વચનામૃત ગઢડા પ્રથમનું - ૫

સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૮ અષ્ટમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) રાધિકાએ સહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું અને તે ધ્યાન કરતાં મૂર્તિ હૃદયને વિષે ન દેખાય તોપણ ધ્યાન કરવું પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહિ, એવી રીતના જે આગ્રહવાળા છે તેના ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે ને એની ભક્તિએ કરીને ભગવાન એને વશ થઈ જાય છે. (૧) ઇતિ વચનામૃતમ્‌ ।।।।                             

રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં મુક્તોએ સહિત પોતાનું ધ્યાન કરવાનું કહ્યું છે. (૧) બાબત છે.

પ્ર. આમાં રાધિકાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવાનું કહ્યું છે ને તમે તો રહસ્યાર્થમાં મુક્તોએ સહિત શ્રીજીમહારાજનું ધ્યાન કરવાનું કહ્યું તે કેમ સમજવું ?

ઉ. તે સમયે પરોક્ષના ઉપાસકો સભામાં ઘણા બેઠા  હતા તેથી રાધિકા નામે પોતાના મુક્તોને કહ્યા છે અને શ્રીકૃષ્ણ નામે પોતાને કહ્યા છે, પણ બીજા કોઈનું ધ્યાન કરવાનું કહ્યું નથી. તે (લો. ૧૧ના ૨/૪ બીજા પ્રશ્નમાં) અમારા વિના બીજા અવતારોનું ધ્યાન કરવું નહિ, તથા (મ. ૧૯/૨ માં) અમારું ધ્યાન કરવું અને અમે મનુષ્ય રૂપે પૃથ્વી ઉપર ન હોઈએ ત્યારે અમારી પ્રતિમાનું ધ્યાન કરવું પણ બીજા કોઈ દેવનું ધ્યાન કરવું નહિ. માટે આ ઠેકાણે મુક્તોએ સહિત પોતાનું જ ધ્યાન કરવાનું કહ્યું છે.

પ્ર. ભગવાન ભેળું રાધિકાનું ધ્યાન કરવાનું કહ્યું ને લક્ષ્મીજીનું ધ્યાન કેમ ન કહ્યું ?

. રાધિકા શ્રીકૃષ્ણ ભગવાનની સમીપે રહે છે, અને લક્ષ્મીજી મૂર્તિને વિષે ક્યારેક લીન રહે છે તેથી તેની આકૃતિ બહાર દેખવામાં આવતી નથી, તેથી ધ્યાન કરવાનું કહ્યું નથી. તેમ રાધિકાને ઠેકાણે શ્રીજીમહારાજના પરમ એકાંતિકમુક્ત છે, તે શ્રીજીમહારાજને સન્મુખ રહ્યા છે, તે મુક્તે સહિત શ્રીજીમહારાજનું ધ્યાન કરવાનું કહ્યું છે; અને લક્ષ્મીજીને ઠેકાણે શ્રીજીમહારાજના અનાદિમુક્ત છે તે શ્રીજીમહારાજની મૂર્તિમાં સદાય રહ્યા છે, તેથી તેમની આકૃતિ બહાર દેખાતી નથી માટે પૃથક્‌ ધારવાના નથી કહ્યા. ।।૫।।