Scriptures

શિક્ષાપત્રી સાર

આ ‘શિક્ષાપત્રી’ ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણે કરેલી આજ્ઞાઓ સમગ્ર ભક્તસમાજને સરળતાથી સમજાઈ જાય તથા એ આજ્ઞા કરવા પાછળનો હેતુ સમજાય અને સૌ એ આજ્ઞા મુજબનું જીવન જીવવા કટિબધ્‍ધ બને એવા શુભ હેતુથી SMVS સંસ્‍થા દ્વારા ‘શિક્ષાપત્રી સાર’ નામની પુસ્‍ત‍િકા પ્રકાશન કરવામાં આવી છે. જેમાં ભગવાન સ્વામિનારાયણ રચિત શિક્ષાપત્રીની આજ્ઞાઓને જુદા જુદા વિષયમાં વહેંચી શિક્ષાપત્રી ગ્રંથનો સાર તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં સમાવેશ કરેલ છે...

- ગૃહસ્થ હરિભક્તોનાં પંચવર્તમાન

- ગૃહસ્થ હરિભક્તોએ પાળવાના વિશેષ નિયમો

- ત્યાગી સંતોનાં પંચવર્તમાન

- ત્યાગી સંતોએ પાળવાના વિશેષ નિયમો

ગૃહસ્થ હરિભક્તોનાં પંચવર્તમાન

(સત્સંગીજીવન, શિક્ષાપત્રી તથા ગઢડા પ્રથમના ૭૮મા વચનામૃતની રહસ્યાર્થ ટીકાને આધારે)

(૧) દારૂ વર્તમાન

જે જોવાથી, ખાવાથી, પીવાથી, સાંભળવાથી કે માણવાથી ઇન્દ્રિયો-અંત:કરણને કેફ કહેતાં નશો ચડે, એ તમામ વસ્તુ,, પદાર્થ કે ક્રિયા દારૂ તુલ્ય ગણાય.

દા.ત. : ચા, કૉફી, બીડી, સિગારેટ, ગાંજો, અફીણ, તમાકુ, ગુટખા, માવા-મસાલા, પાન આદિ પદાર્થો તથા કોઈ પણ પ્રકારનો બીઅર કે અન્ય કોઈ પણ પ્રકારનો દારૂ એ પણ વજર્ય છે.

આ પદાર્થોનો ઉપયોગ કરવો તો નહિ, પણ કરાવવો પણ નહીં.

આલ્કોહોલિક દવાઓ પણ દારૂ તુલ્ય ગણાય.

ટી.વી., સિનેમા, સિરિયલો, નાટક, સટ્ટા, જુગાર, ચોપાટ, લૉટરી, સરકસ તથા હાલના ઇન્ટરનેટ આદિક આધુનિક ઉપકરણોના ઉપયોગ દ્વારા બીભત્સ કંઈ પણ જોવું-જાણવું વગેરે મનને નશો કરનાર છે, માટે તે પણ દારુ તુલ્ય ગણાય.

(૨) માટી વર્તમાન

‘માટી’ એટલે માંસાહાર.

જેમાં પ્રત્યક્ષ માંસ, ઈંડા તથા માંસ અને ઈંડા મિશ્રિત બનાવટો, વસ્તુઓ કે દવાઓનો ઉપયોગ એ    પણ માંસાહાર તુલ્ય છે.

ગાળ્યા વગરનું પાણી, દૂધ, તેલ, ઘી પણ માંસ તુલ્ય છે.

ચાળ્યા ને સાફ કર્યા વગરનાં અનાજ, લોટ, સૂક્ષ્મ જંતુઓ યુક્ત શાકભાજી

દા.ત. : ફુલાવર, અમુક ભાજી વગેરે...

તમોગુણપ્રધાન અને અતિ ગંધયુક્ત વસ્તુ જેવી કે કાંદા (ડુંગળી), લસણ, હિંગ વગેરે...

ટૂંકમાં, ઘરમાં તો આ ત્યાગ કરવા યોગ્ય પદાર્થોનો ત્યાગ કરવો જ. પણ બજારની તમામ ચીજવસ્તુઓ તથા લગ્નપ્રસંગોમાં કે બહાર જ્યાં નિયમ-ધર્મ પૂર્ણ રીતે ન સચવાતા હોય તેવી વસ્તુઓ ખાવાથી-પીવાથી આ વર્તમાન લોપાય જ. માટે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા, ભગવાનના ભક્તે બજારુ ખાણાં-પીણાંનો અવશ્ય ત્યાગ કરવો. જરૂર પડ્યે ઘરમાં જ ગાળી-ચાળીને, ઉપરના નિયમોનું પાલન કરી, વસ્તુ બનાવી, ઠાકોરજીને થાળ ધરાવી, પ્રસાદીની કરીને તેનો ઉપયોગ કરવો.

(૩) ચોરી વર્તમાન

ચોરી એટલે માત્ર કોઈના ઘરમાંથી વસ્તુ લઈ લેવી એટલું જ નહિ, પણ એ સિવાય, કોઈની ધણિયાતી અલ્પ વસ્તુ પણ ધણીને પૂછ્યા વિનાની લેવી નહીં.

કોઈની વસ્તુ ઝૂંટવીને કે પરાણે પડાવીને ન લેવી.

રસ્તામાં પડેલી વસ્તુ પણ ન લેવી

કોઈની થાપણ પડાવી ન લેવી.

અણહક્કની વસ્તુ કે રકમ કોઈ આપે તોય ન લેવી.

લાંચ-રુશવત લેવી, ભેળસેળ કરવી, ઓછું આપવું, દગો કરવો, કપટ કરવું વગેરેનો ત્યાગ કરવો.

કોઈની બંધિયાર જગ્યા હોય ત્યાં પૂછ્યા વિના ઉતારો પણ ન કરવો.

નોકરી કરતા હોય તો ક્યારેય કામચોરી કહેતાં સમયની ચોરી ન કરવી.

સરકારી વસ્તુ કે લાઇટ, પાણી, ટેલિફોન વગેરે સેવાઓની ચોરી ન કરવી.

ગેરકાયદેસર ધંધા, વ્યવસાય કે નોકરી ન કરવી.

દેવની ચોરી : કાયદેસર એવા ધંધા, વ્યવસાય, નોકરી કે ખેતીની ઊપજમાંથી દ્રવ્યની શુદ્ધિને અર્થે ઓછામાં ઓછો   ૧૦ ટકા કે વ્યવહારે અતિ દુર્બળ હોય તો ૫ ટકા ધર્માદો કાઢવો.

ભગવાને આપેલા સમયનો એટલે કે ઉંમરનો પણ દશાંશ ભાગ ધર્માદો કાઢવો. અર્થાત એટલો સમય ભગવાનની-સંતોની સેવા તથા સમાગમ અર્થે અચૂક કાઢવો નહિ તો ચોરી વર્તમાન લોપાય.

(૪) અવેરી વર્તમાન

અવેરી વર્તમાન એટલે બ્રહ્મચર્ય. ગૃહસ્થ ભલે સંસારમાં હોય તોપણ તેણે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા આ પ્રમાણે અવેરી વર્તમાન પાળવું જ પડે.

પુરુષે પરસ્ત્રી સામે કે સ્ત્રીએ પરપુરુષ સામે કુદૃષ્ટિ ન કરવી કે કુવિચાર ન કરવો.

પુરુષે પરસ્ત્રી કે સ્ત્રીએ પરપુરુષનો સંગ ન કરવો.

પુરુષો યુવાન અવસ્થાવાળી એવી પોતાની મા, બહેન કે દીકરી સામે દૃષ્ટિ માંડીને જોવું નહિ કે એની સાથે એકાંત સ્થળને વિષે રહેવું નહીં.

એ જ રીતે, સ્ત્રીએ, યુવાન અવસ્થાવાળા એવા પોતાના બાપ-ભાઈ કે દીકરા સામું પણ દૃષ્ટિ માંડીને જોવું નહિ કે એની સાથે એકાંત સ્થળને વિષે રહેવું નહીં.

તો સ્વાભાવિક છે કે દૂરનાં સગાંસંબંધી, વિજાતિ મિત્ર કે પુરુષે અન્ય સ્ત્રી સાથે કે સ્ત્રીએ અન્ય પુરુષ સાથે દૃષ્ટિ માંડીને જોયાનો કે એકાંત સ્થળને વિષે રહ્યાનો નિષેધ હોય... હોય ને... હોય જ.

નાટક, સિનેમા, ટી.વી., ચેનલો, સિરિયલો, ઇન્ટરનેટ તથા આજનાં આધુનિક ઉપકરણો દ્વારા પ્રદર્શિત નગ્ન, અર્ધનગ્ન, ચિત્ર-વિચિત્ર પરિધાને યુક્ત દૃશ્યો કે ચિત્રોને જોવાં એ એટલાં જ હાનિકારક છે. જેનો સત્સંગીમાત્રને નિષેધ છે. તેનો ખટકાપૂર્વક ત્યાગ રાખવો.

વિકૃતિ જન્માવે તેવાં તથા પોતાનાં અંગ દેખાય તેવાં ઝીણાં તથા ટૂંકાં વસ્ત્રો પહેરવાં નહિ અને પહેરેલાં હોય તેવાં દૃશ્યો જોવાં નહીં.

ગરબા, પાર્ટીઓ, ડિસ્કો અને પોપ મ્યુઝિક જેવા કામુક વૃત્તિઓને બહેકાવે તેવા પ્રસંગોમાં ભાગ લેવો નહિ કે હાજરી આપવી નહીં.

બીભત્સ સાહિત્ય, લેખો, પુસ્તકો, મેગેઝિનો જોવાં નહિ, વાંચવાં નહિ કે એવાં ચિત્રો-દૃશ્યો જોવાં નહીં.

સ્ત્રીઓએ પોતાના રજસ્વલા ધર્મનું કડકપણે પાલન કરવું. ત્રણ દિવસ છેટા રહી, ચોથે દિવસે છોળે સ્નાન કરી બધે અડવું.

પોતાની સ્ત્રીનો પણ આસક્તિએ રહિત ઋતુસમે સંગ કરવો. તેમાં પણ એકાદશીઓ, તેના આગલા-પાછલા દિવસો, ભગવાનના પ્રાગટ્ય દિવસ તથા તેના આગલા-પાછલા દિવસો, અમાસ, શ્રાવણ માસ, અધિક માસ, વ્રત-યજ્ઞાદિક સમૈયાના દિવસો તથા તીર્થસ્થાનો વગેરેમાં પોતાની સ્ત્રીનો પણ ત્યાગ રાખવો.

(૫) વટલવું નહિ અને વટલાવવાં નહીં.

ન ખપતું હોય તેનું ખાવું નહિ અને જેને ન ખપે તેને ખવડાવવું નહીં… એટલે કે ધર્મ-નિયમે યુક્ત ન હોય તેના ઘરનું ખાવું-પીવું નહિ અને આપણા ઘરમાં ધર્મ-નિયમ સચવાતા ન હોય તો પાળનારને પરાણે ખવડાવવું-પિવડાવવું નહીં.

ગૃહસ્થ હરિભક્તોએ પાળવાના વિશેષ નિયમો

આ પંચવર્તમાન ઉપરાંત શિક્ષાપત્રીમાં સ્વામિનારાયાણ ભગવાને નિર્દેશ કરેલ સારરૂપ આજ્ઞાઓનું પણ ભગવાનના શરણાગત ભક્તોએ અવશ્ય પાલન કરવું.

(૧) કોઈ પણ જીવ-પ્રાણીમાત્રની હિંસા ન કરવી અને જાણીને તો ઝીણાં એવાં જૂ, માંકડ, ચાંચડ આદિક જીવો તેમની પણ હિંસા ક્યારેય ન કરવી.

(૨) કોઈ મુશ્કેલી કે આફતમાં કે કંઈ અયોગ્ય આચરણ થઈ જાય તો મૂંઝાઈને કે પસ્તાઈને પણ કોઈ પ્રકારે આત્મઘાત તો ન જ કરવો. અને શસ્ત્રાદિકે કરીને પોતાના કે બીજાના કોઈ અંગનું છેદન પણ ન કરવું.

(૩) ધર્મ કરવાને અર્થે પણ કોઈએ કોઈ પ્રકારનું ચોરીનું કર્મ ન કરવું. ને ધણિયાતું જે કાષ્ઠ, પુષ્પ આદિક વસ્તુ તે ધણીની આજ્ઞા વિના ન લેવી.

(૪) પોતાના સ્વાર્થને અર્થે પણ કોઈને વિષે મિથ્યા અપવાદ-આરોપણ ન કરવો. ને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી.

(૫) કોઈની નિંદા, દ્રોહ કે અવગુણ-અભાવની વાત ક્યારેય ન કરવી કે ન સાંભળવી.

(૬) હંમેશાં અમારા ભક્તે સત્ય વચન જ બોલવું. છતાં જે સત્ય વચન બોલવે કરીને પોતાનો કે પારકાનો દ્રોહ થાય તેવું સત્ય વચન પણ ક્યારેય ન બોલવું.

(૭) કૃતઘ્ની હોય કે જે કરેલું જાણતો ન હોય તેના સંગનો ત્યાગ કરવો.

(૮) ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા લોકોને છેતરનાર ને ઠગનાર એવા છ પ્રકારના કુસંગીનો સંગ ન કરવો.

(૯) જે મનુષ્ય ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિષે અતિશય લોલુપ થકા પાપને વિષે પ્રવર્તતા હોય તેવા મનુષ્યનો સમાગમ ન કરવો.

(૧૦) મંદિર, જીર્ણ દેવાલય, નદી-તળાવના આરા, રસ્તો, વાવેલું ખેતર, વૃક્ષની છાયા તથા બાગ-બગીચા એ આદિક જે સ્થાનક તેમને વિષે ક્યારેય મળમૂત્ર ન કરવું તથા થૂંકવું પણ નહીં.

(૧૧) ચોરમાર્ગે કરીને પેસવું નહિ કે નીસરવું પણ નહીં.

(૧૨) પુરુષમાત્રે સ્ત્રીના મુખ થકી જ્ઞાનવાર્તા પણ ન સાંભળવી અને સ્ત્રીઓ સાથે વાદવિવાદ ન કરવો.

(૧૩) ગુરુનું, અતિશય શ્રેષ્ઠ મનુષ્યનું, વ્યવહારમાં પ્રતિષ્ઠિત મનુષ્યનું, કોઈ વિદ્વાનનું તથા શસ્ત્રધારી મનુષ્યનું ક્યારેય અપમાન ન કરવું.

(૧૪) વિચાર્યા વિના કોઈ વ્યવહારિક કાર્ય તત્કાળ ન કરવું, પણ ધર્મસંબંધી કાર્ય તો તત્કાળ કરવું.

(૧૫) નિત્યપ્રત્યે સાધુનો સમાગમ કરવો.

(૧૬) ભગવાન કે સંતનાં દર્શનને અર્થે જવું ત્યારે ખાલી હાથે ન જવું.

(૧૭) કોઈનો વિશ્વાસઘાત ન કરવો.

(૧૮) પોતાના મુખે પોતાનાં વખાણ ન કરવાં.

(૧૯) મંદિરમાં આવ્યા પછી સ્ત્રીએ પુરુષનો કે પુરુષે સ્ત્રીનો સ્પર્શ ન કરવો.

(૨૦) કંઠને વિષે તુલસીની અથવા કાષ્ઠની કંઠી નિત્ય ધારણ કરવી.

(૨૧) નિત્ય પ્રત્યે સૂર્ય ઊગ્યા પહેલાં જાગવું ને પછી સ્વામિનારાયણ નામનું સ્મરણ કરવું.

(૨૨) ત્યારબાદ શૌચવિધિ કરી ડાબો હાથ દશ વખત ને બંને હાથ ભેળા કરી સાત વખત એમ કુલ સત્તર વખત શુદ્ધ માટી અથવા પાઉડરથી હાથ ધોવા, સાબુથી કે લિક્વિડથી ન ચાલે.

(૨૩) ત્યારબાદ એક સ્થાને બેસીને દંતધાવન કરવું. પછી પવિત્ર જળે કરીને સ્નાન કરવું.

(૨૪) પછી (પુરુષ વર્ગે શુદ્ધ એવું જે એક વસ્ત્ર પહેરવું ને એક ઓઢવું ને પછી) નિત્ય પ્રત્યે સ્વામિનારાયણ ભગવનની વ્યક્તિગત પૂજા અવશ્ય કરવી. પૂજા કર્યા વિના પાણી પણ પિવાય નહિ અને જમાય પણ નહીં.

(૨૫) પુરુષમાત્રે ચંદને કરી ભાલ, બંને હસ્ત ને છાતીને મધ્યે તિલક કરવું ને ચંદનનો ચાંદલો કરવો તથા ભાલમાં કુમકુમનો ચાંદલો કરવો. અને સ્ત્રીઓએ માત્ર ભાલને વિષે કુમકુમનો ચાંદલો કરવો. જ્યારે વિધવા સ્ત્રીઓએ ચાંદલો પણ ન કરવો.

(૨૬) ત્યારબાદ ભગવાનની માનસીપૂજા કરી પ્રગટભાવે પૂજા કરી ‘સ્વામિનારાયણ’ મહામંત્રનો જાપ કરવો ને નિત્ય પ્રત્યે ‘અહમ્ અનાદિમુક્ત સ્વામિનારાયણ દાસોસ્મિ’ એ ગુરુમંત્રની એક માળા કરવી.

(૨૭) પત્ર, કંદ, ફળ, કે કોઈ પણ વસ્તુ ભગવાનને ધરાવ્યા વગર ન ખાવી કે કોઈ પણ વસ્તુ કે પદાર્થ પ્રસાદીના કર્યા વગર તેનો ઉપયોગ ન કરવો.

(૨૮) નિત્ય પ્રત્યે સ્વામિનારાયણ ભગવાનના મંદિરને વિષે જવું અને ભગવાનનાં કીર્તન, ધૂન બોલવાં ને સંતોનો સમાગમ કરવો.

(૨૯) વ્યક્તિના ગુણ પ્રમાણે તેને કાર્ય પ્રેરવું તથા તે રીતે તેનું સન્માન જાળવવું. તેમજ કોઈ વ્યવહારે કરીને મોટી વ્યક્તિ આવે કે વડીલ આવે તો તે મુજબ તેનું યોગ્ય સન્માન કરી યોગ્ય સ્થાને બેસાડવા.

(૩૦) સભાને વિષે પગ ઉપર પગ ચઢાવીને કે ઉભડક પગે ન બેસવું.

(૩૧) કોઈ ફળના લોભે કરીને પણ પોતાના ધર્મનો ત્યાગ ન કરવો.

(૩૨) કોઈનીય ખાનગી વાત જાણતા હોય તોપણ તેને ક્યારેય પ્રકાશ ન કરવી.

(૩૩) ચાતુર્માસને વિષે સંત-સમાગમ, માળા-પ્રદક્ષિણા, સદ્ગ્રંથોનું વાંચન, ઉપવાસ, એકટાણાં કે બ્રહ્મચર્યાદિક વિશેષ નિયમો લેવા તથા તેનું પાલન કરવું.

(૩૪) સર્વે એકાદશી તથા હરિનવમી આદિક વ્રતને દિવસે આદર થકી ઉપવાસ કરવો અને ઉપવાસના દિવસે અતિશય યત્ને કરીને પણ દિવસની નિદ્રાનો ત્યાગ કરવો.

(૩૫) ક્યારેક ભૂત-પ્રેતાદિકનો ઉપદ્રવ થાય તો સ્વામિનારાયણ મહામંત્રનો જાપ અથવા ઉચ્ચ સ્વરે તે મહામંત્રની ધૂન કરવી.

(૩૬) સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ સમયે સર્વે ક્રિયાનો ત્યાગ કરીને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવું. અને તે ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્રે સહિત સ્નાન કરીને ગૃહસ્થ સત્સંગીએ પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાગી હોય તેમણે સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરવી.

(૩૭) સત્સંગીમાત્રે જન્મનું તથા મરણનું સૂતક તે સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું.

(૩૮) ક્યારેક જાણે અથવા અજાણે નાનું-મોટું પાપ થઈ જાય તો મોટાપુરુષને કે સંતોને પૂછીને તે પાપનું પ્રાયશ્ચિત્ત કરવું.

(૩૯) પોતાનાં નિકટ સંબંધ વિનાની જે વિધવા સ્ત્રીઓ, તેમનો સ્પર્શ ન કરવો.

(૪૦) પોતાનાં માતાપિતા તથા આશરે રહેલા મનુષ્યની તથા માંદાની સેવા જીવનપર્યંત કરવી.

(૪૧) પોતાની સામર્થી પ્રમાણે, પોતાની જરૂરિયાત પ્રમાણે અન્ન-દ્રવ્યનો સંગ્રહ કરવો અને ઘરમાં પશુ રાખેલાં હોય તો તેમને માટે પણ ચાર્યપૂળાનો સંગ્રહ કરવો.

(૪૨) વ્યવ્હારિક લેતી-દેતીમાં પોતાના પુત્ર કે મિત્રાદિક સાથે પણ, સાક્ષીએ સહિત લખાણ કર્યા વિના કોઈ વ્યવહાર ન કરવો.

(૪૩) પોતાની આવક કરતાં વધારે ખર્ચ ન જ કરવો અને આવક-ખર્ચનું નામું અવશ્ય લખવું.

(૪૪) પોતાને ત્યાં રાખેલા નોકર-ચાકર કે મજૂર તેમને નક્કી કર્યા મુજબ જ વળતર આપવું પણ ઓછું ન આપવું.

(૪૫) પોતે જ્યાં રહેતાં હોય ત્યાં કોઈ આપત્કાળ આવે કે ભૂંડા દેશકાળ સર્જાય તો તે મૂળવતન હોય તોપણ તેનો ત્યાગ કરવો ને જ્યાં સારા દેશકાળ હોય ત્યાં સુખેથી રહેવું.

(૪૬) વ્યવહારે સુખી કે ધનાઢ્ય હરિભક્તોએ સ્વામિનારાયણ ભગવાનના મોટા સમૈયા, ઉત્સવો ને મંદિરો કરાવવાં તથા સાધુ અને હરિભક્તોને જમાડવા.

(૪૭) સત્સંગી એવી સુવાસિની સ્ત્રીઓએ પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય તોપણ તેની આદરપૂર્વક સેવા કરવી પણ કટુ વચન ન બોલવાં.

(૪૮) વિધવા સ્ત્રીઓ તેમણે પતિ બુદ્ધિએ કરીને ભગવાનને સેવવા ને પોતાના પિતા-પુત્રાદિક સંબંધીની આજ્ઞાને વિષે વર્તવું પણ સ્વતંત્રપણે ન વર્તવું.

ત્યાગી સંતોનાં પંચવર્તમાન

(ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ, શિક્ષાપત્રી તથા ગઢડા પ્રથમના ૭૮મા વચનામૃતની ટીકાને આધારે) ત્યાગીએ ગૃહસ્થનાં વર્તમાન તો પાળવાં જ, પણ તે ઉપરાંત...

(૧) નિષ્કામી વર્તમાન

ત્યાગી સંતોએ અષ્ટ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કરવું. તે મુજબ...

સ્ત્રીનો સંગ ન કરવો.

સ્ત્રીના વસ્ત્રને અડવું નહીં.

સ્ત્રીનો સ્પર્શ ન કરવો.

સ્ત્રીનાં રૂપ-કુરૂપની વાત કરવી નહીં. સ્ત્રી કાળી છે, ગોરી છે, યુવાન છે કે વૃદ્ધ છે તેનો નિર્ણય ન કરવો.

સ્ત્રીનું મનન ન કરવું.

સ્ત્રીના ચિત્રને પણ નિહાળીને જોવું નહિ કે સ્પર્શ કરવો નહીં.

સ્ત્રીને ભોગવવાનો સંકલ્પ પણ ન કરવો તો ક્રિયા તો થાય જ કેમ ?

સ્ત્રીઓ સાથે બોલવું નહીં.

આ માટે, સંતોએ જોડી વિના એકલા બહાર જવું નહિ કે ચાલવું નહીં. એવી આજ્ઞા કરી છે કે જેથી        એકબીજાની મર્યાદાએ કરીને પણ નિષ્કામીપણું દૃઢ રહે અને જો કંઈ અજાણે ભૂલચૂક થાય તો તેનું નિષ્કામ શુદ્ધિ મુજબ પ્રાયશ્ચિત્ત કરવું.

(૨) નિર્લોભી વર્તમાન

સાધુ થઈ કોડી જેટલું દ્રવ્ય પણ પોતાનું કરીને રાખે, રખાવે કે અડે તો તેને મિનિટે મિનિટે હજાર ગાયો માર્યાનું પાપ થાય છે.

કહેલાં અગિયાર વસ્ત્રો ઉપર બારમું વસ્ત્ર ન રાખવું.

વસ્ત્રો પણ જાડાં માદરપાટનાં જ પહેરવાં, પણ ઝીણાં વસ્ત્ર ન પહેરવાં.

વસ્ત્રો પણ રંગથી ન રંગવાં, પણ રામપુર ગામની માટીથી જ રંગવાં.

સીવેલાં વસ્ત્રો ન પહેરવાં.

રજોગુણી, રેશમી, મલમલ કે અન્ય વસ્ત્રો, રજોગુણી પદાર્થો પોતાના ઉપયોગ માટે ન રાખવાં.

(૩) નિર્માની વર્તમાન

કોઈ પ્રકારનું માન તો રાખવું જ નહીં. સ્વામિનારાયણ ભગવાનની ઇચ્છાથી માન-સન્માન મળે કે અપમાન મળે તોપણ બંને પરિસ્થિતિમાં સમભાવ રાખી વર્તવું.

(૪) નિ:સ્નેહી વર્તમાન

પોતાનાં પૂર્વાશ્રમનાં માતાપિતા, ભાઈ કે નિકટના સંબંધી સાથે કોઈ પ્રકારનો વ્યવહાર ન રાખવો.

પોતાની જન્મભૂમિ કે પૂર્વાશ્રમના ઘર સાથે કોઈ વ્યવહાર ન રાખવો.

સ્નેહ એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનમાં તેમજ ભગવાનને લઈને સંતો-ભક્તોમાં જ કરવો.

(૫) નિ:સ્વાદી વર્તમાન

ખાવા-પીવા માટે કોઈ ધાતુના વાસણનો ઉપયોગ ન કરવો, પણ કાષ્ઠના પાત્રનો તથા તુંબડીનો જ ઉપયોગ કરવો.

સ્વામિનારાયણ ભગવાનની ઇચ્છાથી જે મળે તે અન્નમાં પાણી નાખી, ભેળું કરી નિ:સ્વાદી કરીને જ જમવું.  

ત્યાગી સંતોએ પાળવાના વિશેષ નિયમો

આ સિવાય શિક્ષાપત્રીની અન્ય આજ્ઞાઓનું પણ ત્યાગી સંતોએ અવશ્ય પાલન કરવું.

(૧) જે સ્થાનકને વિષે સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાનકને વિષે સ્નાનાદિક ક્રિયા કરવા પણ ન જવું.

(૨) મૈથુનાસક્ત એવાં જે પશુ-પક્ષી આદિ પ્રાણીમાત્ર તેમને પણ જાણીને જોવાં નહીં.

(૩) સ્ત્રીના વેશને ધરી રહ્યો જે પુરુષ તેને અડવું નહિ અને તેની સામે જોવું નહિ ને તે સાથે બોલવું નહીં.

(૪) સ્ત્રીને ઉદ્દેશીને સ્વામિનારાયણ ભગવાની કથાવાર્તા, કીર્તન પણ ન કરવાં.

(૫) બળાત્કારે કરીને પોતાની અતિશય સમીપે આવતી જે સ્ત્રી તેને બોલીને અથવા તિરસ્કાર કરીને   પણ તુરત વારવી, પણ સમીપે આવવા દેવી નહીં.

(૬) પોતાના બ્રહ્મચર્યવ્રતનો કે પંચવર્તમાનનો ભંગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું.

(૭) પોતાને શરીરે તેલમર્દન ન કરવું કે ન કરાવવું.

(૮) રસના ઇન્દ્રિયને તો વિશેષે કરીને જીતવી.

(૯) કામ, ક્રોધ, લોભ અને માન આદિક જે અંત:શત્રુ તેને જીતવા.

(૧૦) પોતાના ઉતારાનું જે સ્થળ તેને વિષે ક્યારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહીં.

(૧૧) સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ વિના વ્યર્થ કાળ પસાર ન કરવો.

(૧૨) ગ્રામ્યવાર્તા કરવી નહિ કે જાણીને સાંભળવી નહીં.

(૧૩) આપત્કાળ પડ્યા વિના ક્યારેય ખાટલા પર સૂવું નહીં.

(૧૪) મોટા સંતની આગળ નિરંતર નિષ્કપટપણે વર્તવું.

(૧૫) કોઈક કુમતિવાળા દુષ્ટજન હોય અને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું, પણ તેને સામી ગાળ ન દેવી અને મારવો પણ નહીં. પણ તેનું જેમ હિત થાય તેમ મનમાં ચિંતવન કરવું, પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો.

(૧૬) સૌની આગળ નમવું, ખમવું ને સૌનું સહન કરવું. નિર્માનીપણું પકડી રાખવું.

(૧૭) કોઈ પ્રકારની અહમબુદ્ધિ ન કરવી કે પોતાના સંબંધીમાં મમત્વભાવ ન રાખવો.

આમ, આ શિક્ષાપત્રીના સારરૂપ એવી આપની સર્વે આજ્ઞામાં, હે સ્વામિનારાયણ ભગવાન, અમને દૃઢ કરીને વર્તાવજો.... વર્તાવજો... વર્તાવજો….