વચનામૃત ગઢડા પ્રથમનું - ૪૮

સંવત ૧૮૭૬ના મહા સુદિ ૧૩ તેરશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સંધ્યા સમે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાના મુખારવિંદની આગળ બે મશાલું બળતી હતી અને શ્રી વાસુદેવનારાયણની સંધ્યા-આરતી તથા નારાયણ ધૂન્ય થઈ રહી.

       તે કેડે શ્રીજીમહારાજ બોલ્યા જે, સર્વ સાવધાન થઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ. ત્યારે સર્વ મુનિ તથા હરિભક્ત બોલ્યા જે, હે મહારાજ ! કહો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) એ અમારી આજ્ઞા છે જે, હરિભક્તમાત્રને શ્રી નરનારાયણની મૂર્તિ કાગદમાં લખાવી દેશું તે પૂજજ્યો અને એ પૂજા સર્વે શાસ્ત્રે કરીને પ્રમાણ છે અને શ્રીમદ્‌ ભાગવતને વિષે પણ અષ્ટ પ્રકારની મૂર્તિ કહી છે, માટે ચિત્રમૂર્તિ પણ અતિ પ્રમાણ છે અને અમારી આજ્ઞા પણ છે, માટે હરિભક્તમાત્રને પ્રાતઃકાળમાં સ્નાન કરીને શ્રી નરનારાયણની પૂજા કરવી. (૧) અને પૂજા કર્યા પછી પ્રક્રમા કરવી ને સાષ્ટાંગ પ્રણામ કરવા. પછી ભગવાન પાસે એમ માગવું જે, હે મહારાજ ! અમારી કુસંગ થકી રક્ષા કરજ્યો, તે કુસંગ ચાર પ્રકારનો છે : એક તો કૂડાપંથી, બીજા શક્તિપંથી, ત્રીજા વેદાંતી ને ચોથા નાસ્તિક એ ચાર પ્રકારનો કુસંગ છે, માટે જો કૂડાપંથીનો સંગ થાય તો વર્તમાનમાં ચુકાડે અને શક્તિપંથીનો સંગ થાય તો દારૂ-માટી ખવરાવીને ભ્રષ્ટ કરે અને જો વેદાંતીનો સંગ થાય તો આકારમાત્ર ખોટા કરે અને ભગવાનનાં ધામ તથા ભગવાનની મૂર્તિઓ ખોટી કરી દેખાડીને ભ્રષ્ટ કરે, અને નાસ્તિક હોય તે કર્મને જ સાચા કરીને ઈશ્વરને ખોટા કરી દેખાડીને ભ્રષ્ટ કરે માટે એવા કુસંગથી તથા ક્રોધ-લોભાદિકથી રહિત થવા વાસ્તે નરનારાયણનું સ્તવન કરવું. (૨) અને તમે સર્વ હરિભક્ત એમ મનમાં લાવશો મા જે, એ તો કાગદ ઉપર ચિત્રામણ છે તે આપણી કેમ કુસંગ થકી રક્ષા કરશે ? એવો ભાવ તો કોઈ દહાડે લાવશો જ મા, કાં જે અમે તો સત્પુરુષ છીએ તે અમારી આજ્ઞાએ કરીને તમે સર્વે નરનારાયણની પૂજા રાખશો, તો અમારે ને નરનારાયણને તો સૂધો મનમેળાપ છે તે અમે નરનારાયણને કહેશું જે, હે મહારાજ ! જે પંચવર્તમાનમાં રહીને અમારી આપેલ જે તમારી મૂર્તિ તેને પૂજે તેમાં અખંડ વાસ કરીને રહેજો, માટે એ નરનારાયણદેવ છે તેને અમે સ્નેહરૂપી પાશે બાંધીને જોરાવરી પણ રાખીશું, માટે તમે સર્વે એમ નિશ્ચે જાણજ્યો જે, એ મૂર્તિ છે તે શ્રી નરનારાયણદેવ પંડે જ છે, એવું જાણીને કોઈ દહાડે મૂર્તિ અપૂજ્ય રહેવા દેશો મા અને પ્રાતઃકાળમાં સ્નાન કરીને ભગવાનની પૂજા કરવી ને પછી બીજો ધંધો કરવો અને જ્યાં સુધી પંચવર્તમાનમાં રહીને એ નરનારાયણદેવની પૂજા કરશો ત્યાં સુધી એ મૂર્તિને વિષે શ્રી નરનારાયણ વિરાજમાન રહેશે એ અમારી આજ્ઞા છે તે સર્વે દૃઢ કરીને માનજ્યો, એવી રીતે શ્રીજી બોલ્યા તે શ્રીજીનાં વચન માથે ચડાવ્યાં. (૩) ઇતિ વચનામૃતમ્‌ ।।૪૮।।

 

રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે પોતાની ચિત્રમૂર્તિ પ્રમાણ કરી છે ને પ્રાતઃકાળે એ મૂર્તિ પૂજવાની આજ્ઞા કરી છે. (૧) અને ચાર પ્રકારના કુસંગથી તથા કામાદિક શત્રુથી રક્ષા કરજ્યો, એમ ચિત્રમૂર્તિની સ્તુતિ કરવાનું કહ્યું છે. (૨) અને એ ચિત્રમૂર્તિ અમે પંડે જ છીએ, માટે અપૂજ્ય રહેવા દેવી નહિ અને પંચવર્તમાનમાં રહીને પૂજા કરશો ત્યાં સુધી એ મૂર્તિમાં અમે રહેશું એમ કહ્યું છે. (૩) બાબતો છે.

૧      પ્ર. આમાં નરનારાયણની મૂર્તિ પૂજવાનું કહ્યું અને રહસ્યાર્થમાં શ્રીજીની કેમ કહી ?

૧      ઉ. મહારાજ મુક્તભાવે બોલ્યા છે માટે એમ કહ્યું છે તે (પ્ર. ૮ના પહેલા પ્રશ્નોત્તરમાં) છે.

૨      પ્ર. કુસંગથી રક્ષા માગવાનું કહ્યું તે બહારના તો ઓળખાય પણ સત્સંગમાં કેમ ઓળખાય ?

૨      ઉ. ત્યાગી હોય તે સ્ત્રી-ધનનો પ્રસંગ રાખે તથા સ્ત્રી સંબંધી સંકલ્પ થઈ જાય તેનું પ્રાયશ્ચિત્ત એટલે ઉપવાસ ન કરે અને ગૃહસ્થ હોય તે પરસ્ત્રીનો સંગ કરે તથા પરધનને ગ્રહણ કરવાની ઇચ્છા રાખે તે કૂડાપંથી જેવા જાણવા. અને ત્યાગી અથવા ગૃહસ્થ દારૂ-માંસના સંસર્ગવાળું ઔષધ ખાય અને જે પરદેશથી દવાની શીશીઓ આવતી હોય તે પણ દારૂ જ છે અને લશુન, ડુંગળી, તમાકુ, લીલાગર, હિંગ, અફીણ આદિક અભક્ષ વસ્તુ ખાતા હોય તે શક્તિપંથીના જેવા જાણવા. અને શ્રીજીમહારાજને અંતર્યામી ન જાણે ને મર્યાદા ન રાખે અને પંચવર્તમાને યુક્ત શ્રીજીમહારાજના ભક્તને વિષે મનુષ્યભાવ રહે અને શ્રીજીમહારાજની પ્રતિમાને વિષે ચિત્ર-પાષાણાદિકનો ભાવ રાખે પણ દિવ્ય ન જાણે તેને નાસ્તિકના જેવા જાણવા. અને જે શ્રીજીમહારાજને નિરાકાર સમજે તેને વેદાંતી જેવા જાણવા. તેમનો પણ સંગ ન કરવો. ।।૪૮।।