વચનામૃત લોયાનું - ૧૫

સંવત ૧૮૭૭ના માગશર વદિ ૧૩ તેરસને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો ફેંટો માથે બાંધ્યો હતો તથા બીજે ધોળે ફેંટે બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળો ચોફાળ ને ધોળી પછેડી તે ભેગાં કરીને ઓઢ્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ દેશદેશના હરિભક્તની સભા તથા પરમહંસની સભા ભરાઈને

બેઠી હતી.

       પછી શ્રીજીમહારાજ કૃપા કરીને બોલ્યા જે, (૧) આ જીવ છે તે અધ્યાત્મ, અધિભૂત ને અધિદૈવપણે કરીને સર્વ દેહમાં નખશિખા પર્યંત વ્યાપીને રહ્યો છે અને દેવતા ને ઇન્દ્રિયો રૂપે કરીને જીવનું ભોક્તાપણું છે પણ દેવતા-ઇન્દ્રિયોથી પૃથક્‌પણે ભોક્તા નથી. (૧)

       ત્યારે નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી જે, (૨) હે મહારાજ ! ત્યારે એમ કહેવાય છે જે, જીવ જે તે સામાન્યપણે સર્વ દેહમાં વ્યાપીને વિશેષપણે હૃદયાકાશમાં રહ્યો છે ત્યારે સર્વ ઠેકાણે સરખું જાણપણું નથી જણાતું તેનું કેમ સમજવું ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ સૂર્ય છે તે કિરણે કરીને સર્વ પદાર્થમાં વ્યાપીને રહ્યો છે પણ આગળ જેવું પદાર્થ છે ત્યાં તેવો સૂર્યનો પ્રકાશ જણાય છે, કેમ જે કાચની ભૂમિ હોય તથા સ્વચ્છ નિર્મળ પાણી હોય ત્યાં જેવી રીતે સૂર્યનો શુદ્ધ પ્રકાશ જણાય છે તેવી રીતે પાણાની ભૂમિ, રેતની ભૂમિ, તથા ડોળાયેલું પાણી તેમાં જણાતો નથી. એવી રીતે સૂર્યના પ્રકાશમાં ન્યૂન-અધિકપણું જણાય છે, તેમ એ જીવ, ઇન્દ્રિયો, અંતઃકરણ ગોલક એ સર્વેને વિષે સમાનપણે રહ્યો છે પણ ઇન્દ્રિયોને વિષે સ્વચ્છપણું છે માટે તેને વિષે વિશેષ પ્રકાશ જણાય છે. જુઓને નેત્રમાં જેવું તેજ જણાય છે તેવું નાક-કાનમાં કોઈ દિવસ જણાય છે ? નથી જણાતું અને ચાર અંતઃકરણનું અતિ સ્વચ્છપણું છે તો ત્યાં જીવનો અધિક પ્રકાશ જણાય છે અને બીજી ઇન્દ્રિયોમાં ન્યૂન જણાય છે પણ જીવ તો સર્વ દેહને વિષે સમાનપણે રહ્યો છે. (૨)

       ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૩) એ જીવને કેટલાક તો તારા જેવો દેખે છે તથા દીવાની જ્યોત જેવો દેખે છે તથા બપોરિયા જેવો દેખે છે તે કેમ સમજવું ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એ તો એમ છે જે, જેમ જેને અક્ષિવિદ્યા છે તેને નેત્ર દ્વારાએ જીવનું દર્શન થાય છે ને તેને વિષે ભગવાનની મૂર્તિને પણ દેખે છે, તેમ જેને જે ઇન્દ્રિય દ્વારા લક્ષ થયો તે તેવો આત્માને દેખે છે, જેમ કાચનું પૂતળું મનુષ્યને આકારે કર્યું હોય તેને જે જે અવયવ તથા મુવાળા તથા નાડીઓ તે સર્વે કાચનાં હોય ને તે પૂતળાની માંહીલી કોરે તેજ ભર્યું હોય તે તેજ દેખાય તે જેવો ભૂંગળીનો અવકાશ હોય તે પ્રમાણે દેખાય છે પણ સમગ્ર નથી દેખાતું, તેમ એ જીવનું સ્વરૂપ જેણે જેવું દીઠું છે તે તેવું કહે છે પણ એની નિરાવરણ દૃષ્ટિ નથી થઈ માટે એને જેવો આત્મા છે તેવો નથી દેખાતો; અને જ્યારે એની નિરાવરણ દૃષ્ટિ થઈને આત્માકારે થાય છે ત્યારે ઇન્દ્રિયોના ગોલકના જે વિભાગ તે એની દૃષ્ટિમાં નથી આવતા ને જેવો આત્મા છે તેવો જણાય છે, જેમ જે આકાશની દૃષ્ટિને પામ્યો હોય તેની દૃષ્ટિમાં બીજાં ચાર ભૂત નથી આવતાં, તેમ જેની નિરાવરણ દૃષ્ટિ થાય છે તેને ગોલક, ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ તેણે કરીને જણાતા જે જીવના પ્રકાશના ભેદ તે દૃષ્ટિમાં નથી આવતા ને જેવો જીવ છે તેવો યથાર્થ જણાય છે અને ભેદ દૃષ્ટિવાળાને જેવો છે તેવો નથી જણાતો, જેમ કોઈકે ગાયનું પૂંછડું દીઠું, કોઈકે મુખ દીઠું, ખુર દીઠો, પેટ દીઠું, સ્તન દીઠો તે જેણે જે જે અંગ દીઠું ને ગાયનું જ દીઠું છે પણ જેવી ગાય છે તેવી કોઈએ દીઠી નથી ને એક અંગ દીઠું માટે ગાય દીઠી પણ કહેવાય તેમ એ આત્માના પ્રકાશનું દર્શન જેટલું જેને ઇન્દ્રિયો દ્વારા અથવા અંતઃકરણ દ્વારા થયું તેટલો આત્મદર્શી કહેવાય પણ સમ્યક્‌ આત્મદર્શન એને કહેવાય નહીં. માટે અમે તો એ જીવને વિષે એવી રીતે સામાન્ય-વિશેષપણું કહીએ છીએ. (૩)

       ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૪) હે મહારાજ ! તમે જીવને તો નિરાકાર કહ્યો ત્યારે તે જીવને વિષે ભગવાન રહ્યા છે તે પણ અલિંગપણે રહ્યા છે કે મૂર્તિમાન રહ્યા છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાન તો ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ ને જીવ એ સર્વેના આશ્રયપણે રહ્યા છે તે શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ ભેળે ગોપીઓને કહેવરાવ્યું છે જે, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા ને જીવ તેના આશ્રયપણે કરીને તમારે સમીપે હું રહ્યો છું, જેમ પંચમહાભૂત બ્રહ્માંડને વિષે રહ્યા છે ને તેનાં તે જ સર્વના દેહમાં રહ્યાં છે તેમ જે હું આ મથુરામાં રહ્યો છું તે તો જેમ મહાભૂત વિશેષપણે કરીને બ્રહ્માંડને વિશે રહ્યાં છે તેમ રહ્યો છું ને જેમ એ ભૂત જીવોના દેહમાં સામાન્યપણે રહ્યાં છે તેમ હું તમારે પાસે રહ્યો છું અને જે હું દેખાતો નથી તે તો તમારા ચિત્તની વૃત્તિનો મારે વિષે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો પણ રહ્યો તો મૂર્તિમાન છું. (૪)

       ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૫) હે મહારાજ ! એ ભગવાન ઇન્દ્રિયાદિકના આશ્રયપણે રહ્યા છે તે પુરુષ રૂપે કરીને રહ્યા છે કે અક્ષર રૂપે રહ્યા છે કે પોતે સ્વયં પુરુષોત્તમપણે રહ્યા છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જીવ, પુરુષ, અક્ષર ને પુરુષોત્તમ એ સર્વેનું તેજ પ્રકાશપણે તો સજાતિ છે, માટે એમના પ્રકાશના ભેદ પાડવાને તો કોઈ સમર્થ છે નહિ ને ભેદ તો અતિશે છે પણ તે ભેદને દેખવાને કોઈ સમર્થ નથી, અને જેને આ ભગવાન કૃપા કરે છે તેણે કરીને તેને પ્રકાશમય એવો દિવ્ય દેહ બંધાય છે પછી તે એમ જાણે છે જે, આ હું છું ને આ પુરુષ છે ને આ અક્ષર છે ને એ સર્વેથી વિલક્ષણ એવા આ પુરુષોત્તમ છે, એવી રીતે એ સર્વેને પૃથક્‌પણે દેખે છે ને એમના પ્રકાશને પણ વિલક્ષણપણે દેખે છે પણ બીજા તો કોઈ પૃથક્‌ દેખવાને અર્થે સમર્થ થાય નહીં. (૫) માટે ભગવાન સૂઝે એ રૂપે કરીને રહ્યા છે પણ પોતે જ રહ્યા છે. (૬)

          અને વેદાંત જે ઉપનિષદ તથા યોગ તથા સાંખ્ય એ ત્રણ શાસ્ત્ર સનાતન છે તે એ શ્રીકૃષ્ણ પરમાત્માનું જ વર્ણન કરે છે તે એ ત્રણ શાસ્ત્રના મત તે તમને અમે પૃથક્‌ પૃથક્‌પણે કરીને કહીએ તે સાંભળો, (૬) તેમાં જે સાંખ્યવાળા છે તે તો ચોવીશ તત્ત્વને કહીને તેથી પર પચવીશમા પરમાત્માને કહે છે પણ જીવ-ઈશ્વરને પૃથક્‌પણે નથી કહેતા. તેનો એ અભિપ્રાય છે જે તત્ત્વ છે તે જીવ વિનાનાં હોય નહિ, માટે તત્ત્વ ભેળો તદાત્મકપણે રહ્યો જે જીવ તેને તત્ત્વરૂપ જ કહે છે, પણ તત્ત્વ થકી પૃથક્‌ નથી કહેતા અને જેમ જીવને ચોવીશ તત્ત્વરૂપ માને છે તેમ બ્રહ્માંડાભિમાની જે ઈશ્વર તેને પણ ચોવીશ તત્ત્વરૂપ માને છે એવી રીતે જીવ-ઈશ્વર એ બેયને તત્ત્વરૂપ માનીને તત્ત્વ ભેળે જ એને ગણે છે પણ તત્ત્વથી નોખા નથી ગણતા ને પચવીશમા પરમાત્માને કહે છે એ સાંખ્યનો મત છે પણ એમ ન સમજવું જે જીવ નથી, કાં જે સાંખ્યવાળે ષટ્‌ સંપત્તિ, શ્રવણ, મનન, નિદિધ્યાસાનાદિક સાધન કહ્યાં છે તે જીવને જ કરવાનાં કહ્યાં છે પછી તે સાધને કરીને વિચારને પામે ને તે વિચારે કરીને તત્ત્વ થકી પોતે નોખો પડે ને પોતાને બ્રહ્મરૂપ માને ને પરમાત્માને ભજે એવી રીતે સાંખ્ય મત છે તે મોક્ષધર્મમાં શુકજી પ્રત્યે નારદજીએ કહ્યું છે જે :

त्यज धर्मधर्म च उभे सत्यानृते त्यज । उभे सत्यानृते त्यकत्वा येन त्यजसिं ते त्यज ।।

એનો એમ અર્થ છે જે જ્યારે મુમુક્ષુ આત્મવિચાર કરવા બેસે ત્યારે તેને આડા જે ધર્મરૂપ અથવા અધર્મરૂપ, સત્યરૂપ-અસત્યરૂપ જે જે સંકલ્પ આવે તેનો ત્યાગ કરીને જે વિચારે કરીને એને તજે છે તે વિચારનો પણ ત્યાગ કરીને બ્રહ્મ રૂપે રહેવું પણ દેહે કરીને ધર્મરૂપ નિયમનો ત્યાગ કરવો કહ્યો નથી એ શ્લોકનો એ અર્થ છે, અને યોગવાળા છે તે ચોવીશ તત્ત્વને પૃથક્‌ ગણે છે ને જીવ-ઈશ્વરને પચવીશમા કહે છે ને પરમાત્માને છવીશમા કહે છે અને વિવેકે કરીને પચવીશમાને તત્ત્વ થકી પૃથક્‌ સમજીને તેને વિષે પોતાપણાની દૃઢતા માનીને ચોવીશ તત્ત્વની જે વૃત્તિઓ તેનો પિંડીભાવ કરીને બળાત્કારે છવીશમાને વિષે રાખે પણ વિષય સન્મુખ જાવા દે નહિ ને એમ સમજે જે, મારી વૃત્તિ ભગવાનને મૂકીને બીજે ઠેકાણે જાશે તો મુને સંસૃતિ થાશે, માટે અતિ આગ્રહ કરીને ઇન્દ્રિયો-અંતઃકરણની જે વૃત્તિઓ તેને ભગવાનને વિષે રાખે, અને જે સાંખ્યવાળો છે તે તો એમ સમજે જે, મારે ઇન્દ્રિયો-અંતઃકરણ જ નથી તો જાશે ક્યાં ? માટે પોતાને બ્રહ્મરૂપ માનીને નિર્ભય રહે છે, અને યોગવાળો છે તે તો ડરતો જ રહે છે, જેમ કોઈક પુરુષના હાથમાં તેલનું માથા લગણ ભરેલું પાત્ર હોય ને તે પુરુષને પગથિયાને ઉપર ઊંચું ચઢવું હોય ને બે કોરેથી ઉઘાડી તરવારવાળા પુરુષ ડરાવવાને ઊભા રહ્યા હોય ને તે તેલને ઢળવા દેવું ન હોય ને તે પુરુષ જેવો ભયને પામે તેમ યોગવાળો વિષય થકી બીને ભગવાનને વિષે વૃત્તિઓને રાખે છે એ યોગનો મત છે અને વેદાંત જે ઉપનિષદ તેનો મત એ છે જે, સર્વના અતિશે મોટા કારણ એવા જે પુરુષોત્તમનારાયણ બ્રહ્મ તેનું જ ગ્રહણ કરીને બીજા સર્વેને મિથ્યા માને છે, જેમ આકાશની દૃષ્ટિને જે પામ્યો હોય તે બીજા તત્ત્વને દેખે નહિ, તેમ એ બ્રહ્મને જે દેખતો હોય તે બીજા કોઈને દેખે નહિ, એવી રીતે વેદાંતનો મત છે. (૭) ઇતિ વચનામૃતમ્‌ ।।૧૫।। (૧૨૩)

          રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૬) છે. તેમાં પહેલું ને છઠ્ઠું કૃપાવાક્ય છે, તેમાં પહેલામાં શ્રીજીમહારાજે દેવતા ને ઇન્દ્રિયો દ્વારે કરીને જીવનું ભોક્તાપણું કહ્યું છે. (૧) બીજામાં ઇન્દ્રિયો કરતાં અંતઃકરણ સ્વચ્છ છે તેથી તેમાં અધિક પ્રકાશ જણાય છે. (૨) ત્રીજામાં જેને ઇન્દ્રિયો દ્વારે લક્ષ થાય તેને સમગ્ર આત્મા નથી દેખાતો, જ્યારે નિરાવરણ દૃષ્ટિ થાય ત્યારે યથાર્થ આત્માને દેખે છે. (૩) ચોથામાં શ્રીકૃષ્ણ ને ગોપીઓના દૃષ્ટાંતે કહ્યું છે કે એવા ભક્તને વિષે અમે મૂર્તિમાન રહ્યા છીએ પણ એની ચિત્તવૃત્તિના નિરોધ માટે દેખાતા નથી. (૪) પાંચમામાં જીવ, પુરુષ, અક્ષર ને અમારું તેજ સજાતિ છે ને જે જીવને અમે કૃપા કરીને મૂર્તિમાન કરીએ ત્યારે તે મુક્ત પોતાને તથા પુરુષને તથા અક્ષરને તથા અમને મૂર્તિમાન દેખે છે અને એ સર્વના પ્રકાશને પણ પૃથક્‌ પૃથક્‌ દેખે છે. (૫) અને જીવને વિષે સૂઝે એ રૂપે કરીને એટલે મૂળપુરુષ દ્વારે રહ્યા છીએ. પણ મૂળઅક્ષરાદિકથી લેઈને સર્વેને વિષે અમારી શક્તિ રહી છે, માટે અમે રહ્યા છીએ એમ જાણવું. (૬) છઠ્ઠામાં ઉપનિષદ્‌, યોગ ને સાંખ્ય તેના મતને કહેવાપૂર્વક પોતાના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. (૭) બાબતો છે.

       પ્ર. ત્રીજા પ્રશ્નમાં ઇન્દ્રિયો દ્વારે લક્ષ થાય તો સમગ્ર આત્મા દેખાતો નથી એમ કહ્યું; અને વળી નેત્ર દ્વારે જીવનું દર્શન થાય છે ને તેને વિષે શ્રીજીમહારાજની મૂર્તિને પણ દેખે છે એમ કહ્યું તે નેત્ર દ્વારે જીવનું દર્શન સમ્યક્‌ પ્રકારે તો નથી ત્યારે મૂર્તિ કેવી દેખાતી હશે ?

       ઉ. ઇન્દ્રિયોના અવકાશ પ્રમાણે જીવનું દર્શન થાય છે અને મૂર્તિ પણ ઇન્દ્રિયોની વૃત્તિ દ્વારાએ સમગ્ર દેખાતી નથી; જીવસત્તાએ જુએ ત્યારે જ જીવાત્માને તથા શ્રીજીમહારાજની મૂર્તિને સમગ્ર દેખે પણ આવરણ ટળ્યા વિના ઇન્દ્રિયો તથા અંતઃકરણ દ્વારે જુએ ત્યાં સુધી જીવ તથા શ્રીજીમહારાજની મૂર્તિ સમગ્ર દેખાય નહીં.

       પ્ર. ચોથા પ્રશ્નમાં નિરાકાર જીવને વિષે તમે તેજ રૂપે રહ્યા છો કે મૂર્તિમાન રહ્યા છો ? એમ નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું તેના ઉત્તરમાં શ્રીજીમહારાજે શ્રીકૃષ્ણનું દૃષ્ટાંત દીધું તેમાં તો મૂર્તિમાન રહ્યા છે એમ કહ્યું તે જીવમાં તો તેજ દ્વારે રહ્યા છે એમ (પ્ર. ૪૧માં તથા સા. ૫ના ૨/૩ બીજા પ્રશ્નમાં) કહ્યું છે, માટે તે પરસ્પર વિરોધ આવે છે તે કેવી રીતે સમજવું ?

       ઉ. શ્રીજીમહારાજ માયાબદ્ધ જીવો તથા તે જીવોના ઉપરી મૂળપુરુષ ઈશ્વર ને તેથી પર મુક્તજીવ ને મુક્તજીવના ઉપરી મૂળઅક્ષર તે સર્વેને વિષે અંતર્યામી રૂપે પોતાના પ્રકાશ દ્વારે રહ્યા છે અને આમાં તો પોતાના એકાંતિક ભક્તને વિષે મૂર્તિમાન રહ્યા છે એમ કહ્યું છે માટે વિરોધ નથી.

       પ્ર. પાંચમા પ્રશ્નમાં જીવને વિષે પુરુષ, અક્ષર તથા અમે ત્રણે પ્રકાશ દ્વારે રહ્યાં છીએ ને જીવ, પુરુષ, અક્ષર તથા અમારા પ્રકાશમાં ભેદ અતિશે છે તે ભેદને દેખવાને કોઈ સમર્થ નથી, એમ શ્રીજીમહારાજે કહ્યું તે જીવને વિષે ત્રણે રહ્યા હશે કે કેમ ?

       ઉ. મૂળઅક્ષરને વિષે શ્રીજીમહારાજ તેજ દ્વારે રહ્યા છે અને મૂળપુરુષને વિષે શ્રીજીમહારાજ, મૂળઅક્ષર ને બ્રહ્મ એ ત્રણે તેજ દ્વારે રહ્યા છે અને જીવને વિષે શ્રીજીમહારાજ, મૂળઅક્ષર, બ્રહ્મ ને મૂળપુરુષ એ ચારે તેજ દ્વારે રહ્યા છે તેમાં શ્રીજીમહારાજનું તેજ તે સર્વનું આધાર છે ને એ તેજને સચ્ચિદાનંદ, ચિદાકાશ, મહાતેજ, અક્ષરધામ, અક્ષરબ્રહ્મ, કાન્તિ તથા શક્તિ એવે ઘણે નામે કહેલ છે. તે (પ્ર. ૪૫ના બીજા પ્રશ્નોત્તરમાં) છે.

       પ્ર. જ્યારે શ્રીજીમહારાજ કૃપા કરીને દિવ્ય દેહ આપે ત્યારે તે ભક્ત પોતાને, પુરુષને, અક્ષરને તથા શ્રીજીમહારાજને પૃથક્‌પણે દેખે અને એ સર્વેના પ્રકાશને વિલક્ષણપણે દેખે છે, એમ કહ્યું તે દિવ્ય દેહ આપ્યા પછી તો એને વિષે શ્રીજીમહારાજ વિના બીજા કોઈનું અંતર્યામીપણું ઘટતું નથી ત્યારે એ સર્વેને શી રીતે દેખે ?

       ઉ. જ્યારે દિવ્યદેહ બંધાય એટલે મૂર્તિમાન થાય ત્યારે તેને આવરણ રહેતું તેથી તે સર્વેને તેનાં તેનાં ધામોને વિષે શ્રીજીમહારાજની પેઠે જ દેખે છે. ।।૧૫।।