વચનામૃત ગઢડા પ્રથમનું - ૧૮
સંવત ૧૮૭૬ના માગશર વદિ ૬ છઠને દિવસ રાત્રિ પાછલી પોહોર એક બાકી હતી ત્યારે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીને આગળ ફળિયામાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં.
૧ પછી પરમહંસ તથા સત્સંગીને તેડાવ્યા ને ઘણી વાર સુધી તો પોતે વિચારી રહ્યા ને પછી બોલ્યા જે, એક વાત કહીએ તે સાંભળો : એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) અમારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહીએ પણ તમે અમારા છો માટે જાણીએ છીએ જે કહીએ જ, અને આ વાત છે તેને સમજીને તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે ને તે વિના તો ચાર વેદ, ષટ્ શાસ્ત્ર ને અઢાર પુરાણ ને ભારતાદિક ઇતિહાસ તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહીં. તે વાત કહીએ તે સાંભળો જે બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય તો તેનો અમારે ખરખરો નહિ ને અંતરમાં જો રંચ જેટલો પદાર્થનો ઘાટ થાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાંત થાય એવો અમારો સ્વભાવ છે, માટે અમે હૃદયમાં વિચાર કર્યો જે ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે, તેનું કારણ તે શું છે ? પછી મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર સામું જોયું ત્યાં તો એ અંતઃકરણ પણ ઉદ્વેગનું કારણ નથી; અંતઃકરણમાં તો ભગવાનના સ્વરૂપના નિશ્ચયનું બળ અથવા આત્મજ્ઞાનનું બળ તેને યોગે કરીને અંતઃકરણને ગાફલતા રહે છે જે, ભગવાન મળ્યા છે તે હવે કાંઈ કરવું નથી, એવું ગાફલપણું રહે છે એટલો જ અંતઃકરણનો વાંક છે. અને ઝાઝો વાંક તો પંચ જ્ઞાન-ઇન્દ્રિયોનો છે. તેની વિગતિ કહીએ છીએ જે, એ જીવ જે નાના પ્રકારનાં ભોજન જમે છે તે ભોજન ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે, અને જુદા જુદા ગુણ છે તે ભોજનને જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે, અને જો લીલાગર ભાંગ્ય પીએ ને તે પ્રભુનો ભક્ત હોય તોપણ લીલાગર ભાંગ્યને કેફે કરીને વર્તમાનની ખબર રહે નહિ ને પ્રભુના ભજનની પણ ખબર રહે નહિ તેમ અનંત પ્રકારના જે આહાર તેના ગુણ પણ લીલાગર ભાંગ્યની પેઠે જ અનંત પ્રકારના છે તેનો ગણતાં પણ પાર આવે નહીં. તેમ જ એ જીવ શ્રોત્ર દ્વારે અનંત પ્રકારના શબ્દને સાંભળે છે, તે શબ્દના પણ અનંત પ્રકારના ગુણ જુદા જુદા છે. તે જેવો શબ્દ સાંભળે છે તેવો જ એ જીવને અંતઃકરણમાં ગુણ પ્રવર્તે છે, જેમ કોઈક હત્યારો જીવ હોય અથવા કોઈક પુરુષ વ્યભિચારી હોય, અથવા કોઈક સ્ત્રી વ્યભિચારિણી હોય, અથવા લોક ને વેદની મર્યાદાને લોપીને વર્તતો એવો કોઈક ભ્રષ્ટ જીવ હોય, તેની જે વાત સાંભળવી તે તો જેવી લીલાગર ભાંગ્ય પીએ અથવા દારૂ પીએ એવી છે. માટે તે વાતના સાંભળનારાના અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખે છે, ને ભગવાનનું ભજન, સ્મરણ તથા વર્તમાન તેની વિસ્મૃતિ કરાવી નાખે છે. તેમ જ ત્વચાના સ્પર્શ પણ અનંત પ્રકારના છે, ને તેના ગુણ પણ જુદા જુદા અનંત પ્રકારના છે. તેમાં પાપી જીવનો જે સ્પર્શ તે જ ભાંગ્ય-દારૂના જેવો છે, માટે તે સ્પર્શનો કરનારો હરિભક્ત હોય તેની પણ શુદ્ધ-બુદ્ધને ભુલાડી દે છે. તેમ જ રૂપ પણ અનંત પ્રકારનાં છે ને તેના ગુણ પણ અનંત પ્રકારના જુદા જુદા છે, તે કોઈક ભ્રષ્ટ જીવ હોય ને જો તેનું દર્શન થયું હોય તો જેમ લીલાગર ભાંગ્ય તથા દારૂ પીધે ભૂંડું થાય તેમ જ તે પાપીના દર્શનના કરનારાનું પણ ભૂંડું જ થાય ને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. તેમ જ ગંધ પણ અનંત પ્રકારના છે ને તેના ગુણ પણ અનંત પ્રકારના છે તે જો પાપી જીવના હાથનું પુષ્પ અથવા ચંદન તેની જો સુગંધી લે તો જેમ લીલાગર પીધે બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમ જ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે એવી રીતે જેમ ભૂંડાંને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમ જ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે; અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તોપણ ભગવાન ને સંતના શબ્દને સાંભળવે કરીને ઉત્તમ થાય છે, તેમ જ એમને સ્પર્શે કરીને પણ મતિ ઉત્તમ થાય છે. અને વર્તમાનની આડ્યે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે તેણે કરીને પવિત્ર થાય, અને તેમ જ મોટા સંતને દર્શને કરીને પણ પવિત્ર થાય, પણ વર્તમાન રાખીને દર્શન કરવાં તેમ જ તે મોટાની પ્રસાદી છે તેને જમવે કરીને પણ પવિત્ર થાય છે. તેમાં પણ વર્ણાશ્રમની મર્યાદા પરમેશ્વરે બાંધી છે, તે મર્યાદાને રાખીને પ્રસાદી લેવી ને જેને ન ખપે તેને સાકરની પ્રસાદી કરાવીને પ્રસાદી લેવી. તેમ જ તે મોટાપુરુષને ચડ્યું એવું જે પુષ્પ-ચંદન તેની સુગંધી લીધે પણ બુદ્ધિ નિર્મળ થાય છે, તે માટે એ પંચવિષયને સમજ્યા વિના જે ભોગવશે, ને સાર-અસારનો વિભાગ નહિ કરે, ને તે નારદ-સનકાદિક જેવો હશે તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે; તો જે દેહાભિમાની હોય ને તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં શું કહેવું ? તે સારુ એ પંચે ઇન્દ્રિયોને યોગ્ય-અયોગ્ય વિચાર્યા વિના જે મોકળી મેલશે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જશે. અને પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે, તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થાશે અને અંતઃકરણ શુદ્ધ થાશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને જો પંચે ઇન્દ્રિયોના આહારમાંથી એકે ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિષે જે કાંઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તે પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી. (૧)
ને આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું એનું અંતઃકરણ થાય છે તે જ્યારે એ જીવ વિષયી જીવની સભામાં બેઠો હોય, અને તે જગ્યા પણ સુંદર સાત માળની હવેલી હોય, ને તે હવેલીને વિષે કાચના તક્તા સુંદર જડ્યા હોય, ને સુંદર બિછાનાં કર્યાં હોય તેમાં નાના પ્રકારનાં આભૂષણ તથા વસ્ત્રને પહેરીને વિષયીજન બેઠા હોય, અને દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય, ને કેટલાક તો દારૂના શીશા ભરેલા પડ્યા હોય, ને વેશ્યાઓ થેઈથેઈકાર કરી રહી હોય, ને નાના પ્રકારનાં વાજિંત્ર વાજતાં હોય, ને તે સભામાં જઈને જે જન બેસે તે સમે તેનું અંતઃકરણ બીજી જાતનું થઈ જાય છે; અને તૃણની ઝૂંપડી હોય ને તેમાં ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા બેઠી હોય, ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સહવર્તમાન ભગવદ્વાર્તા થાતી હોય, તે સભામાં જઈને જે જન બેસે ત્યારે તે સમે તેનું અંતઃકરણ બીજી રીતનું થાય છે, માટે સત્સંગને તથા કુસંગને યોગે કરીને જેવું અંતઃકરણ થાય છે, તેને જો વિચારીને જુએ તો જાણ્યામાં આવે છે, અને ગબરગંડને તો કાંઈ ખબર પડતી નથી. માટે આ વાર્તા છે તે છેક મૂર્ખપણે પશુને પાડે વર્તતો હોય તેને તો ન સમજાય અને જે કાંઈક વિવેકી હોય ને કાંઈક ભગવાનનો આશ્રિત હોય, તેને તો આ વાર્તા તુરત સમજ્યામાં આવે છે. માટે પરમહંસ તથા સાંખ્યયોગી હરિજન તથા કર્મયોગી હરિજન એ સર્વેને કુપાત્ર માણસની સંગત કરવી નહિ. (૨)
અને સત્સંગ મોર તો ગમે તેવો કુપાત્ર જીવ હોય, તોય તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો. પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે, તો બાઈ અથવા ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેલવો, અને જો ન કાઢે તો એમાંથી ઝાઝું ભૂંડું થાય, જેમ જે આંગળીને સર્પે કરડી હોય અથવા કીડિયારાનો રોગ થયો હોય ને તેટલું અંગ જો તુરત કાપી નાખે, તો પંડે કુશળ રહે ને તેનો લોભ કરે તો ઝાઝો બિગાડ થાય, તેમ જે કુપાત્ર જીવ જણાય તેનો તત્કાળ ત્યાગ કરજ્યો. (૩)
અને આ જે અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજ્યો, તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી. અને અમે પણ તમને સર્વેને આશીર્વાદ દેશું, ને તમો ઉપર ઘણા પ્રસન્ન થાશું, કાં જે તમે અમારો દાખડો સુફળ કર્યો. અને ભગવાનનું ધામ છે, ત્યાં આપણ સર્વે ભેળા રહેશું. અને જો એમ નહિ રહો તો તમારે ને અમારે ઘણું છેટું થઈ જાશે અને ભૂતનું કે બ્રહ્મરાક્ષસનું દેહ આવશે ને હેરાન થાશો અને જે કાંઈ ભગવાનની ભક્તિ કરી હશે તેનું ફળ તો રઝળતાં રઝળતાં કોઈક કાળે પ્રગટ થાશે, ત્યારે પણ અમે વાત કરી તે પ્રમાણે રહેશો ત્યાર પછી મુક્ત થઈને ભગવાનના ધામમાં જાશો, અને જો કોઈ અમારો વાદ લેશે તો તેનું તો જરૂર ભૂંડું થાશે કાં જે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ વિરાજે છે. અને હું તો અનાદિમુક્ત જ છું પણ કોઈને ઉપદેશે કરીને મુક્ત નથી થયો, અને મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર તેને તો હું પકડી લેઉં છું, જેમ સિંહ બકરાને પકડે છે તેની પેઠે એ અંતઃકરણને હું પકડું છું, અને બીજાને તો એ અંતઃકરણ દેખ્યામાં પણ આવતાં નથી. માટે અમારો વાદ લઈને જાણે જે ઉપાધિમાં રહીને શુદ્ધપણે રહેશું તે તો નારદ-સનકાદિક જેવો હોય તેથી પણ રહેવાય નહિ, તો બીજાની શી વાર્તા કહેવી ? અને અનંત મુક્ત થઈ ગયા ને અનંત થાશે તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈએ થયો નથી ને થાશે પણ નહીં. અને હમણાં પણ કોઈએ નથી. અને કોટિ કલ્પ સુધી સાધન કરીને પણ એવો થાવાને કોઈ સમર્થ નથી, માટે અમે કહ્યું છે તે પ્રમાણે રહેશો તો રૂડું થાશે. અને અમે જે કોઈને હેત કરીને બોલાવીએ છીએ, તે તો તેના જીવના રૂડા સારુ બોલાવીએ છીએ અથવા કોઈને હેત કરીને સામું જોઈએ છીએ અથવા કોઈ સારાં ભોજન કરાવે છે તેને જમીએ છીએ, અથવા કોઈ ઢોલિયો બિછાવી દે છે તે ઉપર બેસીએ છીએ, અથવા કોઈ વસ્ત્ર-આભૂષણ તથા પુષ્પના હાર ઇત્યાદિક જે જે પદાર્થ લાવે છે તેને અંગીકાર કરીએ છીએ, તે તો તેના જીવના રૂડા વાસ્તે અંગીકાર કરીએ છીએ, પણ અમારા સુખને વાસ્તે કરતા નથી ને જો અમારા સુખને વાસ્તે કરતા હોઈએ તો અમને શ્રી રામાનંદ સ્વામીના સમ છે. માટે એવું વિચારીને કોઈ અમારો વાદ કરશો મા, ને પંચ ઇન્દ્રિયોના આહાર છે તેને અતિશે શુદ્ધપણે કરીને રાખજ્યો. એ વચન અમારું જરૂરાજરૂર માનજ્યો. અને આ વાત તો સર્વેને સમજાય એવી સુગમ છે, માટે સર્વેના સમજ્યામાં તુરત આવી જાશે તે સારુ સત્સંગમાં અતિશે પ્રવર્તાવજ્યો. તેમાં અમારો ઘણો રાજીપો છે, એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજીમહારાજ પોતાના ઉતારામાં પધારતા હવા. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૧૮।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય ને અંતઃકરણ શુદ્ધ થાય તો અખંડ અમારી સ્મૃતિ રહે. (૧) અને સત્પુરુષનો સંગ કરવો. (૨) અને કુપાત્રને સત્સંગ બહાર કાઢી મૂકવો. (૩) અને અમારો વાદ લેશે તેનું જરૂર ભૂંડું થાશે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૪) બાબતો છે.
૧ પ્ર. ત્રીજી બાબતમાં જે આંગળીને સર્પે કરડી હોય અથવા કીડિયારાનો રોગ થયો હોય તે અંગ કાપી નાખે તો પંડે કુશળ રહે, એમ કહ્યું તે અંગને ઠેકાણે શું જાણવું ? અને પંડને ઠેકાણે શું જાણવું ?
૧ ઉ. પંડ એટલે શરીર; તેને ઠેકાણે સત્સંગ-સમુદાય જાણવો, અને સર્પે કરડેલ આંગળી તથા કીડિયારાના રોગવાળા અંગને ઠેકાણે કુપાત્ર માણસ જાણવો. તે કુપાત્ર માણસને સત્સંગ બહાર કાઢે તો સત્સંગ સમુદાયરૂપી પંડ કુશળ રહે.
૨ પ્ર. કુપાત્ર માણસને સત્સંગમાંથી કાઢી મૂકવાની આજ્ઞા કરી તે કોને માથે જાણવી ?
૨ ઉ. જેના ઘરમાં જે મુખિયો હોય તે પોતાના ઘરના માણસોનો નિયંતા છે, તેને પોતાના ઘરના માણસોને ધર્મમાં વર્તાવવા ને પોતાને ધર્મમાં વર્તવું તે આજ્ઞા છે; અને ગામના હરિજનોને ધર્મમાં વર્તાવવા તે ગામમાં મુખિયા હરિજન ધર્મવાળા હોય તેમને માથે છે, ને સર્વે હરિજનોએ પણ મોટેરા હરિજનનું માનીને ધર્મમાં વર્તવું, અને જે હરિજન ધર્મમાં ન વર્તે તેને ધર્મનિષ્ઠ મોટેરા હરિજનોએ સત્સંગ બહાર કરવો, અને સાધુના મંડળમાં જે મુખિયો સાધુ હોય તેણે પોતાના શિષ્યોને ધર્મમાં વર્તાવવા અને જે ન વર્તે તેને સત્સંગ બહાર કાઢી મૂકવો, ને ગુરુ ધર્મમાં ન વર્તે તો શિષ્યોએ તેનો ત્યાગ કરવો; અને શિખરબદ્ધ મંદિરોના નિયંતા ધર્મનિષ્ઠ મહંત મંદિરના અધિકારી છે તેણે ધર્મમાં વર્તવું, ને મંદિરના માણસોને ધર્મમાં વર્તાવવા, ને ન વર્તે તેને સત્સંગ બહાર કાઢી મૂકવો, અને આચાર્ય તથા સાધુઓ તથા સત્સંગીઓએ મળીને જે ધર્મનિષ્ઠ હોય તેને મંદિરનો અધિકાર સોંપવો, અને અધિકારીની વર્તણૂક શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધ જણાય, તો તેને પણ અધિકારથી દૂર કરવો, અને આચાર્યપદ આપવું તે પણ આચાર્ય તથા સાધુઓ તથા સત્સંગીઓએ મળીને આચાર્યના પુત્રમાંથી અથવા ધર્મકુળમાંથી ધર્મવાળા હોય ને ધર્મ પાળી-પળાવી શકે એવા હોય, તેને શ્રીજીમહારાજે બે ગાદીઓ નિર્માણ કરેલી છે, તે ગાદી ઉપર આચાર્ય નીમવાનું શ્રીજીમહારાજે લેખમાં કહ્યું છે અને આચાર્યના દીકરા હોય તેમાં ગાદીને લાયક ન હોય તો ધર્મકુળમાંથી જે લાયક હોય તેને આચાર્ય, સાધુ તથા સત્સંગીઓએ મળીને આચાર્યપદ આપવું તે (અ. ૩/૪ ત્રીજામાં) સાધુ અને સત્સંગીઓને ભલામણ કરી છે, જે આચાર્યને કોઈક એક જણના કહેવાથી કોઈ કામ કરવા દેવું નહિ, તેમાં શ્રીજીમહારાજનો ઘણો રાજીપો છે; અને જો કરવા દે તો ઘણું દુઃખ આવે. અને આચાર્યે પણ ધર્મમાં વર્તવું અને ત્યાગી-ગૃહી સર્વને ધર્મમાં વર્તાવવા ને જે ધર્મમાં ન વર્તે તેને સત્સંગમાંથી દૂર કરવો અને આચાર્ય તથા ત્યાગી તથા ગૃહસ્થ સત્સંગી બાઈ-ભાઈ તેમાં જે શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધ વર્તે તેને શ્રીજીમહારાજની આજ્ઞામાં વર્તનારાઓએ ન માનવા. આ અમારે મુખે શ્રીજીમહારાજ બોલ્યા છે એમ જાણજ્યો.
૩ પ્ર. ભૂતનો કે બ્રહ્મરાક્ષસનો દેહ આવશે એમ કહ્યું, તે સડેલ અંગવાળાને કહ્યું કે કેને કહ્યું તે સમજાતું નથી માટે કૃપા કરીને સમજાવો ?
૩ ઉ. કુપાત્ર માણસને સત્સંગ બહાર ન કાઢે એવા ઉપર કહ્યા તે સર્વ અધિકારીઓને ભૂતનો કે બ્રહ્મરાક્ષસનો દેહ આવશે. એ દંડ દીધો છે અને એમણે જે ભક્તિ કરી હશે તેનું ફળ રઝળતાં રઝળતાં મળશે, એટલે જ્યારે ભૂતના કે બ્રહ્મરાક્ષસના દેહનો અંત આવે, ત્યારે પણ આહાર શુદ્ધ કરશે ને કુસંગીના સંગનો તથા કુપાત્ર માણસનો ત્યાગ કરશે ત્યારે કલ્યાણ કરીશું એમ કહ્યું છે, માટે ત્યાગી હોય તેમણે ધર્મ પાળવો ને ધર્મવાળો સાધુ હોય તેની જ પાસે સેવા કરાવવી, પણ કુપાત્ર એટલે ધન-સ્ત્રીઆદિકનો પ્રસંગ હોય તેને સેવામાં ન રાખવો ને શિષ્યે પણ ધન-સ્ત્રીઆદિકના પ્રસંગવાળા ગુરુને સેવવા નહિ; ધર્મવાળાને જ સેવવા. અને ગૃહસ્થ હોય તેમણે પણ વર્તમાન રહિત એવા કુપાત્ર માણસનો પ્રસંગ કોઈ પ્રકારે ન રાખવો. ને જે આચાર્ય હોય તેમણે તો સર્વથી વિશેષ ધર્મ પાળવો. અને જે કુપાત્ર છે તે તો જીવતાં જ ભૂત ને બ્રહ્મરાક્ષસ છે, ને જીવે છે તોપણ મરેલો છે. અને કદાપિ સત્સંગમાં પડ્યો હોય તોપણ શબવત્ છે, તેને તો ભૂખ, દુઃખ ને માર જ મળે પણ કલ્યાણ ન થાય.
૪ પ્ર. (ચોથી બાબતમાં) શ્રીજીમહારાજે અમારા હૃદયમાં નરનારાયણ પ્રગટ વિરાજે છે, અને હું અનાદિમુક્ત છું એમ કહ્યું અને (મ. ૧૩/૩માં તથા અ. ૭/૧માં તથા જે. ૪ ના ૧/૩.૪ પહેલા પ્રશ્નમાં તથા ૫/૧ પાંચમામાં) અમે જ ભગવાન છીએ એમ કહ્યું છે તે કેમ સમજવું ?
૪ ઉ. શ્રીજીમહારાજ જ્યારે મુક્તભાવે બોલ્યા હોય, ત્યારે અમે ભગવાન છીએ એમ ન કહ્યું હોય, ને પોતે ભગવાનપણે બોલ્યા હોય, ત્યારે અમે જ ભગવાન છીએ એમ કહ્યું હોય પણ પોતે જ ભગવાન છે, અને અમે અનાદિમુક્ત છીએ એમ કહ્યું, તે અનાદિમુક્તના ભાવે બોલ્યા છે અને અનાદિમુક્ત છે તે પરમ એકાંતિકમુક્તથી અધિક છે ને શ્રીજીમહારાજની મૂર્તિમાં સદાય રહે છે.
૫ પ્ર. શ્રીજીમહારાજે “અનાદિમુક્ત હું છું” એમ પોતાને કહ્યું અને (પ્ર. ૩૨માં) નારદ-સનકાદિકને અનાદિમુક્ત કહ્યા છે અને તમે પણ (પ્ર. ૫ના બીજા પ્રશ્નોત્તરમાં) શ્રીજીમહારાજના મુક્તને અનાદિ કહ્યા છે તે કેમ સમજવું ?
૫ ઉ. સ્વસિદ્ધ અનાદિ તો જેને કોઈનો ઉપદેશ ન હોય, અને કોઈની ભક્તિ ન હોય, ને જે કોઈને આધીન ન હોય તેને જ કહેવાય, માટે આવા અનાદિ તો શ્રીજીમહારાજ એક જ છે. અને જે શ્રીજીમહારાજની મૂર્તિને વિષે રહ્યા હોય તેને પણ અનાદિ કહેવાય. જેમ શ્રીજીમહારાજ એક જ ભગવાન છે તોપણ તેમની સત્તા જેમાં આવેલી છે, તે સર્વે અવતારોને પણ શ્રીજીમહારાજને લઈને ભગવાન કહેવાય છે, તેમ જેને શ્રીજીમહારાજની મૂર્તિને વિષે એકતા થાય, તેને શ્રીજીમહારાજને લઈને અનાદિ કહેવાય અને જેમ મૂળઅક્ષરકોટિ, બ્રહ્મકોટિ તથા મૂળપુરુષકોટિને ભગવાન કહેવાય છે, તેમ જ તેમને વિષે એકતાને પામેલા તેમના ઉત્તમ ભક્તોને પણ અનાદિ કહેવાય. જેમ સરકાર એક જ છે પણ તેને લઈને બીજા અધિકારીઓને પણ સરકાર કહેવાય છે, પણ ખરા સરકાર તો વિલાયતમાં એક જ છે, તેમ ખરા અનાદિ ને ખરા ભગવાન તો એક શ્રીજીમહારાજ જ છે, અને બીજા એમને લઈને કહેવાય છે.
૬ પ્ર. શ્રીજીમહારાજે કહ્યું જે અમારો વાદ ન લેવો તે કેવી રીતે વર્તે ત્યારે વાદ લીધો કહેવાય ?
૬ ઉ. શ્રીજીમહારાજ જેમ જેને સમાસ થાય તેમ આચરણ તથા લીલાઓ કરતા તેમ ત્યાગી-ગૃહીએ ન કરવું. ત્યાગી-ગૃહીએ તો જેમ શ્રીજીમહારાજે પોતપોતાના ધર્મ કહ્યા છે તે પ્રમાણે વર્તવું, પણ શ્રીજીમહારાજ કરતા માટે આપણને શો બાધ છે, એમ જાણીને તેવી ક્રિયાનું આચરણ કરે તો તે વાદ લીધો કહેવાય. ।।૧૮।।