વચનામૃત ગઢડા પ્રથમનું - ૭૪
સંવત ૧૮૭૬ના વૈશાખ સુદિ ૧૧ એકાદશીને દિવસ સવારમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો બિછાવ્યો હતો તે ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જેને જેટલો વૈરાગ્ય હોય અને જેને જેટલી સમજણ હોય, તે તો જ્યારે કોઈક વિષયભોગની પ્રાપ્તિ થાય, અથવા જ્યારે કોઈક આપત્કાળ આવી પડે ત્યારે કળાય પણ તે વિના કળાય નહિ, અને ઝાઝી સંપત કે આપત આવે એની વાત શી કહેવી ? પણ આ દાદાખાચરને થોડું જ આપત્કાળ જેવું આવ્યું હતું, તેમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે તેવું સૌને જણાણું હશે. (૧) પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, ભગવાનના ભક્તનો પક્ષ તો હૈયામાં રહે છે ખરો તે પણ સમજીને રહે છે જે, જો સત્સંગનું ઉત્કૃષ્ટપણું હોય તો ઘણા જીવોને સમાસ થાય અને જ્યારે કાંઈ સત્સંગનું અપમાન જેવું હોય ત્યારે કોઈ જીવને સમાસ થાય નહિ, એટલા માટે હર્ષ-શોક જેવું થઈ આવે છે.
૨ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૨) આપણ તો શ્રી નરનારાયણના દાસ છીએ તે શ્રી નરનારાયણને જેમ ગમે તેમ રાજી રહેવું ને એ શ્રી નરનારાયણની ઇચ્છા હશે તો સત્સંગની વૃદ્ધિ થાશે ને જો એમને ઘટાડવો હશે તો ઘટી જાશે, અને એ નરનારાયણ આપણને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું, અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી રહેવું. (૨) અને એ શ્રી નરનારાયણનાં ચરણારવિંદ વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહીં. (૩) અને આવા થૂંકના સાંધા હોય તેને વિષે જેનું મન ક્ષોભ પામે તો જ્યારે સાચેસાચો જ જગત વ્યવહાર માથે આવ્યો હોય તો તેના શા હાલ થાય ? માટે આપણા પતિ જે શ્રી નરનારાયણ તે તો બોરડીના ઝાડ હેઠે બેઠા તપ કરે છે, અને કોઈ જાતના સંસારના સુખને સ્પર્શ કરતા નથી, ત્યારે આપણા પતિ જે નરનારાયણ તેના આપણ દાસ છીએ તે જેમ પતિવ્રતા સ્ત્રી હોય, તે પોતાના પતિ કરતાં ઘરેણાં, વસ્ત્ર, ખાનપાનાદિક જે ભોગ એ સર્વે પતિથી પોતાને વાસ્તે ન્યૂન રાખે પણ અધિક રાખે નહિ, તેમ આપણા પતિ જે શ્રી નરનારાયણ તે થકી આપણે પણ સાંસારિક સુખ ન્યૂન રાખ્યું જોઈએ. (૪) અને જેટલા કાંઈક ભગવાનને વાસ્તે સારા સારા પદાર્થ ઇચ્છવા તે તો એ ભક્ત પોતાની ભક્તિએ કરીને, નિષ્કામી થઈને ઇચ્છતો હોય તો તો ઠીક છે, પણ પોતે ઇચ્છનારો જે ભક્ત તેને તે ભગવાન સંબંધી પદાર્થ ભોગવવાની ઇચ્છા રાખવી નહિ, અને ભગવાનને તો સંસારના સુખની ઇચ્છા નથી. પણ પોતાના ભક્તની ભક્તિ જાણીને પોતાને જે જે પદાર્થ અર્પણ કરે છે તેનો અંગીકાર કરે છે. (૫) અને જો ભગવાનને સંસારનું સારું સુખ જોઈતું હોય, તો અનંતકોટિ બ્રહ્માંડના પતિ, ને બ્રહ્મપુર, ગોલોક ને વૈકુંઠાદિક ધામના પતિ, અને રાધિકા-લક્ષ્મી આદિક જે પોતાની શક્તિઓ તેના પતિ, એવા જે ભગવાન તે સર્વે પોતાના વૈભવને તજીને બોરડીના ઝાડ હેઠે તપ કરવાને શા સારુ બેસે ? માટે ભગવાનને તો વિષય સંબંધી સુખની આસક્તિ હોય જ નહીં. તેમાં પણ બીજા અવતાર કરતાં આપણા પતિ જે નરનારાયણ તે તો અત્યંત ત્યાગી છે. અને જીવના કલ્યાણને અર્થે તપ કરે છે. અને એ નરનારાયણને કોઈ વૈભવ જોઈતો હોય તો બોર ખાઈને શા સારુ બેસી રહે ? ને આ સંસારમાં મૂર્ખા જીવ હોય છે તે પણ ગામ-ગરાસ ભોગવે છે, તો નરનારાયણ તો સાક્ષાત્ ભગવાન છે, તે જો એમને કાંઈ જોઈતું હોય તો વધુ તો નહિ પણ ચાર તો ગામડાં વસાવી બેસે ? પણ એ ભગવાનને કાંઈ જોઈતું જ નથી. માટે આપણા સ્વામી જ્યારે એવા ત્યાગી છે, તો આપણે તો એ થકી વિશેષ ત્યાગી રહ્યું જોઈએ અને ભગવાનની ઇચ્છાએ કરીને જેવી જેવી રીતે સત્સંગની વૃદ્ધિ થાતી જાય તેવી તેવી રીતે રાજી રહેવું. પછી ભગવાનની ઇચ્છા હોય તો બધું જગત સત્સંગી થાઓ અથવા સર્વે સત્સંગી મટી જાઓ પણ કોઈ રીતે હર્ષ-શો.ક મનમાં ધારવો નહીં. આ ભગવાનનું કર્યું સર્વે થાય છે, માટે સૂકું પાંદડું જેમ વાયુને આધારે ફરે તેમ ભગવાનને આધીન રહીને આનંદમાં ભજન કરવું. અને કોઈ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો નહીં. (૬) ઇતિ વચનામૃતમ્ ।।૭૪।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૨) છે. તેમાં પહેલામાં સંપત મળવાથી વૈરાગ્ય કળાય છે અને આપત્કાળથી સમજણ કળાય છે. (૧) બીજામાં અમારી ઇચ્છાથી સત્સંગનું ઉત્કૃષ્ટપણું થાય અથવા ગૌણપણું જણાય અથવા પોતાને માન-અપમાન થાય તેમાં રાજી રહેવું. (૨) અને અમારી મૂર્તિ વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહીં. (૩) અને અમારે તપની રુચિ છે અને તમે અમારા દાસ છો માટે તમારે પણ તપની રુચિ વિશેષ રાખવી. (૪) અને અમે કાંઈક અંગીકાર કરીએ છીએ તે ભક્તની ભક્તિ જાણીને કરીએ છીએ. (૫) અને બીજા અવતાર કરતાં અમે અત્યંત ત્યાગી છીએ ને જીવોના કલ્યાણને અર્થે અમે તપ કરીએ છીએ માટે અમારા આશ્રિતો સર્વેને ત્યાગ વિશેષ રાખવો. અને અમારે આધીન રહીને અમારું ભજન કરવું, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૬) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં દાદાખાચરને આપત્કાળ જેવું આવ્યું હતું એમ કહ્યું તે આપત્કાળ શો આવ્યો હતો ?
૧ ઉ. દાદાખાચરને ને ભાણખાચરને વૈર હતું, તે લડાઈમાં ભગુજીને ને બેચર ચાવડાને ઘાયલ કર્યા હતા અને ગેબી તથા આરબની હલ્લાં આવી હતી તે આપત્કાળ આવ્યો હતો.
૨ પ્ર. બીજા પ્રશ્નમાં શ્રીજીમહારાજે કહ્યું જે આપણ નરનારાયણના દાસ છીએ. ત્યારે તો શ્રીજીમહારાજ પણ દાસ ઠર્યા તે કેમ સમજવું ?
૨ ઉ. શ્રીજીમહારાજ મનુષ્યભાવે બોલ્યા છે પણ પોતાને જ નરનારાયણ નામે કહ્યા છે અને ચોથી બાબતમાં નરનારાયણ આપણા પતિ છે એમ કહ્યું છે તે પણ મનુષ્યભાવે બોલ્યા છે પણ સર્વેના પતિ શ્રીજીમહારાજ છે અને નરનારાયણ બોરડીના ઝાડ તળે બેસીને તપ કરે છે, એમ કહ્યું છે તે પણ શ્રીજીમહારાજ વનમાં વિચર્યા ત્યારે વૃક્ષ નીચે રહેતા ને અતિશે તપ કર્યું છે તે તપ આ ઠેકાણે સમજવું. આનો વિસ્તાર (પ્ર. ૮ના પહેલા પ્રશ્નોત્તરમાં તથા ૭૩ના બીજા પ્રશ્નોત્તરમાં) કર્યો છે.
૩ પ્ર. (૨/૪ બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજ કરતાં આપણે વૈભવ ન્યૂન રાખવા એમ કહ્યું તે વૈભવ કિયા જાણવા ? અને એ વૈભવ ત્યાગીએ કેવી રીતે ન્યૂન રાખવા ? અને ગૃહસ્થોએ કેવી રીતે ન્યૂન રાખવા ?
૩ ઉ. ત્યાગીએ શ્રીજીમહારાજની ઇચ્છાથી જે અન્નાદિક આવે તેનો થાળ કરીને શ્રીજીમહારાજને જમાડવા ને તે પ્રસાદીનું અન્ન પ્રસાદીના પાણીથી મેળાવીને સ્વાદે રહિત જમવું પણ જુદું જુદું ન રાખવું અને મેળાવ્યા વિના ન જમવું અને કાષ્ઠ પાત્રમાં જમવું એ વૈભવ ઓછા ભોગવ્યા કહેવાય. અને ગૃહસ્થોએ જે વસ્ત્ર-ઘરેણાં ઠાકોરજીને ધરાતાં હોય તે પહેરવાં નહિ, ઇષ્ટદેવને જમવાના પાત્રમાં જમવું નહિ, એમને બેસવાના વાહનમાં બેસવું નહિ અને પોતાને જમવાની તથા પહેરવા-ઓઢવાની વસ્તુઓ શ્રીજીમહારાજની મૂર્તિની પ્રસાદી કરીને વાપરવી એ વૈભવ ન્યૂન ભોગવ્યા કહેવાય.
૪ પ્ર. ભગવાન તો દિવ્ય મૂર્તિ છે તે માયિક વસ્તુ જમતા હશે કે કેમ ?
૪ ઉ. જમાડનાર ભક્તને અતિશે ભાવ હોય તો તેનો ભાવ જોઈને ભગવાન એ માયિક વસ્તુને દિવ્ય નિર્ગુણ કરીને અંગીકાર કરે છે, માટે ભગવાનને જમાડ્યા વિના કોઈ વસ્તુ જમવી નહીં.
૫ પ્ર. (૨/૬ બીજા પ્રશ્નમાં) બ્રહ્મપુર નામે ધામ કહ્યું તે કિયું જાણવું ?
૫ ઉ. આ ઠેકાણે અક્ષરધામને બ્રહ્મપુર નામે કહ્યું છે.
૬ પ્ર. રાધિકાદિક શક્તિઓના પતિ અમે છીએ એમ કહ્યું તે એ શક્તિઓના પતિ શ્રીજીમહારાજને કેવી રીતે સમજવા ?
૬ ઉ. મૂળઅક્ષરથી લઈને વિષ્ણુ, બ્રહ્મા, શિવ સુધી સર્વેને વિષે શ્રીજીમહારાજ અન્વયપણે રહ્યા છે માટે રાધિકાદિક સર્વે શ્રીજીમહારાજની પણ શક્તિઓ કહેવાય તે (લો. ૧૭ના ૫/૭ પાંચમા પ્રશ્નમાં) અક્ષર, પુરુષ, કાળ, માયાદિકને પોતાની શક્તિઓ કહી છે.
૭ પ્ર. બીજા અવતાર કરતાં અમે અતિશે ત્યાગી છીએ એમ કહ્યું તે શ્રીજીમહારાજને કેવી રીતે ત્યાગી સમજવા ?
૭ ઉ. શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે વિચરતા ત્યારે ત્યાગીના આશ્રમમાં રહ્યા હતા અને સ્ત્રીનો ગંધ આવે તો ઊલટી કરતા ને મરચાં ને મીંઢીઆવળ જમતા અને પછી પણ પોતાના ભક્તોને રાજી કરવા ને તેમનાં કલ્યાણ કરવા સારુ, સારાં સારાં ભોજન જમતા, પણ ત્યાગની રુચિ સદાય હતી એ ત્યાગ કહ્યો છે. ।।૭૪।।