વચનામૃત સારંગપુરનું - ૧૬
સંવત ૧૮૭૭ના ભાદરવા સુદિ ૫ પંચમીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ અને તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી પરમાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે, શ્રી નરનારાયણ ઋષિ જે તે બદરિકાશ્રમમાં રહ્યા થકા આ ભરતખંડના સર્વે મનુષ્યના કલ્યાણને અર્થે ને સુખને અર્થે તપને કરે છે, ત્યારે સર્વે મનુષ્ય કલ્યાણના માર્ગને વિષે કેમ નથી પ્રવર્તતા ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ સૂર્ય છે તેમ નરનારાયણ ભગવાનનું તપ છે તે સૂર્ય જ્યારે અજવાળું કરે ત્યારે સર્વે પદાર્થ સૂઝે પછી જેને જેવા પદાર્થને જોયાની ઇચ્છા હોય તે તેવા પદાર્થને જુવે છે અને તે સૂર્યના અજવાળામાં જે પુણ્યવાળા જીવ છે તે પુણ્યને માર્ગે ચાલે છે તથા ભગવાન ને ભગવાનના સંતનાં દર્શન કરે છે અને જે પાપી જીવ છે તે પાપને માર્ગે ચાલે છે ને ન ઘટે એવું જોતા ફરે છે, તેમ જ ભગવાનના તપને પ્રતાપે કરીને કેટલાય જે મુમુક્ષુ જીવ છે તે મોક્ષને માર્ગે ચાલીને મોક્ષને પામે છે અને જે મુમુક્ષુ નથી તે તો વિષયસુખને માર્ગે ચાલીને વિષયસુખને પામે છે, માટે ભગવાનનું તપ તો જે જીવ જેવું કાર્ય કરવાને ઇચ્છે છે તેને તેવું કાર્ય કરવાને અર્થે બુદ્ધિમાં પ્રકાશ કરી આપે છે, અને વળી જેમ કોઈ પુરુષ મશાલને ભેળી લઈને ભગવાન ને ભગવાનના સંતનું દર્શન કરે તો તેને મશાલ પ્રકાશ કરી આપે અને પાતર્યોનું મોઢું જોવાને ઇચ્છે તો તેને પણ મશાલ પ્રકાશ કરી આપે, તેમ ભગવાનનું તપ છે તે જે જીવ જેવું કર્મ કરવાને ઇચ્છે તેને તેવાનો પ્રકાશ કરી આપે છે તેમાં જેની અલ્પબુદ્ધિ છે તે અલ્પ એવું જે વિષયસુખ તેને ઇચ્છે છે અને જેની મોટી બુદ્ધિ છે તે કલ્યાણને ઇચ્છે છે અને ભગવાનની તો સૌ ઉપર સમદૃષ્ટિ છે, માટે જે જીવ જેવું કર્મ કરે છે તેને તેવા ફળને પમાડી દે છે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૧૬।। (૯૪)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં જેમ સૂર્ય સર્વને પ્રકાશ કરી આપવા ઉદય થાય છે પણ સૂર્યથી વિપરીત બુદ્ધિવાળા જે ઘુવડ તથા અંધને કામ નથી આવતો તેમ નરનારાયણ ભગવાન સર્વ જીવના કલ્યાણ સારુ તપ કરે છે, પણ ભગવાનથી વિમુખ ઘુવડ તુલ્ય જીવોને તથા અંધવત્ અજ્ઞાની જીવોને ઉપયોગમાં નથી આવતું; ભક્તને જ ઉપયોગમાં આવે છે. અને જેમ સૂર્ય તથા મશાલના પ્રકાશમાં પાપી પાપને માર્ગે ચાલે છે અને પુણ્યવાળા પુણ્યને માર્ગે ચાલે છે તેને સૂર્ય તથા મશાલ સમદૃષ્ટિએ પ્રકાશ કરી આપે છે, તેમ નરનારાયણ ભગવાન સમદૃષ્ટિએ સૂર્ય મશાલવત્ તપરૂપી પ્રકાશ કરી આપે છે પણ પ્રેરણા કરતા નથી, તેમાં જે જીવ જેવાં કર્મ કરે છે તેને તેવાં ફળને પમાડે છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૧) બાબત છે. ।।૧૬।।