ગ્રંથરાજ ‘વચનામૃત’ એટલે શ્રીમુખવાણી. સ્વયં શ્રીહરિનું સ્વરૂપ કહેવાય. આ વચનામૃતમાં લખાયેલાં ગૂઢ રહસ્યોને યથાર્થપણે તો કોણ સમજાવી શકે ? ત્યારે શ્રીજીમહારાજ સ્વમુખે કહે છે કે, “શાસ્ત્રમાં વાતો તો બધી જ હોય, પરંતુ અમારા સત્પુરુષ પ્રગટ થાય, ત્યારે જ એ વાતો યથાર્થ સમજાય છે. ”
સદ્ગુરુશ્રી એટલે વચનામૃતના આચાર્ય. ૨૭૩ વચનામૃત જાણે કંઠસ્થ જોઈ લ્યો. સંપ્રદાયના કે પરોક્ષના કોઈ પણ પ્રશ્ન હોય અને કોઈ પણ વ્યક્તિ હોય, પરંતુ સદ્ગુરુશ્રીના સાંનિધ્યમાં આવે એટલે એના તમામ પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય. સદ્ગુરુશ્રી પણ સહજભાવે સરળતાથી એવા ઉત્તર કરે કે પ્રશ્ન પૂછનારને તુરત ગેડ્ય પડી જાય.
ગમે તેવાં શાસ્ત્રોના જાણનારા હોય, પરંતુ સદ્ગુરુશ્રી એકના અનેક અર્થ કરી અંતે કોઈ પણ વાતને મહારાજ અને મુક્તમાં જોડી દે કે શંકાને સ્થાન જ ન રહે.
એક દિવસ સદ્ગુરુશ્રી સભામાં બિરાજેલા. ત્યારે કથાપ્રસંગે વાત નીકળી કે શ્રીજીમહારાજે પોતાનો મત ‘વિશિષ્ટાદ્વૈત મત’ છે તેમ શિક્ષાપત્રીમાં સૂચવ્યું છે તો ‘વિશિષ્ટાદ્વૈત’ એટલે શું ? સંતો-હરિભક્તોના વિવિધ પ્રકારે ઉત્તર થયા, પરંતુ તેમાં બાધબાધાંતર આવતાં, કોઈને સંતોષ ન થયો. અંતે સદ્ગુરુશ્રીએ સમજાવ્યું કે ‘દ્વૈત’ એટલે બે અને ‘અદ્વૈત’ એટલે એક (એક અર્થાત્ એક બ્રહ્મ સિવાય બીજું કશું જ નથી); પરંતુ ‘વિશિષ્ટાદ્વૈત’ એટલે બે છતાં એક (કેટલો ટૂંકો અને સરળ ઉત્તર !) એટલે કે ‘મહારાજ અને (અનાદિ)મુક્ત (પરભાવમાં) બે હોવા છતાં મુક્ત મૂર્તિમાં રહ્યા એટલે દેખાવ એક મહારાજનો જ રહ્યો.’ એ ન્યાયે બે છતાં એક.