ભગવાન સ્વામિનારાયણે પોતાના સંતો અને હરિભક્તોને સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત થયા પછી જીવન જીવવા માટેના કેટલાક નિયમરૂપ આદર્શો આપ્યા. જેમાં સંસારથી વિરક્ત થઇ વૈરાગ્યના માર્ગે અનુસરનાર સંતોને પોતાના આશ્રમની શુધ્ધતા જળવાય તેવા પાંચ નિયમો આપ્યા અને હરિભક્તોને પણ સંસારમાં રહેવા છતાં સુખમય જીવન જીવાય તે હેતુથી પાંચ નિયમો આપ્યા. આ નિયમો જ તેમની મર્યાદા અને વર્તણુંક છે.
નિષ્કામ : નિષ્કામ એટલે નહિ કામ. સ્ત્રીની વાસનાનો સંપૂર્ણપણે ત્યાગ કરવા હેતુ અષ્ટપ્રકારે સ્ત્રીનો ત્યાગ કરવો.
નિર્લોભ : નિર્લોભ એટલે નહિ લોભ. દ્રવ્યનો સંપૂર્ણપણે ત્યાગ. કોડી જેટલું પણ દ્રવ્ય પોતાનું કરી રાખવું નહિ, રખાવવું નહિ કે અડવું પણ નહિ.
નિર્માન : નિર્માન એટલે નહિ માન. માન - અહંકારનો સંપૂર્ણપણે ત્યાગ. કોઈ માન આપે કે અપમાન કરે બંને સ્થિતિમાં સમભાવ રાખવો. માન - સન્માન ભગવાનને સોંપી દેવા.
નિ:સ્નેહ : નિ:સ્નેહ એટલે નહિ સ્નેહ. માતા - પિતા, સગા - સંબધીમાં સ્નેહ અને જન્મભૂમિમાં સ્નેહ એનો સંપૂર્ણપણે ત્યાગ. સ્નેહ એક માત્ર ભગવાનમાં અને એમના સંતો - ભક્તોમાં જ કરવો.
નિ:સ્વાદ : નિ:સ્વાદ એટલે નહિ સ્વાદ. ભોજનમાં રસાસ્વાદનો સંપૂર્ણપણે ત્યાગ. જયારે જે મળે તે કાષ્ઠના પાત્રમાં ભેળુ કરી પાણી નાખીને નિ:સ્વાદી કરી જમવું.
દારૂ (વ્યસન) : જે જોવાથી, ખાવા - પીવાથી કે માણવાથી ઇન્દ્રિયો અંત:કરણને કેફ - નશો ચડે તેનો ત્યાગ. જેમ કે, દારુ, બીડી, ગુટખા, તમાકુ, ચા વિગેરે...
માટી (માંસાહાર) : માટી એટલે માંસાહાર. જેમાં સુક્ષ્મ જીવજંતુનો સંસર્ગ હોય તથા શાસ્ત્ર નિષિદ્ધ હોય તે તમામ પદાર્થોનો ત્યાગ કરવો. ગાળ્યા - ચાળ્યા વગરના સીધુ-સામાનમાંથી બનાવેલ વસ્તુઓ તથા બજારુ ખાણી - પીણીનો સંપૂર્ણપણે ત્યાગ કરવો.
ચોરી (પ્રમાણિકતા - નિતિમત્તા) : કોઇપણ પ્રકારની ચોરીનો સંપૂર્ણપણે ત્યાગ. કોઈના ઘરમાંથી તો વસ્તુ ના લેવી પરંતુ, કોઈની ધણિયાતી અલ્પ વસ્તુ પણ ધણીને પૂછ્યા વિના ન લેવી.
અવેરી (વ્યભિચારનો ત્યાગ) : અવેરી એટલે બ્રહ્મચર્ય. ગૃહસ્થે સંસારમાં રહ્યા થકા ભગવાનને રાજી કરવા પુરુષે પરસ્ત્રી તથા સ્ત્રીએ પરપુરુષનો ત્યાગ રાખવો અને માતા, પિતા, ભાઈ, બહેન સાથે સંયમી જીવન જીવવું.
વટલવું નહિ અને વટલાવવું નહિ (નિયમની દ્રઢતા) : ધર્મ નિયમે યુક્ત ન હોય તેના ઘરનું ખાવું પીવું નહિ. અને આપણું એવું ન હોય તો પાળનારને ખવડાવવું - પિવડાવવું નહિ.