વચનામૃત લોયાનું - ૧૬

સંવત ૧૮૭૭ના માગશર વદિ ૧૪ ચૌદશને દિવસ સંધ્યા આરતી થયા કેડે શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

          પછી શ્રીજીમહારાજ બોલ્યા જે સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન-ઉત્તર કરો. એમ કહીને પોતે જ પ્રશ્ન પૂછ્યો જે, (૧) જેને વાસના કુંઠિત ન થઈ હોય ને જેને વાસના કુંઠિત થઈ ગઈ હોય ને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેનાં શાં લક્ષણ છે ? પછી મુક્તાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહિ, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેની વાસના કુંઠિત ન થઈ હોય, તેની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોંટી જાય, તે પાછી વિચારે કરીને પણ નીસરે નહિ, અને જેને કુંઠિત વાસના થઈ ગઈ હોય તેની વૃત્તિ વિષયમાં તત્કાળ પ્રવેશ કરે નહિ અને કદાચિત્‌ વૃત્તિ વિષયમાં પ્રવેશ કરી જાય ને વૃત્તિને પાછી વાળે તો તરત પાછી વળે પણ વિષયમાં આસક્ત થાય નહિ, અને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેને તો જાગ્રતને વિષે સુષુપ્તિની પેઠે વિષયનો અભાવ વર્તે ને સારા-નરસા જે વિષય તે બેય સમાનપણે જણાય ને પોતે ગુણાતીતપણે વર્તે. (૧)

       ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) વાસના કુંઠિત તો હોય પણ તે મૂળમાંથી ટળી નથી જાતી તેનું શું કારણ છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો ઉત્તર એ છે જે, આત્મનિષ્ઠારૂપ એવું જે જ્ઞાન તથા પ્રકૃતિનાં કાર્ય એવા જે પદાર્થમાત્ર તેને વિષે અનાસક્તિરૂપ એવો જે વૈરાગ્ય તથા બ્રહ્મચર્યાદિકરૂપ જે ધર્મ તથા માહાત્મ્યે સહિત એવી જે ભગવાનની ભક્તિ એ ચાર વાનાં જેમાં સંપૂર્ણ હોય તેની વાસના નિર્મૂળ થઈ જાય છે અને એ ચારમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી વાસના નિર્મૂળ થાતી નથી. (૨)

       પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો અમે પ્રશ્ન પૂછીએ જે, (૩) મુમુક્ષુને ભગવાનની પ્રાપ્તિને અર્થે અનંત સાધન કરવાનાં કહ્યાં છે તેમાં એક એવું મોટું કિયું સાધન છે જેણે કરીને સર્વે દોષ ટળી જાય ને તેમાં સર્વે ગુણ આવે ? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર પરમહંસ વતે થયો નહિ, પછી શ્રીજીમહારાજે એનો ઉત્તર કર્યો જે, ભગવાનનું માહાત્મ્ય જેમ કપિલદેવજીએ દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે :- मद्भयाद्वाति वातोडयं सूर्यस्तपति मद्भयात् ।। એવી રીતે અનંત પ્રકારના માહાત્મ્યે સહિત એવી જે ભગવાનની ભક્તિ તે જેને હોય તેના દોષમાત્ર ટળી જાય છે ને તેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ એ ન હોય તોપણ એ સર્વે આવે છે માટે એ સાધન સર્વમાં મોટું છે. (૩)

       અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૪) જે કપટી હોય ને તે બુદ્ધિવાળો હોય માટે પોતાના કપટને જણાવા દે નહિ તેનું કપટ કેઈ રીતે કળાય તે કહો ? ત્યારે એનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કહ્યો જે, જેની બેઠ્યક, ઉઠ્યક તે જે સત્સંગનો દ્વેષી હોય ને સંતનું ને ભગવાનનું ઘસાતું બોલતો હોય તે પાસે હોય તેણે કરીને તે ઓળખાય પણ બીજી રીતે તો ન ઓળખાય. પછી એ ઉત્તરને શ્રીજીમહારાજે માન્યો.

       ને પછી પોતે બોલ્યા જે, (૫) એવાનો સંગ ન કરતો હોય તો કેમ કળીએ ? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, કોઈક દેશકાળનું વિષમપણું આવે ત્યારે એનું કપટ કળાઈ જાય ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે એ ઠીક ઉત્તર કર્યો. (૪)

       અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૬) એવો કિયો એક અવગુણ છે જેણે કરીને સર્વે ગુણમાત્ર તે દોષરૂપ થઈ જાય છે તે કહો ? ત્યારે શ્રીપાતદેવાનંદ સ્વામી બોલ્યા જે, ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે તેના જે સર્વે ગુણ તે દોષરૂપ થઈ જાય છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ ઉત્તર પણ ખરો, પણ અમે તો એનો ઉત્તર બીજો ધાર્યો છે જે, સર્વે ગુણે સંપન્ન હોય ને જો ભગવાનને અલિંગ સમજતો હોય પણ મૂર્તિમાન ન સમજે એ મોટો દોષ છે એણે કરીને એના બીજા સર્વ ગુણ દોષરૂપ થઈ જાય છે. (૫)

       અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૭) સંતનો અભાવ શાણે કરીને આવે છે તે કહો ? પછી એનો ઉત્તર પરમહંસે કરવા માંડ્યો પણ થયો નહિ ત્યારે શ્રીજીમહારાજે એનો ઉત્તર કર્યો જે, જેને માન હોય તેને સંતનો અભાવ આવે છે, કેમ જે, જે માની હોય તેનો એવો સ્વભાવ હોય જે, જે પોતાને વખાણે તેમાં સો અવગુણ હોય તે સર્વેને પડ્યા મૂકીને તેમાં એક ગુણ હોય તેને બહુ માને ને જે પોતાને વખાણતો ન હોય ને તેમાં સો ગુણ હોય તે સર્વને પડ્યા મૂકીને તેમાં કોઈક જેવો તેવો એક અવગુણ હોય તેને બહુ માનીને તેનો પ્રથમ તો મન તથા વચન તેણે કરીને દ્રોહ કરે ને પછી દેહે કરીને પણ દ્રોહ કરે માટે એ માનરૂપ મોટો દોષ છે, અને તે માન સમજુમાં જ હોય ને ભોળામાં ન હોય એમ જાણવું નહિ; ભોળામાં તો સમજુ કરતાંય ઝાઝું હોય છે. (૬)

       પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, (૮) હે મહારાજ ! એ માન કેમ ટળે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જે ભગવાનનું માહાત્મ્ય અતિશે સમજતો હોય તેને માન ન આવે, કેમ જે જુઓને ઉદ્ધવજી કેવા ડાહ્યા હતા ને નીતિશાસ્ત્રમાં કુશળ હતા ને દેહે કરીને રાજા જેવા હતા પણ જો ભગવાનનું માહાત્મ્ય સમજતા હતા તો ગોપીઓને વિષે ભગવાનનો સ્નેહ જોઈને તેને આગળ પોતાનું માન ન રહ્યું ને એમ બોલ્યા જે, એ ગોપીઓના ચરણની રજ જેને અડતી હોય એવાં જે વૃક્ષ, લતા, તૃણ, ગુચ્છ તે માંહેલો હું કોઈક થાઉં અને તુલસીદાસજીએ કહ્યું છે જે : તુલસી જાકે મુખન સે ભુલેઈ નિકસે રામ, તાકે પગ કી પહેનિયાં મેરે તન કી ચામ.એમ જેને ભૂલે પણ ભગવાનનું નામ મુખથી નીસરે તેને અર્થે પોતાના શરીરના ચર્મના જોડા કરાવી આપે, તો જે ભગવાનના ભક્ત હોય ને ભગવાનનું નિરંતર નામસ્મરણ, ભજન, કીર્તન, વંદન કરતા હોય ને જો ભગવાનનું માહાત્મ્ય સમજતો હોય તો તેને આગળ શું માન રહે ? ન જ રહે. માટે માહાત્મ્ય સમજે ત્યારે માન જાય છે પણ માહાત્મ્ય સમજ્યા વિના તો માન જાતું નથી તે સારુ જેને માન ટાળવું હોય તેને ભગવાનનું ને સંતનું માહાત્મ્ય સમજવું. (૭) ઇતિ વચનામૃતમ્‌ ।।૧૬।। (૧૨૪)

          રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૮) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે અકુંઠિત, કુંઠિત ને નિર્મૂળ વાસનાનાં લક્ષણ કહ્યાં છે. (૧) બીજામાં આત્મનિષ્ઠા, વૈરાગ્ય, બ્રહ્મચર્ય અને માહાત્મ્યે સહિત અમારી ભક્તિ એ ચાર વાનાં સંપૂર્ણ હોય તો વાસના નિર્મૂળ થઈ જાય છે. (૨) ત્રીજામાં અમારી માહાત્મ્યે સહિત ભક્તિ હોય તો દોષમાત્ર ટળી જાય અને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ તે આવે. (૩) ચોથામાં ને પાંચમામાં કપટીનું કપટ જાણવાનો ઉપાય કહ્યો છે. (૪) છઠ્ઠામાં અમને મૂર્તિમાન ન સમજે તેના સર્વે ગુણ દોષરૂપ થઈ જાય છે. (૫) સાતમામાં માને કરીને સંતનો અભાવ આવે છે તે માન ડાહ્યાથી ભોળામાં ઝાઝું હોય છે. (૬) આઠમામાં અમારું ને સંતનું 4માહાત્મ્ય સમજે ત્યારે માન જાય એમ કહ્યું છે. (૭) બાબતો છે. ।।૧૬।।