વાર્તા 41 થી 50
(૪૧) ઘરમાં પેઠા પછે જેમ બહારનું કાંઈ કરવાનું રહેતું નથી, તેમ મૂર્તિમાં રહ્યો તેને બહારનો વ્યવહાર કરવો પડે નહિ, કેમ કે તેની સર્વ ક્રિયા મહારાજ કરે છે. તેનો ખટકો મહારાજને છે. દેહધારીને તો પોતાપણું મટતું નથી તેથી તે એમ જાણે જે હું આમ કરી લઉં. એ તો અમથો ભાર ભરે છે. પણ તેનાથી કાંઈએ થવાનું નહીં. એ કરતાં જો મહારાજનું કર્તાપણું મનાય તો પૂરું થાય. જેમ ઝાડને પાણીનો જોગ થાય એટલે પાધરા કોટા ફૂટે છે, તેમ જ્યાં સુધી પોતાપણું માને છે ત્યાં સુધી જન્મમરણ ટળતું જ નથી અને હું આમ કરું છું, મેં આમ કર્યું, એમ રહે છે તે જ અજ્ઞાન છે પણ તેની જીવને ખબર પડતી નથી તેથી એમ કર્યા કરે છે. માટે સમાગમ કરીને એવી અણસમજણનો ત્યાગ કરી દેવો.
(૪૨) સત્સંગ કેને કહેવાય ને કુસંગ કેને કહેવાય ? તો દેહનો સંગ છે ત્યાં સુધી કુસંગ ને મૂર્તિનો સંગ થાય એટલો સત્સંગ. જ્યારે દેહ નથી ને મહારાજે મને મૂર્તિમાં રાખ્યો છે એવું મનાય એટલે મુક્ત થયો કહેવાય અને દેહરૂપ હોય ત્યાં સુધી તો ભક્ત કહેવાય. હવે આપણે કઈ સ્થિતિમાં છીએ તે જોવું. જેને પોતાની સ્થિતિની ખબર ન હોય તેને સત્સંગની શું ખબર પડે ? માણસને હાથ, પગ, નાક, કાન છે તેથી કાંઈ માણસ કહેવાય છે ? ના, ના, એ તો જ્ઞાને કરીને સત્ય અસત્યનો વિવેક સમજે તો જ માણસ; નહિ તો પશુ જેવા જાણવા.
(૪૩) અનંતકોટિ બ્રહ્માંડોમાંથી જેટલા મહારાજને પામેલા મુક્તો તે સર્વે મહારાજ ભેળા છે. તે મૂર્તિ ભેળો આપણો ચૈતન્ય રહ્યો એટલે જેને પામવા હતા તે પમાય. પણ ઘડીક મૂર્તિમાં રહે ને ઘડીક દેહરૂપ થાય એને તો જીવનમુક્ત કહેવાશે. પણ વિદેહી કે કૈવલ્ય નહિ કહેવાય. માટે મૂર્તિમાં રહે તેને મતે બીજું કાંઈ છે જ નહિ, મૂર્તિ જ છે. ‘મેરે તો તુમ એક આધારા’ બીજી વસ્તુ છે તેવો તો સંકલ્પ પણ ન થાય, એ મુક્ત થયો કહેવાય.
(૪૪) આપણે સત્સંગ કરીએ છીએ તેના ફળરૂપ મૂર્તિ મળી છે. લોકો ખેતી કરે છે તેને મોલ સામી અને અનાજના ઢગલા સામી દષ્ટિ રહે છે, તેમ આપણે સાધન કરીએ પણ ફળ જે મહારાજની મૂર્તિ તે સામી દષ્ટિ રાખવી. જો તે ન રહી તો પછી તેને શું પ્રાપ્ત થાય ? તેવાને તો પશુતુલ્ય જાણવો. કારણ કે જેને પામવા છે તેને તો એ જાણતો નથી. માટે ફળ સામી દૃષ્ટિ રાખવી, એ કરવાનું છે.
(૪૫) જ્યાં ભગવાન હોય ત્યાં સુખ-શાંતિ હોય. ચોમાસામાં બધેય લીલું થઈ રહે છે પણ જેઠ માસમાં એવું ન હોય તેમ મહારાજ પાસે બધુંય છે. મહારાજે મૂર્તિમાં રાખ્યા પછી એમ જણાય કે દેહ છે જ નહીં, એક મહારાજ જ છે. અને ક્રિયા તો એમની મરજી હોય તો તેમ થાય. એમને જેમ ચલાવવું હોય તેમ ચલાવે પણ તેનું એને કાંઈ નહીં. તેમ આપણે પણ મૂર્તિમાં જ રહેવું કેમ કે આ લોકનો પાર નહિ આવે. માટે બીજું બધું પડ્યું મૂકીને આ કામ કરી લેવું.
(૪૬) આપણે સમાગમ કરવો તે બરાબર તપાસીને કરવો ને મહારાજરૂપ હોય તેની સાથે હેત બાંધવું ને ભેગા રહીને જોવું. પછી તેનો વિશ્વાસ કરવો તો એવી સ્થિતિ થાય. પછી પાટડીવાળા નાગજીભાઈ બેઠા હતા તેને કહ્યું જે કેમ નાગજીભાઈ આ વાત બરાબર છે ? ત્યારે તે કહે હા, એમ જ છે.
(૪૭) આપણે મૂર્તિમાં જોડાણા એટલે મહારાજ જ છે. પછી કોઈ વિક્ષેપને લઈ મૂર્તિ ભુલાય તો શું મૂર્તિ જતી રહે ? ન જતી રહે. મંદિરમાં ઠાકોરજી પધરાવ્યા પછી ઠાકોરજી શું જતા રહે ? ન જતા રહે. તે તો એક જ વાર પધરાવાય. પણ ઘડી ઘડી સ્થાપન ઉત્થાપન ન થાય. જેમ આપણે ઊંઘી ગયા એટલે શું માણસ મટી ગયા ? ન મટી ગયા. તેમ ભૂલ પડે તો પછી જાણીને સંભાળી લેવું. આવી સિદ્ધતા થઈ એટલે પૂરું. પછી કાંઈ બાકી નહીં.
(૪૮) દેહ બાળી નાખો કે સુકાઈ જાઓ પણ મહારાજને અને મોટા મુક્તને રાજી કર્યા વિના મને મહારાજે મૂર્તિમાં રાખ્યો છે એ ભાવ ન આવે. આવી સમજણ જેને હોય તે સાંખ્ય, અને સાંખ્ય તે આંખ્ય કહેવાય. માટે અહીં સાંખ્ય થયો તે મહારાજના ભેગો થયો. પછી મહારાજ જાણે એટલું એ જાણે એટલે મૂર્તિ જેવો દિવ્ય થયો, તે ખરો સાંખ્ય કહેવાય. જેના અંતરમાં ઉછરંગ હોય, તેના ઉપર મોટા મુક્ત રાજી થઈ જાય છે તેથી એનો સત્સંગ દિવસે દિવસે વધતો જાય છે. જે ખપવાળો હોય તે તો એવા મોટાના જોગ-સમાગમે આનંદ પામે છે, માટે ખપ કરવો. જેને ખપ ન હોય તે તો મોટા મોટાને વિષે ખોટ્યો કાઢે છે તેણે કરીને પોતાને આગળ જવાતું નથી, ને બીજાને પણ એ અંતરાયરૂપ થાય છે. માટે મોટાને જોગે સત્સંગ વૃદ્ધિ પમાડવો અને મૂર્તિના સુખનું જાણપણું રાખવું.
(૪૯) સ્વામીએ પૂછ્યું કે, મહારાજનો જન્મ કઈ સાલમાં છે ? પછી પુરાણી ધર્મકિશોરદાસજી કહે કે, સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ ૯ના દિવસે. ત્યારે સ્વામી બોલ્યા જે, એ તો ધર્મપિતાને દેખાણા તે એમને માટે કહેવાય, પણ આપણે ક્યારે પ્રગટ થયા કહેવાય ? પછી પુરાણી કાંઈ બોલ્યા નહીં. ત્યારે સ્વામી કહે કે, જે સમયે ને જે વખતે જેને મહારાજનો સાક્ષાત્કાર થયો, તે વખતે તેને માટે પુરુષોત્તમ પ્રગટ થયા કહેવાય. તેની વરસ, તિથિ કે સમય કહેવાય નહિ; એને તો સદાય મહારાજ છે જ, ને તેને એમ જણાય છે જે હું તો અનાદિકાળનો મૂર્તિમાં જ છું, છું ને છું જ.
(૫૦) આપણે મહારાજ અને મોટા મુક્ત સાથે હેત બાંધવું તો મહારાજ અને મોટા આપણને સુખિયા કરી મૂકે, અને છાના છાના આશીર્વાદ આપીને આપણું ઘર ભરી દે. જુઓને ! સંસારમાં એકબીજા ઉપર હેત હોય છે, તો સગાંસંબંધી કોઈ વાર વઢે, વખાણે પણ હેતવાળાને ધન ધાન્ય આપીને પોતા જેવા કરે છે. એ રીતે મહારાજ અને મોટા સાથે આપણને હેત છે તો તેમણે આપણને પોતાના જેવા દિવ્ય કરી દીધા છે. માટે હેતરૂપ જ ભક્તિ છે એમ જાણી હેત બાંધવું. જો જગત-વ્યવહારની પેઠે તેમને સરખા ગણી દે તો પછી તેમની સાથે જોડાવાય નહિ અને મહારાજ સુખ પણ ન આપે. ઝીણી બુદ્ધિવાળા કેને જાણવા ? તો એક મૂર્તિમાં જ જોડાઈ જાય અને દેહ છે જ નહિ એવું કરી નાખે તેને જાણવા. પણ એમ ન જાણવું કે આવી જ વાતો ઘડી ઘડી શું કરવા કરતા હશે ? જો વાત કરતા હશે તો કોઈને સમજવા માટે કરતા હશે. અને કેટલાક તો એમ સમજી પણ ગયા હશે એમ જાણવું. મહારાજના મહિમાની વાતોમાં તો હદ બાંધવી જ નહિ અને વધતા ને વધતા જવું.