Scriptures

મનનીય વચનામૃત
ગઢડા પ્રથમ પ્રકરણ :- ૬, ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૨૦, ૨૨, ૨૩, ૨૭, ૨૮, ૩૧, ૩૨, ૩૩, ૩૪, ૩૫, ૩૭, ૩૮, ૪૪, ૫૦, ૫૧, ૫૪, ૫૬, ૫૮, ૬૨, ૬૩, ૬૭, ૭૨, ૭૪, ૭૬.
સારંગપુર પ્રકરણ :- ૨, ૩, ૧૮.
કારિયાણી પ્રકરણ :- ૨, ૯.
લોયા પ્રકરણ :- ૧, ૮, ૧૭.
ગઢડા મધ્ય પ્રકરણ :- ૨, ૪, ૭, ૯, ૧૨, ૧૩, ૧૫, ૧૬, ૨૪, ૨૫, ૨૬, ૨૮, ૩૩, ૩૭, ૪૦, ૪૧, ૪૫, ૫૦, ૫૩, ૫૪, ૫૯, ૬૦, ૬૧, ૬૭.
વરતાલ પ્રકરણ :- ૧૬.
અમદાવાદ પ્રકરણ :- ૩, ૭, ૮
જેતલપુર પ્રકરણ :- ૩.
ગઢડા છેલ્લા પ્રકરણ :- ૧, ૬, ૭, ૮, ૯, ૧૧, ૧૩, ૧૪, ૧૭, ૨૧, ૨૨, ૨૪, ૨૫, ૨૭, ૩૨, ૩૫, ૩૭, ૩૮, ૩૯.
મુખપાઠ માટેનાં મનનીય વચનામૃત

વચનામૃત ગઢડા પ્રથમનું - ૫

સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૮ અષ્ટમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, મુક્તએ સહિત ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું અને તે ધ્યાન કરતાં મૂર્તિ હૃદયને વિષે ન દેખાય તોપણ ધ્યાન કરવું પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહિ, એવી રીતના જે આગ્રહવાળા છે તેના ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે ને એની ભક્તિએ કરીને ભગવાન એને વશ થઈ જાય છે. ઇતિ વચનામૃતમ્‌ ।।૫।।

વચનામૃત ગઢડા પ્રથમનું - ૬

સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૯ નવમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિષે અવગુણને દેખે છે ને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે ગુણને દેખે છે ને ભગવાન ને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે ને દુઃખ નથી લગાડતો તે તો દિવસે દિવસે સત્સંગને વિષે મોટપને પામે છે. અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે ને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિષે ગુણ પરઠે છે અને ભગવાન ને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે તે વાતને માને કરીને અવળી લે છે ને વાતના કરનારાનો અવગુણ લે છે તે તો દિવસે દિવસે ઘટતો જાય છે ને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે, માટે પોતાને વિષે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને શૂરવીર થઈને ભગવાન ને ભગવાનના સંતને વિષે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે ને સત્સંગમાં મોટપને પામે છે. ઇતિ વચનામૃતમ્‌ ।।૬।।

વચનામૃત ગઢડા પ્રથમનું - ૯

સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૧૨ દ્વાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય ને તેની ભક્તિ કરતો હોય ને તેનાં દર્શન કરતો હોય તોપણ જે પોતાને પૂર્ણકામ ન માને ને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે જે ધામને વિષે જે આ ને આ ભગવાનનું તેજોમય રૂપ છે, તે મુને જ્યાં સુધી દેખાણું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી, એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી.
અને જે પ્રત્યક્ષ ભગવાનને વિષે દૃઢ નિષ્ઠા રાખે છે, ને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે, ને બીજું કાંઈ નથી ઇચ્છતો તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતાના ધામને વિષે જે પોતાનાં ઐશ્વર્ય છે ને પોતાની મૂર્તિઓ છે તેને દેખાડે છે માટે જેને ભગવાનને વિષે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઇચ્છવું નહીં. ઇતિ વચનામૃતમ્‌ ।।૯।।

વચનામૃત ગઢડા પ્રથમનું - ૧૧

સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, હે મહારાજ ! વાસનાનું શું રૂપ છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, પૂર્વે જે વિષય ભોગવ્યા હોય, દીઠા હોય ને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણને વિષે ઇચ્છા વર્તે તેને વાસના કહીએ. અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય ને તેની જે અંતઃકરણને વિષે ઇચ્છા વર્તે તેને પણ વાસના કહીએ.
ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, હે મહારાજ ! ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય ને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ્‌ ।।૧૧।।

વચનામૃત ગઢડા પ્રથમનું - ૧૫

સંવત ૧૮૭૬ના માગશર વદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે, ભગવાન તથા સંત તે મુને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું છે, એમ તેના હૈયામાં હિંમત રહે, અને આટલું વચન મુંથી મનાશે ને આટલું નહિ મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે.
અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં શૂરવીરપણું રહે ને મૂર્તિ ધારતાં ધારતાં જો ન ધરાય તોપણ કાયર ન થાય, ને નિત્ય નવી શ્રદ્ધા રાખે ને મૂર્તિ ધારતાં જ્યારે ભૂંડા ઘાટ-સંકલ્પ થાય ને તે હઠાવ્યા હઠે નહિ, તો ભગવાનનો મોટો મહિમા સમજીને, પોતાને પૂર્ણકામ માનીને, તે સંકલ્પને ખોટા કરતો રહે, ને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે; તે ધારતાં ધારતાં દસ વર્ષ થાય અથવા વીસ વર્ષ થાય અથવા પચીસ વર્ષ થાય અથવા સો વર્ષ થાય, તોપણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહિ, તે માટે એમ ને એમ ભગવાનને ધારતો રહે એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ. ઇતિ વચનામૃતમ્‌ ।।૧૫।

વચનામૃત ગઢડા પ્રથમનું - ૧૬

સંવત ૧૮૭૬ના માગશર વદિ ૪ ચોથને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, જે ભગવાનના ભક્તને સત્‌-અસત્‌નો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે, ને વિચારીને તેનો ત્યાગ કરી દે, અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય, તો તેને ત્યાગ કરી દે ને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે, અને પરમેશ્વરને વિષે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહિ, અને ભગવાન ને સંત જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિષે સંશય કરે નહિ, અને સંત કહે જે તું દેહ, ઇન્દ્રિયો, મન, પ્રાણથી જુદો છું ને સત્ય છું ને એનો જાણનારો છું, ને એ દેહાદિક સર્વે અસત્ય છે એમ વચન કહે તેને સત્ય માનીને, તે સર્વેથી જુદો આત્મા રૂપે વર્તે પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહિ અને જેણે કરીને પોતાને બંધન થાય ને પોતાના એકાંતિક ધર્મમાં ખોટ્ય આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે, ને તેથી છેટે જ રહે ને તેના બંધનમાં આવે જ નહિ, અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે, ને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે. ઇતિ વચનામૃતમ્‌ ।।૧૬।

વચનામૃત ગઢડા પ્રથમનું - ૧૭

સંવત ૧૮૭૬ના માગશર વદિ ૫ પંચમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડામાં કથા વંચાવતા હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળી પાઘ બાંધી હતી અને પીળાં પુષ્પની માળા પહેરી હતી ને પીળાં પુષ્પનો તોરો પાઘને વિષે ખોસ્યો હતો અને અતિ પ્રસન્ન થકા વિરાજમાન હતા.
તે સમયને વિષે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા ને શ્રીજીમહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા જે, આપણા સત્સંગમાં થોડોક કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે, ને આ પ્રકરણ એવું ચલાવવું છે જે, સર્વે પરમહંસ તથા સાંખ્યયોગી તથા કર્મયોગી સર્વે સત્સંગીમાં પ્રવર્તે. તે સત્સંગમાં કુસંગ તે શું છે ? તો જે વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે. તે કેવી રીતે વાત કરે છે તો એમ કહે છે જે, ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે ? ને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે ? માટે જેટલું પળે તેટલું પાળીએ ને ભગવાન તો અધમ-ઉદ્ધારણ છે તે કલ્યાણ કરશે અને વળી એમ વાત કરે છે જે, ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કાંઈ આપણું ધાર્યું ધરાતું નથી. એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે. એવી રીતની મોળી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ ઇત્યાદિક જે ભગવાનની પ્રસન્નતાનાં સાધન તેમાંથી બીજાને મોળા પાડે છે, માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત રહિત વાત કરશો નહિ; સદા હિંમત સહિત જ વાત કરજ્યો; અને જે એવી હિંમત રહિત વાત કરે તેને તો નપુંસક જાણવો, અને એવી હિંમત વિનાની વાત જે દિવસ થઈ જાય તે દિવસ ઉપવાસ કરવો. ઇતિ વચનામૃતમ્‌ ।।૧૭।।

વચનામૃત ગઢડા પ્રથમનું - ૨૦

સંવત ૧૮૭૬ના પોષ સુદિ ૨ બીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ગાદી-તકિયો નખાવીને વિરાજતા હતા અને ધોળી પાઘ માથે બાંધી હતી ને તે પાઘને વિષે પીળાં ફૂલનો તોરો વિરાજમાન હતો અને કંઠને વિષે પીળાં પુષ્પનો હાર વિરાજમાન હતો અને બે કાનને વિષે ધોળાં ને પીળાં પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને કથા વંચાવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બોલ્યા જે, સાંભળો સર્વેને એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે સર્વે હરિભક્તે હાથ જોડીને કહ્યું જે પૂછો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની તે કોણ છે ? પછી તો સર્વે વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો અમે જ ઉત્તર કરીએ. ત્યારે સર્વેએ રાજી થઈને કહ્યું જે, હે મહારાજ ! તમથી જ યથાર્થ ઉત્તર થાશે માટે કહો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે ને કુરૂપને જુએ છે તથા બાળ, યૌવન ને વૃદ્ધપણાને જુએ છે, એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી. અને કેવળ બાહ્યદૃષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે. પણ પોતે પોતાને નથી જોતો તે જ અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની છે. અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે, તેમજ શ્રોત્ર, ત્વક્‌, રસના, ઘ્રાણ ઇત્યાદિક સર્વે ઇન્દ્રિયોએ કરીને વિષયસુખને ભોગવે છે, ને જાણે છે પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી એ જ સર્વે અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની છે, ને એ જ ઘેલામાં અતિશે ઘેલો છે, ને એ જ મૂર્ખમાં અતિશે મૂર્ખ છે, ને એ જ સર્વે નીચમાં અતિશે નીચ છે.
ત્યારે શુકમુનિએ આશંકા કરી જે, પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે ? ને જો પોતાના હાથમાં હોય તો જીવ શીદ અતિશે અજ્ઞાની રહે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને સત્સંગ થયો છે, તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે ને કે દહાડે એણે પોતાના સ્વરૂપને જોયાનો આદર કર્યો, ને ન દીઠું ? અને એ જીવ માયાને આધીન થકો પરવશ થઈને તો સ્વપ્ન ને સુષુપ્તિ અવસ્થામાં અંતર્દૃષ્ટિ કરીને જાય છે, પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાને અંતર્દૃષ્ટિ કરતો નથી. અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતર્દૃષ્ટિ કરે છે, તે તો પોતાના સ્વરૂપને અતિશે ઉજ્જ્વળ પ્રકાશમાન જુએ છે. ને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે. અને અનાદિમુક્તો જેવો સુખિયો પણ થાય છે. માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાની આળસે કરીને રહે છે. ઇતિ વચનામૃતમ્‌ ।।૨૦।।

વચનામૃત ગઢડા પ્રથમનું - ૨૨

સંવત ૧૮૭૬ના પોષ સુદિ ૪ ચોથને દિવસ મધ્યાહ્‌ન સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધાર્યાં હતાં ને પાઘને વિષે ફૂલનો તોરો ખોસ્યો હતો ને બે કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા ને કંઠમાં ગુલદાવદીનાં પુષ્પનો હાર પહેર્યો હતો ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ કીર્તન ગાતા હતા.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સાંભળો એક વાત કરીએ. ત્યારે સર્વે પરમહંસ ગાવવું રાખીને વાત સાંભળવા તત્પર થયા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઇત્યાદિક વાજિંત્ર વજાડીને કીર્તન ગાવવાં, તેને વિષે જો ભગવાનની સ્મૃતિ ન રહે, તો એ ગાયું તે ન ગાયા જેવું છે, ને ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે, તથા વાજિંત્ર વજાડે છે, પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનનાં કીર્તન ગાવવાં તથા નામરટણ કરવું તથા સ્વામિનારાયણ-ધૂન્ય કરવી, ઇત્યાદિક જે જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભારીને જ કરવું. અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિષે વૃત્તિ રાખે ને જ્યારે ભજનમાંથી ઊઠીને બીજી ક્રિયાને કરે, ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહિ, માટે હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં સર્વે ક્રિયાને વિષે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો, તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે, અને જેને ગાફલાઈ હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો. એટલી વાત કરીને શ્રીજીમહારાજ બોલ્યા જે હવે કીર્તન ગાઓ. ઇતિ વચનામૃતમ્‌ ।।૨૨।।

વચનામૃત ગઢડા પ્રથમનું - ૨૮

સંવત ૧૮૭૬ના પોષ સુદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના ઓરડાની હારે જે ઓરડો તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સાધુની જમવા પંક્તિ થઈ હતી.
તે સમે શ્રીજીમહારાજ બોલ્યા જે, જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ્‌ વાસનાની વૃદ્ધિ થાય છે, ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે, ને પોતાના હૈયામાં એમ જાણે જે, સર્વે સત્સંગી તો અણસમજુ છે ને હું સમજુ છું, એમ સર્વેથી અધિક પોતાને જાણે, ને રાત્રિ-દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે, અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહિ, ને રાત્રિમાં સૂએ તો નિદ્રા પણ આવે નહિ, ને ક્રોધ તો ક્યારેય મટે જ નહિ, ને અર્ધબળેલા કાષ્ઠની પેઠે ધૂંધવાયા કરે, એવું જેને વર્તે ત્યારે તેને એમ જાણીએ જે એ સત્સંગમાંથી પડવાનો થયો છે, ને એેવો હોય ને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેના હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહિ ને અંતે પાછો પડી જાય છે. અને સત્સંગમાં જેને વધારો થવાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે, ત્યારે તેને દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે. અને સર્વે હરિભક્તને મોટા સમજે ને પોતાને ન્યૂન સમજે, ને આઠે પહોર તેના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે, એવાં લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ જે શુભ વાસના વૃદ્ધિ પામી છે, ને તે જેમ જેમ વધુ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ વધુ સમાસ થાતો જાય, ને અતિશે મોટ્યપને પામી જાય છે. એવી રીતે શ્રીજીમહારાજ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને પોતાને આસને પધાર્યા. ઇતિ વચનામૃતમ્‌ ।।૨૮।।

વચનામૃત ગઢડા પ્રથમનું - ૪૯

સંવત ૧૮૭૬ના મહા સુદિ ૧૪ ચૌદશને દિવસ સંધ્યા સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ બે દીવીઓ બળતી હતી અને કંઠને વિષે પીળાં પુષ્પનો હાર પહેર્યો હતો ને બે હાથમાં પીળાં પુષ્પના ગજરા ધારણ કર્યા હતા અને સર્વે ધોળાં વસ્ત્ર પહેર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે પ્રશ્ન-ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, ભગવાનને વિષે વૃત્તિ રાખીએ છીએ તે તો સુધી જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે અને જગતના પદાર્થ સન્મુખ તો એની મેળે જ રહે છે તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહિ અને તેને તો એ જ ફિકર રહે છે જે, મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી તે તો ઘણું કઠણ પડશે, માટે પરમેશ્વરના ભક્ત હોય તેને તો જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એ જ કઠણ છે અને જે જગતના જીવ છે તેને પરમેશ્વરમાં વૃત્તિ રાખવી તે ઘણી કઠણ છે, માટે જેને પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહિ અને તે સત્સંગમાં આવતો હોય તો એ ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતાં સાંભળતાં પરમેશ્વરનો ભક્ત થાશે.
પછી બ્રહ્માનંદ સ્વામીએ વળી પૂછ્યું જે, એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખ્યાનું શું સાધન છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એનું સાધન તો અંતર્દૃષ્ટિ છે તે અંતર્દૃષ્ટિ તે શું, તો જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની મૂર્તિ સામું જોઈ રહેવું એ અંતર્દૃષ્ટિ છે; અને તે મૂર્તિ વિના ષટ્‌ચક્ર દેખાય અથવા ભગવાનનાં ધામ દેખાય, તોપણ તે અંતર્દૃષ્ટિ નહિ, માટે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તે સામું જોઈ રહેવું અથવા બહાર ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું તેનું નામ અંતર્દૃષ્ટિ છે અને તે મૂર્તિ વિના બીજે જ્યાં જ્યાં વૃત્તિ રહે તે સર્વે બાહ્યદૃષ્ટિ છે. પછી વળી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, હવે તો બે બે જણ થઈને સામસામા પ્રશ્ન-ઉત્તર કરો. પછી ઘણી વાર સુધી પરમહંસે પરસ્પર પ્રશ્ન-ઉત્તર કર્યા તેને સાંભળતા થકા શ્રીજીમહારાજ તેમની બુદ્ધિની પરીક્ષા કરતા હવા. ઇતિ વચનામૃતમ્‌ ।।૪૯।।

વચનામૃત ગઢડા પ્રથમનું - ૫૦

સંવત ૧૮૭૬ના મહા વદિ ૧ પડવાને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરની મેડીની ઓસરી આગળ પ્રાતઃકાળે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે એમ પૂછ્યું જે, જેને કુશાગ્રબુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે તે કુશાગ્રબુદ્ધિ તે જે સંસાર-વ્યવહારમાં બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં ? અથવા શાસ્ત્ર-પુરાણના અર્થને બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં ? પછી એનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહીં. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, કેટલાક તો વ્યવહારમાં અતિ ડાહ્યા હોય, તોપણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ યત્ન કરે નહિ તથા કેટલાક શાસ્ત્ર-પુરાણ-ઇતિહાસ તેના અર્થને સારી પેઠે જાણતા હોય, તોપણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ પણ યત્ન કરે નહિ માટે એને કુશાગ્ર બુદ્ધિવાળા ન જાણવા; એને તો જાડી બુદ્ધિવાળા જાણવા અને જે કલ્યાણને અર્થે યત્ન કરે છે ને તેની બુદ્ધિ થોડી છે તોપણ તે કુશાગ્ર બુદ્ધિવાળો છે અને જે જગત-વ્યવહારની કોરે સાવધાન થઈને મંડ્યો છે ને તેની બુદ્ધિ અતિ ઝીણી છે, તોપણ તે જાડી બુદ્ધિવાળો છે. એ ઉપર શ્લોક છે જે :

યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી ।
યસ્યાં જાગ્રતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુનેઃ ।।

એ શ્લોકનો અર્થ એમ છે જે ભગવાનનું ભજન કરવું તેમાં તો સર્વ જગતના જીવની બુદ્ધિ રાત્રિની પેઠે અંધકારે યુક્ત વર્તે છે, કહેતાં ભગવાનનું ભજન નથી કરતા અને જે ભગવાનના ભક્ત છે તે તો, તે ભગવાનના ભજનને વિષે જાગ્યા છે; કહેતાં નિરંતર ભગવાનનું ભજન કરતા થકા વર્તે છે અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ જે પંચવિષય તેને વિષે જીવમાત્રની બુદ્ધિ જાગ્રત વર્તે છે કહેતાં વિષયને ભોગવતા થકા જ વર્તે છે; અને જે ભગવાનના ભક્ત છે તેની બુદ્ધિ તો તે વિષયભોગને વિષે અંધકારે યુક્ત વર્તે છે કહેતાં તે વિષયને ભોગવતા નથી, માટે એવી રીતે જે પોતાના કલ્યાણને અર્થે સાવધાનપણે વર્તે છે તે જ કુશાગ્ર બુદ્ધિવાળા છે ને તે વિના તો સર્વે મૂર્ખ છે. ઇતિ વચનામૃતમ્‌ ।।૫૦।।

વચનામૃત ગઢડા પ્રથમનું - ૫૧

સંવત ૧૮૭૬ના મહા વદિ ૨ બીજને દિવસ રાત્રિને સમે સ્વામીશ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો ને ધોળો અંગરખો પહેર્યો હતો ને માથે ધોળી પાઘ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કાંઈ પ્રશ્ન પૂછો. પછી પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, દશ ઇન્દ્રિયો છે તે તો રજોગુણની છે અને ચાર અંતઃકરણ છે તે તો સત્ત્વગુણનાં છે, માટે એ સર્વે ઇન્દ્રિયો ને અંતઃકરણ તે તો માયિક છે ને ભગવાન તો માયાથી પર છે તેનો માયિક અંતઃકરણે કરીને કેમ નિશ્ચય થાય ? અને માયિક એવી જે ચક્ષુ આદિક ઇન્દ્રિયો તેણે કરીને ભગવાન કેમ જોયામાં આવે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, માયિક વસ્તુએ કરીને માયિક પદાર્થ હોય તે જણાય, માટે માયિક જે અંતઃકરણ ને ઇન્દ્રિયો તેણે કરીને જો ભગવાન જણાણા તો એ ભગવાન પણ માયિક ઠર્યા એ રીતે તમારો પ્રશ્ન છે ? પછી પૂર્ણાનંદ સ્વામી તથા સર્વ મુનિએ કહ્યું જે એ જ પ્રશ્ન છે તેને હે મહારાજ ! તમે પુષ્ટ કરી આપ્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે એનો તો ઉત્તર એમ છે જે, પચાસ કોટિ યોજન પૃથ્વીનું પીઠ છે તે પૃથ્વી ઉપર ઘટપટાદિક અનેક પદાર્થ છે તે સર્વ પદાર્થમાં એ પૃથ્વી રહી છે ને પોતાને સ્વરૂપે કરીને નોખી પણ રહી છે અને જ્યારે પૃથ્વીની દૃષ્ટિએ કરીને જોઈએ, ત્યારે એ સર્વ પદાર્થ રૂપે પૃથ્વી થઈ છે ને પૃથ્વી વિના બીજું કાંઈ પદાર્થ નથી ને તે પૃથ્વી જળના એક અંશમાંથી થઈ છે ને જળ તો પૃથ્વીની હેઠે પણ છે ને પડખે પણ છે ને ઉપર પણ છે ને પૃથ્વીના મધ્યમાં પણ જળ સર્વત્ર વ્યાપી રહ્યું છે. માટે જળની દૃષ્ટિએ કરીને જોઈએ તો પૃથ્વી નથી; એકલું જળ જ છે અને એ જળ પણ તેજના એક અંશમાંથી થયું છે, માટે તેજની દૃષ્ટિએ કરીને જોઈએ તો જળ નથી; એકલું તેજ જ છે અને તે તેજ પણ વાયુના એક અંશમાંથી થયું છે, માટે તે વાયુની દૃષ્ટિએ કરીને જોઈએ તો તેજ નથી; એકલો વાયુ જ છે ને તે વાયુ પણ આકાશના એક અંશમાંથી થયો છે, માટે જો આકાશની દૃષ્ટિએ કરીને જોઈએ તો વાયુ આદિક જે ચાર ભૂત ને તેનું કાર્ય જે પિંડ ને બ્રહ્માંડ તે કાંઈ ભાસે જ નહિ; એકલો આકાશ જ સર્વત્ર ભાસે અને એ આકાશ પણ તામસાહંકારના એક અંશમાંથી ઉત્પન્ન થયો છે ને તે તામસાહંકાર, રાજસાહંકાર, સાત્ત્વિકાહંકાર ને ભૂત, ઇન્દ્રિયો-અંતઃકરણ ને દેવતા એ સર્વે મહત્તત્ત્વના એક અંશમાંથી ઉત્પન્ન થયા છે, માટે મહત્તત્ત્વની દૃષ્ટિએ જોઈએ તો ત્રણ પ્રકારનો અહંકાર તથા ભૂત, ઇન્દ્રિયો-અંતઃકરણ, દેવતા એ સર્વે નથી; એકલું મહત્તત્ત્વ જ છે અને તે મહત્તત્ત્વ પણ પ્રકૃતિના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે, માટે પ્રકૃતિની દૃષ્ટિએ જોઈએ તો મહત્તત્ત્વ નથી; એકલી પ્રકૃતિ જ છે અને તે પ્રકૃતિ પણ પ્રલયકાળમાં પુરુષના એક અંશમાં લીન થઈ જાય છે અને પાછી સૃષ્ટિ સમે એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે પુરુષની દૃષ્ટિએ કરીને જોઈએ તો પ્રકૃતિ નથી; એકલો પુરુષ જ છે અને એવા અનંતકોટિ પુરુષ છે તે પુરુષોત્તમનું ધામ જે અક્ષર તેના એક દેશને વિષે લીન થઈ જાય છે ને પાછા ઊપજે છે, માટે એ અક્ષરની દૃષ્ટિએ કરીને જોઈએ તો એ સર્વે નથી; એક અક્ષર છે અને તે અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે, ને તે સર્વેની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેના કર્તા છે ને સર્વના કારણ છે અને જે કારણ હોય તે પોતાના કાર્યને વિષે વ્યાપક હોય ને તેથી જુદું પણ રહે માટે એ સર્વના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે જ નહીં. એવા જે એ ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે, ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને આ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એના ઇન્દ્રિયો-અંતઃકરણ સર્વે પુરુષોત્તમરૂપ થઈ જાય છે, ત્યારે તેમણે કરીને આ ભગવાનનો નિશ્ચય થાય છે. જેમ હીરે કરીને જ હીરો વેંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો, તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે ને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે પણ માયિક એવાં જે ઇન્દ્રિયો-અંતઃકરણ તેણે કરીને નથી થાતો, એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ્‌ ।।૫૧।।

વચનામૃત ગઢડા પ્રથમનું - ૫૩

સંવત ૧૮૭૬ના મહા વદિ ૯ નવમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા ને ધોળો સુરવાળ પહેર્યો હતો ને ધોળો અંગરખો પહેર્યો હતો ને જરકસી છેડાનું કસુંબલ ભારે શેલું કેડે બાંધ્યું હતું ને જરકસી છેડાનો ભારે કસુંબલ રેંટો માથે બાંધ્યો હતો ને તે પાઘમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા ને કંઠમાં પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કોઈ પ્રશ્ન પૂછો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે ને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે ને તે સાધુનો જે જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે ને તેને ભગવાનને વિષે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે, માટે તે સાધુનો અવગુણ ન લેવો, ને ગુણ જ લેવો ને અવગુણ તો ત્યારે લેવો જ્યારે પરમેશ્વરની બાંધેલ જે પંચવર્તમાનની મર્યાદા તેમાંથી કોઈક વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો, પણ કોઈ વર્તમાનમાં તો ફેર ન હોય ને તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય તેને જોઈને તે સાધુમાં બીજા ઘણાક ગુણ હોય તેનો ત્યાગ કરીને જો એકલા અવગુણને જ ગ્રહણ કરે તો તેના જ્ઞાન-વૈરાગ્યાદિક જે શુભ ગુણ તે ઘટી જાય છે, માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો પણ અમથો ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહિ ને જો અવગુણ લે નહિ તો તેને શુભ ગુણની દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિ થાતી જાય છે. ઇતિ વચનામૃતમ્‌ ।।૫૩।।

વચનામૃત ગઢડા પ્રથમનું - ૫૪

સંવત ૧૮૭૬ના મહા વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને જરિયાન છેડાવાળો કસુંબલ રેંટો ઓઢ્યો હતો અને આસમાની રંગનો જરિયાની રેશમનો ફેંટો માથે બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ ! શાસ્ત્રમાં કહ્યું છે જે, ભાગવત ધર્મને આશર્યો જે જીવ તે આંખ્યું મીંચીને ચાલ્યો જાય તોપણ પડેય નહિ ને આખડેય નહિ તે ભાગવત ધર્મ તે કિયા ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે :

પ્રસંગમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ ।
સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્‌ ।।૧।।

જેવો એ જીવને પોતાના સંબંધીને વિષે દૃઢ પ્રસંગ છે, તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના ભક્તને વિષે થાય તો એ ભગવાનના માર્ગ થકી કોઈ દિવસ પાછો પડે નહીં.
પછી શુકમુનિએ પૂછ્યું જે, ગમે તેવો આપત્કાળ પડે ને પોતાના ધર્મમાંથી ન ખસે તે કિયે લક્ષણે કરીને ઓળખાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું-મોટું વચન લોપી શકે નહિ, એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપત્કાળ આવે તોય પણ એ ધર્મ થકી પડે જ નહિ, માટે જેને વચનમાં દૃઢતા છે તેનો જ ધર્મ દૃઢ રહે અને તેનો જ સત્સંગ પણ દૃઢ રહે. ઇતિ વચનામૃતમ્‌ ।।૫૪।।

વચનામૃત ગઢડા પ્રથમનું - ૬૭

સંવત ૧૮૭૬ના ચૈત્ર સુદિ ૭ સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં મુનિને ઉતારે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, કોઈ પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી ને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિષે વાસના છે અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે જે, આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિષે પ્રીતિ થાય તો ઘણું સારું અને જેટલું કાંઈ યત્ન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહિ, એવા જે પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુને વિષે કેમ સમજે તો આવે ? એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, જેને આ લોકના સુખમાં ઇચ્છા નથી એવા સત્પુરુષ છે તેને વિષે દેવની બુદ્ધિ રાખે અને જે વચન કહે તે સત્ય માને ને તે પ્રમાણે વર્તે તો એ સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ ઉત્તર તો ખરો પણ આમ સમજે તો મોટા સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે તે સમજ્યાની રીત કહીએ તે સાંભળો જે, જે પુરુષને પરમેશ્વર વિના બીજે કયાંય પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે જે, આ પુરુષ તો અતિશે મોટા છે ને એને આગળ લાખો માણસ હાથ જોડીને ઊભા રહે છે તોપણ લેશમાત્ર સંસારના સુખને ઇચ્છતા નથી અને હું તો અતિશે પામર છું, જે કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું અને પરમેશ્વરની વાતમાં તો લેશમાત્ર સમજતો જ નથી, માટે મુને ધિક્કાર છે એવી રીતે અનુતાપ કરે, અને મોટાપુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે, પછી એમ ને એમ પરિતાપ કરતે કરતે એના હૃદયને વિષે વૈરાગ્ય ઊપજે ને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે.
હવે જેના હૃદયમાં સત્પુરુષના ગુણ ન આવે તેનાં લક્ષણ કહીએ તે સાંભળો જે, જે પુરુષ એમ સમજે જે, આ મોટા કહેવાય છે પણ વિવેક તો કોઈ પ્રકારનો નથી અને ખાતાં-પીતાં પણ આવડતું નથી અને ઓઢતાં-પહેરતાં પણ આવડતું નથી ને પરમેશ્વરે સુખ ઘણું આપ્યું છે તેને ભોગવતાં પણ આવડતું નથી અને કોઈને આપે છે તે પણ વિવેક વિનાનું આપે છે, એવી રીતે સત્પુરુષમાં અનંત પ્રકારના અવગુણ પરઠે એવો જે કુમતિ પુરુષ હોય તેને વિષે કોઈ કાળે સત્પુરુષના ગુણ આવે જ નહીં. ઇતિ વચનામૃતમ્‌ ।।૬૭।।

વચનામૃત ગઢડા પ્રથમનું - ૭૬

સંવત ૧૮૭૬ના પ્રથમ જ્યેષ્ઠ સુદિ ૧૧ એકાદશીને દિવસ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા.
તેમની આગળ શ્રીજીમહારાજે વાર્તા કરી જે, ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી ને માની એ ચાર પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તોય પણ તે સાથે અમારે બને નહિ, અને ક્રોધ ને ઈર્ષ્યા એ બેય માનને આશરે રહે છે. અને કામીનો તો અમારે કોઈ કાળે વિશ્વાસ જ નથી, જે એ સત્સંગી છે અને કામી તો સત્સંગમાં હોય તોય વિમુખ જેવો છે. અને જેને પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય, અને ગમે તેવા વચનના ભીડામાં લેઈએ ને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તોપણ કોઈ રીતે દેહપર્યંત મૂંઝાય નહિ એવો હોય તે પાકો સત્સંગી છે, અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે અને એવા ગુણ ન હોય તો હેત કરવા જાઈએ તોપણ હેત થાય નહિ, અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે, જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય, તે ઉપર જ હેત થાય છે. ઇતિ વચનામૃતમ્‌ ।।૭૬।।

વચનામૃત સારંગપુરનું - ૮

સંવત ૧૮૭૭ના શ્રાવણ વદિ ૧૨ દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉતરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી ચૈતન્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ ! ઈર્ષ્યાનું શું રૂપ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેના હૃદયમાં માન હોય તે માનમાંથી ઈર્ષ્યા પ્રવર્તે છે અને ક્રોધ, મત્સર ને અસૂયા તે પણ માનથી પ્રવર્તે છે. તે ઈર્ષ્યાનું એ રૂપ છે જે, પોતાથી જે મોટા હોય પણ તેનું જ્યારે સન્માન થાય ત્યારે તેને દેખી શકે નહિ એવો જેનો સ્વભાવ હોય તેને એમ જાણવો જે આના હૈયામાં ઈર્ષ્યા છે અને યથાર્થ ઈર્ષ્યાવાળો હોય તે તો કોઈની મોટાઈને દેખી શકે જ નહીં. ઇતિ વચનામૃતમ્‌ ।।૮।।

વચનામૃત પંચાળાનું - ૫

સંવત ૧૮૭૭ના ફાગણ વદિ ૮ અષ્ટમીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટાને વિષે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, કિયે ઠેકાણે માન સારું છે ને કિયે ઠેકાણે સારું નથી ? ને કિયે ઠેકાણે નિર્માનીપણું સારું છે ને કિયે ઠેકાણે સારું નથી ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે સત્સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરનું ને મોટા સંતનું ઘસાતું બોલતો હોય તેની આગળ તો માન રાખવું તે જ સારું છે અને તે ઘસાતું બોલે ત્યારે તેને તીખા બાણ જેવું વચન મારવું પણ વિમુખની આગળ નિર્માની થાવું નહિ તે જ રૂડું છે; અને ભગવાન ને ભગવાનના સંતની આગળ તો જે માન રાખવું તે સારું નથી ને તેની આગળ તો માનને મૂકીને દાસાનુદાસ થઈને નિર્માનીપણે વર્તવું તે જ રૂડું છે. ઇતિ વચનામૃતમ્‌ ।।૫।।

વચનામૃત ગઢડા મધ્યનું - ૭

સંવત ૧૮૭૮ના શ્રાવણ સુદિ ૧૧ એકાદશીને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખવો નથી, તોય પણ અયોગ્ય સ્વભાવ રહી જાય તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને વૈરાગ્યની દુર્બળતા હોય તેને ટાળ્યાની શ્રદ્ધા હોય તોય સ્વભાવ ટળે નહિ, જેમ દરિદ્રી હોય તે ઘણો સારાં સારાં ભોજન ને સારાં સારાં વસ્ત્રને ઇચ્છે પણ તે ક્યાંથી મળે ? તેમ વૈરાગ્યહીન હોય તેના હૃદયમાં ઇચ્છા તો હોય પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે.
પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, જેને વૈરાગ્ય ન હોય તે શો ઉપાય કરે ત્યારે વિકાર ટળે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે વૈરાગ્યહીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશે સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે પછી પરમેશ્વર તેને કૃપાદૃષ્ટિએ કરીને જુએ જે, આ બિચારો વૈરાગ્ય રહિત છે તેને કામ-ક્રોધાદિક બહુ પીડે છે, માટે એના એ સર્વે વિકાર ટળો, તો તત્કાળ ટળી જાય અને સાધને કરીને તો બહુ કાળ મહેનત કરતાં કરતાં આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે અને તરત જે વિકાર માત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે. ઇતિ વચનામૃતમ્‌ ।।૭।।

વચનામૃત ગઢડા મધ્યનું - ૩૭

સંવત ૧૮૮૦ના ભાદરવા વદિ ૧ પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, શાસ્ત્રમાં કહ્યું છે જે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે, અને શાસ્ત્રે કહ્યો એવો જે નિગ્રહ તેનું જોર ચાલે નહીં. માટે એ સ્વાભાવિક પ્રકૃતિ છે તે શે ઉપાયે કરીને ટળે ? પછી સર્વે જે મુનિમંડળ તેણે વિચારી જોયું, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનો ઉત્તર થાય એમ જણાણું નહિ, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે એનો ઉત્તર એમ છે જે, એ સ્વભાવ મુકાવ્યા સારુ જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય, તેના વચનને વિષે અતિશે વિશ્વાસ હોય અને ઉપદેશના કરનારાની ઉપર સાંભળનારાને અતિશે પ્રીતિ હોય, અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલાં દુખવીને કઠણ વચન કહે તોપણ તેને હિતકારી જ માનતો જાય, તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય, પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી, માટે જેને પોતાની પ્રકૃતિ ટાળ્યાની ઇચ્છા હોય, તેને પરમેશ્વર તથા સત્પુરુષ તે સ્વભાવ ટાળ્યા સારુ ગમે તેટલા તિરસ્કાર કરે, ને ગમે તેવાં કઠણ વચન કહે તોપણ કોઈ રીતે દુઃખાવું નહિ, ને કહેનારાનો ગુણ જ લેવો એવી રીતે વર્તે તો કોઈ રીતે ન ટળે એવી પ્રકૃતિ હોય તોય પણ ટળી જાય છે. ઇતિ વચનામૃતમ્‌ ।।૩૭।।

વચનામૃત ગઢડા મધ્યનું - ૪૦

સંવત ૧૮૮૦ના આસો વદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાનાને ઉતારાના વિષે વિરાજમાન હતા પછી સ્નાન કરીને શ્વેત વસ્ત્ર ધારણ કરીને પોતાના આસન ઉપર વિરાજમાન થયા ને પોતાનું દેવાર્ચનાદિક જે નિત્ય કર્મ તેને કરીને ઉત્તરાદે મુખે શ્રીકૃષ્ણ ભગવાનને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરતા હવા તે પ્રતિદિન જેટલા દંડવત્‌ પ્રણામ કરતા તેથી તે દિવસે તો પોતે એક દંડવત્‌ પ્રણામ અધિક કર્યો; તેને જોઈને શુક મુનિએ પૂછ્યું જે, હે મહારાજ ! આજ તમે એક પ્રણામ અધિક કેમ કર્યો ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, નિત્ય પ્રત્યે તો અમે શ્રીકૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીને એમ કહેતા જે, હે મહારાજ ! આ દેહાદિકને વિષે અહંમમત્વ હોય તેને તમે ટાળજ્યો અને આજ તો અમને એવો વિચાર થયો જે ભગવાનના ભક્તનો મને, વચને ને દેહે કરીને જે કાંઈક જાણ્યે-અજાણ્યે દ્રોહ થઈ આવે ને તેણે કરીને જેવું આ જીવને દુઃખ થાય છે તેવું બીજે કોઈ પાપે કરીને થાતું નથી. માટે જાણે-અજાણે મને-વચને-દેહે કરીને જે કાંઈ ભગવાનના ભક્તનો દ્રોહ બણી આવ્યો હોય તેનો દોષ નિવારણ કરાવ્યા સારુ એક પ્રણામ અધિક કર્યો. અને અમે તો એમ જાણ્યું છે જે ભગવાનના ભક્તના દ્રોહે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે ને એ જીવને કષ્ટ થાય છે તેવું કોઈ પાપે કરીને થાતું નથી. અને ભગવાનના ભક્તની મને-વચને-દેહે કરીને જે સેવા બણી આવે ને તેણે કરીને જેવું આ જીવનું રૂડું થાય છે ને એ જીવને સુખ થાય છે તેવું બીજે કોઈ સાધને કરીને થાતું નથી. અને એ ભગવાનના ભક્તનો જે દ્રોહ થાય છે તે લોભ, માન, ઈર્ષ્યા ને ક્રોધ એ ચારે કરીને થાય છે. અને ભગવાનના ભક્તનું જે સન્માન થાય છે તે જેમાં એ ચાર વાનાં ન હોય તેથી થાય છે. માટે જેને આ દેહે કરીને પરમ સુખિયા થાવું હોય ને દેહ મૂક્યા કેડે પણ પરમ સુખિયા થાવું હોય તેને ભગવાનના ભક્તનો મને-વચને-દેહે કરીને દ્રોહ ન કરવો, અને જો ભગવાનના ભક્તનો કાંઈક દ્રોહ થઈ જાય તો તેની વચને કરીને પ્રાર્થના કરવી ને મને કરીને ને દેહે કરીને તેને દંડવત્‌ પ્રણામ કરવા ને ફરીને દ્રોહ ન થાય એવી રીતે વર્ત્યાનો આદર કરવો, પણ એક વાર દ્રોહ કરીને દંડવત્‌ પ્રણામ કર્યા ને વળી ફરીને દ્રોહ કરીને દંડવત્‌ પ્રણામ કરવા એવી રીતે વર્તવું નહીં. અને આ વાર્તા દાડી સાંભરતી રહે તે સારુ આજથી સર્વે સંત તથા સર્વે હરિભક્ત માત્ર એવો નિયમ રાખજ્યો જે, ભગવાનની પૂજા કરીને પોતાના નિત્ય નિયમના જે દંડવત્‌ પ્રણામ હોય તે કરવા ને તે પછી બધા દિવસમાં જે કાંઈ જાણે- અજાણે મને-વચને-દેહે કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થયો હોય તેનું નિવારણ કરાવવા સારુ એક દંડવત્‌ પ્રણામ નિત્યે કરવો એમ અમારી આજ્ઞા છે તેને સર્વે પાળજ્યો. ઇતિ વચનામૃતમ્‌ ।।૪૦।।

વચનામૃત ગઢડા મધ્યનું - ૪૧

સંવત ૧૮૮૦ કાર્તિક વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે પીળાં પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિષે પીળાં પુષ્પના તોરા ખોસ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા જે, જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા-ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને તે સેવા કરવી તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને જ કરવી, પણ કોઈક વખાણે તે સારુ ન કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે જે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહિ, અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે, પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહિયાળું થાય, તેને ચાટીને રાજી થાય છે, પણ મૂર્ખ એમ નથી જાણતો જે મારા જ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું, તેમ ભગવાનનો ભક્ત હોય તોપણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી અને જે જે સાધન કરે છે તે માનને વશ થઈને કરે છે, પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરતો નથી અને ભગવાનની ભક્તિ કરે છે તેમાં પણ માનનો સ્વાદ આવે છે, ત્યારે કરે છે પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતો અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મિયાંજી જેવા કોઈક જ કરતા હશે પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. પછી તે ઉપર મુક્તાનંદ સ્વામીએ સાખી કહી જે :

કનક તજ્યો કામની તજ્યો, તજ્યો ધાતુ કો સંગ;
તુલસી લઘુ ભોજન કરી, જીવે માન કે રંગ.

એ સાખીને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી માટે માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વે હરિભક્તમાં અતિશે મોટો જાણવો. ઇતિ વચનામૃતમ્‌ ।।૪૧।।

વચનામૃત ગઢડા મધ્યનું - ૪૯

સંવત ૧૮૮૦ના ફાગણ સુદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર મેડીની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી, તકિયા બિછાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પાઘમાં ધોળાં પુષ્પનો હાર લટકતો મૂક્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ ને બીજા જે માયિક આકાર એ બેયને વિષે તો ઘણો ફેર છે, પણ જે અજ્ઞાની છે ને અતિશે મૂર્ખ છે તે તો ભગવાનને ને માયિક આકારને સરખા જાણે છે કેમ જે માયિક આકારના જે જોનારા છે ને માયિક આકારના જે ચિંતવન કરનારા છે તે તો અનંતકોટિ કલ્પ સુધી નરક ચોરાશીને વિષે ભમે છે. અને જે ભગવાનના સ્વરૂપનાં દર્શન કરનારા છે ને ભગવાનના સ્વરૂપના ચિંતવન કરનારા છે તે તો કાળ, કર્મ ને માયા એ સર્વેનાં બંધન થકી છૂટીને અભયપદને પામે છે ને ભગવાનના પાર્ષદ થાય છે, માટે અમારે તો ભગવાનની કથા, કીર્તન, વાર્તા કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થાતી જ નથી, ને તમારે પણ સર્વેને એવી રીતે કરવું. ઇતિ વચનામૃતમ્‌ ।।૪૯।।

વચનામૃત ગઢડા મધ્યનું - ૫૩

સંવત ૧૮૮૦ના વૈશાખ સુદિ ૫ પંચમીને દિવસ શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે ગાદી-તકિયા બિછાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, શાસ્ત્રને વિષે જે મોહ કહ્યો છે તે મોહનું એ રૂપ છે જે જ્યારે હૃદયને વિષે મોહ વ્યાપે ત્યારે એ જીવને પોતાનો અવગુણ તો સૂઝે જ નહિ માટે પોતાનો અવગુણ ન સૂઝે એ જ મોહનું રૂપ છે. અને વળી જીવમાત્રને પોતાના ડહાપણનું અતિશે માન હોય પણ એમ વિચારે નહિ જે મુને મારા જીવની ખબર નથી જે આ શરીરમાં જીવ રહ્યો છે તે કાળો છે કે ગોરો છે કે લાંબો છે કે ટૂંકો છે એની કાંઈ ખબર નથી, તોપણ મોટાપુરુષ હોય અથવા ભગવાન હોય તેને વિષે પણ ખોટ કાઢે અને એમ સમજે જે આ મોટાપુરુષ છે અથવા ભગવાન છે, પણ આટલું ઠીક કરતા નથી એમ ખોટ કાઢે છે, પણ એ મૂર્ખો એમ નથી જાણતો જે એ ભગવાન તો અનંતકોટિ બ્રહ્માંડને વિષે રહ્યા એવા જે જીવ ને ઈશ્વર તેને જેમ હથેળીમાં જળનું ટીપું હોય ને તેને દેખે તેમ દેખે છે. અને અનંતકોટિ બ્રહ્માંડના આધાર છે, ને મુક્તોના સ્વામી છે, અને અનંતકોટિ બ્રહ્માંડના કર્તા-હર્તા છે, અને મોટા મોટા અવતારો પણ જેના મહિમાના પારને પામતા નથી અને અનંત અનાદિમુક્તો પણ જેના મહિમાને નેતિ નેતિ કહે છે, માટે એવા જે પરમેશ્વર તેનાં ચરિત્રને વિષે ને તે ભગવાનની જે સમજણ તેને વિષે જે દોષ દેખે છે તેને વિમુખ ને અધર્મી જાણવો, અને સર્વ મૂર્ખનો રાજા જાણવો, અને ભગવાન ને ભગવાનના ભક્ત તેની તો અલૌકિક સમજણ હોય તેને દેહાભિમાની જીવ ક્યાંથી સમજી શકે ? માટે પોતાની મૂર્ખાઈએ કરીને ભગવાન ને ભગવાનના જે ભક્ત તેનો અવગુણ લઈને વિમુખ થઈ જાય છે. અને એ ભગવાનના ખરેખરા ભક્ત જે સત્પુરુષ હોય તે તો અલૌકિક દૃષ્ટિએ યુક્ત વર્ત્યા કરે છે. ઇતિ વચનામૃતમ્‌ ।।૫૩।।

વચનામૃત ગઢડા મધ્યનું - ૫૪

સંવત ૧૮૮૦ના જ્યેષ્ઠ સુદિ ૭ સપ્તમીને દિવસ ત્રીજા પહોરને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા ત્યાં ઘણી વાર સુધી તો ઘોડી ફેરવી, પછી તે વાડી મધ્યે વેદી ઉપર વિરાજમાન થયા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યાં હતાં અને મસ્તક ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી ને કંઠને વિષે મોગરાનાં પુષ્પનો હાર વિરાજમાન હતો ને પાઘને વિષે તોરો વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, અષ્ટાંગયોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ ને દાનાદિક એણે કરીને હું તેવો વશ થાતો નથી જેવો સત્સંગે કરીને વશ થાઉં છું, માટે સર્વ સાધન કરતાં સત્સંગ અધિક થયો તે જેને સર્વે સાધન થકી સત્સંગ અધિક જણાતો હોય તે પુરુષનાં કેવાં લક્ષણ હોય ? પછી જેને જેવું સમજાણું તેવું તેણે કહ્યું પણ યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને ભગવાનના સંતને વિષે જ આત્મબુદ્ધિ છે, જેમ કોઈક રાજા હોય ને તે વાંઝિયો હોય ને પછી તેને ઘડપણમાં દીકરો આવે પછી તે છોકરો તેને ગાળો દે, મૂછો તાણે તોપણ અભાવ આવે નહિ અને કોઈકના છોકરાને મારે તથા ગામમાં અનીતિ કરી આવે તોપણ કોઈ રીતે તેનો અવગુણ આવે જ નહિ; શા માટે જે એ રાજાને પોતાના દીકરાને વિષે આત્મબુદ્ધિ થઈ ગઈ છે, એવી જેને ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ થાય છે તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે. ઇતિ વચનામૃતમ્‌ ।।૫૪।।

વચનામૃત વરતાલનું - ૯

સંવત ૧૮૮૨ના પોષ સુદિ ૮ અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર ગાદી-તકિયા બિછાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, રાજસી, તામસી ને સાત્ત્વિકી એ ત્રણ પ્રકારનું જે માયિક સુખ તે જેમ ત્રણ અવસ્થાને વિષે જણાય છે, તેમ નિર્ગુણ એવું જે ભગવાનસંબંધી સુખ તે કેમ જણાય છે ? પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિમંડળ સમસ્ત મળીને કરવા માંડ્યો પણ એનું સમાધાન થયું નહિ, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પૃથ્વી આદિક ચાર ભૂત વિના એકલો જ આકાશ હોય અને જેટલા આકાશને વિષે તારા છે તેટલા ચંદ્રમા હોય, ને તેનો જેવો પ્રકાશ થાય, તેવો ચિદાકાશનો પ્રકાશ છે; અને તે ચિદાકાશને મધ્યે સદાય ભગવાનની મૂર્તિ વિરાજમાન છે, તે મૂર્તિને વિષે જ્યારે સમાધિ થાય ત્યારે એક ક્ષણમાત્ર ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય, તે ભજનના કરનારાને એમ જણાય જે હજારો વર્ષ પર્યંત મેં સમાધિને વિષે સુખ ભોગવ્યું. એવી રીતે ભગવાનના સ્વરૂપસંબંધી જે નિર્ગુણ સુખ તે જણાય છે, અને જે માયિક સુખ છે તે બહુકાળ ભોગવ્યું હોય તોપણ અંતે ક્ષણ જેવું જણાય છે, માટે ભગવાનના સ્વરૂપસંબંધી જે નિર્ગુણ સુખ છે તે અખંડ અવિનાશી છે, ને જે માયિક સુખ છે તે નાશવંત છે. ઇતિ વચનામૃતમ્‌ ।।૯।।

વચનામૃત વરતાલનું - ૧૬

સંવત ૧૮૮૨ના પોષ વદિ ૧૩ તેરશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષ હેઠે મંચ ઉપર ગાદી-તકિયા બિછાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
તે સભામાં વડોદરાના શાસ્ત્રી બેઠા હતા તેણે એમ કહ્યું જે, હે મહારાજ ! તમે જો કોઈક મોટા માણસને ચમત્કાર જણાવો તો તેમાંથી ઘણો સમાસ થાય. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, મોટા માણસ સાથે અમારે ઝાઝું બને નહીં. શા માટે જે એને રાજનો ને ધનનો મદ હોય, અને અમારે ત્યાગનો ને ભક્તિનો મદ હોય, માટે કોઈ કેને નમી દે એવું કામ નથી. અને કોઈક મોટા માણસને જો સમાધિ કરાવીએ તો કોઈક ગામ-ગરાસ આપે તેની અમારા હૈયામાં લાલચ નથી, કેમ જે ગામ-ગરાસ તો સુખને અર્થે ઇચ્છીએ તે અમારે તો નેત્ર મીંચીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરીએ તેમાં જેવું સુખ છે તેવું ચૌદ લોકના રાજ્યને વિષે પણ નથી અને જો ભગવાનના ભજન જેવું રાજ્યને વિષે સુખ હોય તો સ્વાયંભુવ મનુ આદિક જે મોટા મોટા રાજા તે સર્વે રાજ્ય મૂકીને વનમાં તપ કરવા શા સારુ જાય ? અને ભગવાનના ભજન જેવું સ્ત્રીને વિષે સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓને શા સારુ મૂકે ? અને ભગવાનના ભજનના સુખ આગળ તો ચૌદ લોકનું જે સુખ તે નરક જેવું કહ્યું છે, માટે જે ભગવાનને સુખે સુખિયો થયો હોય તેને તો બ્રહ્માંડને વિષે જે વિષયનું સુખ છે તે નરક તુલ્ય ભાસે છે. અને અમારે પણ ભગવાનના ભજનનું સુખ તે જ સુખ જણાય છે અને બીજું સર્વે દુઃખરૂપ જણાય છે, માટે પરમેશ્વરનું ભજન-સ્મરણ કરતાં થકાં જેને સહેજે સત્સંગ થાય તેને કરાવીએ છીએ પણ કોઈ વાતનો અંતરમાં આગ્રહ નથી, ને આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તનો સત્સંગ રાખ્યાનો છે. એ અમારા અંતરનો રહસ્ય અભિપ્રાય હતો તે અમે તમારી આગળ કહ્યો. ઇતિ વચનામૃતમ્‌ ।।૧૬।।

વચનામૃત વરતાલનું - ૧૯

સંવત ૧૮૮૨ના મહા સુદિ ૨ બીજને દિવસ શ્રીજીમહારાજ સાંઝને સમે શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં ઉગમણી કોરની રૂપચોકી ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી ઠાકોરજીની સંધ્યા-આરતી થઈ રહી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, સાંભળો ભગવાનની વાર્તા કરીએ છીએ જે, આ જીવને જ્યારે ભરતખંડને વિષે મનુષ્યદેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય, તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે, પછી એ ભગવાનનો ભક્ત થયો તેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિષે પ્રીતિ રાખવી ઘટે નહિ, શા માટે જે ભગવાનના ધામનું જે સુખ છે તેની આગળ માયિક પંચવિષયનું સુખ છે તે તો નરક જેવું છે, અને જે નરકના કીડા છે તે તો નરકને વિષે પરમ સુખ માને છે, પણ જે મનુષ્ય હોય તે તો તે નરકને પરમ દુઃખદાયી જાણે છે, તેમ જેને ભગવાનની ઓળખાણ થઈ તે તો ભગવાનનો પાર્ષદ થયો ને તેને ભગવાનનો પાર્ષદ મટીને વિષ્ટાના કીડાની પેઠે માયિક પંચવિષયના સુખને ઇચ્છવું નહીં. અને જે ભગવાનનો ભક્ત હોય તે તો જે જે મનોરથ કરે તે સર્વે સત્ય થાય છે, માટે ભગવાન વિના બીજા પદાર્થને અણસમજણે કરીને જે ઇચ્છે છે એ જ એને મોટો અવિવેક છે, તે સારુ જે ભગવાનનો ભક્ત હોય તેને તો ચૌદ લોકમાં જે ભોગ-સુખ છે તેને કાકવિષ્ટા તુલ્ય જાણ્યાં જોઈએ ને મન-કર્મ-વચને કરીને ભગવાનના ભક્તને વિષે જ દૃઢ પ્રીતિ કરી જોઈએ અને એમ સમજ્યું જોઈએ જે, જે ભગવાનનો ભક્ત હોય ને તેને જો કદાચિત્‌ ભગવાન વિના બીજી વાસના રહી ગઈ હોય તો તે પણ ઇંદ્રની પદવીને પામે, કાં બ્રહ્મલોકને પામે પણ પ્રાકૃત જીવની પેઠે નરક ચોરાશીમાં તો જાય જ નહિ. ત્યારે જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેનો જે મહિમા ને તેનું જે સુખ તે તો વર્ણવ્યામાં જ કેમ આવે ? માટે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનમાં જ દૃઢ પ્રીતિ રાખવી. ઇતિ વચનામૃતમ્‌ ।।૧૯।।

વચનામૃત ગઢડા છેલ્લાનું - ૧૭

સંવત ૧૮૮૪ના શ્રાવણ સુદિ ૬ છઠને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે પુષ્પનો હાર પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, શાસ્ત્રમાં જેવું ભરતજીનું આખ્યાન ચમત્કારી છે તેવી તો કોઈ કથા ચમત્કારી નથી, કેમ જે ભરતજી તો ઋષભદેવના પુત્ર હતા ને ભગવાનને અર્થે સમગ્ર પૃથ્વીનું રાજ્ય ત્યાગ કરીને વનમાં ગયા હતા. અને ત્યાં ભગવાનનું ભજન કરતાં થકાં મૃગલીનાં બચ્ચાંને વિષે પોતાને હેત થયું ત્યારે તે મૃગને આકારે પોતાના મનની વૃત્તિ થઈ ગઈ, પછી એવા મોટા હતા, તોપણ તે પાપે કરીને મૃગનો અવતાર આવ્યો, માટે અનંત પ્રકારનાં પાપ છે, પણ તે સર્વે પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે હેત કરવું તે અતિ મોટું પાપ છે, માટે જે સમજુ હોય ને તે જો એ ભરતજીની વાત વિચારે તો અંતરમાં અતિશે બીક લાગે જે, રખે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય એવી રીતની અતિશે બીક લાગે. અને ભરતજી જ્યારે મૃગના દેહનો ત્યાગ કરીને બ્રાહ્મણને ઘેર અવતર્યા ત્યારે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય તેની બીકે કરીને સંસારના વ્યવહારમાં ચિત્ત દીધું જ નહિ, ને જાણીને ગાંડાની પેઠે વર્ત્યા અને જે પ્રકારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે તેમ જ રહેતા હવા. એટલી વાત કરીને શ્રીજીમહારાજ ઠાકોરજીની આરતી થઈ ત્યાં પધાર્યા. ઇતિ વચનામૃતમ્‌ ।।૧૭।।