બાપાશ્રી સાથે આગવી પ્રીતિ
બાપાશ્રી પણ બંને સદ્ગુરુઓનો મહિમા કહેતા કે, ‘‘આ સંતો તો બ્રહ્મની મૂર્તિઓ છે. આ સંતનાં તો દર્શન પણ દુર્લભ છે. આ સંત સાંભરે તો મૂર્તિ સાંભરે. સંતો ! તમારા સામર્થ્યની તો તમનેય ખબર નથી. ખદ્યોત જેવો અધમ જીવ હોય તેને તમે હાથ ઝાલીને ફેંકો, તે ઠેઠ મૂર્તિના સુખમાં પહોંચી જાય ! અંતકાળે જીવને શ્રીજીમહારાજ સાથે દર્શન દઈ ધામમાં તેડી જાઓ છો. આવરણ ન હોય અને આ લોકમાં રહેવાની ઇચ્છા હોય તેને રાખી પણ જાણો છો.. કોઈને આવરદા પડી મુકાવીને પણ મૂર્તિના સુખે સુખિયા કરો છો. તમારા તો સંકલ્પો ચાલે છે. ’’
બાપાશ્રીની સાથે સદ્ગુરુઓને કેવી આગવી પ્રીતિ હતી તેનો એક અનોખો પ્રસંગ જોઈએ.
બાપાશ્રીને આ બ્રહ્માંડમાં પ્રગટ થયે ૭૫ વર્ષ થયાં. જાણે મહારાજનો અધૂરો સંકલ્પ પૂરો થતો હોય ને શું ? બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો. સૌ હરિભક્તો ચિંતાતુર બની ગયેલા.
બાપાશ્રીએ મિલકતની વહેંચણી કરવા માંડી; વીલ કરવા માંડ્યું. બાપાશ્રીની કોણ જાણે શી મરજી હશે ? સૌ સંતો-હરિભક્તો વીનવે... રડે... પણ નિરર્થક હતું.
આખરે બંને સદ્ગુરુઓએ મહારાજને તથા બાપાશ્રીને પ્રાર્થના કરી. “દયાળુ ! આપ તો સમર્થ છો. દયાળુ ! દયા કરી હજી દસ વર્ષ વધારી દો. જે હેતુ માટે આપ પધાર્યા છો, એ કાર્ય હજી અધૂરાં છે. દયાળુ ! અમારી અરજ છે આપ તો સ્વતંત્ર છો, પણ અમારી અરજ આપ નહિ સાંભળો તો કોણ સાંભળશે ?”
પછી બાપાશ્રીએ સૌ સંતો-હરિભક્તોને કહ્યું, ‘‘અમારી મુદત પૂરી થતી હતી. મહારાજની મરજી નહોતી, પણ આ બેય સદ્ગુરુઓએ પ્રાર્થના કરી એટલે શ્રીજીમહારાજે એમની પ્રાર્થના મંજૂર રાખી છે. અમે હવે ૧૦ વર્ષ રહીશું. અમારો મંદવાડ જતો રહેશે. કોઈ ચિંતા કરશો નહીં.” પછી બાપાશ્રીએ મંદવાડને રજા આપી.
આવી આગવી પ્રીતિ હતી, બાપાશ્રી અને સદ્ગુરુઓની !!