પ્રસાદી ની વાતો

વાર્તા 21 થી 30

(૨૧) કેટલાક સત્સંગ કરતા જણાય છે, પણ તેને કામ-ક્રોધાદિક દોષ કેમ ટળતા નથી ? તો તેનું તો એમ છે જે એને મૂર્તિનો યોગ થયો નથી. જો મૂર્તિનો યોગ થાય તો એ દોષ તુરત જતા રહે. સત્સંગ તે શું ? તો સત્ય એવા જે ભગવાન તથા સત્ય એવા જે મુક્ત અને સત્ય એવો જે આત્મા તેનો યોગ તે સત્સંગ કહેવાય. જો બધેયથી વૃત્તિ ઉખાડી મહારાજની મૂર્તિમાં નિમગ્ન રહેવાય તો મૂર્તિનું સુખ મળે અને દોષમાત્ર તુરત ટળી જાય. એ વિના તો બીજો દેહનો વ્યવહાર, નાતનો વ્યવહાર તથા સત્સંગનો વ્યવહાર કહેવાય; તે તો સર્વના ઢાળ પ્રમાણે વર્તવું જોઈએ. જો ન વર્તે તો નિંદા થાય. પણ એકલા વ્યવહારમાં જ રહે અને મૂર્તિનો સંબંધ ન રાખે તો ઘાણીના બળદ જેવું થાય. ને તેણે કરીને પંથ ન કપાય. તેમ મૂર્તિના સંબંધ વિના સુખની પ્રાપ્તિ ન થાય. કેટલાક માળા ફેરવે, કથા કરે પણ મૂર્તિનો સંબંધ ન હોય તો કાંઈ નહીં. એક હરિભક્ત બાપાશ્રી પાસે દર્શને આવેલ પણ મહિમાની ખબર નહિ, અને ઊઠે, બેસે, જાય, આવે, કથા કરે, એ બધું વેગથી કર્યા કરે. કેટલીક વાર તો પોતાની મેળાએ પારાયણો પણ વાંચી, એમ ઘણો વખત ત્યાં રહ્યા, પણ બાપાશ્રી કોઈ વાર જણાવતા જે આ અમારી પાસેથી કાંઈ લેતા નથી. આ રીતે દિનકઢણી જેવા ભણતરથી મહારાજની મૂર્તિનું સુખ ન આવે. આગળ એક સંતને અક્ષર રૂપે રહેવાનું અંગ બંધાયેલું હતું, તે ગમે ત્યાં જતા પણ તેનો કેફ એવો ને એવો જણાતો. તેમ આપણે મૂર્તિનો કેફ રાખવો. જ્યારે કેફ અખંડ રહે ત્યારે જાણવું જે મૂર્તિનું સુખ હાથ આવ્યું.

(૨૨) પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછ્યું જે, મહારાજનો મહિમા કેવી રીતે જાણે તો મૂર્તિ વિના બીજું કાંઈ રહે જ નહીં ? ત્યારે સ્વામી બોલ્યા જે, મહારાજની મૂર્તિમાં જ સુખ છે એવી સમજણ દ્રઢ કરી મૂર્તિનું ચિંતવન કરતાં કરતા મહારાજ તેને પોતાને સુખે સુખિયો કરે. પછી તેને બીજું કાંઈ રહે નહીં. એટલે તે એમ જાણે જે યત્કિંચિત્ જ્યાં જ્યાં સુખ છે તે સર્વે મૂર્તિનું છે એવો મહિમા સમજાય તો બીજેથી પાછો વળે. પછી તેને મૂર્તિ વિના કાંઈ ન દેખાય એટલે એક મહારાજને જ દેખે. આવી રીતે સુખરૂપ થયો એ નિરાકાર નહિ, પણ જેમ મહારાજ સાકાર છે તેમ એ ભક્તનો ચૈતન્ય પણ સાકાર થયો; માટે આ વિચાર એ જ દેહ ભૂલવાનું પ્રાયશ્ચિત્ત છે. તે વિના બીજો ઉપાય એવો નથી. પછી વાત કરી જે આપણે ત્યાગીએ, બે વાનાં – જે ધન અને સ્ત્રી, તેનો ત્યાગ દ્રઢપણે રાખવો જોઈએ તો મોટાનો જોગ કર્યોય પ્રમાણ. પણ એ બે વાનાં નકરાં જાળવી બેસી રહે તો શું થાય ? માટે ફળ સામી દષ્ટિ રાખવી જોઈએ. ફળ હશે તો એ બે વાનાં સહેજે જળવાશે. માટે ફળ જે મૂર્તિ તે મુખ્ય રાખવી અને એ બે વાનાંનો ત્યાગ રાખવો તો સંપૂર્ણ સાધુતા કહેવાય, અને મોટાનો જોગ કર્યો ત્યારે જ પ્રમાણ કહેવાય.

(૨૩) શ્રીજીમહારાજનો દરજ્જો સૌથી પહેલો છે અને અનાદિમુક્તનો દરજ્જો બીજો છે; મહારાજ પૂજાય તે ભેગા એ મુક્ત પણ પૂજાય છે. જો આ દરજ્જાની ખબર રાખે તો તેમની પાસે પોતાને કાંઈ માન ન રહે. કારણ કે એ સર્વ મહારાજને લઈને છે. તેથી બધી પૂજા, પ્રતિષ્ઠા, સત્કાર, સન્માન મહારાજને જ થાય છે. એમ જાણે તો એમની મોટપ જણાય. પછી એમની પાસે પોતાના ડહાપણનો સંકલ્પ કેમ રહે ? ન જ રહે. બાપાશ્રી કહેતા કે, જેને લાખો માણસો માનતા હોય તો જાણવું જે એ જરૂર મોટા હશે. એટલા માણસો માને અને જેમ છે તેમ સ્થિતિ રહે તો મહારાજ પૂજાય છે, એમ જાણવું. જો પોતે પૂજાતા-મનાતા હોય તો તે સન્માન જીરવી શકાય નહિ અને સ્થિતિ પણ રહે નહીં. બીજાને સમજાવવાનું તાન રહે પણ પોતાના જીવને ન સમજાવાય તે કેટલી ખોટ ? માટે પહેલો તો પોતાના જીવાત્માને બરાબર સમજાવવો; પછી બીજાનું કરવું અને કહેતા રહેવું જે ભાઈઓ ! જોજો ! સત્તાવનનું ટોળું છે તે ગાફલ રહેશો તો લૂંટી લેશે.

(૨૪) ત્યાગી થઈને મહારાજના વચન પ્રમાણે ન વર્તાય તો બહુ જ મોટી ખોટ આવે. મહારાજ પાસે પહોંચવું હોય તેને એવો વિચાર કરવો જોઈએ કે હું કયા આશ્રમમાં છું ? એવું ન વિચારે ને હું ત્યાગી છું એમ માની જેટલું પ્રથમ રાખતો હતો તેટલું ને તેટલું રાખી રહે તો પછી શું ત્યાગ્યું ? તેનો વિચાર રાખવો. કોઈ માણસ સંન્યાસી થઈ પાછો પોતાને ગામ ગયો ત્યારે ગામના માણસો નોતરા દઈ જમાડવા મંડ્યાં. એક દિવસ તેમના ઘરના માણસે પણ નોતરું દીધું. એટલે પોતાને ઘેર જમવા ગયો. ત્યાં તેના ઘરના માણસે ઘેંસ પીરસી પણ તેને એ ભાવી નહિ, તેથી તેની સ્ત્રીને કહ્યું જે, આ તો સારી નથી લાગતી. ઓલ્યો મારો ઝોળો લાવ. પછી તેણે ઝોળો આપ્યો તેમાંથી મીઠાઈ, અથાણાં અને બીજો માલ પણ કાઢ્યો. પછી તેની સ્ત્રી કહે, સ્વામીજી ! આમાં તો બધુંય છે, એક હું નથી; મેં શું ગુન્હો કર્યો છે ? પછી તો એ ઘેર જ રહી ગયો. એવું ન કરવું, પણ ખરા ત્યાગી થવું.

(૨૫) મહારાજની અખંડ સ્મૃતિ કેમ રહે ? તો હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં, ન્હાતાં-ધોતાં, સર્વ ક્રિયામાં મૂર્તિનું મનન કરવું. એમ કરતાં કરતાં સ્વપ્ન પણ મહારાજ સંબંધી જ આવે તેથી આનંદ વધતો જાય. પછી એમ જાણવું જે મને મૂર્તિરૂપ દિવ્ય ચિંતામણિ મળી છે અને તેમાં જ બહુ સુખ છે. બીજે તો દુ:ખ ડોકાં કાઢી રહ્યાં છે. એવી સમજણ દ્રઢ થાય તો અખંડ સ્મૃતિ રહે. બાપાશ્રીએ અનેકને મૂર્તિના સુખમાં મેલવાની દયા કરી એ બહુ મોટું કામ કર્યું. પોતે સત્યસંકલ્પ હતા તેથી એમના સંકલ્પ સર્વ સત્ય થતા. એ આપણે નજરે જોયું. આમ અનાદિમુક્તની વાત જબરી છે. કારણ કે અનાદિમુક્ત મહારાજ ભેળા રસબસભાવે સદાય રહે છે. એ અનાદિમુક્તનો મહારાજ વિના બીજો કોઈ ઉપરી નથી.

(૨૬) સભામાં એક હરિભક્તે કહ્યું કે હજુ બે આંગળ જેટલોય સત્સંગ થયો હશે કે નહીં ? ત્યારે સ્વામી બોલ્યા જે, એટલોય નથી થયો. જો એટલો થયો હોય તો પછી વધવા માંડે અને વધતાં વધતાં મોટો થઈ જાય, ત્યારે એક મહારાજ વિના બીજું બધુંય ખોટું જણાય. તે કેવડો થયો, તો અનંતકોટિ બ્રહ્માંડમાં કોઈનો ભાર ન રહ્યો એવડો થયો. માટે વધતાં વધતાં તો આવો મોટો થઈ જાય, એમ જાણી દિવસે દિવસે સત્સંગ વૃદ્ધિ પમાડવો. જુઓને ! પ્રથમ ખધોત જેવડો જીવ હોય છે પણ તેમાંથી વધતાં વધતાં મહા તેજ જેવો થઈ જાય છે, એમ વધાય.

(૨૭) જીવને ‘હું’ રૂપી બિલાડો કોઠલામાં બેઠો છે ત્યાં સુધી ધર્મ, જ્ઞાન વૈરાગ્યાદિક માલ નહિ રહે, કેમ કે તે તો માંહી બેઠો બેઠો ખાધા જ કરે. પછી શું રહે ? માટે ‘હું’ રૂપી બિલાડો કાઢવો તો મહારાજના પ્રસન્નતારૂપ ગુણ જે દૂધ, દહીં, ઘીને ઠેકાણે છે તે રહેશે. અજ્ઞાનીનું તો શું ખાય ? તેનો તો કોઠલો જ ખાલી છે. જ્ઞાનીને તો ધર્મ-જ્ઞાનાદિક માલ છે તે ખાઈ જાય માટે જરૂર કાઢવો. તે ક્યારે જાય ? તો મહારાજે મને મૂર્તિમાં રાખ્યો છે એમ મહારાજનું કર્તાપણું મનાય અને પોતાનું કર્તાપણું ટળે, એવા ભક્ત પુણ્ય-પાપને ટાળીને ભગવાનના સાધમર્યપણાને પામે કે તુરત એ ‘હું’ રૂપી બિલાડો ટળી જાય છે, માટે ભગવાનમાં જોડાવું, અને નવધાભક્તિ કરતાં કરતાં પ્રેમલક્ષણા ભક્તિ આવે ત્યારે મૂર્તિ સિદ્ધ થાય. માટે ખટકો રાખી કરી લેવું.

(૨૮) આપણે સત્સંગ કરીએ પણ જો હૃદય ધખતું હોય તો સંત-હરિભકતોનો અભાવ આવે; તેથી સત્સંગમાં સુખ ન આવે. મચ્છુનો પાણો ઘણા કાળ પાણીમાં રહ્યો હોય પણ ટચકો મારો એટલે દેવતા ખરે. તેમ જીવ જ્યાં સુધી દેહરૂપ મટ્યો નથી અને સત્સંગનું ફળ જે મહારાજની મૂર્તિ તે હાથ આવી નથી ત્યાં સુધી મચ્છુના પાણા જેવો છે. લાખ વર્ષ સુધી સત્સંગ કરે પણ જ્યાં સુધી મૂર્તિના સાક્ષાત્કારવાળા સંત સાથે હેત નથી ત્યાં સુધી એવો ને એવો રહે. માટે એવા મોટા સંત સાથે હેત કરવું તો વૃદ્ધિ પમાય. જેનાં મૂળ પાતાળ સુધી ઊંડાં ન પહોંચ્યા હોય તેને સૂકાઈ જવાનું રહે અને એ વંડીના તૃણ જેવો ગણાય, માટે પાતાળના પાણી સુધી ઊંડા મૂળ ઘાલવાં, તો તે ક્યારેય સૂકાય નહિ એટલે ઠેઠ મૂર્તિ સુધી પહોંચ્યો, તેનુ સત્સંગરૂપ ઝાડ લીલું રહે.

(૨૯) એક દિવસ સ્વામીએ સભામાં પૂછ્યું કે, ક્યાંય હરતી-ફરતી દેરીઓ હશે ? ત્યારે પુરાણી ધર્મકિશોરદાસજીએ સ્વામી સામો હાથ કરીને કહ્યું, જે આ હરતી-ફરતી દેરીઓ છે. પછી સ્વામી બોલ્યા કે, ખરી વાત. જેના ભેળા પ્રત્યક્ષ ભગવાન હોય તે ભેળા ખાય, પીએ, બેસે, ઊઠે, બોલે, ચાલે તથા બીજાને મુક્ત કરે. એવું કામ હરતી-ફરતી દેરીઓ કરે.

(૩૦) એક વખત ગઢડામાં મોટા સંતે સભામાં બહુ જ વાતો કરી. પછી સમાપ્તિ વખતે બોલ્યા જે, આજ તો બધી કામરાજભાઈની વાત થઈ. હવે આવતી કાલે માનાભાઈની વાત કરશું. પછી માનો નામે પાળો હતો, તેણે વાત કરનાર સંતને આસને જઈને કહ્યું કે, સ્વામી ! મારો જે કાંઈ વાંક હોય તે અહીં કહેજો પણ સભામાં ફજેત કરશો નહીં. પછી તે સંતે માના ભક્તને સમજાવ્યા ત્યારે ખબર પડી જે આ તો માનખંડનની વાત થવાની છે. એમ ખબર વિના એવું થઈ જાય.