ગુરુભક્તિ

એક દિવસ સદ્‌. શ્રી માધવજીવનદાસજી સ્વામીએ સ્વામીશ્રીને કહ્યું, “સાધુરામ ! સત્સંગમાં થોડા વહેલા આવ્યા હોત તો નંદસંતોનાં દર્શન-સમાગમનો લાભ તમને મળત. હવે તો એ લાભ ક્યાંથી મળવાનો ?”

ત્યારે ગુરુ પ્રત્યેનો અહોભાવ દર્શાવતાં સ્વામીશ્રી વૃંદાવનદાસજીએ કહ્યું, ‘‘દયાળુ ! શ્રીજીમહારાજની કૃપાથી આપ મને મળ્યા છો. તેથી નંદસંતોનાં દર્શન-સમાગમનો લાભ તો મને આપનાં જ દર્શન, સેવા, સમાગમમાં મળી રહ્યો છે. મારા માટે તો આપ રાજી છો એટલે બધું જ આવી ગયું. ’’

મોટાપુરુષની એક એક ક્રિયા હેતુસભર જ હોય છે. કારણ કે આ બ્રહ્માંડમાં એમનું પ્રાગટ્ય પણ હેતુસભર જ હોય છે ને ? “પોતાને મળેલા સત્પુરુષને વિષે અહોભાવ એ આધ્યાત્મિક માર્ગમાં સુખિયા થવાનું પ્રથમ પગથિયું છે” એવી વાત સદ્‌. શ્રી વૃંદાવનદાસજી સ્વામીએ માત્ર કરી જ નથી, પરંતુ ‘પોતાને મળેલા સત્પુરુષને વિષે અહોભાવ, નિર્દોષભાવ અને નંદસંતોના જેવી પ્રાપ્તિ સાથે રાજીપો કમાતા રહેવું’ એ લક્ષ્યાર્થ સિદ્ધ કરી બતાવ્યો છે.

શરૂઆતમાં ગુરુ શ્રી માધવજીવનદાસજી સ્વામીને મળેલી અમદાવાદ મંદિરની મહંતાઈને લીધે એમની સાથે સત્સંગના વ્યવહારમાં જોડાવું પડ્યું, છતાંય પોતે ખંત-ખચીત અને ભગવાનના વહીવટને શુદ્ધ રીતે કરવાની સેવાભાવનાથી દેવની સેવા કરતા.

આ એમના ઊંચા ગુણો જોઈ આચાર્ય મહારાજશ્રીએ એમને અધિકારમાં જરાયે રુચિ નહિ હોવા છતાં ધોળકાના મહંત તરીકે નીમ્યા. એકમાત્ર સત્સંગના ધણી એવા શ્રીજીમહારાજને રાજી કરવા જ તેમણે એ પદનો સહર્ષ સ્વીકાર કર્યો.