તે પ્રમાણે અમલ કરવાનું પણ શ્રીજીમહારાજે કહ્યું છે.
"તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં.
- શિ.શ્લોક-૧૦
"અમારી લખેલી જે શિક્ષાપત્રી તેનો પાઠ અમારા આશ્રિત ત્યાગી સાધુ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ બાઈ-ભાઈ સર્વે તેમણે નિત્યે કરવો અને જેને ભણતાં ન આવડતું હોય તેને નિત્યે શ્રવણ કરવું અને જેને શ્રવણ કરવાનો યોગ ન આવે તેને નિત્યે શિક્ષાપત્રીની પૂજા કરવી એવી રીતે અમે શિક્ષાપત્રીમાં લખ્યું છે. માટે એ ત્રણમાંથી જેને ફેર પડે તેને એક ઉપવાસ કરવો, એમ અમારી આજ્ઞા છે." એવી રીતની જે શ્રીજીમહારાજની આજ્ઞા તેને પાળવાનો નિયમ સર્વેએ ધાર્યો, જે હે મહારાજ ! જેમ તમે કહો છો તેમ અમે સર્વે પાળીશું. તેને સાંભળીને શ્રીજીમહારાજ અતિશે પ્રસન્ન થઈને સર્વે સાધુને ને સર્વે બ્રહ્મચારીને મળતા હવા અને સર્વે સત્સંગીના હૃદયને વિષે, પોતાના ચરણારવિંદ આપતા હવા.
- ગઢડા છેલ્લાનું ૧લું વચનામૃત
શિક્ષાપત્રીમાં દરેક વર્ગના નિયમો બતાવ્યા છે ને દરેક વર્ગને નિત્ય વાંચવાનું કહ્યું છે. ખરેખર તો જે વર્ગને જે નિયમો લાગુ પડતા હોય અથવા જે આશ્રમમાં પોતે રહ્યા હોય તે જ નિયમો વાંચવા તેમને યોગ્ય છે. બીજાના નિયમો શું કામ વાંચવા ? શિક્ષાપત્રીમાં તમામ વર્ગના નિયમો દર્શાવી-તમામના ધર્મને ખુલ્લા મૂકી દીધા છે. તે તમામ વર્ગ એકબીજાના ધર્મ વાંચી શકે કે જેથી એકબીજાના ધર્મની ખબર હોય તો તે પ્રમાણે વર્તે છે કે કેમ તેની ખબર પડે અને એકબીજાને ટકોર થાય. એ રીતે શિક્ષાપત્રીને એક Open Book કહી શકાય. પોતાના આશ્રિતોના વર્તનમાં શુદ્ધતા જળવાઈ રહે અને ભક્તનું જીવન પારદર્શી બને તે હેતુથી શિક્ષાપત્રીને શ્રીજીમહારાજે જનસમૂહ સમક્ષ ખુલ્લી મૂકી દીધી છે.
વળી શિક્ષાપત્રીને એકાગ્ર મને કરીને ધારવી એમ કહ્યું છે. તે હેતુપૂર્વક કહ્યું છે. શિક્ષાપત્રીના શ્લોકો દ્વિઅર્થી છે. જેના દરેક શ્લોકમાં પરોક્ષાર્થ અને પ્રત્યક્ષાર્થ રહેલો છે. કેટલાક શ્લોકનો જો બેઠો જ ઉતારો કરવામાં આવે તો થાપ ખાઈ જવાનો પૂરો સંભવ છે. એટલે શિક્ષાપત્રી માત્ર વાંચીને પાળવી એવું નહિ, પણ તેનો પ્રત્યક્ષાર્થ સમજીને પાળવી તો જ શ્રીજીમહારાજની પ્રસન્નતા થાય. શિક્ષાપત્રીમાં પ્રબોધેલ સાધારણ ધર્મ તથા વિશેષ ધર્મના શ્લોક આ મુજબ છે.
સાધારણ ધર્મના શિ. શ્લોક ૧૧થી ૧૨૧ સુધી જ્યારે વિશેષ ધર્મમાં નીચે પ્રમાણેના શ્લોકોનો સમાવેશ કરવામાં આવેલ છે.
આચાર્યશ્રીના ------ (શિ.શ્લો. ૧૨૩થી ૧૩૨)
આચાર્ય પત્નીના ------ (શિ.શ્લો. ૧૩૩થી ૧૩૪)
ગૃહસ્થના ------ (શિ.શ્લો. ૧૩૫થી ૧૫૪)
ધનાઢ્ય ગૃહસ્થના ------ (શિ.શ્લો. ૧૫૫થી ૧૫૬)
રાજાના ------ (શિ.શ્લો. ૧૫૭થી ૧૫૮)
સધવા સ્ત્રીઓના ------ (શિ.શ્લો. ૧૫૯થી ૧૬૨)
વિધવા સ્ત્રીઓના ------ (શિ.શ્લો. ૧૬૩થી ૧૭૨)
સધવા-વિધવાના સંયુક્ત ------ (શિ.શ્લો. ૧૭૩થી ૧૭૪)
નૈષ્ઠિકવર્ણીના ------ (શિ.શ્લો. ૧૭૫થી ૧૮૭)
સાધુના ------ (શિ.શ્લો. ૧૮૮થી ૧૯૬)
નૈષ્ઠિકવર્ણી ને સાધુના સંયુક્ત ------ (શિ.શ્લો. ૧૯૭થી ૨૦૨)
“ધર્મ ધર્મ તો સહુ કહે, પણ ધર્મમાં ઘણો મર્મ છે;
પ્રગટ પ્રભુનાં વચન માનો, એ જ ખરો ધર્મ છે.”
વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી કાયમ કહેતા હોય છે કે, “આજ્ઞા કેવી છે તે મહત્ત્વનું નથી પરંતુ આજ્ઞા કરનાર કોણ છે તે મહત્ત્વનું છે.”
નિયમપાલનથી નીચેના લાભો જોવા અને અનુભવવા મળે છે :
(૧) વિશ્વાસ આવે :
વ્યવહારિક તથા આધ્યાત્મિક માર્ગમાં જે ધર્મ-નિયમનું પાલન કરતા હોય તેનો ભાર પડે છે તેમજ હરિભક્તોને તથા લોકોને તેમનો વિશ્વાસ આવે છે. અગાઉના વખતમાં લુણાવાડાના કાશીરામભાઈ પ્રૉફેસર તથા બોટાદના શિવલાલ શેઠ આવાં અનુકરણીય પાત્રો હતા.
(૨) ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટે છે :
પરમેશ્વરે ત્યાગી તથા ગૃહસ્થના જે નિયમ બાંધ્યા છે તેમાં સર્વે ઇન્દ્રિયોને મરડીને રાખે તો સહેજે જ તેની તીક્ષ્ણતા મટી જાય છે. જ્યારે પંચે ઇન્દ્રિયોને કુમાર્ગે ન જવા દે ત્યારે તે શુદ્ધ થાય છે, તે કેડ્યે અંતઃકરણ પણ શુદ્ધ થાય છે ને તેથી ભગવાનની સ્મૃતિ સહેજે રહે છે.
(૩) પંચવિષય જિતાય છે :
ગઢડા મધ્યના ૧૬મા વચનામૃતમાં જણાવ્યું છે કે, “વૈરાગ્યનું બળ હોય અથવા ન હોય તોપણ જો ઇન્દ્રિયોને વશ કરીને પરમેશ્વરના નિયમમાં રાખે તો જેમ વૈરાગ્યે કરીને વિષય જિતાય છે તે થકી પણ તે નિયમવાળાને વિશેષે વિષય જિતાય છે માટે પરમેશ્વરના બાંધેલા જે નિયમ તેને અતિ દૃઢ કરીને પાળવા.”
(૪) ભગવાનનો આનંદ પામાય :
“(આ જીવ) પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડોઅવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે, અને જો વચનને વિષે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે.”
- ગઢડા પ્રથમનું ૩૪મું વચનામૃત
“કેમ જે એ ભગવાનની આજ્ઞા પાળે તો તેની ઉપર ભગવાન રાજી થાય છે.”
- ગઢડા પ્રથમનું ૨૫મું વચનામૃત
“મોટ્યપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયે કરીને તથા ભગવાનની આજ્ઞાને વિષે વર્તવે કરીને છે ને એ બે વાનાં જેને ન હોય, ને તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય તોપણ નાનો જ છે.”
- ગઢડા પ્રથમનું ૩૧મું વચનામૃત
“પંચવર્તમાન સંપૂર્ણ રાખીએ ને તેમાં કોઈ ખોટ્ય આવવા દઈએ નહિ, તો ભગવાન ને ભગવાનના સંત પ્રસન્ન થાય છે, એમાં લેશમાત્ર સંશય નહીં.”
- ગઢડા પ્રથમનું ૭૮મું વચનામૃત
“જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું-મોટું વચન લોપી શકે નહિ, એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપત્કાળ આવે તોય પણ એ ધર્મ થકી પડે જ નહિ, માટે જેને વચનમાં દૃઢતા છે તેનો જ ધર્મ દૃઢ રહે અને તેનો જ સત્સંગ પણ દૃઢ રહે.”
- ગઢડા પ્રથમનું ૫૪મું વચનામૃત
“જે પંચવર્તમાનની આજ્ઞા ન પાળતા હોય તેની સેવા તો નિરર્થક છે. કેમ જે એને મહાપ્રભુનો સંબંધ નથી માટે એ સેવા શ્રીજીમહારાજને પહોંચતી નથી. જે આજ્ઞા પાળે છે તેની સેવા કરે તો મહારાજ તેમાં રહીને અંગીકાર કરે છે.”
- બાપાશ્રીની વાતો : ભાગ-૧, વાર્તા-૭૪
“જેમ રાજાનો મહિમા જાણે છે તો આજ્ઞા પળે છે તેમ શ્રીજીનો અને મોટાનો મહિમા જાણે તો આજ્ઞા પળે અને લૂખાપણું ટળે.”
- બાપાશ્રીની વાતો : ભાગ-૧, વાર્તા-૧૫૨
૨. શિક્ષાપત્રી ગ્રંથની સર્વોત્કૃષ્ટતા
તત્કાલીન સમાજ એવી સંસ્કારહીન દિશામાં ધકેલાઈ ગયો હતો કે, એને ક્યાં થૂંકવું અને ક્યાં ન થૂંકવું એવા સામાન્ય આચારની પા પા પગલીઓ પાડી પગ માંડતાં શીખવવું પડે તેમ હતું. અને સ્વામિનારાયણ ભગવાને તે કાર્ય જીવનમાર્ગદર્શિકા શિક્ષાપત્રી આપીને કર્યું. હિંસા, ચોરી, અસત્ય, વ્યભિચાર, જુગાર વગેરેની ગંદકીમાંથી કૂદીને બહાર નીકળવાનું જોમ માનવીને આ શિક્ષાપત્રી દ્વારા આપ્યું. સ્વધર્મની કર્તવ્યતા જીવનમાં દૃઢ કરાવી. નિયમોની પાછળ રક્ષાયેલ સ્વધર્મપાલનનો એવો સાફ માર્ગ બનાવી આપ્યો કે ક્યાંય ઠોકર ન વાગે. એને ઉપર સડસડાટ ચાલતો માણસ આધ્યાત્મિક શિખરને આંબી શકે.” - ઈશ્વર પેટલીકર
કાદવ-કર્દમવન્તા જીવનને, સંસારને, અંતરને નિર્મળ કરતી નિર્મળીના શોધનારે શિક્ષાપત્રી સેવવા-વિચારવાની છે. શિક્ષાપત્રી એટલે વ્યવહાર ને સંસારને પરિશુદ્ધતી નિત્ય નિયમાવલિ.” - કવિવર ન્હાનાલાલ
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અગ્રગણ્ય રાજકીય નેતાએ પણ જાહેરમાં કહ્યું હતું કે, “દેશના લોકો શિક્ષાપત્રીની આજ્ઞાઓનું પાલન કરે તો દેશમાં ફોજદારી કાયદો, પોલીસ અને અદાલતોની ઓછામાં ઓછી જરૂર પડે.”
અને એટલા માટે જ શ્રીહરિએ શિક્ષાપત્રી એવી સુંદર રીતે રચી છે કે તેના ૨૧૨ શ્લોકોમાં ‘આઈ.પી.સી.’ની ૫૧૧ કલમોનો સમાવેશ થઈ જાય છે. જે વ્યક્તિ શિક્ષાપત્રી મુજબ વર્તે તેને ફોજદારી કોર્ટમાં તહોમતદાર તરીકે જવું ન પડે.
આ ‘IPC’ની ૫૧૧ કલમોને સમાવેશ શિક્ષાપત્રીમાં કેવી રીતે થાય છે તેની રૂપરેખા નીચે મુજબ છે. (‘IPC’ની કલમની શરૂઆત ૧૦૭થી થાય છે.)
IPCની કલમ |
શિક્ષાપત્રી શ્લોક નંબર |
ગુન્હાઓનો ટૂંકમાં પ્રકાર |
૧૦૭ થી ૧૨૦ |
૨૭ |
ગુન્હાઓમાં મદદ ન કરે. |
૧૨૧ થી ૧૪૦ |
૩૪ |
રાજ્ય વિરુદ્ધના ગુન્હા ન કરે. |
૧૪૧ થી ૧૬૦ |
૨૦૧ |
તકરાર, બખેડો, હુલ્લડ ન કરે. |
૧૬૧ થી ૧૭૧ I |
૨૬ |
વ્યવહારમાં લાંચ ન લે. |
૧૭૨ થી ૨૬૩ A |
૩૪ |
રાજાના માણસ કે રાજાના ધર્મ વિરુદ્ધ, કાયદા વિરુદ્ધ ન જાય. |
૨૬૪ થી ૨૬૭ |
૧૫૨ |
મજૂર વગેરેને ધન, ધાન્ય દીધાનું કહ્યું હોય તેટલું જ આપે, ઓછું ન આપે એટલે જોખવામાં ઓછું ન આપે. |
૨૬૮ થી ૨૭૮ |
૩૨ |
લોકોની તંદુરસ્તીને નુકસાન કરે તેમ જાહેર જગ્યાએ થૂંકી, મળમૂત્ર કરી ગંદકી ન કરે. |
૨૭૯ થી ૨૯૪ A |
૩૬ |
વિચાર્યા વિના તત્કાળ કોઈ ઉતાવળનું નુકસાનકારક કાર્ય ન કરે. |
૨૯૫ થી ૨૯૮ |
૮૪,૨૧,૨૩,૨૫,૨૯ |
કોઈ પણ ધર્મની નિંદા તેમજ નુકસાન ન કરે. |
૨૯૯ થી ૩૦૪ A |
૧૧,૧૩ |
મનુષ્યની હિંસા ન કરે. |
૩૦૫ થી ૩૧૧ |
૧૪ |
આત્મઘાત ન કરે. |
૩૧૨ થી ૩૧૮ |
૧૧,૧૩ |
નાના જન્મેલા, ન જન્મેલા જીવ-પ્રાણીમાત્રની હિંસા ન કરે. |
૩૧૯ થી ૩૫૮ |
૧૧,૧૩ |
કોઈને ઈજા ન કરે, તેમજ હુમલો ન કરે તેમજ કોઈને ખોટી રીતે રોકી હેરાન ન કરે એટલે હિંસા ન કરે. |
૩૫૯ થી ૩૭૭ |
૧૮ |
અપહરણ, વ્યભિચાર, બળાત્કાર ન કરે. |
૩૭૮ થી ૪૦૪ |
૧૭ |
ચોરી, લૂંટ ન કરે. |
૪૦૫ થી ૪૦૯ |
૩૭ |
વિશ્વાસઘાત ન કરે. |
૪૧૦ થી ૪૧૪ |
૧૭ |
ચોરીનો માલ પણ ન રાખે. |
૪૧૫ થી ૪૨૪ |
૩૭ |
વિશ્વાસઘાત કરી છેતરે નહીં. |
૪૨૫ થી ૪૪૦ |
૭૫ |
જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે સન્માન કરે એટલે તેની સાથે તોફાન ન કરે. |
૪૪૧ થી ૪૬૨ |
૩૩ |
જે સ્થાનક ધણિયાતું હોય તે સ્થાનકને વિષે તેના ધણીને પૂછ્યા વિના દાખલ ન થાય. |
૪૬૩ થી ૪૮૯ D |
૧૪૩,૧૪૬ |
લખાણમાં તેમજ વ્યવહારમાં ખોટું કાર્ય ન કરે. |
૪૯૦ થી ૪૯૨ |
૧૩૯ |
માતા, પિતા, ગુરુ, રોગાતુર એવો જે કોઈ મનુષ્ય જેને આપણે કાયદેસર પાળવાના હોય તેને તરછોડી કાઢી ન મૂકે. |
૪૯૩ થી ૪૯૮ |
૧૮ |
વ્યભિચાર ન કરે. |
૪૯૯ થી ૫૦૯ |
૨૦ |
કોઈને વિષે મિથ્યા અપવાદ આરોપણ ન કરે, બદનક્ષી ન કરે. |
૫૧૦ |
૧૫ |
દારૂ પી જાહેર જગ્યાએ તોફાન ન કરે. |
૫૧૧ |
૧૭ |
ગુન્હાઓ કરનારની સોબત ન કરે તેમજ ગુન્હા ન કરે. |
આમ, શિક્ષાપત્રી છે નાની, દેખાય છે નાની પણ જાણે ગાગરમાં આખો સાગર. એટલે જ કહેવાય છે ને કે, “શિક્ષાપત્રી એટલે ગાગરમાં સાગર.”
સંપ્રદાય ઉપાસના અને નિયમ-ધર્મની દૃઢતાવાળો બને તે માટે નિયમોની વાડ શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં બાંધી આપી છે.
"શિક્ષાપત્રી સર્વ શાસ્ત્રોના દોહનરૂપ કલ્યાણની સીડી છે. તેનો ઉપલો છેડો આધ્યાત્મિક શ્રેયની સર્વોચ્ચ ભૂમિકાને લાગેલો છે. ત્યારે નીચલો છેડો છેક સામાન્ય લોકજીવનની ભૂમિકા ઉપર ઠેરવેલો છે. તે બંને છેડા વચ્ચે ઉચ્ચ આદર્શને લક્ષમાં રાખીને વ્યવહારુ રીતે ચડી શકાય તેવા સરલ પણ દૃઢ પગથિયાં ગોઠવેલાં છે.”
- ત્રિભુવન વ્યાસ
૩.શિક્ષાપત્રી વિષે જાણવા જેવું અવનવું
૪. શિક્ષાપત્રી અજોડ ગ્રંથ કેમ છે ? આ રહ્યાં તેનાં કેટલાંક મંતવ્યો
૫. શિક્ષાપત્રી સાર એટલે શું ?