ત્યાગાશ્રમ અને સંતદીક્ષા

વિ.સં. ૧૯૨૩ની સાલમાં આદિ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ કચ્છમાં પધાર્યા અને ભૂજમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા ત્યારે સુખપુર, માનકુવા અને ભારાસર આદિ ગામોમાં મહારાજશ્રીની પધરામણી થઈ. અને તે સમયે મુક્તરાજ શામજીભાઈ અને મહારાજશ્રીનું પ્રથમ મિલન થયું.

સૂર્ય ઉદય થાય એટલે ખબર પડ્યા વિના રહે જ નહીં. એ ન્યાયે મુક્તરાજનું નિર્માનીપણું, સેવાની ભાવના, ધીર-ગંભીરપણું, જગત પ્રત્યે અનાસક્તિ અને સૌને રાજી કર્યાની ભાવના જોઈ, મહારાજશ્રી તો રાજી રાજી થઈ ગયા. નક્કી  ‘આ કોઈ જુદું જ વ્યક્તિત્વ છે’ એવો ભાવ થઈ ગયો. મુક્તરાજ તો બસ, સેવા, સેવા ને સેવા. જાણે સેવાની મૂર્તિ જોઈ લ્યો. અને મહિમાસભર અંગ, મહારાજશ્રી પ્રત્યે અહોભાવ. અને પરિણામે આચાર્ય મહારાજશ્રીએ તેમને અમદાવાદ આવવા સૂચવ્યું.

મહારાજશ્રી મુક્તરાજના સાધુગુણો જોઈ ઘણા પ્રભાવિત થયા. તેમજ મુક્તરાજને પણ મહારાજશ્રી પ્રત્યેનો અહોભાવ અમદાવાદ ખેંચી ગયો.

પોતે કોઈનેય કહ્યા વગર સંસારનો ત્યાગ કર્યો. અને ખારીરોલ થઈ વહાણ દ્વારા વવાણિયા બંદરે ઊતરી, પગપાળા અમદાવાદ આવી પહોંચ્યા.

ઠાકોરજી અને મહારાજશ્રીનાં દર્શન કરી સેવામાં રોકાઈ ગયા. આ દરમ્યાન વિ.સં. ૧૯૨૪માં ધ.ધુ. અયોધ્યાપ્રસાદજી મહારાજ દ્વારા અને સેવાભાવી સંત સદ્‌. શ્રી માધવજીવનદાસજી સ્વામીને પોતાના ગુરુ તરીકે સ્વીકારી, સાધુદીક્ષા ગ્રહણ કરી અને નામ મળ્યું ‘સાધુ વૃંદાવનદાસજી’.

નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિઃસ્વાદ, નિઃસ્નેહ, પ્રેમલક્ષણા ભક્તિ, તપ, ત્યાગ, વૈરાગ્ય, અંતર્વૃત્તિ આદિ અનેક ગુણો જેમનામાં હતા જ તે ધીમે ધીમે ઝળહળવા લાગ્યા. સાથે સાથે સંસ્કૃતનો વિદ્યાભ્યાસ કરી, પોતે પુરાણી પદ પ્રાપ્ત કર્યું. અને નાના-મોટા સૌની સેવા તથા કથાવાર્તા આદિ ગુણે કરી ગુરુને રાજી કરી લીધા.