જ્યાં 5વિત્રતા, શીલ, સભ્યતા, મર્યાદા, સાત્ત્વિકતા એવા પાયાનાં મૂલ્યો સાથે જીવનને દીપાવવું એ ઘણું અઘરું છે.
પરદેશની ભૂમિ ઉપર અનંત મુમુક્ષુઓ છે જે પશ્ચિમી સંસ્કૃતિમાં રહેવા છતાં તેનાથી જુદા રહી અધ્યાત્મ તરફ વળવા માગે છે. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સૌપ્રથમ ઈ.સ. 1995માં પરદેશની ભૂમિ ઉપર સત્સંગનાં બી વાવ્યાં હતાં.
દિન-પ્રતિદિન વિદેશમાં સત્સંગનો વ્યાપ ઘણો વધ્યો છે. જેમાં અમેરિકા ખાતે જર્સીસિટી, ઍટલાન્ટા, બોસ્ટન, ચેરીહિલ ખાતે તેમજ લંડન અને કૅનેડા ખાતે તેમજ દુબઈ ખાતે મંદિરોનું નિર્માણ થયું. આ સાથે કુવૈત, બહેરીન, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, કેન્યા, યુગાન્ડા આદિ દેશોમાં પણ સત્સંગનો વ્યાપ વધવા લાગ્યો. જેના પરિણામ સ્વરૂપે આજે પરદેશની ભૂમિ ઉપર 8 જેટલાં મંદિરો નિર્માણ પામ્યાં છે તથા 12 કરતાં પણ વધુ જમીનો નૂતન મંદિરોના નિર્માણ માટે સંપાદન થવા પામી છે.
પરદેશની ભૂમિમાં વસતા હરિભક્તોમાં સત્સંગની અભિવૃદ્ધિ માટે મંદિરોના નિર્માણકાર્ય સાથે સાથે પૂ. સંતો અને કાર્યકર-સંચાલકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જેના દ્વારા નાના બાળકોથી માંડીને વડીલ સુધી દરેક વર્ગમાં સત્સંગ અને સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. પરદેશ ખાતે ચાલતી પ્રવૃત્તિઓમાં મુખ્યત્વે સંસ્કારોનું સિંચન, સત્સંગનું જ્ઞાન, સિદ્ધાંતો અને મૂલ્યો તથા પરંપરાગત ચાલી આવતી પ્રણાલિકાઓનો અમલ કરાવવામાં આવે છે. એ જ રીતે કળા-કૌશલ્યની જાગૃતિ, શિક્ષણ અને રમતગમત આદિ સહપ્રવૃત્તિઓ દ્વારા પણ સૌનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે.
નાના બાળકોથી લઈને વડીલ સુધી દરેક વર્ગ માટે કાર્યરત પ્રવૃત્તિઓનું કેન્દ્રસ્થાન અઠવાડિક સત્સંગ સભા હોય છે. પરદેશ ખાતે કુલ આઠ પ્રકારની જુદી જુદી સભાઓ દ્વારા દરેક વર્ગને પોષવામાં આવે છે. જેમાં બાળ સભા, બાલિકા સભા, કિશોર-યુવક સભા, યુવતી સભા, સંયુક્ત સભા, મહિલા સભા, AYP વૃંદ સભા, AVP વૃંદ સભા વગેરે સભાઓનો સમાવેશ થાય છે; જેમાં પરદેશ સ્થિત સેંકડો હરિભક્તો જોડાય છે.
બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તથા તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે સમર કૅમ્પ તથા વિન્ટર કૅમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં સ્પૉર્ટ્સ કોમ્પિટિશન, પ્રેઝન્ટેશન, ચિત્ર, સ્ટોરી જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત સંચાલકો બાળકો સાથે અંગત બેસી તેઓને વ્યક્તિગત સત્સંગનું જ્ઞાન અને મૂલ્યોનું દૃઢીકરણ કરાવે છે. આ ઉપરાંત, દર વર્ષે બાળકો માટે સત્સંગલક્ષી શિબિરો પણ યોજાય છે. વળી, બાળકો માટે વિશેષ કરીને સંગીતના ક્લાસનું આયોજન થાય છે તથા પરદેશની સૌથી મોટી જરૂરિયાત બાળકો માટે હોય તો એ છે ગુજરાતી શીખવવું. તજ્જ્ઞો દ્વારા બાળકોને વિશિષ્ટ પ્રકારે ગુજરાતી પણ શીખવવામાં આવે છે.
એ જ રીતે યુવા વર્ગ માટે પણ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં વક્તૃત્વ સ્પર્ધા, ફૅમિલિ પિકનિક, સ્પૉર્ટ્સ ડે, સંપર્ક અભિયાન, કીર્તનસંધ્યા આદિ પ્રવૃત્તિઓ ઉત્સાહ-ઉમંગપૂર્વક કરવામાં આવે છે. આ ઉપરાંત સત્સંગ શિબિરો પણ યોજાય છે. પૂ. સંતોના સાંનિધ્યમાં પણ વિશેષ કાર્યક્રમો કરવામાં આવે છે.
દર વર્ષે પૂ. સંતો વિદેશ પધારી સમગ્ર સત્સંગ સમાજને સભાઓ, ઉત્સવ-સમૈયા, પધરામણી તથા શિબિરો અને અંગત સભાઓ દ્વારા સર્વે પ્રકારે બળિયો કરે છે. જેના માધ્યમથી સમગ્ર વિદેશનો સત્સંગ સમાજ સમગ્ર વર્ષ દરમ્યાન સત્સંગમાં વિશેષ પ્રગતિમાન રહે છે.
મહિલા વર્ગને સત્સંગમાં બળિયો રાખવા તથા સતત કાર્યશીલ રાખવા માટે દર વર્ષે ભક્તિનિવાસ દ્વારા પૂ. ત્યાગી મહિલામુક્તોનું વિચરણ આયોજન પામે છે. જેમાં પૂ. ત્યાગી મહિલામુક્તોના સાંનિધ્યમાં પણ સત્સંગલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો યોજાય છે.
જ્યાં દર્શન, સેવા - સમાગમ અને પ્રસાદ દ્વારા આત્યંતિક કલ્યાણની આશીર્વર્ષા થાય છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણે કેવળ જીવોના મોક્ષાર્થે અનેક મુમુક્ષુઓને પોતાના શરણમાં લેવા, આશ્રિત બનાવવા તથા પોતાના સર્વોપરી સ્વરૂપની ઓળખાણ કરાવવા અનેકવિધ નિમિત્ત ઊભાં કર્યાં. તેમાંનું એક અને સર્વોત્તમ નિમિત્ત તથા માધ્યમ કે જેના દ્વારા ભગવાન સ્વામિનારાયણ હજારો અને લાખો લોકો માટે આત્યંતિક મુક્તિનાં દ્વાર ખુલ્લાં મૂકી દેતા. એ માધ્યમ એટલે મોટા મોટા ભવ્ય મહોત્સવો.
આવા મહોત્સવો ઊજવવાનો ભગવાન સ્વામિનારાયણનો મુખ્ય ઉદ્દેશ હતો : અનંત જીવોને આત્યંતિક કલ્યાણના કોલ આપવા. તેથી તેઓ આ મહોત્સવોને આત્યંતિક કલ્યાણનાં સદાવ્રત પણ કહેતા. આવા ભવ્ય મહોત્સવોમાં તેઓ મુખ્યત્વે દર્શન, સેવા - સમાગમ, પ્રસાદ આવી ચાર રીતે આત્યંતિક કલ્યાણનું સદાવ્રત ચલાવતા. મહોત્સવોનો ઉદ્ઘોષ એટલો મોટો રહેતો કે જેને જોવા તથા માણવા હજારો ને લાખો લોકો ઊમટતા. તેમને તથા પોતાના સંબંધમાં આવેલ અનેક મુમુક્ષુઓને છૂટે હાથે પ્રસાદ વિતરણ કરીને પણ ભગવાન સ્વામિનારાયણ આત્યંતિક કલ્યાણના મોક્ષભાગી કરતા.
ભગવાન સ્વામિનારાયણે ચલાવેલી આ પ્રણાલિકા મુજબ ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી પણ આવા ભવ્ય મહોત્સવો યોજીને આત્યંતિક કલ્યાણનું સદાવ્રત ચલાવી રહ્યા છે.
એસ.એમ.વી.એસ. સંસ્થા દ્વારા ઊજવાયેલ ભવ્ય મહોત્સવો :
તા. 05-04-1981 થી તા. 13-04-1981 (9 દિવસ)
સ્થળ : ઘનશ્યામનગર, અમદાવાદ
લાભ લેનાર કુલ જનમેદની : આશરે 4,500થી પણ વધુ
તા. 20-04-1984 થી તા. 27-04-1984 (8 દિવસ)
સ્થળ : ઘનશ્યામનગર, અમદાવાદ
લાભ લેનાર કુલ જનમેદની : આશરે 9,000થી પણ વધુ
તા. 21-12-1993 થી તા. 27-12-1993 (7 દિવસ)
સ્થળ : લુણાવાડા, પંચમહાલ.
લાભ લેનાર કુલ જનમેદની : આશરે 3,90,000થી પણ વધુ
તા. 27-04-1995 થી તા. 09-05-1995 (13 દિવસ)
સ્થળ : વાસણા, અમદાવાદ
લાભ લેનાર કુલ જનમેદની : આશરે 18,00,000થી પણ વધુ
તા. 31-12-2001 થી તા. 10-01-2002 (11 દિવસ)
સ્થળ : સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર
લાભ લેનાર કુલ જનમેદની : આશરે 5,50,000થી પણ વધુ
તા. 17-12-2006 થી તા. 24-12-2006 (8 દિવસ)
સ્થળ : સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર
લાભ લેનાર કુલ જનમેદની : આશરે 3,00,000થી પણ વધુ
તા. 21-112-2012 થી તા. 28-12-2012 (8 દિવસ)
સ્થળ : સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર
લાભ લેનાર કુલ જનમેદની : આશરે 3,58,950થી પણ વધુ
સમાજઉદ્ધારક એવી જ્ઞાનલક્ષી અને કેળવણીલક્ષી પ્રવૃત્તિઓ પણ ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રીના સંનિષ્ઠ પ્રયાસોથી યોજાતી રહી છે. ઈ.સ. 1995થી શરૂ થયેલી આ પ્રવૃત્તિઓએ સમાજમાં કેળવણીનો એક ખાસ બદલાવ આણ્યો હતો. વૃદ્ધ સંમેલન, અંધ-અપંગ સંમેલન, શિક્ષક સંમેલન, યુવા જાગૃતિ સંમેલન તથા સંત પરમ હિતકારી પરિષદ અને ચારિત્ર્ય ઘડતર પરિષદ આવી સંમેલનીય-પરિષદીય પ્રવૃત્તિઓ દ્વારા સંસ્થાએ સમાજના લાખોથી વધુ લોકોને અધ્યાત્મલક્ષી તેમજ કેળવણીલક્ષી જીવન પ્રદાન કર્યું છે.
આ પ્રવૃત્તિઓ સમાજના સર્વ પ્રકારના લોકોને લક્ષમાં રાખી વિવિધ સંમેલનો તેમજ પરિષદો ગુરુવર્ય પ.પૂ. બાપજીની દિવ્ય ઉપસ્થિતિ તેમજ પ.પૂ. સ્વામીશ્રીની અધ્યક્ષતા હેઠળ ગોઠવવામાં આવે છે. એમાં જે તે વર્ગના નિષ્ણાતો દ્વારા વિશિષ્ટ માર્ગદર્શન તથા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીની અનુભવાત્મક દિવ્યવાણી વડે જે તે વર્ગના લોકોને આધ્યાત્મિક બળ આપવામાં આવતું હોય છે.
સંમેલનો તથા પરિષદીય પ્રવૃત્તિઓનો એક મહાન અધ્યાય રચીને ગુરુવર્ય પ.પૂ. બાપજી હજારો લોકોના જીવનમાં ચમત્કૃતિ સર્જી રહ્યા છે. જેમાં આબાલવુદ્ધ સૌ લાભ લઈ આધ્યાત્મિક ઊંડાણ તથા નવજીવન પામ્યા છે. આવાં રચનાત્મક આયોજનો સૌને જીવન ઉત્કર્ષના આમૂલ પરિવર્તનલક્ષી પાઠ શીખવે છે.
આમ, સમાજઉદ્ધારક પ્રવૃત્તિઓના નિદર્શન વખતે એક જ નિષ્કર્ષ તરી આવે છે : SMVS સંસ્થા એટલે સમાજઉદ્ધારક સંસ્થા.
પૂ. સંતોના નિરંતરના કથા-સત્સંગના બળથી અનેક ઘરોમાં સાંસારિક પ્રશ્નો, ઝઘડા-કંકાસ, નફરત-ઘૃણાને બદલે આત્મીયતા, સંપ-સુહૃદભાવ-એકતા અને પ્રેમ, હેત, લાગણીનાં પુષ્પ ખીલી સુવાસ પ્રસરી રહી છે. તેઓના ઉપદેશને લીધે જ અનંત મોક્ષાર્થી મુમુક્ષુઓ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની યથાર્થ ઉપાસના સમજી આત્યંતિક મોક્ષના અધિકારી બન્યા છે.
જ્ઞાતિ, જાત, કુળ, ધર્મ કે પછી કોઈ જ પ્રકારના ભેદભાવોને જોયા વગર સંતો શરણમાં આવેલા સૌને જીવનનો સાચો રાહ દર્શાવી પથદર્શક બન્યા છે.
ભારતના નાનામાં નાના અંતરિયાળ ગામડાંથી લઈને અમેરિકા, કૅનેડા, ઇંગ્લૅન્ડ, કેન્યા, યુગાન્ડા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, કુવૈત, દુબઈ, બહેરીન આદિ અગિયાર કરતાં પણ વધુ દેશોમાં પૂ. સંતો ઘરે ઘરે વિચરણ કરી ભગવાન સ્વામિનારાયણનો અને કારણ સત્સંગના સિદ્ધાંતોનો તેમજ સંસ્કાર અને આધ્યાત્મિક ગુણોનો સંદેશો પહોંચાડી રહ્યા છે.
પૂ. સંતોના અથાક પરિશ્રમ રૂપે પ્રતિ વર્ષ સંસ્થામાં આશરે સંતો દ્વારા જ 16,000 કરતાં પણ વધુ સત્સંગ સભાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં હજારો ને લાખો હરિભક્તો સત્સંગનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત, પૂ. સંતો દ્વારા પ્રતિ વર્ષ આશરે 35,000 કરતાં પણ વધુ પધરામણી અને મહાપૂજાઓનાં આયોજન દ્વારા પારિવારિક સંપર્ક કરીને અંગત ઉપદેશ આપવામાં આવે છે. પૂ. સંતો દ્વારા પ્રતિ વર્ષ હજારો લોકો વ્યસનમુક્ત બને છે. સંતોના વિચરણ દ્વારા દર વર્ષે હજારો લોકો વહેમ, અંધશ્રદ્ધા તથા વિવિધ જંત્રમંત્ર-દોરાધાગાના અજ્ઞાનને દૂર કરી તથા અન્ય કરતાં ભગવાન સ્વામિનારાયણની મોટપને સમજી પોતાનાં ઘર સર્વોપરી શુદ્ધ ઉપાસનાયુક્ત કરે છે. વળી, એ જ રીતે પૂ. સંતોના સત્સંગ વિચરણ દ્વારા અને પૂ. સંતોના અંગત માર્ગદર્શનથી હજારો ઘર અધોગતિમાંથી ઊગર્યાં છે.