વચનામૃત ગઢડા પ્રથમનું - ૭૫

સંવત ૧૮૭૬ના વૈશાખ વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને પીળાં પુષ્પના હાર કંઠને વિષે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી સુરાખાચરે પ્રશ્ન પૂછ્યો જે, (૧) જેના કુળમાં ભગવાનનો એક ભક્ત થાય તો તેના ઇકોતેર પરિયાં ઊધરે છે એમ કહ્યું છે. અને તેના ગોત્રમાં કેટલાક તો સંતના ને ભગવાનના દ્વેષી પણ હોય ત્યારે તેનો કેઈ રીતે ઉદ્ધાર છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ કર્દમઋષિનો દેવહૂતિએ પતિબુદ્ધિએ કરીને પ્રસંગ કર્યો હતો, તોપણ કર્દમઋષિને વિષે સ્નેહ હતો તો એનો ઉદ્ધાર થયો, અને માન્ધાતા રાજાની દીકરિયું પચાસ તે સૌભરી ઋષિનું રૂપ જોઈને વરીયું તેને કામનાએ કરીને સૌભરીને વિષે હેત હતું, તો તે સર્વેનું કલ્યાણ ઋષિના જેવું જ થયું, માટે જેના કુળમાં ભક્ત થયો હોય ને તેના કુટુંબી સર્વે એમ માને જે, આપણું મોટું ભાગ્ય છે જે, આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો છે, એવી રીતે ભક્તનું માહાત્મ્ય સમજીને હેત રાખે તો તે સર્વે કુટુંબીનું કલ્યાણ થાય અને મરીને પિત્રી જે સ્વર્ગમાં ગયા હોય તે પણ જો એમ જાણે જે, આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો તે આપણું મોટું ભાગ્ય છે, એમ સમજીને ભગવાનના ભક્તમાં હેત રાખે તો તે પિત્રીનું પણ કલ્યાણ થાય, અને જે ભગવાનના ભક્ત સંગાથે વૈરબુદ્ધિ રાખે તેનું તો કલ્યાણ ન થાય, અને જેમ જેમ વૈર કરતો જાય તેમ તેમ તેની બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય, અને દેહ મૂકે ત્યારે પંચમહાપાપના કરનારા જે નરકના કુંડમાં પડે તે પણ તે જ કુંડમાં પડે છે, તે માટે ભગવાનના ભક્તમાં જેને હેત હોય, તો સંબંધી હોય અથવા બીજો કોઈ હોય તે સર્વનું કલ્યાણ થાય છે.(૧)

       પછી નાજે ભક્તે પ્રશ્ન પૂછ્યો જે, (૨) ભગવાનનો ભક્ત હોય તે એક તો દૃઢ નિશ્ચયવાળો હોય, અને એક તો થોડા નિશ્ચયવાળો હોય, અને ઉપરથી તો બેય સારા દેખાતા હોય તે બે કેમ ઓળખ્યામાં આવે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય, અને દૃઢ વૈરાગ્ય હોય, અને ભક્તિ ને સ્વધર્મ પણ અતિ દૃઢ હોય, તેને પરિપૂર્ણ નિશ્ચય જાણવો. અને એમાંથી જો એકે વાનું ઓછું હોય તો નિશ્ચય છે, તોપણ માહાત્મ્ય વિનાનો છે અને એ ચાર વાનાં સંપૂર્ણ હોય તે માહાત્મ્ય સોતો ભગવાનનો નિશ્ચય જાણવો. (૨) ઇતિ વચનામૃતમ્‌ ।।૭૫।।

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારા ભક્ત ઉપર હેત રાખે તેનું કલ્યાણ થાય ને દ્વેષ કરે તે નરકે જાય. (૧) બીજામાં જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ને સ્વધર્મ સંપૂર્ણ હોય તેને અમારો માહાત્મ્યે સહિત નિશ્ચય થાય છે. (૨) બાબતો છે.

       પ્ર. બીજા પ્રશ્નમાં જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ને સ્વધર્મ કહ્યાં તેનાં લક્ષણ શાં હશે ?

       ઉ. શ્રીજીમહારાજને સદા મૂર્તિમાન જાણે ને તેજ દ્વારે કરીને ક્ષર-અક્ષરના આધાર, પ્રેરક, ને નિયંતા જાણે અને એ તેજરૂપ શક્તિના પણ આધાર જાણે અને એ બ્રહ્મરૂપ એવો જે પોતાનો આત્મા તેને વિષે શ્રીજીમહારાજની મૂર્તિને દેખે તે શ્રીજીમહારાજના સ્વરૂપનું જ્ઞાન કહેવાય. અને શ્રીજીમહારાજની મૂર્તિ વિના બીજે ક્યાંય પ્રીતિ ન રહે તે વૈરાગ્ય કહેવાય. અને માહાત્મ્યજ્ઞાને સહિત શ્રીજીમહારાજની મૂર્તિમાં પ્રેમે કરીને જોડાવું તે ભક્તિ કહી છે. અને શ્રીજીમહારાજની મૂર્તિને આત્માને વિષે અખંડ ધારી રહેવું તે આત્માનો ધર્મ જાણવો અને સ્થૂળ-સૂક્ષ્મ દેહે કરીને સર્વે નિયમ પાળવા એ દેહનો ધર્મ જાણવો તે સ્વધર્મ કહેવાય. ।।૭૫।।