વચનામૃત ગઢડા પ્રથમનું - ૨૫

સંવત ૧૮૭૬ના પોષ સુદિ ૭ સપ્તમીને દિવસ પ્રભાત સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિષે પધાર્યા હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને ધોળો ફેંટો બાંધ્યો હતો ને આથમણે પરથારે ઉગમણું મુખારવિંદ કરીને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી શ્રીજીમહારાજ કૃપા કરીને બોલ્યા જે, (૧) બ્રહ્માનંદ સ્વામીએ કાલ્ય પ્રશ્ન પૂછ્યો હતો તેનો ઉત્તર વળી આજ કરીએ છીએ જે, ઇન્દ્રિયો-અંતઃકરણ પોતાને વશ હોય તોય પણ અંતર સૂનું રહે છે તેનું એ કારણ છે જે, એને એકલું સાધનનું બળ છે પણ ભગવાનના નિશ્ચયનું તથા આત્મજ્ઞાનનું બળ નથી, માટે એના અંતરમાં ન્યૂનતા રહે છે. તે સારુ ભગવાનના નિશ્ચયનો પ્રતાપ, તથા ભગવાનના મહિમાનો પ્રતાપ, તથા પોતાના જીવાત્માને બ્રહ્મ રૂપે માનવો, એ ત્રણ વાનાં તો એને અતિશે દૃઢ જાણ્યાં જોઈએ છીએ. અને એમાં જેટલી ખામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે અને હમણાં અમે એક હરિભક્તને સમાધિ કરાવી હતી તેને તેજ અતિશે દેખાણું તે તેજ જોઈને ચીસ પાડવા માંડી ને કહ્યું જે, હું બળું છું માટે સમાધિવાળાને પણ આત્મજ્ઞાનનું જરૂર કામ પડે છે અને પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે ને દેહને માને તો તેને ઘણી કાચ્યપ રહી જાય છે. અને અમે તે હરિભક્તને સમજાવ્યું જે, તારું સ્વરૂપ તો આત્મા છે; દેહ નથી, ને આ લાડકીબાઈ નામ ને ભાટનો દેહ તે તું નથી, ને અછેદ્ય, અભેદ્ય એવો જે આત્મા તે તારું સ્વરૂપ છે. પછી અમે તેને સમાધિ કરાવીને કહ્યું જે, ગણપતિને સ્થાનકે ચાર પાંખડીનું કમળ છે ત્યાં જઈને તારું સ્વરૂપ જો. અને જ્યારે સમાધિવાળો ગણપતિને સ્થાનકે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે, ને પ્રકાશ દેખાય છે. ને તેથી પર બ્રહ્માના સ્થાનકને વિષે જાય છે ત્યારે તેથી નાદ પણ ઘણો સંભળાય છે ને પ્રકાશ પણ તેથી અતિશે ઘણો દેખાય છે. અને તેથી પર વિષ્ણુને સ્થાનકે જાય છે ત્યારે તેથી અતિશે નાદ સંભળાય છે ને તેથી તેજ પણ અતિશે દેખાય છે. એવી રીતે જેમ જેમ ઊંચા ઊંચા સ્થાનકને વિષે જાય છે તેમ તેમ વધુ વધુ નાદ સંભળાય છે, ને વધુ ને વધુ પ્રકાશ દેખાય છે. અને એવી રીતે સમાધિમાં અતિશે તેજ દેખાય છે, ને અતિશે નાદ થાય છે, ને કડાકા અતિશે થાય છે તે ગમે તેવો ધીરજવાન હોય તોપણ કાયરપણું આવી જાય છે. જો અર્જુન ભગવાનના અંશ હતા ને મહા શૂરવીર હતા. તોપણ ભગવાનનું વિશ્વરૂપ જોવાને સમર્થ થયા નહિ માટે એમ બોલ્યા જે, હે મહારાજ ! આ રૂપ જોવાને હું સમર્થ નથી. માટે તમારું જેવું પ્રથમ રૂપ હતું તેવું તમારું દર્શન કરાવો. એવી રીતે એવા સમર્થને પણ સમાધિને વિષે જ્યારે બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે ને જેમ સમુદ્ર મર્યાદા મેલે એવા તેજના સમૂહ દેખાય છે ત્યારે ધીરજ રહેતી નથી, તે સારુ દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું સમજવું જોઈએ. (૧) અને એવી જે સમાધિ થાય છે તેના બે ભેદ છે : એક તો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે તે ભેળો ચિત્તનો પણ નિરોધ થાય છે; અને બીજો પ્રકાર એ છે જે, ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. તે ચિત્તનો નિરોધ ક્યારે થાય છે તો જ્યારે સર્વે ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિષે વૃત્તિ જોડાય ને તે ભગવાનને વિષે વૃત્તિ ક્યારે જોડાય તો જ્યારે સર્વે ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય ત્યારે તે વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હઠે નહિ, જેમ કોઈ કૂવો હોય ને તે ઉપર વીસ કોશ ફરતા હોય ને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય ત્યારે તે પ્રવાહમાં જોર હોય નહિ, અને તે વીસે કોશનો પ્રવાહ ભેળો કરીએ તો નદીના જેવો અતિશે બળવાન પ્રવાહ થાય તે કોઈનો હઠાવ્યો પાછો હઠે નહિ, તેમ જેની વૃત્તિ નિર્વાસનિક થાય છે, ત્યારે તેનું ચિત્ત છે તે ભગવાનના સ્વરૂપમાં જોડાય છે અને જેના ચિત્તમાં સંસારના સુખની વાસના હોય તેને તો શ્રોત્ર-ઇન્દ્રિય દ્વારે અનંત જાતના જે શબ્દ તેને વિષે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે, તેમ જ ત્વચા-ઇન્દ્રિય દ્વારે હજારું જાતના જે સ્પર્શ તેને વિષે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે, તેમ જ નેત્ર-ઇન્દ્રિયની વૃત્તિ તે હજારું જાતનાં જે રૂપ તેને વિષે ફેલાઈ જાય છે, તેમ જ રસના-ઇન્દ્રિયની વૃત્તિ તે હજારું જાતના જે રસ તેમાં ફેલાઈ જાય છે, તેમ જ નાસિકા-ઇન્દ્રિયની વૃત્તિ તે અનંત જાતના જે ગંધ તેમાં ફેલાઈ જાય છે, તેમ જ કર્મ-ઇન્દ્રિયોની વૃત્તિયું પણ પોતપોતાના વિષયને વિષે હજારું પ્રકારે ફેલાઈ જાય છે. એવી રીતે દશે ઇન્દ્રિયો દ્વારે એનું અંતઃકરણ છે તે હજારું પ્રકારે ફેલાઈ ગયું છે તે જ્યારે ચિત્ત તે ભગવાનનું જ ચિંતવન કરે, અને મન તે ભગવાનનો જ ઘાટ ઘડે, અને બુદ્ધિ તે ભગવાનના સ્વરૂપનો જ નિશ્ચય કરે, અને અહંકાર તે હું આત્મા છું, ને ભગવાનનો ભક્ત છું એવું જ અભિમાન ધરે ત્યારે એની એક વાસના થઈ જાણવી. અને પ્રાણે કરીને જે ચિત્તનો નિરોધ થાય છે તે તો અષ્ટાંગ યોગે કરીને થાય છે તે અષ્ટાંગ યોગ તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા ને સમાધિ એ જે આઠ અંગ તેણે યુક્ત છે. ને એ અષ્ટાંગ યોગ તે સાધનરૂપ છે ને એનું ફળ તે ભગવાનને વિષે નિર્વિકલ્પ સમાધિ છે. તે જ્યારે એવી નિર્વિકલ્પ સમાધિ થાય છે, ત્યારે પ્રાણને નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય છે, અને જો ચિત્ત નિર્વાસનિક થઈને ભગવાનને વિષે જોડાય છે તો તે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે, માટે જેમ અષ્ટાંગયોગ સાધવે કરીને ચિત્તનો નિરોધ થાય છે તેમ ભગવાનના સ્વરૂપને વિષે જોડાવે કરીને ચિત્તનો નિરોધ થાય છે, માટે જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિષે જોડાણી તેને અષ્ટાંગયોગ વગર સાધે સધાઈ રહ્યો, માટે એવો જે ભગવાનના સ્વરૂપનો મહિમા તેને મૂકીને એકલું સાધનનું બળ લે છે તેને કોઈ રીતે અંતરમાં સુખ રહેતું નથી અને તેનું અંતકાળે પણ સારું થાતું નથી. માટે સાધન છે, વર્તમાન છે, તે તો ભગવાનની આજ્ઞા છે તે જરૂર રાખવાં, જેમ બ્રાહ્મણનો ધર્મ છે જે નાવું-ધોવું ને પવિત્રપણે રહેવું, તે કોઈ દિવસ શૂદ્રના ઘરનું પાણી પીએ જ નહિ તેમ સત્સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહિ, કેમ જે એ ભગવાનની આજ્ઞા પાળે તો તેની ઉપર ભગવાન રાજી થાય છે, અને ભગવાનનો નિશ્ચય તથા ભગવાનનું માહાત્મ્ય તથા વૈરાગ્યે સહિત આત્મજ્ઞાન એ ત્રણની અતિશે દૃઢતા રાખવી ને પોતાને વિષે પૂર્ણકામપણું સમજવું જે મુને સાક્ષાત્‌ પુરુષોત્તમનારાયણ મળ્યા છે. ને તેની આજ્ઞામાં રહીને હું તેનું ભજન કરું છું, માટે હવે મારે કાંઈ ન્યૂનતા રહી નથી એમ સમજીને નિરંતર ભગવાનની ભક્તિ કરવી, ને તે સમજણને કેફે કરીને છકી પણ જાવું નહિ, અને પોતાને અકૃતાર્થપણું પણ માનવું નહિ, અને જો અકૃતાર્થપણું માને તો એને ઉપર જે એવી ભગવાનની કૃપા થઈ તે જાણીએ ખારાપાટમાં બીજ વાવ્યું તે ઊગ્યું જ નહિ, ને જો છકી જઈને જેમતેમ કરવા લાગે તો જાણીએ અગ્નિમાં બીજ નાખ્યું તે બળી ગયું, માટે અમે કહ્યું તેમ જે સમજે તેને કોઈક પ્રકારની ન્યૂનતા રહે નહિ. એમ કહીને શ્રીજીમહારાજ પોતાના આસન ઉપર પધાર્યા. (૨) ઇતિ વચનામૃતમ્‌ ।।૨૫।।

          રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારો નિશ્ચય, મહિમા ને આત્મનિષ્ઠા એ ત્રણે ન હોય તેને એકલા સાધનથી કૃતાર્થપણું મનાતું નથી ને એ ત્રણનું બળ હોય તેને પૂર્ણકામ ને કૃતાર્થપણું મનાય છે. (૧) અને સમાધિના બે પ્રકાર કહ્યા છે. (૨) બાબતો છે.

       પ્ર. (પહેલી બાબતમાં) નિશ્ચય કહ્યો તે કેવો જાણવો ?

       ઉ. પુરુષ, કાળ, બ્રહ્મ, અક્ષર તથા મુક્ત એ સર્વેથી શ્રીજીમહારાજને પર, સદા સાકાર, સર્વેના કર્તા, નિયંતા, ને સર્વેના અંતર્યામી જાણવા, તે નિશ્ચય કહેવાય.

       પ્ર. શ્રીજીમહારાજનો મહિમા કહ્યો તે કેવો જાણવો ?

       ઉ. શ્રીજીમહારાજ જીવકોટિ, ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ તથા મૂળઅક્ષરકોટિથી પર છે, ને સદા સાકાર મૂર્તિ છે, ને સર્વેને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે. અને એ સર્વેમાં અન્વયપણે રહ્યા થકા પોતાના તેજરૂપ અક્ષરધામમાં વ્યતિરેકપણે રહ્યા છે, એવો મહિમા જાણે તે મહિમા જાણ્યો કહેવાય.

       પ્ર. જીવાત્માને બ્રહ્મરૂપ માનવો એમ કહ્યું તે બ્રહ્મરૂપ એટલે કેવો માનવો ?

       ઉ. બ્રહ્મરૂપ એટલે શ્રીજીમહારાજના તેજરૂપ માનવો તે બ્રહ્મરૂપ માન્યો કહેવાય.

       પ્ર. (પહેલી બાબતમાં) નાદ સંભળાય છે, ને પ્રકાશ દેખાય છે એમ કહ્યું તે કોનો હશે ?

       ઉ. જેના જેના સ્થાનકને વિષે જાય તે તે સ્થાનના અધિપતિના તેજમાંથી ધ્વનિ થાય છે તેને આ ઠેકાણે નાદ કહ્યો છે અને પ્રકાશ પણ તે તે સ્થાનોના અધિપતિઓનો છે, તે દેખે છે.

       પ્ર. (બીજી બાબતમાં) સાક્ષાત્‌ પુરુષોત્તમ મળ્યા છે એમ કહ્યું, તે સાક્ષાત્‌ મળ્યા ક્યારે કહેવાય?

       ઉ. શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે દર્શન દેતા હોય, ત્યારે ધામમાં જે મૂર્તિ છે, તે જ આ મૂર્તિ છે એમ જાણે, અને પ્રતિમા રૂપે દર્શન આપતા હોય, ત્યારે તે પ્રતિમાને ધામમાં મૂર્તિ છે તે જ જાણે, ને આજ્ઞામાં રહીને ભક્તિ કરે તો સાક્ષાત્‌ મળ્યા કહેવાય.

       પ્ર. છકી જાવું નહિ એમ કહ્યું તે કેમ વર્તે તો છકી ગયો કહેવાય ?

       ઉ. શ્રીજીમહારાજના જ્ઞાનનો ને મહિમાનો ઓથ લઈને વર્તમાનમાં ફેર પાડે ને સત્સંગના ધોરણ પ્રમાણે ન વર્તે, ને બીજાથી પોતાને અધિક માને, તે છકી ગયો કહેવાય. તેને પ્રથમ શ્રીજીમહારાજની કાંઈક કૃપા થઈ હોય, તેણે કરીને કાંઈક શુભ ગુણ પ્રાપ્ત થયા હોય તે જતા રહે, ને ઊલટો શ્રીજીમહારાજનો કોપ થાય. ।।૨૫।।