વચનામૃત ગઢડા પ્રથમનું – ૪૨
સંવત ૧૮૭૬ના મહા સુદિ ૬ છઠને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટા માથે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા ને માથે ધોળી પાઘ બાંઘી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને બે કાનને ઉપર પીળાં પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ અને તે સભાને વિષે કોઈક વેદાંતી બ્રાહ્મણ આવીને બેઠો હતો. તેને જોઈને શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) વેદાંત શાસ્ત્રને જે જે ભણે છે તથા સાંભળે છે તે એમ કહે છે જે, વિધિનિષેધ તો મિથ્યા છે અને વિધિનિષેધે કરીને પમાય એવાં જે સ્વર્ગ ને નરક તે પણ મિથ્યા છે અને તેને પામનારો જે શિષ્ય તે પણ મિથ્યા છે અને ગુરુ પણ મિથ્યા છે ને એક બ્રહ્મ જ સભર ભર્યો છે તે સત્ય છે, એવી રીતે જે કહે છે તે શું સમજીને કહેતા હશે ? અને સર્વ વેદાંતીના આચાર્ય જે શંકરાચાર્ય તેણે તો પોતાના શિષ્યને દંડ-કમંડલુ ધારણ કરાવ્યાં અને એમ કહ્યું જે, ભગવદ્ગીતા ને વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરવો તથા વિષ્ણુનું પૂજન કરવું, અને જેને ઝાઝાં ચોમાસાં થયાં હોય તેનું થોડાં ચોમાસાંવાળાએ વંદન કરવું, અને સારો પવિત્ર બ્રાહ્મણ હોય તેના ઘરની જ ભિક્ષા કરવી, એવી રીતે જે વિધિનિષેધનું પ્રતિપાદન કર્યું તે શું એને યથાર્થ જ્ઞાન નહિ હોય ? અને જે હમણાંના જ્ઞાની થયા તેમણે વિધિનિષેધને ખોટા કરી નાખ્યા તે શું શંકરાચાર્ય કરતાં એ મોટા થયા ? માટે એમ જણાય છે જે, એ તો કેવળ મૂર્ખાઈમાંથી બોલે છે અને વિધિનિષેધ શાસ્ત્રમાં ખોટા કહ્યા છે તે તો એમ કહ્યા છે જેમ કોઈ મોટું વહાણ હોય અને તે વહાણ મહાસમુદ્રને વિષે એક વર્ષ સુધી ચાલ્યું જાય છે તેને આગલો કાંઠો પણ દેખ્યામાં આવે નહિ અને પાછલો કાંઠો પણ દેખ્યામાં આવે નહિ અને તે બે કાંઠા ઉપર જે મોટા મોટા પર્વત તે પણ દેખ્યામાં આવે નહિ તો ઝાડવાં તથા મનુષ્ય તે તો ક્યાંથી દેખ્યામાં આવે ? અને જ્યાં દેખે ત્યાં એકલું જળ જ દેખાય પણ જળ વિના બીજો કોઈ આકાર દેખ્યામાં આવે નહિ અને ઊંચું જુએ તો મોટી મોટી સમુદ્રની લહેર્યું ઊઠતી હોય, માટે ઊંચું પણ જળ જ જણાય ત્યારે તે વહાણને વિષે બેઠા એવા જે પુરુષ તે એમ કહે જે, એકલું જળ જ છે; બીજું કાંઈ નથી. એ દૃષ્ટાંતનો સિદ્ધાંત એ છે જે, જેને બ્રહ્મ સ્વરૂપને વિષે નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય તે એમ બોલે જે, એક બ્રહ્મ જ છે અને તે વિના બીજું જે જીવ, ઈશ્વર ને માયા એ આદિક સર્વે તે મિથ્યા છે અને તેનાં વચન શાસ્ત્રમાં લખાણાં હોય તેને સાંભળીને પોતાને તો એવી સ્થિતિ ન થઈ હોય તોપણ વિધિનિષેધને ખોટા કહે છે અને સ્ત્રીની શુશ્રૂષા કરે ને છોકરાંની શુશ્રૂષા કરે અને જેટલો સંસારનો વ્યવહાર હોય તે સર્વેને સાચો જાણીને સાવધાન થઈને કરે છે અને શાસ્ત્રે પ્રતિપાદન કર્યા એવા જે વિધિનિષેધ તેને ખોટા કહે છે, એવા જે આ જગતને વિષે જ્ઞાનના કથનારા છે તેને તો મહાઅધમ જાણવા ને નાસ્તિક જાણવા. (૧) અને શંકરાચાર્યે તો જીવના હૈયામાં નાસ્તિકપણું આવી જાય તેની બીકે કરીને ।। भज गोविंदं भज गोविंद भज गोविंद मूढमते ।। એ આદિક ઘણાંક વિષ્ણુનાં સ્તોત્ર કર્યાં છે તથા શિવજી તથા ગણપતિ તથા સૂર્ય એ આદ્ય દૈને જે ઘણાક દેવતા તેનાં સ્તોત્ર કર્યાં છે જેને સાંભળીને સર્વે દેવતા સત્ય ભાસે એવો આશય જાણીને શંકરાચાર્યે સર્વે દેવતાનાં સ્તોત્ર કર્યાં છે, અને આજના જે જ્ઞાની થયા તે તો સર્વેને ખોટાં કરી નાખે છે ને વળી એમ કહે છે જે, જ્ઞાની તો ગમે તેવું પાપ કરે તોપણ કાંઈ અડતું નથી તે મૂર્ખપણામાંથી કહે છે અને જેટલા ત્યાગી પરમહંસ થયા તે સર્વેને વિષે જડભરત શ્રેષ્ઠ છે અને જેટલાં પુરાણમાત્ર તથા વેદાંતના ગ્રંથ તે સર્વેને વિષે જડભરતની વાર્તા લખાણી છે એવા મોટા જે જડભરત તે પૂર્વજન્મમાં ઋષભદેવ ભગવાનના પુત્ર હતા ને રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયા હતા તેને દયાએ કરીને પણ જો મૃગ સંગાથે પ્રીતિ થઈ તો તેનો દોષ લાગ્યો ને પોતાને મૃગનો જન્મ લેવો પડ્યો અને મૃગના સરખા ચાર પગ ને ટૂંકી પૂંછડી ને માથે નાની શીંગડીઓ એવો આકાર પોતાને પ્રાપ્ત થયો અને પરમાત્મા જે શ્રીકૃષ્ણ ભગવાન તેની સંગાથે વ્રજની ગોપીઓએ કામબુદ્ધિએ કરીને પ્રીતિ કરી તોપણ સર્વે ભગવાનની માયાને તરી ગઈ ને પોતે ગુણાતીત થઈ ને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામીયું, તેનું કારણ એ છે જે શ્રીકૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત્ પુરુષોત્તમ ગુણાતીત દિવ્ય મૂર્તિ હતા તો તે સંગાથે ગોપીઓએ જાણે-અજાણે પ્રીતિ કરી તોપણ તે ગોપીઓ ગુણાતીત થઈયું અને ભરતજીએ દયાએ કરીને મૃગલામાં પ્રીતિ કરી તો પોતે મૃગલું થયા, માટે ગમે તેવા મોટા હોય તેનું પણ કુસંગે કરીને તો ભૂંડું જ થાય છે. (૨) અને ગમે તેવો પાપી જીવ હોય ને તે જો સત્ય સ્વરૂપ એવા જે ભગવાન તેનો પ્રસંગ કરે તો પરમ પવિત્ર થઈને અભયપદને પામે અને જો શ્રીકૃષ્ણ ભગવાન પોતે ગુણાતીત ન હોત તો એના ભક્ત જે ગોપીઓ તે ગુણાતીતપણાને ન પામત ને જો ગુણાતીતપદને પામીયો તો શ્રીકૃષ્ણ ભગવાન ગુણાતીત કૈવલ્ય દિવ્ય મૂર્તિ જ છે અને વેદાંતી કહે છે જે, સર્વત્ર બ્રહ્મસભર ભર્યો છે, ત્યારે જેમ ગોપીઓએ શ્રીકૃષ્ણ ભગવાનને વિષે પ્રીતિ કરી તેમ જ સર્વે સ્ત્રીઓ પોતપોતાના ધણીને વિષે પ્રીતિ કરે છે તથા સર્વે પુરુષ પોતાની સ્ત્રીઓને વિષે પ્રીતિ કરે છે તોપણ તેમને ગોપીઓના જેવી પ્રાપ્તિ થાતી નથી તેમને તો ઘોર નરકની પ્રાપ્તિ થાય છે, માટે જે વિધિનિષેધ છે તે સાચા છે પણ ખોટા નથી ને જે એ વિધિનિષેધને ખોટા કરે છે તે તો નારકી થાય છે એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૪૨।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં બ્રહ્મ સ્વરૂપને વિષે નિર્વિકલ્પ સ્થિતિ થયા વિના જીવ, માયા, ઈશ્વરાદિકને મિથ્યા કહે તથા વિધિનિષેધને ખોટા કહે તેને અધમ ને નાસ્તિક કહ્યા છે. (૧) અને કુસંગને યોગે ભૂંડું થાય છે. (૨) અને જેમ શ્રીકૃષ્ણને પ્રસંગે ગોપીઓ અભયપદ પામી તેમ અમારા પ્રસંગ થકી અભયપદને પામે છે અને નાસ્તિકને નરકની પ્રાપ્તિ થાય છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. બ્રહ્મ સ્વરૂપનો અર્થ શો હશે ? અને નિર્વિકલ્પ સ્થિતિવાળાનાં લક્ષણ શાં હશે ?
૧ ઉ. આ ઠેકાણે બ્રહ્મ સ્વરૂપ એટલે શ્રીજીમહારાજને જાણવા અને શ્રીજીમહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ દેખે નહિ તેને નિર્વિકલ્પ સ્થિતિવાળા જાણવા.
૨ પ્ર. બીજી બાબતમાં શ્રીકૃષ્ણને પ્રસંગે ગોપીઓ અક્ષરધામને પામી એમ કહ્યું તે શ્રીકૃષ્ણ કોને જાણવા અને અક્ષરધામ કિયું જાણવું ? અને શ્રીકૃષ્ણને ગુણાતીત કહ્યા તે ગુણાતીત કેવી રીતે જાણવા ?
૨ ઉ. આ ઠેકાણે મૂળપુરુષને શ્રીકૃષ્ણ કહ્યા છે ને તેના ગોલોક ધામને અક્ષરધામ કહ્યું છે અને માયાના ગુણથી પર છે, માટે ગુણાતીત કહ્યા છે.
૩ પ્ર. ગમે તેવા મોટાનું કુસંગે કરીને ભૂંડું થાય તે મોટો કેવો, અને કુસંગી તે શું ?
૩ ઉ. સાધનદશાવાળો ઉત્તમ મુમુક્ષુ હોય પણ એકાંતિક થયેલો ન હોય એવા મોટાને કુસંગ લાગે ને સ્ત્રીધનાદિક પદાર્થને વિષે મોહ પામીને તેમાં બંધાઈ જાય, અને જે એકાંતિક હોય તે તો સ્ત્રીધનાદિકને અતિ તુચ્છ જાણીને તેમાં પ્રીતિ કરે જ નહિ, અને શાસ્ત્રને વિષે કહેલા વિધિને ખોટા કરીને શ્રીજીમહારાજની આજ્ઞા ન પાળે તે કુસંગી છે અને તેનો સંગ તે કુસંગ જાણવો.
૪ પ્ર. ત્રીજી બાબતમાં પાપી જીવ અમારો પ્રસંગ કરે તો પરમ પવિત્ર થઈને અભયપદને પામે છે એમ શ્રીજીમહારાજે કહ્યું તે પ્રસંગ કેવી રીતે જાણવો ?
૪ ઉ. શ્રીજીમહારાજને અંતર્યામી જાણીને આશરો કરે તે પ્રસંગ કહેવાય, અને સત્સંગમાં આવ્યા પછી આજ્ઞામાં રંચમાત્ર ફેર પડે નહિ તો તેનાં પ્રથમ કરેલાં પાપ બળી જાય ને તે અભયપદ એટલે અક્ષરધામને પામે છે અને સત્સંગમાં આવ્યા પછી આજ્ઞા લોપે તો કલ્યાણ ન થાય. ।।૪૨।।