સાધુજીવન

પુષ્પ ૧ : સ્થિતપ્રજ્ઞતા

સદ્. શ્રી વૃંદાવનદાસજી સ્વામી એટલે ધૈર્ય અને ગંભીરતાની મૂર્તિ. મર્યાદા ને શિસ્તમાં અજોડ. બાળસુલભ સરળતા અને આધ્યાત્મિક મસ્તીનો કેફ. તે છતાં સર્વ પ્રસંગે નિશાન એક શ્રી અક્ષરધામના અધિપતિને રાજી કરવા સામું જ. વાત્સલ્યસભર મુખમુદ્રા ઉપર સદાય આનંદની ફોરમ પ્રસરેલી જ હોય. એકલા બેઠા હોય કે સભામાં હોય, વાતો કરતા હોય કે મૌન હોય, કોઈ મહત્ત્વના પ્રસંગમાં રોકાયેલા હોય કે નિવૃત્ત સહજતામાં રમણ કરતા હોય, થાકેલા હોય કે મંદવાડ ગ્રહણ કર્યો હોય, કોઈ ચંદન-પુષ્પ-કુંકુમથી પૂજા કરતા હોય કે અપમાનિત વાતાવરણ આંટા મારતું હોય કે ઘેરી વળ્યું હોય છતાં સદાય પ્રસન્નતાનો એકસરખો ભાવ જણાતો હોય ! જીવના અવળા સ્વભાવથી દોરવાઈને કોઈ હેરાનગતિ કે અવરોધો ઊભા કરે તો તેને દેખીને સદ્દગુરુશ્રીનો સમાગમ કરવા આવતા હરિભક્તો અકળાય પણ સદ્‌ગુરુશ્રીના સ્વરૂપનો ભાવ રંચમાત્ર ન ફરે. પોતે હરિભક્તોને સમજાવે : "આ તો આપણામાં રહેલા અંતઃશત્રુઓ કે હલકા સ્વભાવ નિર્મૂળ થયા છે કે રહી ગયા છે તેનું ભાન કરાવવા શ્રીજીમહારાજ તેમને પ્રેરણા કરે છે. આપણું અંતર સાફ કરવાની ભગવાન આપણને તક આપે છે, એ એમની કેટલી કૃપા કહેવાય ! જો આવા સૂચક પ્રસંગે આપણે વ્યથા અનુભવીએ કે અકળાઈને કાંઈ ઉધામો કરી બેસીએ તો મહારાજ રાજી ન થાય !" આવું સાંભળી હરિભક્તોનાં તન અને મન સદ્‌ગુરુના ચરણોમાં ઝૂકી પડતા.

પુષ્પ ૨ : સાધુતાની મૂર્તિ

સદ્‌ગુરુશ્રી એટલે સાધુતાની મૂર્તિ. ધીર, ગંભીર અને સૌમ્ય મૂર્તિ એવા સદ્‌ગુરુશ્રીનાં દર્શનમાત્રે સંકલ્પનો વિરામ થઈ જાય અને દિવ્યપુરુષ છે એવો સહેજે અહેસાસ થાય.

પંચવર્તમાન પાળવા-પળાવવાનો સદ્‌ગુરુશ્રીનો એટલો બધો ખટકો કે નાના-મોટા કોઈ સંત-હરિભક્ત સદ્‌ગુરુશ્રીની રુચિ લોપી જ ન શકે.

પહેલાંના જમાનામાં ટપાલ ટિકિટમાં રાણી વિક્ટોરિયાની છાપ આવતી. સદ્‌ગુરુશ્રી તેને પણ ન અડે. “ આ તો સ્ત્રીની છાપ છે. ” શ્રીહરિનો અલ્પ વચન પાળવાનો કેટલો આગ્રહ !

૯૬ વર્ષની મોટી ઉંમરે સદ્‌ગુરુશ્રી અંતર્ધાન થયા ત્યાં સુધી સ્વાવલંબીપણે પોતાની સર્વે દૈહિક ક્રિયા કરતા. સદ્‌ગુરુશ્રીએ તુંબડી-પત્તરનો જ ઉપયોગ કર્યો અને સ્ત્રી-દ્રવ્યના ત્યાગી થઈ એવું દિવ્યજીવન જીવ્યા કે પોતાનું જીવન જ એક ઉપદેશ બની જાય.

ત્યાગ-વૈરાગ્યનો પણ સદ્‌ગુરુશ્રીનો એવો જ ઇશક કે જે સાથે રહેનારને સહેજે દેખાઈ આવે. પોતાના જોગમાં આવનારને સાદું, સત્ત્વગુણી, ભગવાનમય જીવન જીવતા કરવા અને સંસારના સર્વે માયિક પદાર્થમાત્રથી લુખ્ખા કરવાનો આગ્રહ સદાય રહેતો.