જ્યાં દિવ્યજીવન પ્રેરક શિબિરો, સભાઓ, અંગત સંપર્ક અને વિવિધ યાત્રાઓ દ્વારા સત્સંગનું પોષણ થાય છે.
નિત્યપ્રત્યે તથા દિન-પ્રતિદિન પ્રગતિકાર સત્સંગનું પોષણ મળતું રહે તે માટે સંસ્થા દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ કાર્યરત છે. ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત સર્વોપરી સિદ્ધાંતો અને સર્વોપરી ઉપાસનાની દૃઢતા તથા સર્વોચ્ચ વર્તનશીલ જીવન બને તે માટેનું અનેરું બળ પૂરું પાડવા માટે અવારનવાર સમગ્ર સત્સંગીબંધુઓમાં પુરુષો, મહિલાઓ તથા બાળકો, યુવાનો, વડીલો આદિ જે તે વર્ગ માટે વિવિધ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. જેમાં હજારો હરિભક્તો લાભ લઈ સત્સંગનું બળ મેળવી દિવ્યજીવનના માર્ગે ચાલી રહ્યા છે.
સત્સંગ શિબિરોની સાથે સાથે દર અઠવાડિયે સત્સંગ સભાઓ પણ ચાલી રહી છે. બાળ-બાલિકા તથા યુવા-યુવતી વર્ગની જેમ વડીલ વર્ગ માટે પણ પુરુષ-મહિલાની સંયુક્તપણે સત્સંગ સભાઓ પણ સેંકડોની સંખ્યામાં ચાલી રહી છે, જે સભાઓમાં હજારો પુરુષ-મહિલા ભક્તો લાભ લઈ રહ્યાં છે.
સત્સંગની અભિવૃદ્ધિ કરવાની સાથે સાથે સંસ્થા દ્વારા સમગ્ર સમાજમાં આત્મીયતાના તાંતણેથી સહુ કોઈ બંધાય તથા ઘર - ઘરમાં, પરિવારના સભ્યોમાં, સત્સંગમાં આત્મીયતાભર્યું પ્રેમાળ ને હેતાળ વાતાવરણ ખડું થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. આ માટે સંસ્થા દ્વારા આત્મીયતા અભિયાન, સહનશીલતા પર્વ, સ્નેહ સંમેલન, દાબડા ઉત્સવ, ઘરસભા જેવાં ઘણાંબધાં આયોજનો કરવામાં આવે છે જેના દ્વારા હજારો પરિવારો આત્મીયતાના સેતુથી બંધાયા છે. જેના ફળ સ્વરૂપે પારિવારિક સંપ, સુહૃદભાવ, એકતાના પાઠ શીખી સહુ કોઈ આનંદમાં રહે છે; સુખમય જીવન વિતાવે છે.
વળી, આ ઉપરાંત સત્સંગનું વિશેષ પોષણ મળી રહે તે માટે ભજન-ભક્તિરૂપી સાધનના યજ્ઞો અવિરત ચાલુ રહ્યા છે. આ બધું કરવા પાછળનો મુખ્ય હેતુ ભગવાન સ્વામિનારાયણનો રાજીપો પ્રાપ્ત થાય એ જ હોય છે. જેથી તેઓનો રાજીપો પ્રાપ્ત કરવા સમગ્ર સત્સંગી સમાજને પ્રાર્થના વર્ષ, હરિગમતું વર્ષ, મહાત્મ્ય વર્ષ, રાજીપા વર્ષ, મુમુક્ષુતા વર્ષ જેવાં વિવિધ વર્ષની ઉજવણી દ્વારા તથા દર વર્ષે જુદા જુદા સંકલ્પો રૂપે જુદી જુદી બાબતો અમલમાં મુકાવી આદર્શ સમાજની રચના કરવાનો યત્ન અવિરતપણે ચાલુ છે.
એ જ રીતે સત્સંગના લાભની વિશેષ જાગૃતિ જાગે તે માટે સત્સંગ પ્રચારની સેવાઓમાં પણ હરિભક્તોનો સમૂહ ઉત્સાહભેર જોડાય છે. જેના માટે સંસ્કાર યાત્રા, સંપર્ક યાત્રા, સત્સંગ સેવક આદિ વિવિધ આયોજનો દ્વારા હજારો ઘરોની વ્યક્તિગત મુલાકાત લઈ સત્સંગ, સંસ્કાર અને આધ્યાત્મિકતાની જાગૃતિ આપવામાં આવે છે.
આજના મોંઘવારીવાળા યુગમાં ઘરનો, સમાજનો કે અન્ય કોઈ પણ પ્રસંગ કાઢવો તે ખૂબ જ કઠણ છે. આજની હાઈ પ્રોફાઈલ જીવનશૈલીને લીધે ઘણા સામાજિક પ્રસંગો આર્થિક સગવડ ન હોવા છતાં ઊજવવા પડતા હોય છે. ત્યારે આ ક્ષેત્રે સમાજમાં નવજાગૃતિ આણવા તેમજ મોંઘવારીના ભારણમાંથી બચાવવા એસ.એમ.વી.એસ. સંસ્થાના આગેવાન હરિભક્તોના નેતૃત્વ હેઠળ એક સમાજ હિતાવહ એવા સાત્ત્વિક લગ્નોત્સવ તેમજ પસંદગી મેળા જેવી સેવાના સામાજિક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. દિન-પ્રતિદિન લગ્નોનો ખર્ચ વધતો જાય છે ત્યારે ગરીબ ને મધ્યમ વર્ગને પરવડે એવા સાત્ત્વિકતાથી સભર લગ્નોત્સવનું આયોજન સંસ્થાના આગેવાન હરિભક્તો દ્વારા કરવામાં આવે છે.
વળી, સમાજમાં ઘર કરી ગયેલી રૂઢિઓ તથા પ્રથાઓને દૂર કરવા આ સાત્ત્વિક લગ્નોત્સવ એક સમાનત્વનું તથા માનવતાનું ઉત્તેજક સેવાકાર્ય છે. આજની ભૌતિકતાના પ્રદર્શન રહિત, સંપૂર્ણ સાદગાઈથી નવદંપતીને લગ્નગ્રંથિએ જોડવામાં આવે છે. સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પ અને શુદ્ધ વિધિ અનુસાર સ્વામિનારાયણ ભગવાનની સાક્ષીએ નવયુગલ પ્રભુતામાં પગ માંડતો હોય છે.
વર્ષમાં બે વાર આ લગ્નોત્સવ યોજાય છે. જેમાં જીવનજરૂરી સામગ્રીઓ પણ વર-કન્યાને આપવામાં આવે છે. આમ, સંસ્થા દ્વારા આ લગ્નોત્સવ પરત્વે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે જે સમાજ અને સૌ માટે ખૂબ જ ઉદ્ધારક બની રહ્યો છે.
લગ્ન કરવા માટે પસંદગી મેળાનો અર્થાત્ મેરેજ બ્યૂરોનો ખર્ચ આજે દેશ-વિદેશમાં લોકોને મોટા પાયે ભોગવવો પડતો હોય. ત્યારે સંસ્થાના આગેવાન હરિભક્તો દ્વારા સમાજમાં માનવતાના ધોરણે સાત્ત્વિક પસંદગી મેળાનો કાર્યક્રમ ચલાવવામાં આવે છે. જે વર્ષમાં બે વખત યોજવામાં આવતો હોય છે.
આ સાત્ત્વિક પસંદગી મેળામાં સમાન શૈક્ષણિક લાયકાતવાળા સત્સંગી પાત્રો પસંદ કરવાની એક તક સમાજને સહજતાથી મળે છે. વળી, વ્યવહારિક દૃષ્ટિએ પણ સમાન વર્ગના પાત્રો પસંદ કરવાનો તથા સત્સંગના અને સાંસ્કૃતિક મૂલ્યોને પ્રધાનત્વ આપતા પાત્રોને પસંદ કરવાની તક પણ અહીં આપવામાં આવતી હોય છે. જેથી દાંપત્યજીવન પ્રારંભથી અંત લગી શાંતિમય અને પ્રભુતામય બની રહે.
સેવા અને સમર્પણની વેદિકા પર રચાયેલ એસ.એમ.વી.એસ. સંસ્થાનું સ્વયંસેવક દળ સદૈવ વિરલ ચેતનાથી થનગનતું રહ્યું છે. આ સ્વયંસેવક દળ નિઃસ્વાર્થભાવે જનસમાજના રાહત કાર્યોમાં તથા મોટા મહોત્સવોમાં ખડે પગે એક સૈન્યની જેમ સેવારત રહ્યું છે. ગુરુવર્ય પ.પૂ. બાપજીની પ્રેરણાથી એસ.એમ.વી.એસ.ના સ્વયંસેવકો સંતોની અનુજ્ઞામાં રહી સરાહનીય સેવાકાર્ય કરતા રહ્યા છે.
એક શ્રેષ્ઠ લશ્કરીય અનુશાસનબદ્ધ સિપાહીની માફક એસ.એમ.વી.એસ.ના સ્વયંસેવકો કોઈ પણ પ્રકારના નાત-જાત કે ધર્મનો ભેદભાવ રાખ્યા વિના, લોભ-લાલચ વિના અપાર કષ્ટો વેઠીને નિરંતર જેમ જરૂર પડે તેમ જનસમાજની સાથે રહીને જનસમાજની ઉમદા સેવા કરતા રહ્યા છે. સમાજની ભલાઈ માટે આ સ્વયંસેવકોની સેવાઓ અભિવંદનીય રહી છે.
આ સ્વયંસેવક દળમાં ઉદ્યોગપતિ, સરકારી પદાધિકારીઓ, પ્રતિષ્ઠિત અગ્રણી, કોઈક સાવ સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવનારા, શારીરિક વેદનાદાયક પરિસ્થિતિ વેઠનારા, માલેતુજાર, કઠિનતમ પારિવારિક સંજોગોમાંથી પસાર થનારા, સ્વજનની અતિ માંદગી કે પ્રિયજનની કાયમી વિદાયની વેદનાવાળા, નોકરીને ઠોકર મારનાર તથા વેપાર-ધંધાને તાળા મારનાર સ્વયંસેવકો ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીની પ્રેરણાથી જોડાયેલા છે. રાહત કાર્યોમાં કપરી પરિસ્થિતિમાં ઝઝૂમવા તથા મોટા મહોત્સવમાં 50-60થી વધુ ભિન્ન ભિન્ન વિભાગોમાં આયોજનબદ્ધ અનુશીલનથી તેમજ સેવા-સમર્પણની ભાવનાથી કટિબદ્ધ થઈ જનસમાજને મદદરૂપ થતા હોય છે.
જનસમાજમાંથી વ્યસનમુક્તિ, દહેજમુક્તિ, બાળ-યુવા-વડીલ ઉત્કર્ષ, પારિવારિક પ્રશ્નો, સાક્ષરતા, રાહત સેવાકાર્યો, જાગૃતિ અભિયાનો, સદ્ભાવના અભિયાન, આરોગ્યસેવા અભિયાનો, વિવિધ સંમેલનો, રાજકીય તથા રાષ્ટ્રીય યોજનામાં સહાયભૂત આયોજનો, વિવિધ માર્ગદર્શીય સેમિનારો, રક્તદાન, વસ્ત્રદાન, અન્ય સહાયો આદિ અનેક આધુનિકતમ સમસ્યાઓથી લઈને અધ્યાત્મ જીવનમાં જ્ઞાનજાગૃતિનો ઉદઘોષ કરવાના સેવાકાર્યમાં સ્વયંસેવકોની નિષ્ઠા રહેલી છે.
આમ, રાહતકાર્યમાં જરૂરિયાતમંદને સદાય આગળ રહી સહાય કરનારા અને મહોત્સવોમાં પાર્શ્વભૂમાં રહી સેવા-સમર્પણની જ્યોત જગાવનારા એસ.એમ.વી.એસ.ના 10,000થી વધુ સાચા સેવાભાવી સ્વયંસેવકો એક સીમાચિહ્ન અને આદર્શ છે.
એસ.એમ.વી.એસ. સંસ્થા દ્વારા ક્યારેક બે-ત્રણ, તો ક્યારેક આઠ દિવસ સુધી સેંકડો બાલ સ્વયંસેવકો દ્વારા વેકેશનના સમય દરમ્યાન ગુજરાતની સરકારી તેમજ ખાનગી હૉસ્પિટલમાં લાખો દર્દીઓની મુલાકાત ગોઠવવામાં આવતી રહી છે. આ મુલાકાત દરમ્યાન બાળકો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ હાથમાં લઈને દર્દીઓ પાસે જતા. પછી તેમને સ્વજનની જેમ ખબરઅંતર પૂછી સાંત્વના આપતા. ત્યારબાદ તેઓને ભગવાન સ્વામિનારાયણનાં દર્શન કરાવી રોગમાંથી મુક્તિ મળે તે માટે ગદ્દગદ્દભાવે પ્રાર્થના કરતા હતા.
આમ, આ કાર્યક્રમ સમાજના રોગપીડિત જનસમૂહની સુખાકારી માટે યોજવામાં આવતો હોય છે.
સમાજમાં અનીતિના માર્ગે વળેલાને દિશા આપવા એસ.એમ.વી.એસ. સંસ્થા દ્વારા અવનવા આયોજન કરવામાં આવતાં હોય છે. ઈ.સ. 1995માં ગુરુવર્ય પ.પૂ. બાપજીની આજ્ઞાથી ને પ.પૂ. સ્વામીશ્રીની પરિકલ્પનાથી એવો એક ‘જેલ સત્સંગ’ નામનો સમાજલક્ષી કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. કાર્યક્રમનો હેતુ સમાજમાં ગુનાહિત રીતે પકડાયેલા મનુષ્યોને જીવનનો સાચો માર્ગ દર્શાવવાનો હતો. સંપ્રદાયના ઇતિહાસમાં ભગવાન સ્વામિનારાયણે જેમ જોબનપગી, તખોપગી, મુંજોસુરુ આદિ અસદ્ માર્ગે વળેલાને દિશા આપી હતી તેમ ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ પણ તે જ ચીલે ચાલી, આવો એક કેળવણીપ્રેરક કાર્યક્રમ ગોઠવ્યો હતો. અમદાવાદમાં આવેલ સેન્ટ્રલ જેલ ખાતે 1,500થી વધુ જેલનિવાસી બંધુઓ માટે એક સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓના જીવનમાં સહપ્રેરણા માટે સત્સાહિત્ય પણ સૌ કોઈને પ્રતીક રૂપે આપવામાં આવ્યું હતું.
જીવન સંધ્યાની આધુનિક ફલશ્રુતિ એટલે વૃદ્ધાશ્રમ. આ વૃદ્ધાશ્રમમાં સમાજના તરછોડાયેલ ને અસંતુષ્ટ વડીલોને સ્થાન આપવામાં આવતું હોય છે. ત્યારે એવા વડીલ સમાજને સાંત્વના આપવા માટે ગુરુવર્ય પ.પૂ. બાપજીના સંકલ્પથી પ.પૂ. સ્વામીશ્રીએ ‘વૃદ્ધાશ્રમ મુલાકાત’ જેવો આશ્વાસનીય તેમજ સત્સંગલક્ષી કાર્યક્રમ અનુક્રમે ઘણી વાર ગોઠવ્યો છે. જેમાં સૌપ્રથમ અમદાવાદ જિલ્લાના વૃદ્ધાશ્રમોની મુલાકાત ગોઠવાઈ હતી. આ કાર્યક્રમમાં વડીલો માટે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી દ્વારા બળપ્રેરક દિવ્યવાણીનો લાભ આપવામાં આવતો હોય છે. ત્યારબાદ એમના જીવનની સુખાકારી માટે ભગવાન સ્વામિનારાયણને દીનભાવે પ્રાર્થના કરવામાં આવતી હોય છે. પછી સૌને મહાપ્રભુની દિવ્ય પ્રસાદી તેમજ સત્સાહિત્યનું વિતરણ કરવામાં આવતું હોય છે.
સંત એટલે પરમ હિતકારી સ્વરૂપ. તેઓ દ્વારા હંમેશાં જીવમાત્ર માટે કલ્યાણાત્મક પ્રાર્થના થતી હોય છે. આ પ્રાર્થના કેવળ પરમાર્થ માટેની જ હોય છે. ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રી દ્વારા આવી જીવહિતાવહ ‘આત્મશાંતિ માટે પ્રાર્થના’ કાર્યક્રમ ઘણી વાર આકસ્મિક પરિસ્થિતિઓમાં ગોઠવવામાં આવ્યો છે. આ પ્રાર્થના કેવળ જે તે પરિસ્થિતિમાં અટવાયેલા જીવોને મુક્ત કરવા તથા તેમના આત્માને શાંતિ પ્રદાન કરવા હોય છે.
વિશ્વકક્ષા કે રાષ્ટ્રીયકક્ષાએ કોઈ પણ આપત્તિ આવી હોય ત્યારે એ દિવ્યપુરુષોએ સ્વતંત્ર રીતે કલાકોના કલાક પ્રાર્થના-અખંડ ધૂન્ય કરી છે ને સત્સંગ સમાજ પાસે કરાવી છે. પછી તે અક્ષરધામ પર આતંકવાદનો હુમલો હોય, મુંબઈમાં થયેલ આતંકવાદી હુમલો હોય, ભયાનક પૂર હોય, હૈતી ખાતે આવેલ ભૂકંપ હોય, ઉતરાંચલ ખાતે આવેલ પૂર હોય કે કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલો હોય.. આ સર્વે માટે આત્મશાંતિ અન્વયે પ્રાર્થના તેમજ ધૂન્યના કાર્યક્રમો સંસ્થાના તમામ સેન્ટરોમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી, વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતોની પ્રત્યક્ષ નિશ્રામાં ગોઠવાતા રહ્યા છે. વળી, પ્રત્યેક માનવ માટે પરમાર્થ ભરી પ્રાર્થના ને ધૂન્ય કરવામાં આવતી હોય છે.