પર્યાવરણીય પ્રયત્નો
  1. સ્વચ્છતા અભિયાન
  2. “સંસ્થા એ રાષ્ટ્ર તથા સમાજનું એક અભિન્ન અંગ છે.” ત્યારે શૂન્યમાંથી નવસર્જન પામેલ એસ.એમ.વી.એસ. સંસ્થા ગુરુવર્ય પ.પૂ. બાપજીની દિવ્યતમ પ્રેરણા તથા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના નેતૃત્વ હેઠળ ઉચ્ચતમ આધ્યાત્મિકતાની સાથે સાથે અનેકવિધ જનહિતાવહ અર્થે સમાજલક્ષી સેવાનાં કાર્યો અવિરતપણે કરી રહી છે. વખતોવખત સંસ્થા દ્વારા અનેક શૈક્ષણિક તથા સામાજિક કાર્યો કરવામાં આવે છે. તેમાં આજદિન સુધી નવાં નવાં સોપાન ઉમેરાતાં રહ્યાં છે.

    ‘વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ’ના ઉદ્‌ઘોષ અન્વયે એમાં એક નૂતન સેવાકીય સોપાન ‘સ્વચ્છતા અભિયાન’ ઉમેરાયું હતું. સ્વચ્છ સમાજ એ દેશની પ્રગતિ ને વૃદ્ધિ છે. તેને અનુલક્ષીને સમગ્ર ભારતને ‘સ્વચ્છ ભારત’ બનાવવાનું અભિયાન દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉપાડવામાં આવ્યું છે. ત્યારે તેને પોતાનું સામાજિક કર્તવ્ય સમજીને એસ.એમ.વી.એસ. સંસ્થા પણ ભારત સરકારના આ ‘સ્વચ્છ ભારત’ અભિયાનમાં સહભાગી થઈ છે.

    વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ ‘વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ’ ઉપક્રમે 200 જાહેર સ્થળોની સ્વચ્છતા માટે ભવ્ય સંકલ્પ તા. 26-10-2014ના રોજ દેશ-વિદેશના 19,000થી વધુ એસ.એમ.વી.એસ.ના સત્સંગ સમાજ સમક્ષ ઉદ્‌ઘાટિત કર્યો હતો. “આજે જે ‘સ્વચ્છતા અભિયાન’નો સંકલ્પ એમણે ઉદ્‌ઘોષિત કર્યો છે તેને તે ઔપચારિક રીતે નહિ પણ વૈયક્તિક (વ્યક્તિગત) રીતે ચરિતાર્થ કરીને જ રહેશે.” આવા અંતર ઉદ્‌ગારો તે સમયે હજારો મુમુક્ષુઓએ અનુભવી તેમના નૂતન સમાજલક્ષી સોપાનને બિરદાવ્યું હતું.

    આ અભિયાન અંતર્ગત અમદાવાદ, પંચમહાલ, મહેસાણા, વડોદરા-મુંબઈ-પૂના, સુરત-ચરોતર, સૌરાષ્ટ્ર-1 (સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, કચ્છ), ગાંધીનગર, હિંમતનગર, સૌરાષ્ટ્ર-2 (ઉના, ભાવનગર, ગઢડા, બોટાદ, જૂનાગઢ, આદિ સંસ્થાકીય સત્સંગ ક્ષેત્રોના ઝોનમાં 200થી વધુ જાહેર સ્થળોને ‘સ્વચ્છતા અભિયાન’નો સંકલ્પ આપવામાં આવ્યો હતો. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના આ સંકલ્પને સત્સંગ સમાજે ઉત્સાહભેર વધાવી લીધો હતો. ત્યારબાદ આ સંકલ્પને સાકાર કરવા ઝોન તથા સેન્ટરવાઇઝ ઝીણવટભર્યું આયોજન કરવામાં આવ્યું. અને પછી નિર્ધારિત જે તે દિને વહેલી સવારે એસ.એમ.વી.એસ. સંસ્થાના પૂ. સંતો તથા 5,919થી વધુ સ્વયંસેવકો-સેવિકાઓ સફાઈના સરંજામ સાથે 114થી વધુ જાહેર સ્થળો ને રસ્તાઓ પર ઊતરી પડ્યાં હતાં.

  3. વૃક્ષારોપણ
  4. પર્યાવરણનું મહત્ત્વ સમજવું, તેનો સુયોગ્ય ઉપયોગ કરવો તથા તેનું જતન કરવું એ સમાજમાં રહેલી પ્રત્યેક વ્યક્તિની પવિત્ર ફરજ છે. સંસ્થા દ્વારા પર્યાવરણ-સુરક્ષા માટે થતા અનેકવિધ પ્રયત્નોમાંનો સફળ પ્રયત્ન એટલે ‘વૃક્ષારોપણ અભિયાન’. આ અભિયાનમાં પ્રતિ વર્ષ 5મી જૂને ઊજવાતા ‘વિશ્વ પર્યાવરણ દિન’ના પ્રતીક દિનના રોજ વૃક્ષારોપણ કરવામાં આવે છે. આ ઉપરાંત, વૃક્ષારોપણના વિશિષ્ટ અભિયાનરૂપ સરળ આયોજન એટલે ‘વૃક્ષ દત્તક યોજના’. જેમાં માત્ર વૃક્ષને વાવવાથી કાર્ય પૂર્ણ ન કરતાં, જે તે વૃક્ષ વાવનારને તે વૃક્ષના જતનની પણ ફરજ પાડવામાં આવે છે. ગુરુવર્ય પ.પૂ. બાપજીની અનુજ્ઞાથી આ યોજના અન્વયે સંસ્થા દ્વારા કુલ 1,75,000 કરતાં પણ વધુ વૃક્ષોનાં વાવેતર તથા જતન દ્વારા પર્યાવરણ સુરક્ષાનું સેવાકાર્ય થઈ રહ્યું છે.

  5. પશુસંવર્ધન
  6. ગુરુવર્ય પ.પૂ. બાપજીના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ચક્રના ભાગ સમાન પશુઓના સંવર્ધન માટે એસ.એમ.વી.એસ. સંસ્થા દ્વારા ઘાસ વિતરણ, દાણ વિતરણ તથા કેટલ કેમ્પો જેવા પર્યાવરણ હિતાવહ કાર્યક્રમો યોજાયા છે.

    દુષ્કાળના પ્રભાવમાં આવેલ મનુષ્ય, પશુઓ તેમજ મનુષ્યના ધંધા-રોજગારને આમાંથી ઉગારવા એ અત્યંત જટિલ થઈ પડ્યું હતું. ‘માનવને તો અન્ન મળી જાય પણ મૂંગા ઢોરનું શું ?’ આ વિચાર સાથે એસ.એમ.વી.એસ. સંસ્થાએ દુષ્કાળ નિવારવા રાહતકાર્યોનો પ્રારંભ કર્યો. આ રાહતકાર્યોનો મુખ્ય ધ્યેય પશુધનનું સંરક્ષણ કરી, માનવસમાજની આજીવિકાને સુધારવી એ રહ્યો છે.

    આ કાર્યક્રમોમાં ઈ.સ. 2001માં આવેલ દુષ્કાળમાં પંચમહાલ તથા સાબરકાંઠાના 120થી વધુ તાલુકા સેન્ટર તથા ગામડાંઓમાં પશુ માટે વિનામૂલ્યે 6,971થી વધુ પશુઓને 2,32,175 કિલો ઘાસનું તથા 1,94,000 કિલો દાણનું વિતરણ કરી સમાજને ‘દુષ્કાળ’ની આપત્તિઓમાંથી બચાવી લીધો હતો.

    ગુરુવર્ય પ.પૂ. બાપજીની દિવ્ય પ્રેરણા તથા પ.પૂ. સ્વામીશ્રીના નેતૃત્વ હેઠળ ઉત્તમ ઓલાદના પશુધન સંવર્ધન તથા જતનનો પ્રયાસ આદરવામાં આવ્યો છે. જેના એક ભાગ રૂપે પંચમહાલ જેવા આદિવાસી વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 50 કરતાં પણ વધુ ગાયોનું જતન કરવામાં આવે છે. ગૌશાળા દ્વારા ગોબરગેસ તથા કુદરતી છાણિયા ખાતરનું ઉત્પાદન કરવામાં આવે છે. વળી, કારમા દુષ્કાળને ટાળવા માટે સંસ્થા દ્વારા ખૂબ મોટા પાયે હજારો પશુઓનું સંવર્ધન કરવામાં આવે છે. દુષ્કાળમાં સંસ્થા દ્વારા ખૂબ મોટા પાયે હજારો પશુઓના વૈજ્ઞાનિક શૈલીથી કેટલ કેમ્પો યોજીને પશુઓના સંવર્ધન માટે અતિ મૂલ્યવાન યોગદાન આપવામાં આવ્યું છે.

  7. સૌર શક્તિનો પ્રયોગ
  8. એસ.એમ.વી.એસ. સંસ્થાના મંદિરોમાં સૌર શક્તિ (સોલર એનર્જી)નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. 55 એકરમાં ફેલાયેલ સંસ્થાના વડામથક સ્વામિનારાયણ ધામ ખાતે સૂર્યશક્તિ દ્વારા વિદ્યુત સર્જન તથા વોટર હિટિંગનો કારગત વિનિયોગ કરવામાં આવ્યો છે. એ જ રીતે સંસ્થાના અનેક મંદિરોમાં પણ આવી રીતે સૌર શક્તિનો ઉપયોગ કરી પ્રેરણાત્મક કાર્ય થઈ રહ્યું છે.

    આમ, વિવિધ ક્ષેત્રે પર્યાવરણના સંરક્ષણના પર્યાય તરીકે એસ.એમ.વી.એસ. સંસ્થા પ્રેરણાપાત્ર છે.