અંતિમ દર્શન અને અંતર્ધાન લીલા

મહારાજ અને મુક્ત તો સદાયને માટે જન્મ ધરતા થકા અજન્મા છે. અને દેહ મૂકતા થકા અજર-અમર છે. બાપાશ્રીના શબ્દોમાં કહીએ તો “મહારાજ અને મોટા તો દેહ વિનાના કહેવાય. જગતના જીવ જેવી કોઈ ક્રિયા એમની ન હોય. ”

પરંતુ જ્યારે મહારાજ અને મુક્ત આ બ્રહ્માંડમાં પ્રગટ થાય ત્યારે પોતાના દેહનો વ્યવહાર અન્યના જેવો જ દેખાડે છે. પરંતુ એ તો માત્ર અવરભાવ છે.

મહારાજ અને મુક્તને જવા-આવવાનું જ નહીં. એ તો સદાય છે, છે  ને છે જ.

સદ્‌ગુરુશ્રીની ઉંમર લગભગ ૯૫ વર્ષની થવા આવી હતી. આ ઉંમરે આ લોકની કોઈ વ્યક્તિ કાંઈ કરી જ ન શકે, પરંતુ આ દિવ્યપુરુષ-સદ્‌ગુરુશ્રી તો આ લોકથી પરનું સ્વરૂપ હતા. એટલે જ આવી મોટી ઉંમરે (કોણ જાણે કે સદ્‌ગુરુશ્રીએ અંતર્ધાન થવાનો સંકલ્પ કર્યો છે ?) પણ સદ્‌ગુરુશ્રીએ પોતાને વિષે હેત-રુચિવાળા સૌ સંતો-ભક્તોને દર્શન-આશીર્વાદ આપવાનો  સંકલ્પ કર્યો. એ માટે સદ્‌ગુરુશ્રીએ છેલ્લે છેલ્લે હેત-રુચિવાળા સમાજમાં ખૂબ વિચરણ કર્યું અને મૂર્તિસુખના ખાંગા કર્યા. જે જે જોગમાં આવ્યા, દૃષ્ટિમાં આવ્યા તેમને ન્યાલ કરી દીધા. છપૈયા, કરાંચી, ગુજરાત-સૌરાષ્ટનાં ગામડાંઓમાં અને છેલ્લે કરજીસણમાં પણ સદ્‌ગુરુશ્રી પધાર્યા. સદ્‌ગુરુશ્રી સૌને રાજી થકા દર્શન આપે, બોલાવે, હેત જણાવે, માથે હાથ મૂકે, હસાવે અને ભાલમાં ચાંદલો કરી કહેતા, “આ  અક્ષરધામનો ચાંદલો થાય છે. મૂર્તિ અપાય છે. આ તો છેલ્લો જોગ છે. ફાવી ગયા છો.”

આમ સદ્‌ગુરુશ્રીએ ગામોગામ ફરી, હેત-રુચિવાળા સૌને સુખિયા કર્યા. જ્યારે કરજીસણ પધાર્યા ત્યારે મંદિરના ચોકમાં તુલસી ઘણાં થયાં હતા. તેમાંથી કેટલાંક તુલસીના કાષ્ઠની ભારીઓ કરાવી ને પોતાની સાથે લીધી.. જાણે પોતે પોતાની અંતર્ધાન લીલાની તૈયારી ન કરતા હોય ?

સંવત ૨૦૦૦ના કારતક વદિ અમાસનો એ દિવસ હતો... સદ્‌ગુરુશ્રીએ થોડો મંદવાડ દેખાડ્યો હતો. સૌ સંતો-હરિભક્તો સેવામાં તો હતા જ.  પરંતુ સદ્‌ગુરુશ્રીએ ગ્રહણ કરેલા આ સાધારણ મંદવાડના પણ જેને જેને સમાચાર મળ્યા, તે દર્શન માટે આવતા હતા. કારણ કે સૌના મનમાં હતું કે, ‘‘હવે સદ્‌ગુરુશ્રી પોતાનો અવરભાવ બંધ કરશે તો ?” તેથી હેત-રુચિવાળા સૌ આવી રહ્યા હતા. કોઈ દર્શન કરે, પ્રાર્થના કરે. ચરણ દાબે. હાથ જોડે. તો કોઈ સદ્‌ગુરુશ્રીના માંદગીના બિછાને દર્શન કરતાં રડી પડે. જાણે પોતાનું જીવન આજે જવાનું હોય. એમ સૌ ચિંતાતુર અને ઉદાસ હૈયે આમથી તેમ ફરે. સેવા કરે. કરાવે. પણ સવારથી કોણ જાણે કોઈનેય ચેન ન પડે.

અમાસની એ અંધારી રાતે ૧૦:૪૫ કલાકે સદ્‌ગુરુશ્રીએ સ્વતંત્રપણે પોતાનો અવરભાવ સંકેલી લીધો. આમ, અક્ષરધામના અધિપતિએ આત્યંતિક કલ્યાણનું એક અલૌકિક સદાવ્રત, પોતાના દિવ્ય સ્વરૂપમાં સમાવી લીધું.

સદ્‌ગુરુશ્રીના દેહોત્સવના સમાચાર જેને જેને મળ્યા, તે સૌ અંતિમ વિધિમાં આવી ગયા. રડતા હૈયે વિરહનાં પદો બોલતાં, ધૂન કરતાં સૌ સેવકોએ સદ્‌ગુરુશ્રીને પાલખીમાં પધરાવ્યા. સૌએ પૂજન-દર્શનનો અંતિમ લાભ લીધો. વળી સદ્‌ગુરુશ્રીની અંતિમ આરતી ઉતારી ઘૃત-અક્ષતની આહુતિ આપી. અગ્નિસંસ્કાર થયો. નીતરતાં નેત્રે સદ્‌ગુરુશ્રીની દેહોત્સવ લીલાને નિહાળી. જાણે પોતાનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય તેમ. નિરાધાર બની રહ્યા.