“સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના દૃઢ કરી,
અનાદિમુક્તની સ્થિતિ પામવી એ જ કારણ સત્સંગ.”
सर्वोपरी स्वामिनारायण भगवान की उपासना दृढ कर,
अनादिमुक्त की स्थिति प्राप्त करना वे ही कारण सत्संग ।
सत्संगो कारण, सर्वोपरी स्वामिनारायण भगवत: ।
उपासनां कृत्वा, अनादिमुक्तस्थितिसायुज्यम् एव ।।
“To understand the supreme Upāsanā of Lord Swāminārāyaṇ and
attain the ultimate status of an Anādimukta is Kāraṇa satsang.”
કોઈ પણ સંસ્થાની ફિલૉસૉફી, તેનું તત્ત્વજ્ઞાન તેના સિદ્ધાંતમાં સમાયેલ હોય છે. SMVS સંસ્થાનું સિદ્ધાંત સૂત્ર જ સંસ્થાની સમગ્ર ફિલૉસૉફીનું સૂચક છે. આપણે એ સિદ્ધાંત સૂત્ર દ્વારા જ સંસ્થાની ફિલૉસૉફીને સમજીએ.
1.સિદ્ધાંત એટલે શું ?
ઉપાસના, સાધના, ભક્તિ, કાર્ય, આ સર્વે કરીને અંતે જે સિદ્ધ કરવાનું છે તેને કહેવાય સિદ્ધાંત.
2.સિદ્ધાંત સૂત્ર એટલે શું ?
સિદ્ધાંતનો સમાવેશ જે વાક્યમાં થતો હોય તે સૂત્ર એટલે જ સિદ્ધાંત સૂત્ર.
3.SMVSનું સિદ્ધાંત સૂત્ર શું છે ?
SMVSનું સિદ્ધાંત સૂત્ર ‘સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના દૃઢ કરી, અનાદિમુક્તની સ્થિતિ પામવી એ જ કારણ સત્સંગ’ છે.
4.SMVSનું સિદ્ધાંત સૂત્ર શા માટે ?
SMVS સંસ્થાનું નિર્માણ ભગવાન સ્વામિનારાયણે સમજાવેલ અને અબજીબાપાશ્રીએ પ્રવર્તાવેલ સિદ્ધાંતોને યાવદ્ચંદ્રદિવાકરૌ જાળવી રાખવા તથા વ્યક્તિ વ્યક્તિના જીવનમાં તેને સિદ્ધ કરાવવા માટે છે. આ સિદ્ધાંતોને જાળવી રાખવા માટે જ જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ કાર્ય અને કારણ આ બે ભેદને બહુ સ્પષ્ટ સમજાવ્યા છે અને કાર્યને ગૌણ કરી કારણરૂપ સત્સંગ કરવાનો આગ્રહ જણાવ્યો છે. ત્યારે સ્વાભાવિક છે કે તેને અનુસરવા SMVSનું સિદ્ધાંત સૂત્ર પણ એ જ હોય.
તેમ છતાં કોઈને પ્રશ્ન થાય કે સિદ્ધાંત સૂત્રનું શા માટે આટલું બધું મહત્ત્વ ? તો આ સિદ્ધાંત સૂત્ર SMVSનું સિદ્ધાંત સૂત્ર પણ કરી રાખવાનું છે તથા વ્યક્તિગત જીવન માટે તો આ સિદ્ધાંત સૂત્ર SMVSનું નહિ પરંતુ મારું સિદ્ધાંત સૂત્ર છે એમ જ રાખીને વર્તવાનું છે.
SMVS સંસ્થાનું આ સિદ્ધાંત સૂત્ર મૂળ સ્થાનમાં રહેશે તો SMVS દ્વારા જે કાંઈ મંદિરો કરવામાં આવશે, જે કાંઈ કાર્ય થશે, સમૈયા-ઉત્સવો થશે, જે કાંઈ સેવા-પ્રવૃત્તિઓ થશે એ તમામ આ સિદ્ધાંત સૂત્રને સિદ્ધ કરવા માટે જ કરવાનું છે તેનું નિરંતર અનુસંધાન રહેશે જેથી સંસ્થાનું લક્ષ્ય કદી બદલાશે નહીં.એ જ રીતે વ્યક્તિગત જીવનમાં જો SMVSમાં જોડાયેલ દરેક સભ્ય એવું સમજે કે આ મારું સિદ્ધાંત સૂત્ર છે તો વ્યવહારિક માર્ગમાં કે આધ્યાત્મિક માર્ગમાં જે કાંઈ પણ કરે તેમાં નિરંતર એ અનુસંધાન રહે કે મારે જે કાંઈ પણ કરવાનું છે તે મારું સિદ્ધાંત સૂત્ર છે તેને સિદ્ધ કરવા માટે જ કરવાનું છે જેથી વ્યક્તિગત જીવનનું પણ લક્ષ્ય કદી ચુકાય નહીં. કારણ સત્સંગ એટલે મૂર્તિનો સત્સંગ. જ્યાં મહારાજ જ મુખ્ય હોય. મહારાજની સર્વોપરી ઉપાસના દૃઢ કરીને અનાદિની સ્થિતિ પામવી અને મૂર્તિરૂપ થઈ મૂર્તિનું સુખ ભોગવવું આ લક્ષ્યને હાંસિલ કરવા માટે, એ તરફ દોટ મુકવા માટે SMVSનું સિદ્ધાંત સૂત્ર છે.
જીવનપ્રાણ અબજી બાપાશ્રી કહેતા કે, “લાખ-કરોડ જન્મ ધરો ને કાર્ય સત્સંગ કરો પરંતુ આ કારણ સત્સંગનો એક મિનિટનો જોગ અધિક છે કેમ જે એક મિનિટમાં અનાદિ કરી મૂકે.” બાપાશ્રીના આ શબ્દોને સાકાર કરતા દિવ્ય કારણ સત્સંગના સમાજની રચના માટે આ SMVSનું સિદ્ધાંત સૂત્ર છે.
5.SMVSનું સિદ્ધાંત સૂત્ર શું સૂચવે છે ?
SMVSનું સિદ્ધાંત સૂત્ર કારણ સત્સંગની સમગ્ર યાત્રા સૂચવે છે. જીવ-પ્રાણીમાત્રનું અંતિમ લક્ષ્ય એટલે આત્યંતિક મોક્ષ કહેતાં શ્રીજીમહારાજની મૂર્તિનું અવિચળ સુખ. આ સુખ સુધી પહોંચવાની યાત્રા એટલે જ SMVSનું સિદ્ધાંત સૂત્ર. જેમાં સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના દૃઢ કરવી એ પ્રારંભ છે અને અનાદિમુક્તની સ્થિતિ પામવી તે અંત છે.
આમ, આ સિદ્ધાંત સૂત્ર સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિ આ બંનેની સિદ્ધતા માટે કારણ સત્સંગ છે એમ સૂચવે છે. વળી, આ કારણ સત્સંગના સિદ્ધાંતોના પ્રવર્તન માટે SMVS સંસ્થા કાર્યરત છે એ સૂચવે છે.