મૂળી મંદિરના મેડા ઉપર એક દિવસ બાપાશ્રી સંતોની સભામાં વાતો કરતા હતા; ત્યારે સભાનો સમય થયો. એટલે બીજા સંતો ગયા, પણ સદ્ગુરુશ્રી બેસી રહ્યા. તેથી બાપાશ્રીએ પૂછ્યું જે, ‘‘સ્વામી, કેમ બેઠા છો ?’’ ત્યારે પોતે જ રમૂજ કરતાં કહ્યું, “પ્રસાદ આપો.” ત્યારે બાપાશ્રીએ કહ્યું, ‘‘ધ્યાન કરો, પ્રસાદ મળશે.’’ આ આશીર્વચન બાદ સદ્ગુરુશ્રી ઠાકોરજીનાં દર્શન કરી, આસને જઈ ધ્યાનમાં બેઠા. ત્યાં તો તેજ તેજના અંબારમાં મહારાજનાં દિવ્ય દર્શન થવા માંડ્યાં. તેથી આનંદમાં ને આનંદમાં ક્યાં સમય વીતી ગયો એની પણ ખબર ન રહી. એમ ને એમ સવાર પડી ગઈ. પછી નાહી, ધોઈ, પૂજા કરી બાપાશ્રીનાં દર્શને આવ્યા ત્યારે બાપાશ્રીએ કહ્યું, ‘‘સ્વામી, પ્રસાદ મળ્યો ને ?!’’
સદ્ગુરુશ્રી સભા પ્રસંગે હેત-રુચિવાળાને ઘણી વખત બાપાશ્રીએ પોતાને આપેલા આ ‘દિવ્ય પ્રસાદ’ની વાત કરતાં કહેતા, ‘‘વર્તમાનકાળે શ્રીજીમહારાજે બાપાશ્રી રૂપે અનંતને મૂર્તિસુખે સુખિયા કરવાનો સંકલ્પ કર્યો છે. આવા મોટાપુરુષની કૃપા થાય તો તુરત જ મૂર્તિ સિદ્ધ થઈ જાય.’’