વચનામૃત ગઢડા પ્રથમનું - ૧

સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૪ ચતુર્થીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સાધુની જાયગાને વિષે રાત્રિને સમે પધાર્યા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૧) સર્વે સાધનમાં કિયું સાધન કઠણ છે ? ત્યારે સર્વે બ્રહ્મચારી, સાધુ તથા ગૃહસ્થ, તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો, અમે ઉત્તર કરીએ જે, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે, તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી, કાં જે ભગવાનની મૂર્તિ છે, તે તો ચિંતામણિ તુલ્ય છે. જેમ ચિંતામણિ કોઈક પુરુષના હાથમાં હોય, તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિષે જેના મનની અખંડ વૃત્તિ રહે છે, તે તો જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઇચ્છે તો તત્કાળ દેખે છે. તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમોહોલ એ આદિક જે જે ભગવાનનાં ધામ છે તેને પણ દેખે છે, માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી ને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. (૧)                                            

ત્યાર પછી કોઈક હરિભક્તે શ્રીજીમહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, (૨) જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનનો ભક્ત હોય, તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતે જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ. (૨)                       

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૩) ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે, ત્યારે તે કેવા દેહને પામે છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે, તે ભગવાનની ઇચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે, અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે, ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે ને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે, ને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે; એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે. તેને યોગસમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે. (૩)                 

પછી વળી કોઈક હરિભક્તે પૂછ્યું જે, (૪) કેટલાક તો ઘણા દિવસથી સત્સંગ કરે છે તોપણ તેને જેવી પોતાના દેહ ને દેહના સંબંધીને વિષે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થાતી તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એને ભગવાનનું માહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી, અને જે સાધુને સંગે કરીને ભગવાનનું માહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે, ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી, ને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થાતી નથી, કાં જે અન્ય સ્થળને વિષે જે પાપ કર્યાં હોય તે સંતને સંગે કરીને જાય, અને સંતને વિષે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતાં નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે જે :

अन्यक्षेत्रे कृतं पापं तीर्थक्षेत्रे विनश्यति ।

तीर्थक्षेत्रे कृतं पापं व्रजलेपो भविष्यति ।।

તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દૃઢ પ્રીતિ થાય. (૪) ઇતિ વચનામૃતમ્‌ ।।।।   

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારી મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખનારો ગોલોકાદિક ધામ, જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ તેને જોવાને ઇચ્છે તો દેખે છે. (૧) બીજામાં અમારું ધ્યાન કરતાં, આવરણ કરે તે માયા જાણવી. (૨) ત્રીજામાં અમારા આશ્રિત દેહ મૂકીને બ્રહ્મમય દેહને પામે છે. (૩) ચોથામાં સ્વભાવ ઉપર વાત કરનારાનો અવગુણ લે તેને સત્સંગમાં પ્રીતિ થતી નથી ને પાપ લાગે છે, તે પાપ સંતના અનુગ્રહથી ટળે છે ને સંતને તીર્થ કહ્યા છે. (૪) બાબતો છે.

પ્ર. પહેલા પ્રશ્નમાં મનની વૃત્તિ અખંડ રહે તે કઠણમાં કઠણ સાધન, ને સર્વથી શ્રેષ્ઠ પ્રાપ્તિ કહી તે મન તથા વૃત્તિ તો માયિક છે તે માયિક વસ્તુએ મહારાજ કેમ દેખાય ?

. પ્રથમ તો જીવ મન દ્વારે ભગવાનની મૂર્તિને વિષે વૃત્તિ રાખે તે વૃત્તિ રાખતાં રાખતાં નિર્ગુણ થઈ જાય; ત્યારે જીવસત્તાએ જ મૂર્તિને જુએ છે. તે ‘હરિવાક્ય-સુધાસિંધુ’માં તરંગ (૨૦૮)માં કહ્યું છે કે : देहत्रयमलं तद्धसांख्यज्ञनांबुना स य । धुत्वा शुचिर्हरिंध्यायेत्तदाडति सुखभाग् भवेत् ।।૧૬।।

દેવ જેવો પવિત્ર થઈને દેવને પૂજે તો તે પૂજાને દેવ અંગીકાર કરે તેની પેઠે ત્રણ દેહરૂપી મળ ને સાંખ્યજ્ઞાનરૂપી જળ તેણે કરીને ત્યાગ કરીને શુદ્ધ બ્રહ્મરૂપ થઈને શ્રીજીમહારાજનું ધ્યાન કરે ત્યારે શ્રીજીમહારાજનું અતિ સુખ તેને પામે છે.

પ્ર. શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખનારો ભક્ત જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ તથા ગોલોકાદિક ધામને દેખે છે એમ કહ્યું; અને (પ્ર. ૪૯ના બીજા પ્રશ્નમાં) ભગવાનની મૂર્તિ વિના ષટ્‌ચક્ર તથા ગોલોકાદિક ધામ દેખાય તે બાહ્યદૃષ્ટિ કહી છે, તે કેમ સમજવું ?

. આમાં સાધનદશાવાળા સકામ ભક્તને લોભ બતાવીને પોતાના સ્વરૂપમાં જોડવા માટે કહ્યું છે, માટે એ વચન અધિકારી પર છે અને (પ્ર. ૪૯માં) ભગવાનની મૂર્તિ વિના એ ધામાદિક દેખાય એ બાહ્યદૃષ્ટિ કહી છે; પણ વગર ઇચ્છે ભગવાનની મૂર્તિ ભેળાં ધામાદિક દેખાય એ બાહ્યદૃષ્ટિ કહી નથી. એ તો સિદ્ધદશાવાળા જાણવા. તે (સા. ૧૦ના ૨/૩ બીજા પ્રશ્નમાં) કહ્યું છે જે, અંતર્દૃષ્ટિવાળાને ભગવાન તથા ભગવાનનાં ધામ અણુમાત્ર છેટે નથી, કેમ જે એને ભગવાન વગર ઇચ્છે દેખાડે છે તે (પ્ર. ૯/૨ માં) અમારા ધામને વિષે અમારાં ઐશ્વર્ય તથા મૂર્તિઓ રહી છે તે ભક્તને બળાત્કારે દેખાડીએ છીએ એમ કહ્યું છે, માટે વગર ઇચ્છે શ્રીજીમહારાજ દેખાડે તે બાહ્યદૃષ્ટિ ન કહેવાય પણ ભક્ત પોતે જોવા ઇચ્છે તો તે બાહ્યદૃષ્ટિ કહેવાય.

પ્ર. બીજા પ્રશ્નમાં ધ્યાનમાં આવરણ કરે તેને માયા કહી તે કઈ જાણવી ?

. મૂળપ્રકૃતિ તથા તેમાંથી જે જે ઉત્પન્ન થયું તે, ને તે સંબંધી ઘાટ-સંકલ્પ થાય તે સર્વે માયા છે અને તે મૂળપ્રકૃતિથી પર મૂળપુરુષ જે ઈશ્વરકોટિ, તેથી પર બ્રહ્મકોટિ, તેથી પર મૂળઅક્ષરકોટિ તે સર્વે ધ્યાન-ઉપાસનામાં આવરણ કરનાર છે માટે મૂળઅક્ષર પર્યંત આવરણ કરનાર છે, એમ જાણવું; એ તો જ્યારે મૂળઅક્ષરથી પર ને તે મૂળઅક્ષરનું કારણ જે શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામ તે રૂપ પોતાને માનીને એ તેજમાં પોતાના આત્માને લીન કરીને શ્રીજીમહારાજની મૂર્તિને ધારે, ત્યારે શ્રીજીમહારાજની ને ધ્યાન કરનાર ભક્તની વચ્ચે બીજું આવરણ રહેતું નથી, માટે મૂળઅક્ષર પર્યંત આવરણ કરનાર છે એમ જાણવું.

પ્ર. શ્રીજીમહારાજના તેજને મૂર્તિમાન મૂળઅક્ષરનું કારણ કહો છો તે કિયા વચનામૃતમાં છે ?

. (કા. ૮/૧માં) શ્રીજીમહારાજે પોતાના નિર્ગુણ સ્વરૂપને એટલે તેજને મૂળઅક્ષરનું આત્મા કહ્યું છે અને (પ્ર. ૬૪/૧માં) એ તેજને મૂળઅક્ષરમાં વ્યાપક તથા તેનું આત્મા તથા દ્રષ્ટા કહ્યું છે, માટે મૂળઅક્ષરનું કારણ શ્રીજીમહારાજનું તેજ છે.

પ્ર. માયા તો સંકલ્પ-વિકલ્પાદિક રૂપે આવરણ કરનાર છે તે સમજાય છે પણ ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ ને મૂળઅક્ષરકોટિ તે કેવી રીતે આવરણ કરતા હશે ?

. જેમ દીવાના પ્રકાશનો સંબંધ આપણા નેત્રને થાય ત્યારે દીવો દેખાય છે, અને તારાના પ્રકાશનો સંબંધ થાય તો તારા દેખાય; અને ચંદ્રના પ્રકાશનો સંબંધ નેત્રને થાય તો ચંદ્ર દેખાય; અને સૂર્યના પ્રકાશનો સંબંધ નેત્રને થાય તો સૂર્ય દેખાય છે, તેમ મૂળમાયાથી પર મૂળપુરુષ છે; તેના તેજરૂપ આપણા આત્માને માનીએ તો મૂળપુરુષ ઈશ્વરના પ્રકાશનો સંબંધ આપણા આત્માને થાય તેણે કરીને મૂળપુરુષ પમાય, પણ તેથી પર જે બ્રહ્મકોટિ તેનો સંબંધ ન થાય, તે આવરણ કર્યું કહેવાય, તેમ જ બ્રહ્મના પ્રકાશનો સંબંધ થાય તો બ્રહ્મની પ્રાપ્તિ થાય પણ અક્ષર ન પમાય તે આવરણ કર્યું કહેવાય. તેમ જ અક્ષરના પ્રકાશનો સંબંધ થાય તો અક્ષર પમાય, પણ પુરુષોત્તમને ન પમાય એ આવરણ કર્યું કહેવાય અને પુરુષોત્તમના પ્રકાશનો સંબંધ આપણા ચૈતન્યને થાય તો પુરુષોત્તમ પમાય, ત્યારે અક્ષરાદિકનું આવરણ રહેતું નથી તે (પ્ર. ૫૧માં) કહ્યું છે જે, પુરુષોત્તમને આકારે દૃષ્ટિ થાય ત્યારે જ પુરુષોત્તમનું દર્શન થાય છેમાટે અક્ષરાદિક સર્વેથી પર શ્રીજીમહારાજ છે તેમના પ્રકાશરૂપ આપણા ચૈતન્યને માનીને, તે પ્રકાશરૂપ ધામ સાથે એકતા કરીને, શ્રીજીમહારાજની મૂર્તિને આકારે થાય, તો જ શ્રીજીમહારાજને પમાય પણ તે વિના પમાય નહિ.

૬ પ્ર. આ તેજને શ્રીજીમહારાજને રહ્યાનું ધામ કિયા વચનામૃતમાં કહ્યું છે ?

ઉ. (પં. ૧/૧માં) આ તેજને પોતાને રહ્યાનું ધામ કહ્યું છે તથા (પ્ર. ૬૬/૧માં) પોતાની મૂર્તિનો પ્રકાશ કહ્યો છે. આનો વિસ્તાર પરથારાના બીજા પ્રશ્નોત્તરમાં છે.

પ્ર. મૂળપુરુષની ને મૂળઅક્ષરની વચ્ચે બ્રહ્મ કહ્યા તે કિયા વચનામૃતમાં છે ?

ઉ. (કા. ૧૦ના ૧/૪ પહેલા પ્રશ્નમાં) મૂળપુરુષની ને મૂળઅક્ષરની વચ્ચે બ્રહ્મનો ભેદ કહ્યો છે તે બ્રહ્મ શ્વેતદ્વિપપતિ વાસુદેવને કહ્યા છે અને એ વાસુદેવબ્રહ્મનું ધામ મૂળપુરુષના ગોલોક ધામથી પર છે તેને બ્રહ્મપુર નામે કરીને (અ. ૭/૧માં) કહ્યું છે.

પ્ર. ત્રીજા પ્રશ્નમાં ધર્મકુળને આશ્રિત બ્રહ્મમય દેહને પામે છે એમ કહ્યું તે ધર્મકુળ શું સમજવું ? અને બ્રહ્મમય તે કેવો જાણવો ?

ઉ. આ ઠેકાણે ધર્મકુળ એટલે ધર્મના પુત્ર એવા જે સાક્ષાત્‌ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમને જાણવા. તેમનો આશ્રિત થાય તે બ્રહ્મમય દેહને પામે છે એમ કહ્યું છે, અને બ્રહ્મ તે શ્રીજીમહારાજની મૂર્તિનું તેજ જાણવું, અને એ તેજ સાથે એકતા કરીને શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન કરે તે ધ્યાને કરીને શ્રીજીમહારાજના જેવો સાકાર થાય તે બ્રહ્મમય દેહ કહ્યો છે.

પ્ર. યથાર્થ જ્ઞાન થાય ત્યારે દેહ મૂક્યો કહેવાય કે દેહ પડે ત્યારે જ મૂક્યો કહેવાય ?

ઉ. જ્યારે આત્માને વિષે શ્રીજીમહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થાય ત્યારે દેહ મૂક્યો કહેવાય તોપણ સર્પની કાંચળીની પેઠે માયિક દેહ તો ઉપર હોય જ, પણ સિદ્ધમુક્ત જેમ શ્રીજીમહારાજની ઇચ્છાથી દિવ્ય મૂર્તિ થકા મનુષ્ય જેવા દેખાય છે તેવા તો ન કહેવાય, અને જ્યારે કાંચળીવત્‌ રહેલા દેહનો અંત આવે ત્યારે રથ-વિમાનાદિક બીજા જીવોના સમાસને અર્થે શ્રીજીમહારાજ બતાવે છે. પણ જે બ્રહ્મરૂપ થયો તેને રથ-વિમાનની જરૂર નથી. કેમ જે જેને શ્રીજીમહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થયો તેને જવું-આવવું નથી એ તો પામી જ રહ્યો છે.

૧૦ પ્ર. ધામમાં જાય તેને યોગસમાધિવાળા દેખે છે તે યોગસમાધિવાળા કોને જાણવા ?

૧૦ ઉ. જેને શ્રીજીમહારાજની મૂર્તિનો અખંડ સાક્ષાત્કાર હોય, તેને યોગસમાધિવાળા કહ્યા છે પણ યોગાભ્યાસ કરતા હોય ને મૂર્તિ સિદ્ધ ન થઈ હોય તેને આ ઠેકાણે યોગસમાધિવાળા નથી કહ્યા. ।।૧।।