આજ્ઞાપાલક છતાં અનાસક્ત

ભારાસરના હરિભક્તોએ બાપાશ્રીને એક દિવસ પ્રાર્થના કરી, ‘‘બાપા ! આપ તો ભારાસર પધારવાના છો પણ આપની સાથે સદ્‌ગુરુશ્રી પણ પધારે એવી દયા કરો. ’’

બાપાશ્રીએ પ્રેમી ભક્તોનો આ મનોરથ પૂરો કરવા સદ્‌ગુરુશ્રીને પોતાની સાથે ભારાસર લીધા. પરંતુ જ્યારે બાપાશ્રી અને સદ્‌ગુરુશ્રી ભારાસરમાં પધાર્યા ત્યારે કોણ જાણે કેમ પણ સદ્‌ગુરુશ્રીને શરીરે અચાનક મંદવાડ થઈ ગયો.

બાપાશ્રી-સદ્‌ગુરુશ્રી રોકાયા. પછી બાપાશ્રીએ સૌને ખૂબ સુખિયા કર્યા. પરંતુ સદ્‌ગુરુશ્રીના મંદવાડના કારણે તેમનાં દર્શન-સમાગમનું કોઈને સુખ ન આવ્યું. જ્યારે ભારાસરથી પાછા પધાર્યા ત્યારે રસ્તામાં સદ્‌ગુરુશ્રીએ મંદવાડને રજા આપી દીધી.

સદ્‌ગુરુશ્રીનું આ રીતે સ્વતંત્રપણે મંદવાડ ગ્રહણ કરવો અને રજા આપવી, એ દિવ્ય ચરિત્ર જોઈ હરિભક્તોએ બાપાશ્રીને આનું રહસ્ય પૂછ્‌યું, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ત્યાગીએ પોતાની જન્મભૂમિમાં ન જવાય એવી આજ્ઞા છે; પરંતુ અમારી રુચિ જાણી સ્વામી આવ્યા તો ખરા, પણ પોતાની રુચિ નહિ, તેથી મંદવાડ ગ્રહણ કર્યો. જ્યારે ભારાસરમાંથી આપણે નીકળ્યા ત્યારે મંદવાડને રજા આપી દીધી.”

શ્રીજીમહારાજના સંકલ્પથી દેખાતું સ્વરૂપ એટલે સદ્‌ગુરુશ્રી કે જેમના માટે જન્મભૂમિ છે જ નહીં. એટલે એમની અલૌકિક મોટપ જાણી બાપાશ્રીએ સાથે લીધા પણ એમને માટે જન્મભૂમિ હતી જ નહિ, છતાં મોટાના વચનમાં કઈ રીતે વર્તવું અને માંહીથી કેવી રીતે અનાસક્ત રહેવું, તે રીત પોતાના વર્તન દ્વારા દેખાડી દીધી !!