈને એ રાજાએ વિચાર કર્યો કે મને એ પાણી પાય તો તેને મારે ગામ આપવું, એ વખતે ખેડુએ પણ રાજાને આવતો જોઈને એવો સંકલ્પ કર્યો કે જો રાજા પાણી માગે તો મારે ન આપવું. પછી તે ખેડુ પાસે જઈને રાજાએ પાણી માગ્યું. ત્યારે ખેડુએ ના પાડી ને પરાણે પાણી લેશે એમ જાણી પોતે પાણીની બતક ફોડી નાખી, પણ પાણી આપ્યું નહિ, અને કહ્યું જે મેં મારો સંકલ્પ પૂરો કર્યો, હવે કરવું હોય તેમ કરો. એ વાત જાણી રાજાએ પણ પોતાનો સંકલ્પ સત્ય રાખ્યો અને ગામ આપ્યું. પછી એ રાજાની મોટા દિવસે કચેરી ભરાય તેમાં જેને જેને ગામ બક્ષીસ આપેલાં તે તે ગામોનાં ધણી આવીને બેસે, ત્યારે આને પણ જવું પડે. એ વખતે એકબીજા માંહોમાંહી પૂછે કે તમને કેવી રીતે ગામ ઈનામ મળ્યું ? તો કોઈ કહે, મેં રાજાસહેબનું આ કામ કર્યું, કોઈ કહે મેં આ કામ કર્યું અને આણે તો રાજાને પાણી પાયું નહોતું તેથી તેને કોઈ પૂછે એટલે તુરત નીચું ઘાલીને શરમાઈ જવું પડે, પણ શી રીતે બોલાય, જે મેં રાજાને પાણી નહોતું પાયું તેનું ગામ ઈનામ મળ્યું છે ? તેમ આપણે પોતાના સ્વભાવ ટાળવા ને હેત કરવું તો મહારાજ તથા મોટા પોતાનું બિરદ નહિ મેલે. વર્તમાનકાળે અનેક જીવોનાં આત્યંતિક મોક્ષ કરવા મહારાજે મોક્ષના દ્વાર ઉઘાડ્યાં તેમાં મોટા મોટા મહાસમર્થ સંતોને પોતાની સાથે લાવ્યા; તે દ્વારે અનેક જીવોનો ઉદ્ધાર કર્યો એ વાત સત્સંગમાં સૌ કોઈ જાણે છે. અત્યારે મોટાનો સંકલ્પ કેવો છે ? તો ખંપાળી નાખી છે એટલે કેવળ કૃપા જ વાપરી છે. તે બાપાશ્રીના દરેક કાર્યમાં આપણે જોયું. પોતે અંતર્ધાન થયા તે વખતે પણ સર્વની ચિત્તવૃત્તિઓનું આકર્ષણ કરી એવું સામર્થ્ય જણાવ્યું કે જાણે કોઈને દેહભાવ જ ન રહ્યો હોય, તેમ સૌની એક જ રીત જણાણી. આમ સર્વના અંતરનું ફેરવવું તે મનુષ્યથી ન થાય. સર્વેના જીવાત્માને આકર્ષણ કરવા એવો ચમત્કાર તો મહારાજમાં હોય અથવા તેમના સિદ્ધ મુક્તમાં હોય.

(૮) શ્રીજીમહારાજનો અસાધારણ મહિમા કોણ જાણી શકે ? દેહધારી મહારાજનો મહિમા બરાબર જાણી શકે નહીં. મહારાજની મૂર્તિમાં રસબસ રહે તેને મહારાજના મસ્તકે મસ્તક, હાથે હાથ, ચરણે ચરણ એમ સર્વાંગે રસબસ ભાવ હોય તેથી એ ખરો મુક્ત કહેવાય.

(૯) સ્વામીએ રામપુરવાળા દેવરાજભાઈને પૂછ્યું જે, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ તેને જાણો છો ? ત્યારે તે કહે, બરાબર ખબર નથી; આપ દયા કરી સમજાવો. પછી સ્વામીશ્રી બોલ્યા જે, આ દેખાય તે સ્થૂળ, ઘાટ-સંકલ્પ થાય તે સૂક્ષ્મ, માયિક પદાર્થના અવ્યક્ત રાગ રહે તે કારણ, અને ઐશ્વર્યના રાગ રહે અથવા સારપ્ય મનાય તે મહાકારણ કહેવાય.

(૧૦) સદ્. શ્રી સ્વરૂપાનંદ સ્વામી તથા વ્યાપકાનંદ સ્વામી જેવા મોટા મોટા સદગુરુઓનો સમાગમ રાત્રિ પ્રલય સુધી કરે ત્યારે સત્સંગ થાય એવું કઠણ કામ છે. પણ જો મહારાજ તથા મોટા કૃપા કરે તો સત્સંગ અને કલ્યાણ થતાં વાર ન લાગે. તે જુઓને ! વર્તમાનકાળે બાપાશ્રી સુગમપણે એક મિનિટમાં જીવોને સુખિયા કરી મૂકતા તે આપણે નજરે જોયું. એવો મોટા મુક્તનો પ્રતાપ છે.