સ્વરૂપનિષ્ઠા એટલે શું ? સ્વામિનારાયણ ભગવાનની જેમ છે તેમ ઓળખાણ અને અનાદિમુક્તની સ્થિતિની સમજણ આપતું શાસ્ત્ર એટલે સ્વરૂપનિષ્ઠા. સ્વરૂપનિષ્ઠા શાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો ? ગુરુવર્ય પ.પૂ. બાપજીનો છેલ્લા ઘણા સમયથી સંકલ્પ હતો કે, “વર્તમાનકાળે શ્રીજીમહારાજના સ્વરૂપસંબંધી જે કાંઈ પણ તત્ત્વજ્ઞાન શ્રીજીમહારાજ સમજાવી રહ્યા છે તે જ્ઞાનનું પ્રાથમિક ધોરણે એક પુસ્તક તૈયાર થાય કે જેમાં શ્રીજીમહારાજના સ્વરૂપની જેમ છે તેમ ઓળખાણ આવી જાય.” ગુરુવર્ય પ.પૂ. બાપજીના આ સંકલ્પને પૂર્ણ કરવા પ.પૂ. સ્વામીશ્રીએ જહેમત ઉઠાવી અને પુસ્તકના લેખનકાર્યની સેવાનો આદેશ આપ્યો તથા પૂરજોશમાં તેનું સેવાકાર્ય આગળ વધાર્યું. કારણ સત્સંગના સર્વોપરી જ્ઞાનનું આ પ્રથમ પુસ્તક હતું. માટે શું કરવું ? કેવી રીતે કરવું ? કયા વિષયો લેવા ? આ બધું કાર્ય ઘણું અઘરું હતું. પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજીના અને પ.પૂ. સ્વામીશ્રીના આશીર્વાદ સાથે હતા. વળી, પ.પૂ. સ્વામીશ્રી દ્વારા પ્રાપ્ત થતા સલાહ-સૂચનો તથા સુધારા અને સૂક્ષ્મથી સૂક્ષ્મ નિરીક્ષણ દ્વારા પ્રાપ્ત થતા માર્ગદર્શનથી આ સમગ્ર સેવાકાર્ય પૂર્ણ કરવું ઘણું સુગમ બન્યું. આ સમગ્ર પુસ્તકમાં શબ્દે શબ્દના લેખન અને વિવરણમાં સુધારા, ક્ષતિ-ત્રુટિ, કસર નિવારણ વગેરે બાબતોમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીનું સંપૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. પુસ્તકમાં જ્ઞાનશુદ્ધિના સેવાકાર્યમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ખૂબ રસ દાખવી ઘણા કલાકોનો સમય ફાળવ્યો હતો જે આપણા સૌની ઉપર એમનું સૌથી મોટું ઋણ છે. આ સમગ્ર પુસ્તક કારણ સત્સંગના તત્ત્વજ્ઞાનને જેમ છે તેમ યથાર્થપણે સ્પષ્ટ સમજાવનારું છે. તેથી આ પુસ્તકનું શુભ નામ પણ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ જ સ્વમુખે ‘સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપની જેમ છે તેમ નિષ્ઠા અને અનાદિમુક્તની સ્થિતિ સમન્વિત અધ્યાત્મ વાર્તા સમજાવી મૂર્તિનું સુખ પમાડનારું જ્ઞાન – સ્વરૂપનિષ્ઠા’ એવું જણાવ્યું હતું. આ સમગ્ર પુસ્તકમાં જે કાંઈ પણ જ્ઞાનવાર્તા છે તેને જો કોઈ મુમુક્ષુ અથવા તો શ્રીજીમહારાજના આશ્રિત તટસ્થભાવે અને વિશ્વાસપૂર્વક વાંચશે, મનન કરશે તો જરૂરથી તેમને શ્રીજીમહારાજના સ્વરૂપની નિષ્ઠા થશે. એમાંય જો ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રી જેવા દિવ્ય સત્પુરુષનો પ્રત્યક્ષ જોગ-સમાગમ કરે તો... તો શ્રીજીમહારાજના સ્વરૂપની જેમ છે તેમ યથાર્થ સ્વરૂપનિષ્ઠા થાય અને અનાદિમુક્તની સ્થિતિને પામી મૂર્તિના સુખને પામવાનો માર્ગ બહુ સરળ બની જાય.