રાહતકાર્યો

આજના યુગમાં વિજ્ઞાને ખૂબ જ પ્રગતિ સાધી માનવજીવનને ઘણી સવલતો આપી છે. તેમ છતાં કુદરતી તત્ત્વો જ્યારે પોતાના રૌદ્ર સ્વરૂપનું દર્શન કરાવે છે ત્યારે વિજ્ઞાનની પણ ઘણી આવિષ્કારિતા નિષ્ફળ ઠરતી હોય છે. જેની ખુવારી વિશ્વમાં સૌ કોઈએ યેનકેન પ્રકારે ભોગવવી પડતી હોય છે. જેમાં ભૂકંપ, દુષ્કાળ, અતિવૃષ્ટિ, ત્સુનામી અને વાવાઝોડું તેમજ આ સિવાય અનેક આવી આપત્તિઓ સૌ કોઈને લાચાર બનાવી દે છે. આ લાચારીમાંથી સમાજને બહાર લાવવાનું માનવસેવાકાર્ય એસ.એમ.વી.એસ. દ્વારા કરવામાં આવી રહ્યું છે. આવી કુદરતી આપત્તિઓમાં સપડાયેલાં ગામો, શહેરો તથા માનવસમાજના સાચા રક્ષક અને પોષક બની સંસ્થાના સ્વયંસેવકો તથા સંતો રાહતકાર્યની સેવામાં દિન-રાત ખડે પગે હાજર રહે છે.

અત્યાર સુધી માનવસમાજ ઉપર આવી પડેલી આવી કુદરતી આપત્તિઓમાં સંસ્થા દ્વારા થયેલ રાહત સેવાકાર્યો પ્રશંસનીય રહ્યાં છે. જેમાં ઈ.સ. 2001માં આવેલ ભૂકંપમાં સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી થઈ હતી. આ સમયે સંસ્થા દ્વારા કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ આદિ તમામ જિલ્લાઓમાં સેવાકાર્યો યોજાયાં હતાં. જેમાં ભૂકંપપીડિતો માટે કપડાં, વાસણો, અનાજ, સ્ટવ તથા સુખડી-ચેવડો આદિ ફૂડપૅકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કચ્છ ખાતે તો પૂ. સંતો સહિત હરિભક્તોની મોટી ટીમે સેવામાં જોડાઈ કુલ 125 ટન કરતાં પણ વધુ માલ-સામાનનું વિતરણ કર્યું હતું.

અનેકવિધ રાહતકાર્યોમાં એસ.એમ.વી.એસ.ના 10,000થી વધુ સ્વયંસેવકોનો સેવાગણ સમાજસેવા માટે હંમેશાં સુસજ્જ છે.