વચનામૃત ગઢડા પ્રથમનું - ૩૦

સંવત ૧૮૭૬ના પોષ વદિ ૧ પડવાને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની હારે ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળાં પુષ્પના હાર પહેર્યા હતા ને બે કાનને વિષે ધોળાં પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને પાઘને વિષે ધોળાં પુષ્પના તોરા લટકતા હતા ને ધોળાં પુષ્પના બેરખા પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુનિમંડળ કીર્તન ગાતા હતા.

       પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, હવે તો પ્રશ્ન-ઉત્તર કરો ત્યારે શ્રીજીમહારાજ પ્રત્યે દીનાનાથ ભટ્ટે પૂછ્યું જે, (૧) હે મહારાજ ! કોઈક સમે તો હજારું ઘાટ થાય પણ તેનો મનને વિષે ડંસ બેસે નહિ અને કોઈક સમે તો અલ્પ ઘાટ થાય તેનો પણ મનને વિષે ડંસ બેસે તેનું કારણ શું છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એનું કારણ તો ગુણ છે તે જ્યારે તમોગુણ પ્રધાન હોય ને તેમાં ઘાટ થાય ત્યારે સુષુપ્તિ સરખી અવસ્થા રહેતી હોય, માટે તેમાં ઘાટનો ડંસ બેસે નહિ અને જ્યારે સત્ત્વગુણ વર્તતો હોય ત્યારે પ્રકાશ જેવું વર્તે ને તે સમે જે જે ઘાટ થાય તેને વિચારે કરીને ખોટા કરી નાખે માટે તે ઘાટનો પણ ડંસ બેસે નહિ અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે જે ઘાટ થાય તેનો મનને વિષે ડંસ બેસે. માટે ડંસ બેસે છે ને નથી બેસતો તેનું કારણ તો ગુણની વૃત્તિ છે. અને બુદ્ધિવાન હોય તો આ વાતને વિચારીને જે સમે ઘાટ થાય તે સમે તે ઘાટ સામું જુએ તો પોતામાં જે ગુણ પ્રધાન વર્તતો હોય તેને ઓળખે ને ઘડી ઘડી, પળ પળમાં સૂક્ષ્મ ઘાટ થાય છે તે તો કોઈના ઓળખ્યામાં આવે નહિ, ને તમ જેવો કોઈક બુદ્ધિવાન હોય તો આખા દિનમાં બે-ત્રણ-ચાર સ્થૂળ ઘાટ થાય તે તેના ઓળખ્યામાં આવે, અને જે ગુણને પ્રધાનપણે પોતામાં ઘાટ થાતા હોય તે સામી દૃષ્ટિ રાખે અને સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધાર્યા-વિચાર્યા કરે, તો આ સત્સંગનો પ્રતાપ એવો છે જે, જે ગુણના ઘાટ થાતા હોય તે ઘાટની તેને નિવૃત્તિ થઈ જાય છે, ને નિરુત્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતવન થાય છે, અને સત્સંગ વિના તો બીજાં કોટિ સાધન કરે પણ તેને ઘાટની તથા રજોગુણ આદિક ગુણની નિવૃત્તિ થાય નહિ, અને જો નિષ્કપટપણે કરીને સત્સંગ કરે ને પરમેશ્વરની વાર્તાને ધારે-વિચારે તો એ મલિન ઘાટનો નાશ થાય છે. માટે સત્સંગનો પ્રતાપ તો અતિશે મોટો છે, અને બીજાં સાધન છે તે કોઈ સત્સંગ તુલ્ય થાય નહિ, કાં જે કોઈ સાધને કરીને જે ઘાટની નિવૃત્તિ નથી થાતી તેની નિવૃત્તિ સત્સંગમાં થાય છે. તે કારણપણા માટે જેને રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય તેને મન, કર્મ, વચને નિષ્કપટપણે સત્સંગ કરવો, તો સત્સંગના પ્રતાપથી એ ઘાટની નિવૃત્તિ થઈ જાશે. (૧) ઇતિ વચનામૃતમ્‌ ।।૩૦।।

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં રજોગુણમાં ઘાટનો ડંસ બેસે છે, ને નિષ્કપટપણે સત્સંગ કરે તો ઘાટની નિવૃત્તિ થઈ જાય એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૧) બાબત છે.

૧      પ્ર. અમારી વાર્તાને વિચારે તો ઘાટ ટળી જાય એમ કહ્યું તે વાત શી જાણવી ?

       ઉ. શ્રીજીમહારાજના મહિમારૂપ વાર્તા જાણવી. તે મહિમા એવો જાણવો જે, શ્રીજીમહારાજને જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ ને અક્ષર એ સર્વેના કર્તા, નિયંતા, આધાર, સર્વેને સુખના દાતા ને જેની સત્તાના પ્રતાપથી મૂળઅક્ષરકોટિ આદિક અનંત ઐશ્વર્યાર્થીઓ તે બ્રહ્માંડોની ઉત્પત્ત્યાદિક કરે છે, એવા અતિ સમર્થ ને સર્વ સુખમય મૂર્તિ શ્રીજીમહારાજને જાણે. આવો મહિમા વિચારે, ત્યારે બીજેથી પ્રીતિ ટળીને એક શ્રીજીમહારાજને વિષે જ પ્રીતિ થાય, ને નિરુત્થાન થવાય ને શ્રીજીમહારાજનું અખંડ ચિંતવન થાય. ।।૩૦।।