મહારાજની મૂર્તિનું સુખ ટાઢું કે ઊનું સારું ?

અમદાવાદમાં સદ્‌ગુરુશ્રીનાં દર્શને મૂળીથી સંતો આવેલા તે આસને સભા ભરાઈને બેઠી હતી. સભામાં સ્વામીશ્રી ભગવત્સ્વરૂપદાસજી, પુરાણી ધર્મકિશોરદાસજી પણ હતા. સદ્‌ગુરુશ્રી મહારાજના દિવ્ય સુખની વાતો કરતા હતા. તેમણે પૂછ્યું : “મહારાજનું સુખ ટાઢું સારું કે ઊનું ?” ત્યારે સંતોએ કહ્યું : “સુખ તો ટાઢું સારું !” ત્યારે સદ્‌ગુરુશ્રી બોલ્યા જે, “રોટલી-રોટલાં ઊનાં હોય તો સારાં લાગે, દસ પંદર દિવસનાં ટાઢાં કાંઈ સારાં લાગે ? મહારાજે ને મોટા મુકતોએ ચમત્કાર જણાવી કોઈને સુખ આપ્યાં હોય, એવી થઈ ગયેલી વાતો કરવી તે ટાઢું સુખ કહેવાય; અને મહારાજનું ધ્યાન કરતાં મૂર્તિમાંથી જે નવાં નવાં સુખ મળે તે ઊનું (તાજું-તરતનું) સુખ કહેવાય !” મોટા મુકત થઈ ગયેલા ચમત્કાર-પ્રતાપની વાત કરતા કરતા પોતે જોગ કરનારને મૂર્તિના દિવ્ય સુખમાં રમણ કરતા કરી દેતા.