વચનામૃત ગઢડા પ્રથમનું - ૨૩
સંવત ૧૮૭૬ના પોષ સુદિ ૫ પંચમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્રીજીમહારાજે માથે ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળું અંગરખું પહેર્યું હતું તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા કેડે કસુંબલ શેલું બાંધ્યું હતું ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી કરુણા કરીને પરમહંસની આગળ શ્રીજીમહારાજ વાત કરવા લાગ્યા જે, (૧) ‘વાસુદેવ માહાત્મ્ય’ નામે જે ગ્રંથ તે અમને અતિશે પ્રિય છે, કેમ જે ભગવાનના ભક્તને ભગવાનને ભજ્યાની જે રીતિ તે સર્વે એ ગ્રંથમાં કહી છે. અને ભગવાનના જે ભક્ત તે બે પ્રકારના છે. તેમાં એકને ભગવાનનો નિશ્ચય તો યથાર્થ છે, પણ તે દેહાત્મબુદ્ધિ સોતો ભગવાનનું ભજન કરે છે. અને બીજો તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહ તેથી પર ને ચૈતન્યરૂપ એવું પોતાના સ્વરૂપને માને અને તે પોતાના સ્વરૂપને વિષે ભગવાનની મૂર્તિને ધારીને ભગવાનનું ભજન કરે, પછી ત્રણ અવસ્થાથી ને ત્રણ શરીરથી પર જે પોતાનું સ્વરૂપ તેને અતિશે પ્રકાશમાન ભાળે ને તે પ્રકાશને વિષે ભગવાનની મૂર્તિ જેવી પ્રગટ પ્રમાણ છે, તેવી અતિશે પ્રકાશે યુક્ત ભાસે એવી રીતની સ્થિતિવાળો હોય; અને એવી રીતની સ્થિતિ જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી ભગવાનનો ભક્ત છે, તોપણ તેને માથે વિઘ્ન છે. અને જો એવી સ્થિતિમાં શિવજી નહોતા વર્તતા તો મોહની સ્વરૂપમાં મોહ પામ્યા. અને એવી સ્થિતિમાં બ્રહ્મા નહોતા વર્તતા તો સરસ્વતીને દેખીને મોહ પામ્યા. અને એવી સ્થિતિમાં નારદજી નહોતા વર્તતા તો પરણ્યાનું મન થયું. અને ઇન્દ્ર તથા ચંદ્રાદિક તેમને જો એવી સ્થિતિ નહોતી તો કલંક લાગ્યાં. અને ભગવાનનો ભક્ત હોય પણ જો એવી સ્થિતિને ન પામ્યો હોય તો ભગવાનને વિષે પણ પ્રાકૃતભાવ પરઠાઈ જવાય છે, જેમ રાજા પરીક્ષિત એવો ભક્ત નહોતો તો રાસક્રીડા સાંભળીને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે સંશય થયો; અને શુકજી જો એવા ભક્ત હતા, તો તેને કોઈ જાતનો સંશય થયો જ નહિ. અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે, મારે વિષે કોઈ દોષ અડી શકે નહિ તથા તે દોષ કાંઈ બાધ કરી શકે નહિ, તો જેને ભજને કરીને હું આવો થયો એવા જે ભગવાન તેને વિષે તો કોઈ માયિક દોષ હોય જ કેમ ? એમ દૃઢપણે સમજે છે. (૧) અને એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની મૂર્તિને વિષે જ્યારે વૃત્તિને રાખે છે, ત્યારે તે વૃત્તિના બે વિભાગ થાય છે તેમાં એક વૃત્તિ તો ભગવાનના સ્વરૂપમાં રહે છે, ને બીજી તો જે ભજનનો કરનારો તેમાં રહે છે, ને ભગવાનના સ્વરૂપમાં જે વૃત્તિ રહે છે, તે પ્રેમે યુક્ત રહે છે, ને ભજનના કરનારામાં જે વૃત્તિ રહે છે તે તો વિચારે યુક્ત રહે છે, ને તે વૃત્તિ જે તે ભજનના કરનારાને વિષે ભગવાનના ભજન વિના બીજા જે જે ઘાટ-સંકલ્પ થાય છે તે સર્વેને ખોટા કરી નાખે છે, તથા તે ભજનના કરનારામાં જે દોષ તે સર્વેને ખોટા કરી નાખે છે, એવી રીતે તેની વૃત્તિ ભગવાનમાં અખંડ રહે છે. અને ઘડીક તો એકાગ્ર ચિત્તે બેસીને ભગવાનનું ભજન કરે ને ઘડીકમાં તો ચાળા ચૂંથતો ફરે તેને તો એવી સ્થિતિ થાતી નથી. જેમ પાણીનો ઘડો ભરીને એક ઠેકાણે ઢોળી આવીએ પછી વળી બીજે દિવસ અથવા ત્રીજે દિવસ તે ઠેકાણે પાણીનો ઘડો ઢોળીએ તેણે કરીને ત્યાં પાણીનો ધરો ભરાય નહિ, કાં જે આગલા દિવસનું જળ આગલે દિવસે સુકાઈ જાય, ને પાછલા દિવસનું પાછલે દિવસે સુકાઈ જાય; અને જો આંગળી જેવી નાની જ પાણીની સેર્ય અખંડ વહેતી હોય તો મોટો પાણીનો ધરો ભરાઈ જાય, તેમ ખાતાં-પીતાં, હાલતાં-ચાલતાં તથા શુભ ક્રિયાને વિષે તથા અશુભ ક્રિયાને વિષે સર્વે કાળે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી પછી એવી રીતે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખતાં રાખતાં એવી દૃઢ સ્થિતિ થાય છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૨૩।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં ત્રણ દેહથી પર જે પોતાનો જીવાત્મા તેને ચૈતન્યરૂપ જે અમારું તેજ તે રૂપ માનીને તેમાં અમારી આ પ્રગટ મનુષ્યરૂપ મૂર્તિને ધારે તો પોતાના સ્વરૂપને તથા તે સ્વરૂપને વિષે આ અમારી મૂર્તિને અતિશે પ્રકાશમાન દેખે, અને તેને અમારા ચરિત્રને વિષે સંશય થાય નહીં. (૧) અને અમારી આ મૂર્તિમાં એક વૃત્તિ પ્રેમે યુક્ત ને બીજી વૃત્તિ વિચારે યુક્ત અખંડ રાખવે કરીને એવી સ્થિતિ થાય છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. (પહેલી બાબતમાં) ચૈતન્યને વિષે શ્રીજીમહારાજની મનુષ્યરૂપ મૂર્તિને ધારે તો દેખે એમ કહ્યું તે શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે વિચરતા, ત્યારે તો તે મૂર્તિ ધાર્યામાં આવે, પણ આજ તો શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે વિચરતા નથી ત્યારે કઈ મૂર્તિ ધારવી ?
૧ ઉ. જેમ મનુષ્ય રૂપે પ્રગટ હતા તેમ જ આજ પ્રતિમા રૂપે પ્રગટ છે. માટે શ્રીજીમહારાજના તેજરૂપ પોતાને માનીને તેમાં શ્રીજીમહારાજની પ્રતિમાને ધારે તો પ્રતિમાને તેજોમય દેખે માટે આજ શ્રીજીમહારાજની પ્રતિમા ધારવી.
૨ પ્ર. પોતાના ચૈતન્યને વિષે શ્રીજીમહારાજની મૂર્તિને દેખે એવી સ્થિતિવાળો હોય તે એમ સમજે જે, મારે વિષે કોઈ દોષ અડી શકે નહિ તથા બાધ કરી શકે નહિ એમ કહ્યું તે એ દોષને વિષે પ્રવર્તે તોપણ બાધ ન થાય કે એ દોષ મોહ પમાડી શકે નહિ તે કેમ સમજવું ?
૨ ઉ. એવી સ્થિતિવાળો હોય તે તો શ્રીજીમહારાજની મૂર્તિને સુખે સુખિયો હોય ને માયિક પદાર્થને નરક તુલ્ય માને, અને આ લોકને વિષે ત્યાગીના આશ્રમમાં રહ્યો હોય, તો ત્યાગીના ધર્મ પ્રમાણે જ વર્તે અને ગૃહસ્થના આશ્રમમાં રહ્યો હોય તો ગૃહસ્થના ધર્મ પ્રમાણે જ વર્તે, પણ આજ્ઞા બહાર કોઈ ક્રિયા કરે જ નહિ અને જે કોઈ વર્તમાન વિરુદ્ધ ક્રિયા કરે તેને શ્રીજીમહારાજનું દર્શન જ નથી ને આશરો પણ નથી. એ તો કેવળ દંભી ને વિષયી જ છે ને મહાદુષ્ટ છે. તેને તો (મ. ૩૫/૪માં) ચંડાળ જેવો કહ્યો છે, માટે તેને ચંડાળ જાણીને શ્વપચની પેઠે ત્યાગ કરવો પણ તેને શ્રીજીમહારાજનો ભક્ત ન જાણવો. ।।૨૩।।