સદ્‌ગુરુની જોડ

સદ્. ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રી એટલે શ્રીજીમહારાજના અનુગામી અને આધ્યાત્મિક વારસદાર એવા શ્રીજીસંકલ્પ સ્વરૂપ સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીના પ્રશિષ્ય. અને એટલે જ સદ્. ઈશ્વરચરણદાસજી સ્વામી પણ એવા જ સમર્થ અને મહા પ્રતાપી હતા.        

સદ્. ઈશ્વરચરણદાસજી સ્વામી આવા સમર્થ હોવા છતાં, બાપાશ્રી પ્રત્યે અહોનિશ દિવ્યભાવ, આગવી પ્રીતિ, અનેરો સેવકભાવ અને બાપાશ્રીની રુચિમાં રહી શ્રીજીમહારાજના સર્વોપરી સિદ્ધાંતોના પ્રવર્તનનો આગ્રહ જોઈ સદ્‌. વૃંદાવનદાસજી સ્વામી પોતે ઉંમરમાં મોટા હોવા છતાં સૌને કહેતા કે,  “સ્વામી ઈશ્વરચરણદાસજીથી નોખી મારી રુચિ છે જ નહીં. એ એંજિન છે અને અમે તો ડબ્બા છીએ.’’ સદ્‌. વૃંદાવનદાસજી સ્વામીનું પણ કેટલું નિર્માનીપણું ! પોતે ઉંમરમાં મોટા અને સ્થિતિમાં એકસરખા હોવા છતાં સેવકભાવમાં જ રહ્યા. આ જ મહાનતા ! આ જ દિવ્યતા !! આ જ મોટપ !!!

સદ્‌. વૃંદાવનદાસજી સ્વામી અને સદ્‌. ઈશ્વરચરણદાસજીની જોડ અજબ લાગે. બાપાશ્રીનાં દર્શન, સેવા, સમાગમ કે પછી ઉત્સવ, સમૈયો હોય પરંતુ બંને સદ્‌ગુરુઓ સાથે ને સાથે જ. પ્રેમી ભક્તો પોતાને ગામ તેડવા પધારે તોપણ બેય સદ્‌ગુરુઓનો સૌ આગ્રહ રાખે અને બેય સાથે જ જતા.

બેય સદ્‌ગુરુઓ અતિ સમર્થ અને ઠેઠના સ્વરૂપ, એટલે કે શ્રીજીમહારાજની ઇચ્છાથી મૂર્તિમાં રહ્યા થકા આ લોકમાં વિચરતા દિવ્ય અને ભવ્ય સ્વરૂપો !

સદ્‌. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીએ બાપાશ્રીને પ્રશ્ન પૂછી ‘રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત’ અને ‘બાપાશ્રીની વાતો’ જેવા અણમોલ ગ્રંથો આ સંપ્રદાયને આપ્યા છે ત્યારે આ બંને ગ્રંથોમાં બાપાશ્રીને ભારે ભારે પ્રશ્નો પૂછી, અનંતને માયાનાં આવરણ ભેદી મૂર્તિનો પ્રકાશ કરાવનાર આ બંને સદ્‌ગુરુઓ જ હતા.

બંને સદ્‌ગુરુઓ સમર્થ હતા. કોઈ એેકને અધિક, ન્યૂન ન કહી શકાય. પરંતુ બેય સદ્‌ગુરુઓ એકબીજાને માટે કાયા અને છાયા બની રહેતા. બંને સદ્‌ગુરુઓ એકબીજાની આગળ નિર્માની થઈ રહેતા-રાખતા અને મહિમા સમજતા-સમજાવતા.

એક વખત ચોમાસાના દિવસો હતા. આકાશ કાળાં ડિબાંગ વાદળોથી ઘેરાઈ જાય અને ક્યારે બારે મેઘ ખાંગા થાય એ કાંઈ કહી જ ન શકાય... એવા વિકટ સંજોગો હતા. એમાં એક દિવસ ગામ જમિયતપુરાથી હરિભક્તો અમદાવાદ આવ્યા. સદ્‌ગુરુશ્રી વૃંદાવનદાસજીની પાસે જઈ, પ્રાર્થના કરી કહેવા લાગ્યા, ‘‘બાપજી ! અમારે ગામ પધારો. દયા કરો. સદ્‌. ઈશ્વરચરણદાસજી સ્વામીને પણ સાથે પધારવાનું છે.’’

સેવકોની પ્રાર્થના સાંભળી સદ્‌. શ્રી વૃંદાવનદાસજી બોલ્યા, ‘‘આવા સંજોગામાં તકલીફ નહિ પડે ? હરિભક્તો લાભ નહિ લઈ શકે ને સંતોને પણ તકલીફ પડશે. મોટા સ્વામી (સદ્‌. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી)ને પૂછો, એ કહે તે ખરું.’’ આમ આજ્ઞા થતાં, હરિભક્તો તો ગયા સદ્. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીના આસને. બધી વાત કરી ત્યાં તો સદ્‌ગુરુ પોતે ત્યાં (સદ્‌. ઈશ્વરચરણદાસજીના આસને) પધાર્યા.આ જોઈ સદ્‌. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી બોલી ઊઠ્યા, ‘‘લ્યો, આ મોટા સ્વામી આવી ગયા.’’

બેય મોટા, પણ એકબીજાનો મહિમા અને મર્યાદા કેટલી ?! પોતે નાના રહી, મોટપ મૂકી મોટા કહે.  કેવી દિવ્ય પ્રતિભા...!!!