સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિના પ્રવર્તન માટે જ શ્રીજીમહારાજના સંકલ્પથી બાપાશ્રી આ બ્રહ્માંડમાં પ્રગટ થયા હતા; ત્યારે એક વખત, અનંત જીવોના મોક્ષાર્થે સૌ સંતો-ભક્તોની સાથે વિચરણ કરતાં કરતાં, બાપાશ્રી સંઘે સહિત ધોળકાની નજીક ઉપરદળ ગામે પ્રેમી ભક્ત રામજીભાઈને ત્યાં પધારેલા.
વિ.સં. ૧૯૫૧ની સાલ હતી. બાપાશ્રી ત્યાંથી સૌની સાથે ધોળકા પધાર્યા અને જાણે પૂર્વની પ્રીતિ હોય એ રીતે બાપાશ્રીનો અલૌકિક પ્રૌઢ પ્રતાપ જોઈ, સ્વામીશ્રીને બાપાશ્રી પ્રત્યે આકર્ષણ થયું અને ભાવવિભોર થઈ બાપાશ્રીનાં દર્શન કર્યાં. ખૂબ ઉત્સાહથી સ્વામીશ્રીએ તો સૌ માટે ન્હાવા-ધોવાની, ઉતારાની, ઠાકોરજી જમાડવાની અને ટાણે ટાણે કથાવાર્તા-જળપાન વગેરે સેવા કરી, સંઘને રાજી કર્યો.
ભલા-ભોળા નિર્દોષ એવા આ કચ્છી ભક્તોનું સાદું જીવન, ભગવાન ભજવાની લગની અને અંતર્વૃત્તિનાં અંગ જોઈ, સૌ સંતો-હરિભક્તોને અહોભાવ થતો કે આવા કચ્છી હરિભક્તોનાં દર્શન આપણને ક્યાંથી ?! અને એમાંય વળી સભાપ્રસંગ હોય ત્યારે ધ્યાનસ્થિતિમાં, અંતર્વૃત્તિએ યુક્ત બાપાશ્રી સૌથી આગળ ઊંચા આસને બિરાજતા. સદ્. નિર્ગુણદાસજી સ્વામીના શિષ્ય સદ્. ઈશ્વરચરણદાસજી સ્વામી જેવા મોટા મોટા સંતો પણ બાપાશ્રીનાં દર્શન, સેવા, સમાગમની ત્વરા દેખાડતા. આ જોઈ બાપાશ્રીની મોટપ સૌને સહેજે દેખાઈ આવતી.
આ બધું જોઈ સ્વામીશ્રીને પણ થતું કે, “આ બધા હરિભક્તો તો ઠીક, પણ સદ્ગરુ જેવા સંતો આ બાપાશ્રી પાસે કેમ બેસી રહેતા હશે ? એમનામાં એવું તે શું હશે ?” આવું વિચારતા પોતે પણ એક દિવસ સભામાં આવી બેઠા ને બાપાશ્રીએ પૂછ્યું,
“સ્વામી ! શું કરવા આવ્યા છો ને શું કરો છો ?” સ્વામી બોલ્યા, “નથી કરવાનું તે થાય છે અને જે કરવાનું છે એ તો આ જન્મે થાય તેમ લાગતું નથી.”
બાપાશ્રીએ કહ્યું, “સ્વામી, તો પછી બીજો જન્મ ધરો ને ! ”
“બીજો જન્મ ? શી રીતે ધરાય ?”
અને મર્માળુ હાસ્ય રેલાવતા કરુણામૂર્તિ બાપાશ્રી બોલ્યા, “સ્વામી ! કરો સંકલ્પ કે, આજથી બીજો જન્મ.”
પછી આશ્ચર્ય પામેલા સ્વામીશ્રી વૃંદાવનદાસજીએ કહ્યું, “બાપા ! એમ બોલવાથી કાંઈ બીજો જન્મ થોડો થઈ જાય ?”
“હા.! હા.! શું કામ ન થાય ? કરો સંકલ્પ !”
ત્યારે સ્વામીશ્રી બોલ્યા, “લ્યો ત્યારે કર્યો સંકલ્પ કે, આજથી બીજો જન્મ.”
ત્યાં તો વૃત્તિઓ બદલાવા લાગી અને અંતરમાં અનેરી દિવ્યતાનો અનુભવ થયો. ત્યારે બાપાશ્રી કૃપા કરી બોલ્યા, “સ્વામી ! ધ્યાન કરો ને ઊંડા ઊતરો.” એ વખતે બાપાશ્રીની કૃપાથી અધોઊર્ધ્વ ચારેકોર પ્રમાણે રહિત તેજના સમૂહમાં સદા સાકાર, દિવ્ય સ્વરૂપ, સુખના ધામ અને મનોહર મૂર્તિ એવા ઘનશ્યામ મહાપ્રભુનાં દિવ્ય દર્શન થયા !!!
અને કહેવાની જરૂર નથી કે આનંદની અવધિ ન રહી. બાપાશ્રી પાછળ અનંત જીવો શા માટે ખેંચાય છે ને બાપાશ્રીમાં એવું શું છે એનો પ્રત્યક્ષ અનુભવ જ થઈ ગયો. કોઈનેય પૂછવાની જરૂર જ ન રહી.
બાપાશ્રીની સાથે પૂર્વની પ્રીત તો હતી જ. એમાંય વળી બાપાશ્રી દ્વારા થતી મૂર્તિસુખની લહાણી, તેમજ શ્રીજીમહારાજની સર્વોપરીપણાની ઉપાસનાસંબંધી વાતો જાણી-સાંભળી અને મનોમન એમણે (સ્વામીશ્રીએ) નિર્ણય લઈ લીધો કે, ‘‘શ્રીજીમહારાજને સર્વોપરી ઓળખાવવા અને રસબસભાવે, મૂર્તિરૂપ થઈ મૂર્તિમાં રહી મૂર્તિનું સુખ લેવું-લેવડાવવું એથી મોટી બીજી કોઈ સેવા નથી. એ સિવાય બીજું બધું ખોટી થવા જેવું છે. આ હેતુ માટે તો બાપાશ્રીનું પ્રાગટ્ય છે, ત્યારે હવે આ મહંતાઈ મૂકી દેવી અને બાપાશ્રીની સાથે રહી, એમના સંકલ્પમાં ભેળા ભળી, અનંતને આ જ્ઞાનસિદ્ધાંત આપવો આ જ સાચી સેવા અને આ જ ખરો પરોપકાર. ’’ એવો મનોમન નિશ્ચય કરી લીધો.
પોતાના આ નિર્ણયને સાકાર સ્વરૂપ આપી અને મહંતાઈ મૂકી, સદ્. ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રીની પોતે જોડ થઈ ગયા. ત્યારથી બાપાશ્રીના સંકલ્પમાં બેય સદ્ગુરુઓ ( જે હેતુ માટે આવ્યા હતા તે હેતુ માટે ) જોડાઈ ગયા.