વાર્તા 31 થી 40
(૩૧) સૂર્યને વાંસે મૂકીને પડછાયાને પાછળ કાઢવો હોય તે કોઈ રીતે ન બને. એ તો સૂર્ય સામો જાય તો જ પડછાયો પાછળ પડે, પણ તે વિના દાખડો કરે તેમાં કાંઈ વળે નહિ; તેમ મહારાજને છેટા રાખીને માયાને ટાળવી છે, એ કોઈ કાળે બને તેવું નથી. એ તો જ્યારે મહારાજનો સંબંધ થાય ત્યારે જ માયા છેટી રહે.
(૩૨) મહારાજની મૂર્તિનો સંબંધ ન થયો હોય ત્યાં સુધી કોઈ મહિમાની વાત કરે તો મનમાં એમ થયા કરે જે આમ તે કાંઈ હોય ? કોઈ કહે, સમજાવે તોય ન મનાય. કેમ કે જીવ એવા ઠરાવ કરી બેસે છે કે વનમાં જઈ તપ કરીને સુકાઈ જઈએ ત્યારે ભગવાન મળે, પણ વિચારતો નથી જે એમ કર્યે શું થાય ? એ તો નજર પૂગ્યા વિના એવું સમજે છે. જેમ અભણ હોય તે એમ કહે કે આ કાગળ સામું જોઈને શું બોલે છે ? પણ ભણેલો હોય તે એમ ન કહે. એ તો સમજે કે આ અભણ છે તેથી અજ્ઞાને કરીને સમજયા વિના અવળું-સવળું બોલે છે. આમ તેના બોલનો ભણેલાને ધોખો થાય નહીં. તે ઉપર વાત કરી કે જૂનાગઢના મંદિરમાં એક ભરવાડ ગયો હતો ત્યારે મંદિરમાં દૂધપાકની રસોઈ હતી, તે દૂધપાક પીરસાતો જોઈ ભરવાડે જમવાની ના પાડી ને કહ્યું જે એ દૂધનો ઘૂંટો મને નહિ ભાવે, મને તો ઘેંસ ને દૂધ હોય તો ભાવે. પણ સંતોના આગ્રહથી એ ઘૂંટો ચાખ્યો ત્યારે સારો લાગ્યો; પછી તો એ સારી રીતે જમ્યો. તેમ વાત સમજાય એટલે શંકા મટી જાય. જેમ ભરવાડે પ્રથમ ના કહી પણ પછી ઘૂંટો જમ્યો, તેમ જે મૂર્તિરૂપી ઘૂંટો એક વાર જમ્યો તેને બીજું ન ભાવે. આ લોકમાં ગળ્યા ઘૂંટાના તો પૈસા બેસે છે તેમ આમાં નથી. મૂર્તિરૂપી ઘૂંટો તો જેને લેવો હોય તેને મળે છે. તેથી મોટા મુક્ત કહે છે કે, “કોઈ લ્યો ! કોઈ લ્યો !” માટે મૂર્તિમાં જોડાવું એટલે બીજેથી વાસના તૂટી જાય અને સુખિયા થવાય. જેણે એ મહારસ ચાખ્યો તેણે સંસારીડો કૂચો કરી નાખ્યો. તેમ મહારાજની મૂર્તિમાં જે નિમગ્ન થયો તેને બીજું કાંઈ ન ગમે.
એક ગરીબ સ્ત્રીને રાજાએ રાણી કરી, પછી તેને એ મોટા ભવનમાં સુખ ન આવ્યું અને પોતાના પ્રથમના અભ્યાસથી ટાઢા ટુકડા સાંભર્યા. તેથી એક દિવસ ટાઢા રોટલા ગોખમાં મૂકી તેની પાસે દેજો માબાપ, દેજો માબાપ, એમ કહી તે ટુકડા ખાધા. આ વાતની રાજાને ખબર પડી એટલે તેના પર કુરાજી થઈ તેનો દેહ રહ્યો ત્યાં સુધી તેનું મોઢું જોયું નહીં. તેમ સત્સંગમાં આવ્યા પછી પોતાના આગળના ઠરાવ મૂકે નહિ તો મહારાજ તેને જન્મ ધરાવીને શુદ્ધ કર્યા પછી જ મોક્ષ કરે છે.
(૩૩) મહારાજની મૂર્તિમાં જોડાઈ રહેવાથી બહુ ભારે કામ થાય છે. તે વિષે ચંદ્રકાંત મણિની વાત કરી જે, એ મણિ જેને મળ્યો હતો તેણે શરદપૂનમની રાત્રિએ અગાશીમાં મૂકીને પૂજ્યો. એ વખતે ચંદ્રની કિરણો મણિ ઉપર પડી કે તરત જ મણિમાંથી સોનાની સેડ્યો છૂટવા માંડી તે ગામ અને ગામના ફરતા દેશમાં વ્યાપી ગઈ. તે સોનું જેણે જેણે લીધું તે સુખિયા થઈ ગયા. એ ટાણે ખાવા-પીવાનું અને સૂવાનું પણ કોઈ સંભારે નહીં. તેમ આપણને અત્યારે એવો વખત છે, પણ બાળક જેવા જીવને ખબર પડે નહીં. તે તો વચમાં ખાવાનું માગે અને રોયા કરે. તેમ આ વાત ન સમજાણી હોય તેને બાળક જેવા જાણવા. આ પ્રાપ્તિ મહા દાખડે પણ કોઈને મળી શકે તેવી નથી તે આપણને સહેજે મળી છે. આવે વખતે આળસ રહે તો બહુ ખોટ રહી જાય. જેમ કોઈને પીધાની આળસે અમૃત ઢળી ગયું, તેમ આવ્યું સુખ જતું રહે. અત્યારે ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એવો વખત જાય છે. આપણને મૂર્તિરૂપી ચિંતામણિ જેવી મહામોંઘી વસ્તુ મળી છે; તેથી હવે મળવાનું કે પામવાનું કાંઈ બાકી નથી.
(૩૪) આપણને મહારાજે મોટા મેળવ્યા તે બરોબર જોઈએ તેવા મોટા મેળવ્યા છે. જેવા છે તેવા ઓળખાય તો તુરત કામ કરી દે અને કોઈ વાતની તાણ રહેવા દે નહીં. કેટલાક કહે છે કે, આ લૂગડું પ્રસાદીનું છે; આ ચરણારવિંદ પ્રસાદીનાં છે. પણ પ્રસાદી વિના શી વસ્તુ છે ? મહારાજ અણુ અણુ પ્રત્યે છે તેથી સર્વત્ર પ્રસાદીમય જ છે; ક્યાંય ન હોય તેમ નહીં. એવો મહિમા જાણી મૂર્તિમાં નિમગ્ન થવાય તો બીજેથી વાસના તૂટી જાય અને સર્વ દિવ્ય ભાસે.
(૩૫) એક સંતે સ્વામીશ્રીને ફૂલનો હાર પહેરાવ્યો. તે હાર હાથમાં લઈને સ્વામી એમ બોલ્યા જે, આ હાર ઝાઝા કરવા હોય તો થાય કે નહીં ? ત્યારે દેવરાજભાઈ બોલ્યા જે થાય. પછી સ્વામી કહે, કેવી રીતે થાય ? ત્યારે દેવરાજભાઈ કહે કે જેટલા મુક્ત મૂર્તિને પામ્યા છે તે સર્વે ભેગા હોય જ, તેથી મહારાજે હાર પહેર્યો એમ જાણીએ, એટલે મૂર્તિ ભેગા જેટલા મુક્ત છે તેટલાએ હાર પહેર્યા એમ જણાય.. એમ અનંત હાર થયા. કારણ કે અનંત મુક્ત મૂર્તિમાં રસબસભાવે સુખ લીધા જ કરે છે. પછી સ્વામી બોલ્યા કે, બરોબર દષ્ટિ પૂગી. એવી જ રીતે મહારાજને ચાંદલો કરીએ તે ભેળા અનેક મુક્તને પણ ચાંદલા થયા એવી લટક હાથ આવે તો ભગવાન રાજી થાય, પણ સમજવામાં અટકે તો રાજી ન થાય.
(૩૬) શ્રી પુરુષોત્તમનારાયણ અને તેમના સંકલ્પ સ્વરૂપ એમાં ફેર કેમ સમજવો ? કેમ કે શ્રી પુરુષોત્તમનારાયણ પણ એ કામ કરે અને સંકલ્પ સ્વરૂપ પણ એ કામ કરે. ત્યારે સ્વામી કહે કે ફેર એટલો કે સંકલ્પ સ્વરૂપ અનેક અને સંકલ્પના કરનારા એક શ્રીજીમહારાજ; પણ વસ્તુ જુદી નહીં. પછી સોમા ભક્તે પૂછ્યું જે, શ્રી પુરુષોત્તમ અને સંકલ્પ સ્વરૂપ તે બેના સમાગમ કરનારને અધિક ન્યૂન કહેવાય કે નહીં ? અને સમાગમ કરનારાને ખબર પડે જે આ સંકલ્પ મૂર્તિ છે કે મૂળ મૂર્તિ છે ? ત્યારે સ્વામી બોલ્યા જે, એને સુખ સરખું છે. વસ્તુ એક જ છે પણ એ વાત તો જેને પુરુષોત્તમ ભગવાન સમજાવે તેને જ સમજાય અને જે મુક્ત મૂર્તિના સુખે સુખિયા થયા છે તેને તો મૂળ મહારાજ જ છે પણ સંકલ્પ છે એવો ભાવ જ નથી. પછી વળી સોમા ભક્તે પૂછ્યું જે, આ મહારાજના સંકલ્પ છે એમ મહારાજ પોતે સમજાવે છે તેનું શું કારણ હશે ? ત્યારે સ્વામી કહે, એવા ઝાઝા સ્વરૂપે મહારાજ પોતાનો મહિમા સમજાવે તેણે કરીને સાધનદશાવાળાને સમાસ બહુ થાય. પછી ઐશ્વર્ય પ્રતાપ જોઈ આશ્ચર્ય પામે અને મૂર્તિમાં જોડાય, ત્યારે એક જ રૂપ ભાસે છે; પછી તો એને એક પુરુષોત્તમ જ છે એમ વર્તે ત્યારે સિદ્ધદશાવાળા જાણવા.
(૩૭) શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે કે, ખરો સાધુ તો હું છું, તે શું ? તો જે સાધુ હતો તેનો ચૈતન્ય મહારાજે મૂર્તિમાં લીધો અને દેખાવ પોતાનો કર્યો – તેથી ખરા સાધુ તો મહારાજ પોતે જ થયા, કેમ કે મુકત તો કાંઈ કરતા જ નથી. એ તો મહારાજના સુખે સુખિયા છે. મહારાજની મૂર્તિમાંથી મુક્તને નવીન નવીન આનંદ આવે છે. તે તો જેમ ચંદન-પુષ્પ અને કેવડા આદિમાંથી નવી નવી ખુશ્બો આવ્યા જ કરે છે, તેમ મહારાજની મૂર્તિમાં અનાદિમુક્તને નવીન નવીન સુખ આવતું જ જાય છે. એ મૂર્તિને સંભારીને વાતો કરીએ છીએ તેમાં પણ નવીન નવીન રસ ચાલ્યો આવે છે; એવી એ અલૌકિક મૂર્તિ છે.
(૩૮) શહેરમાં માણસો વસ્તુઓ લેવા જાય છે તેમાં લેનાર હોય તે પૂછી જુએ તો આપનારા તેને ભાવ કરીને આપે. પણ જો લેનાર જુએ નહિ અને કોઈને પૂછે નહિ તો આપનારા એમ જાણે જે આ કાંઈ લેવા નીકળ્યા નથી. આ તો અમથા ફરે છે. એમ મહારાજ તો તૈયાર બેઠા છે અને કહે છે કે મૂર્તિ કોઈ લ્યો ! કોઈ લ્યો ! પણ લેનાર માગે તો તેને આપે. જે ખરા ખપવાળા છે તે તો મૂર્તિ માટે રાત-દિવસ પ્રયત્ન કર્યા કરે છે. એવા ખપવાળાને મહારાજ તત્કાળ સુખિયા કરી મૂકે છે. જેણે સાકર કોઈ દિવસ જોઈ નથી અને સાકરના જમનારાનો વિશ્વાસ નથી તેને સાકાર લેવાનો ખપ શી રીતે થાય ? ન જ થાય. કોઈ આપે તોપણ ન લેવાય. જે સાકરના જમનારા છે તે તો એના સુખને જેમ છે તેમ જાણે છે તેમ મહારાજના સુખભોક્તા મુક્તને મહારાજ સુખ આપે છે. એવી જ રીતે, મહારાજ અને મોટાનો વિશ્વાસ હોય તથા તેમની અનુવૃત્તિમાં જે રહેતા હોય તેને મહારાજ સુખ આપે છે; પણ જેને મહારાજ અને મોટાનો વિશ્વાસ નથી, અને પોતે પણ સુખ દેખ્યું નથી, તેને તો કોઈ કાળે એ સુખ પ્રાપ્ત થવાનું નથી. અનંતકોટિ બ્રહ્માંડમાં મહારાજને કોઈ ઢાંકી શકે તેવું નથી. કારણ કે પોતાનું તેજ – જે અધોઊર્ધ્વ પ્રમાણરહિત છે – તે પણ ઢાંકી શકાતું નથી તો પછી બીજા અક્ષરાદિક તો શાના ઢાંકી શકે ? ન જ ઢાંકી શકે.
(૩૯) કોઈ જાણે જે મેં ઉત્તમ પ્રકારના થાળે કરીને તથા સારાં સારાં વસ્ત્રે કરીને મહારાજને સુખિયા કર્યા, પણ તે એમ જાણતો નથી કે મહારાજ તો પોતાના સુખે સુખિયા છે. જેમ કોઈ મોટો શેઠિયો હોય, તેને ઘેર માણસો થાપણ મૂકવા જાય છે; તો શું તે થાપણે કરીને એ શેઠિયો થયો છે ? ના ના. એ તો પ્રથમથી જ શેઠિયો છે. બીજાની થાપણ રાખી તે તો તેનો એને ભાર જાળવવાનો છે. તેમ મહારાજને તો આપણું બધુંય જાળવવાનું છે.
(૪૦) મહારાજ અણુ અણુમાં રહ્યા છે એ વાતની હા પડે, પણ કેમ હોય તો અણુ અણુમાં રહ્યા કહેવાય ? એ વાતની જો ખબર ન હોય તો તે વાચ્યાર્થ કહેવાય. મહારાજ સ્વામી ને પોતે સેવક, મહારાજ સુખના દાતા ને પોતે ભોક્તા, એમ થાય તો લક્ષ્યાર્થ કહેવાય. માટે ખટકો બહુ રાખવો ને કરવાનું કરી લેવું. આપણે વર્તમાન ધરાવ્યા ત્યારે તન, મન, ધન અર્પણ કરેલું છે તે પાછું કોઈ દિવસ આપણું માનવું નહીં. તે કેવી રીતે ? તો મહારાજે મને મૂર્તિમાં રાખ્યો છે તેથી સર્વ મહારાજનું જ છે, એમ મનાય ત્યારે અર્પણ કર્યું કહેવાય. તે વિના વર્ણાશ્રમસંબંધી ઉપલા ધર્મ પાળે તેને શું થાય ? એ તો જેમ બ્રાહ્મણનો ધર્મ છે જે ન્હાવું, ધોવું ને પવિત્રપણે રહેવું; એ ધર્મે આ લોકમાં કીર્તિ થાય, પણ કલ્યાણ ન થાય. કલ્યાણ તો ભાગવત ધર્મે કરીને જ થાય.