પુષ્પ – 1
પુષ્પ ૧
સદ્ગુરુશ્રી એક વખત કારિયાણા ગામમાં પધાર્યા હતા. ત્યારે બજાણાના કારભારી ખુશાલભાઈ ઠક્કર, તે ગામમાં જે નવું મંદિર થયું હતું, તેના સિંહાસન અંગે વાત કરવાની તેમજ તેમાં મૂર્તિ પધરાવવા અંગે વાત કરવાની ઇચ્છાથી, કારિયાણે સદ્ગુરુશ્રી પાસે આવ્યા. ત્યારે એમની મંદિર કર્યાની સેવાથી સદ્ગુરુશ્રીએ રાજી થઈને કહ્યું, “ગામનું મંદિર તો થયું પણ તમારું મંદિર કર્યું કે નહીં ?” ત્યારે ખુશાલભાઈએ કહ્યું, “બાપજી ! એ કાંઈ સમજાયું નહીં. ” ત્યારે સદ્ગુરુશ્રીએ કહ્યું, “પોતાના ચૈતન્યમાં મહારાજની મૂર્તિ દેખાય ત્યારે મંદિર પૂરું થયું એમ કહેવાય.” ત્યારે ખુશાલભાઈએ કહ્યું, “બાપજી ! એ તો આપ કૃપા કરો તો થાય એવું છે, અમારું શું ગજું ?”
ત્યારે સદ્ગુરુશ્રીએ અતિ પ્રસન્ન થઈ કહ્યું, “ મૂળી મંદિરમાં જે ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે તે ધારો. મહારાજ ને મોટા સહાય કરશે.” પછી ખુશાલભાઈએ ધ્યાનમાં બેસી, એ મૂર્તિ ધારી કે તરત જ પોતાના ચૈતન્યને વિષે દિવ્ય મૂર્તિનાં તેજ તેજના અંબારમાં, દર્શન થયાં. પછી સદ્ગુરુશ્રીની કૃપાથી એવાં દર્શન આજીવન રહ્યાં.
પુષ્પ ૨
એક વખત સદ્ગુરુશ્રી પાટડી પધાર્યા હતા. ગોરૈયા ગામના લવજીભાઈ દર્શને આવ્યા. તેમણે સદ્ગુરુશ્રીને કહ્યું, “દયાળુ ! મને વર્તમાન ધરાવો.” સદ્ગુરુશ્રીએ પૂછ્યું, “વર્તમાન ધરાવીને શું કરશો ?” લવજીભાઈએ કહ્યું, “આ જીવનું કલ્યાણ થાય.” ત્યારે સદ્ગુરુશ્રી તેમની પર પ્રસન્ન થયા અને કહ્યું, “તમે અમદાવાદમાં ઘનશ્યામ મહારાજનાં દર્શન કર્યાં છે ?” તો કહે, “હા.” “એ મૂર્તિને અંતરમાં ધારો.” લવજીભાઈ તો ધ્યાન કરવા બેઠા. મૂર્તિ ધારી અને કહ્યું, “બાપજી ! એ મૂર્તિને ધારી, હવે શું ?” પછી સદ્ગુરુશ્રીએ કહ્યું, “એમ ધારો કે એ મૂર્તિ અમદાવાદથી મંદિરમાં આવી... અને હવે, તમારા હૃદયમાં એ મૂર્તિને નિહાળો....” લવજીભાઈ તો થોડી વાર ધ્યાનમાં બેસી રહ્યા. પછી કહ્યું, “હા, હવે બરાબર દેખાય છે.” સદ્ગુરુશ્રીએ પૂછ્યું, “આંખે દેખો છો ?” તો કહે, “હા.” સદ્ગુરુશ્રી લવજીભાઈની છાતીએ હાથ અડાડી કહ્યું, “આત્માની માંહી જુઓ.” ત્યારે થોડી વાર ધ્યાનમાં બેસી રહી, લવજીભાઈ બોલ્યા, “માંહી પણ દેખાય છે. આ દેહ તો મંદિર જેવડો થઈ ગયો છે. હું તો હવે મહારાજની સમીપે જ છું.” આ રીતે સદ્ગુરુશ્રીએ લવજીભાઈને સદાય સુખિયા કરી દીધા.
પુષ્પ ૩
એક વખત સદ્ગુરુશ્રી પાટડીથી મૂળી જવા સ્ટેશને બેઠા હતા. ત્યાં ટપાલખાતાનું કામ કરતા એક હરિભક્ત આવ્યા. તેઓ દર્શન કરી, વિનયપૂર્વક હાથ જોડી બોલ્યા, “બાપજી ! હું જ્યારે ધ્યાન કરું છું ત્યારે રાતા-પીળા એવા તણખા દેખાય છે.તે શું હશે ? “સદ્ગુરુશ્રી કહે, “પૃથ્વી, જળ, તેજ,વાયુ વગેરે આવરણોનું પ્રધાનપણું હોય ત્યાં સુધી એમ જણાય, પણ મહારાજ સારાં વાનાં કરશે. સંતોનો જોગ-સમાગમ રાખજો અને મંદિર આવતા રહેજો. “પેલા હરિભક્ત કહે, “ભલે દયાળુ.” થોડા દિવસો બાદ સદ્ગુરુશ્રી પાટડી પધાર્યા અને મંદિરમાં આવ્યા ત્યારે, ટપાલખાતાનું કામ કરતા તે હરિભક્ત ફરી દર્શને આવ્યા અને સદ્ગુરુશ્રીને હાથ જોડી વિનય-વચને પ્રાર્થના કરી, ત્યારે સદ્ગુરુશ્રીએ તેમને મૂર્તિમાં રહી મૂર્તિનું ધ્યાન કરવાની લટક આપી. આમ ધ્યાન કરવાનું કહી પ્રસન્ન થકાં માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. પછી સદ્ગુરુશ્રીની કૃપાથી તેમની વૃતિઓ મહારાજના સ્વરૂપમાં જોડાઇ ગઇ અને ત્રણ કલાક ધ્યાનમાં ઊંડા ઊતરી ગયા. આમ તે મૂર્તિસુખમાં ગરકાવ થઇ ગયા. ધ્યાનમાંથી જાગ્યા એટલે સદ્ગુરુશ્રીને દંડવત કરી દીનવચને પ્રાર્થના કરવા લાગ્યા, “દયાળુ, મુજ રાંક પર બહુ દયા કરી સુખિયો કરી દીધો. પણ દયાળુ ! મહારાજ્ની મૂર્તિના સુખમાં સદાય આમ ગુલતાન રહેવાય એવી કૃપા કરજો દયાળુ ! તમે તો મારો જન્મ સુધારી દીધો.”